કરુણામૂર્તિ
કરુણામૂર્તિ


'મૈથિલી જોષીને સુવર્ણ ચંદ્રક અપાશે.'
સમાચાર ઉપર નજર પડતાં જ પળવાર માટે મારી નજર ત્યાં જ અટકી ગઈ !
'સુપ્રસિઘ્ધ નવલકથાકાર મૈથિલી જોષીને ક.મા.મુન્શી સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવશે.' એક શ્વાસે હું વાંચી ગઈ. મારું હૈયું નાચી ઊઠ્યું.
એક દાયકો પસાર થયો હશે તેને મળ્યાને. છેલ્લે મારા પતિ સાથે અમે તેના આશ્રમે ગયા હતાં. તે પછી તો અવારનવાર તેની સેવા પ્રવૃત્તિ તેમજ આગામી નવલકથા વિશે તે મને પત્ર દ્વારા જાણ કરતી રહેતી.
મૈથિલી મારી બાળપણની સહચર. નાનપણથી જ કંઈ કરી બતાવવાની તમન્ના તેનામાં હતી. નાની હતી ત્યારે ડોક્ટર બની નાનાં એવા ગામમાં જઈ ગરીબ લોકોની સેવા કરવાની તેની મહત્વકાંક્ષા હતી. પણ બી.એ., એમ.એ. પ્રથમ વર્ગમાં અંગ્રેજી વિષય સાથે ઉત્તીર્ણ થઈ તેણે કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી સ્વીકારી. હું રેલવે બોર્ડમાં સિલેકટ થઈ, રેલવેની નોકરી સ્વીકારી લીધી.
મણિનગર ઈસ્ટમાં અમારી સામેની સોસાયટીમાં તેનું ઘર. પ્રાથમિકથી માંડીને છેક કોલેજકાળ સુધીના અભ્યાસ દરમિયાન અમે સાથે રહયા.
મને બરાબર યાદ છે, અમે જયારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતા ત્યારે મૈથિલિએ એક કવિતા લખી હતી. કવિતા વંચાવતા તે બોલી, ' જો પશ્મિના મારું કાવ્ય.. !'
'ગપ્પાં શું મારે છે. તું અને કવિતા... ' હસતાં હસતાં મે કાવ્ય પર નજર કરી.
'ખરેખર મૈથિલી સાચું કહે કોણે લખી છે આ કવિતા...? મેં આશ્ચર્ય સાથે પૂછયું. આમ તો મૈથિલીને નોટમાં સરસ અક્ષરે સુવાકયો એકઠાં કરવાની નાનપણથી જ ટેવ હતી. તે હું જાણતી હતી પણ જયારે તેણે મને કવિતા વાંચવા આપી એટલે મને આશ્ચર્ય થયું.
'તને શું લાગે છે પશ્મિના આ કાવ્ય મેં નથી લખ્યું એમ ?'
'ના એવું નહીં પણ તું અને કવિતા... ! મેં હસતાં હસતાં કહ્યું.
'અરે યાર, આ તો કંઈ નહીં બીજું ઘણું બધુ લખ્યું છે. મારી નોટ વાંચવા આપીશ પછી તો તું સાચું માનીશને... !
આખું કાવ્ય વાંચી અમે કયાંય સુધી તેની ચર્ચા કરતા રહ્યાં. મૈથિલીનાં ઘરે કવિતા લખવા પર પ્રતિબંધ. નોટ પણ તે છૂપા છૂપા લખતી અને ઘરે કોઈ જોઈ ન જાય તે રીતે તેના પુસ્તકમાં સંતાડીને રાખતી. જયારે હું તેના ઘરે જતી અથવા તો તે મારે ઘરે આવતી તે સમયે દફતરમાંથી તેની આ નોટ સાથે હોય તે મને વાંચવા આપતી.
પ્રાથમિક અભ્યાસ પૂરો થયો. હાઈસ્કૂલમાં મૈથિલીએ તેની નોટમાંથી એક નવલિકા બનાવી મને વંચાવતા બોલી, 'પશ્મિના જો મેં વાર્તા લખી. વાંચીને કહે કેવી છે? !
'ના હોય...? ! હવે તું કવિતા પરથી વાર્તા ઉપર આવી ગઈ. તેના હાથમાંથી વાર્તા લઈ હું બોલી.
વાર્તા વાંચવી શરૂ થઈ... એક... બે... પાનાં ઉથલાવતા મારા ગળે ડૂમો વળ્યો. આંખમાંથી અનાયાસ આંસુ ટપકી પડયા !
વાર્તા પૂરી થતા તે બોલી; 'કેવી લાગી...?'
'ખૂબ સરસ. યાર મૈથિલી તું તો ખરી છે. કેટલી કરુણ વાર્તા બનાવી. આ બધું તને કયાંથી સૂઝયું ?'
'બસ અનાયાસ લખાઈ ગયું.' તે બોલી.
'અરે પણ તેં આવું ક્યાં જોયું. તારી આ નાયિકા તો જાણે આપણી આસપાસમાં હોય તેવું લાગે છે.. !'
'હવે મને લાગે છે તું કંઈ કરી બતાવશે.' મેં તેને પ્રોત્સાહન આપ્યું.
'પશ્ચિમના મને એક વિચાર આવે છે.'
'શું...?'
'પશ્મિના તને તો ખબર જ છે ને મારા મમ્મી-પપ્પાને આ બધું પસંદ નથી. જો તેમને ખબર પડે કે હું વાર્તા અને કવિતા લખું છું તો મારું તો આવી જ બને... ! અને એટલે મને બીક લાગે છે. પણ જો તું સાથ આપે તો...'
'બોલને અટકી કેમ ગઈ....?
'મને થાય છે મારી આ વાર્તા કોઈ મેગેઝિનમાં પ્રસિઘ્ધિ માટે મોકલીએ તો કેવું...?
' અરે મૈથિલી તેં તો મારા મનની વાત કહી. હું તને કહેવા જતી હતી.
' પણ...'
'પણ શું...? '
'મારા સરનામે વાર્તા મોકલું પણ વાર્તા પાછી આવે, અગર તો તે પ્રસિઘ્ધ થયાની જાણ થાય અને પપ્પાનાં હાથમાં પડે તો...?
' તો આપણે એક કામ કરીએ કે મારું એડ્રસ કરીએ. મારા પપ્પાની તો તને કયાં ખબર નથી. તે દિવસે તારી કવિતા વાંચીને કેટલા ખુશ થયા હતાં. મને નોહતું કહ્યું;'જો પશ્મિના બેટા, તારી ફ્રેન્ડ કેટલી સરસ કવિતા લખે છે. તું પણ કંઈ લખતી હોય તો...?'
'ખરેખર પશ્ચિમના હું તને આ કહેવા જ માટે આવી હતી.' તેના ચહેરા ઉપર આનંદ હતો.
સ્કૂલે જતાં રસ્તામાં અમે શહેરનાં પ્રસિઘ્ધ મેગેઝિનનાં તંત્રીને પત્ર લખી વાર્તા પ્રસિઘ્ધિ માટે મોકલ્યાને ત્રણ માસ જેટલો સમય પસાર થવા આવ્યો હતો. વાર્તા પ્રસિઘ્ધિની રાહ જોતાં અમે એક પછી એક પ્રગટ થતાં અંકો ખરીદતા રહયા. છેવટે નિરાશા મળતા મૈથિલી બોલી; 'જવા દે યાર... આપણું ગજુ નહીં વાર્તા લખવાનું. તું મારી ફ્રેન્ડ એટલે તને મારી વાર્તા ગમે તે સ્વાભાવિક છે. બાકી વાર્તાકાર તરીકે આપણો કોઈ કલાસ નથી.'
' ના... મૈથિલી મને હજુ પણ આશા છે. કંઈ લાખો નિરાશામાં અમર આશા છૂપાઈ હોય છે. તારી વાર્તા જરૂર પ્રસિઘ્ધ થશે.'
'જવા દે. આ બીજી કવિતા લખી છે લે વાંચ... ' તેણે નવું કાવ્ય મારા તરફ ધર્યુ. કાવ્ય ખૂબ સરસ હતું.
અને એક સવારે દરવાજે ઘંટડી રણકી. ટપાલીએ મારા હાથમાં એક મેગેઝિન મૂક્યું. હું આનંદથી ઉછળી પડી. ઝડપથી પાનાં ઉથલાવ્યા. મૈથિલીની વાર્તા જોઈ મારી ખુશીની સીમા નહોતી. મૈથિલીને મારા ઘરે બોલાવી તેની આંખ બંધ કરી તેના હાથમાં તેની વાર્તા મુકતા આંખ ખોલી. વાર્તા ઉપર નજર પડતાં તે બોલી ઊઠી, 'ઓહ, માય ગોડ !... કેટલી રાહ જોઈ.' તે મને ભેટી પડી.
અમે બન્ને કયાંય સુધી મેગેઝિનમાં છપાયેલી વાર્તાને એક પછી એક વાંચતા રહ્યાં. મારા પપ્પાને ખબર પડતાં તેમણે મૈથિલીની પીઠ થાબડતાં અભિનંદન આપ્યા.
સમયના વહેણમાં અભ્યાસ પૂરો થતાં હૂં રાજકોટ સેટલ થઈ. મૈથિલીના મોટાભાઈ ફોરેનમાં સેટલ થયા હતાં. તેણે મૈથિલીને તેના મમ્મી-પપ્પા સાથે ફોરેન આવી જવા જણાવ્યું. પણ મૈથિલી દેશ છોડવા તૈયાર નહોતી. એટલે અમદાવાદમાં જ મેરેજ કરી લીધા. તેનો પતિ બિઝનેસમેન હતો. મૈથિલીનાં લગ્ન બાદ તેના મમ્મી-પપ્પા દીકરા પાસે રોમ ચાલ્યા ગયાં.
મૈથિલી અને હું અલગ થયા. શરૂઆતના વરસોમાં અમારા વચ્ચે સારો એવો પત્ર વ્યવહાર ચાલ્યો. કયારેક કયારેક ફોન ઉપર પણ સંપર્ક કરી લેતા. દામ્પત્ય જીવનમાં ચઢાવ- ઉતારના સમાચારની આપ-લે કરતાં રહયાં. હું તેના સાહિત્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિની માહિતી પણ મેળવી લેતી. મૈથિલીનો પતિ બિઝનેસમેન તેને પણ સાહિત્યમાં કોઈ રસ નહોતો એટલે તેણે પણ વાર્તા લખવા પર પ્રતિબંધ મૂક્યો. પતિની ઈચ્છાને માન આપી મૈથિલીએ ઘરસંસાર સંભાળ્યો. પણ.. લગ્ન થયાને થોડા જ વરસમાં મને સમાચાર મળ્યા. મૈથિલીએ પતિ સાથે છૂટાછેડા લીધા છે. કોઈ સજજડ કારણ પણ નથી બન્નેના છૂટાછેડા લેવાનું જાણી મને દુઃખ થયું.
લગ્ન-વિચ્છેદ પછી શરૂઆતમાં તે ભાંગી પડી. સાવ એકલી પડી ગઈ હતી. સ્વજનો વિદેશ હતાં. મને જાણ થતાં મારા પતિ સાથે અમદાવાદ આવી તેને રાજકોટ આવી જવા જણાવ્યું પણ... 'ભાગ્યમાં જે લખાયું છે તે ભોગવવું જ રહ્યું..કહી વિવેક પૂર્વક અમારા સાથે આવવાનો ઈન્કાર કર્યો. મમ્મી-પપ્પાનાં ઘરે આવી એકલાં જીવન વિતાવવાનો નિર્ધાર કર્યો. તેની આ એકલતામાંથી તેનો નવો અવતાર થયો. નાનપણથી આજ સુધી ઘરોબાઈને પડેલી તેની સર્જન શકિતએ ઉથલો માર્યો. ખૂબ ટૂંકા સમયગાળામાં તેણે તેની જાત સંભાળી લીધી. પતિથી અલગ થઈ તેની જીવન પઘ્ધતિ બદલી નાંખી. તે હવે બધાથી મુકત હતી. નાનપણમાં જોયેલા સ્વપ્નો સાકાર કરવાનો સમય આવી ગયો. શહેરની મિલ્કત વેચી દૂરના ગામમાં સેટલ થઈ. ત્યાંથી મારા સાથે પત્ર વ્યવહાર ચાલુ રહ્યો. શરૂઆતમાં તેણે ગામની બહેનોને શિક્ષણ તથા સરકાર તરફથી મળતાં લાભોની સમજૂતીથી સમાજ સેવાની પ્રવૃત્તિ ચાલુ કરી. સરકાર તરફથી જમીન મેળવી ગામ લોકોના સહકારથી ગામમાં નાનાં એવા આશ્રમની સ્થાપના કરી. તરછોડાયેલી, વિધવાબહેનો તેમજ અનાથ બાળકોને આશ્રમમાં આશ્રય આપ્યો. દિવસે દિવસે આજુબાજુનાં ગામોમાંથી પણ નિઃસહાય લોકો આ આશ્રમમાં આશ્રય લેતાં થયા. ગામની ગરીબ બહેનો માટે આશ્રમમાં અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલુ થઈ. ખૂબ ટૂંકા ગાળામાં મૈથિલી આખા ગામની દીદી બની ગઈ. ગામનાં દરેક વ્યકિતની જીભે આશ્રમના દીદી શબ્દ સાંભળવા મળતો.
ભૂતકાળની લેખન પ્રવૃત્તિ ઉપર જે અત્યાર સુધી પ્રતિબંધ હતો તે ઊઠી ગયો હતો. હવે છૂપાછૂપી વાર્તા લખવાનો પ્રશ્ન નહોતો. તેણે સમાજથી તરછોડાયેલા અદના લોકોની વાત લખી. વાર્તાઓ એક પછી એક પ્રસિઘ્ધ થતાં તે વાર્તાકાર અને સમાજ સેવિકા તરીકે ખ્યાતિ મેળવતી ગઈ. મને પત્રમાં તેની સેવા પ્રવૃત્તિની અવનવી વાતો જણાવતી. તેમજ તેની નવી પ્રસિઘ્ધ થતી નવલકથાઓ ભેટ મોકલતી.
રસ્તે રઝળતાં, ભૂખ્યા, તરછોડાયેલા ગરીબ લોકો તેમજ ગામની નિરાધાર મહિલાઓના ઉદ્વાર અને સેવાપ્રવૃત્તિ કાજે મૈથિલીએ તેનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. ભૂતકાળ તે ભૂલી ગઈ હતી. ખરેખર નિષ્ફળતા જ માનવીને સાચી આંતરસૂઝ આપે છે. આવી દ્રઢ આંતરસૂઝવાળા માણસો બીજાની પ્રશંસા કે ટીકા ઉપર નહીં પણ પોતાના બળ ઉપર જીવતાં હોય છે. મૈથિલીની પ્રવૃત્તિ, આશ્રમની દરેક વ્યકિતનો તેના પ્રત્યેનો પ્રેમ ખરેખર અદ્ભૂત હતો. ભાગ્યશાળીને જ આવો પ્રેમ... આવું જીવન મળે... !
દશકા પહેલાં જયારે હું અને મારા પતિ મૈથિલીનાં આશ્રમે ગયા હતા ત્યારે મૈથિલીને મેં જોઈ હતી. સાક્ષાત્ કરુણામૂર્તિ.. સફેદ સાડી, ચહેરા ઉપર અનોખું તેજ વર્તાતું હતું. આંખે સોનેરી ફ્રેમનાં ચશ્મા. મને તેનાં રૂપમાં વ્યકિતત્વમાં એક મહાન વ્યકિતનાં દર્શન થયા હતાં. તેને જોતાં જ મારું મન બોલી ઉઠયું, 'મૈથિલી... ખરેખર, યુ આર ગ્રેટ. તારી ફ્રેન્ડ હોવાનો મને ગર્વ છે. તે જે ધાર્યુ હતું તે કરી બતાવ્યું.'
તે દિવસે મૈથિલી સાથે આશ્રમનાં બધાં અમને દરવાજા સુધી વિદાય આપવા આવ્યા ત્યારે મારી આંખે ઝળઝળીયાં આવી ગયા... 'ખરેખર મૈથિલી તું એકલી નથી. તારી સાથે... !'
અને આજે દાયકા બાદ મારી નજર સમક્ષ મારી પ્રિય સખી મૈથિલીનો ગોલ્ડન ફ્રેમવાળો ચહેરો તરવરી ઊઠ્યો. ખુશીના સમાચાર મારા પતિને આપવા હું ડ્રોઈંગરૂમ તરફ દોડી ગઈ.