અનોખું મિલન
અનોખું મિલન
"મે આઈ કમ ઈન સર"
"જી, આવો, બેસો..
"તમારો બાયોડેટા સાથે લાવ્યાં છો ?"
"જી, આ મારો બાયોડેટા"
બાયોડેટા વાંચતા જ વિવાનની આંખો પહોળી થઈ ગઈ. "તમે..તમે પેલા ઉદ્યોગપતિ હીરાલાલની સુપુત્રી મહેંકનાં સુપુત્ર છો ને ?"
"જી, હા સર, પણ મારા બાયોડેટામાં તો મેં એવું કંઈ જ નથી લખ્યું. તો પછી તમને એની કેવી રીતે ખબર પડી ?"
"તમે ક્યાં રહો છો ? આઈ મીન.. તમે અમદાવાદનું એડ્રેસ લખ્યું છે. અહીંનું એડ્રેસ નથી લખ્યું. મતલબ, તમે આ શહેરમાં નથી રહેતાં ?"
વિવાન સપ્તકનો ઈન્ટરવ્યું લેવાને બદલે એને ઈન્ટરવ્યું આપી રહ્યો હોય એમ અંદરથી ધ્રૂજવા માંડ્યો.
"જી, સર હું અમદાવાદ જ રહું છું"
એમ ? કેટલાં વખતથી ?
"હું અમદાવાદનો જ છું."
તમારા ઘરમાં કોણ કોણ છે ?
"સોરી સર, હું કાંઈ સમજ્યો નહિ."
"ઓહ ! સોરી, હું તમને પર્સનલ વાતો પૂછી રહ્યો છું. એટલે મારે તમને એમ પૂછવું હતું કે તમે અમદાવાદ રહો છો તો ક્યારથી જોઈન કરી શકો છો ?"
"સર, હું મારી કાબેલિયતથી આ નોકરી મેળવવા માંગુ છું. મારા નાનાની શાખથી નહિ."
"હા, એ તો મેં તમારી કાબેલિયત તમારા બાયોડેટામાં વાંચી જ લીધી."
"સોરી સર, પરંતુ હું આ માનવા તૈયાર નથી કેમ કે હું એક વખત ડીટેન થયેલો છું. બીજા-ત્રીજા વર્ષની કેટી સોલ્વ કરવામાં એક આખું વરસ લીધું."
"એ જ તો તમારી કાબેલિયત છે. તમે હાર માનતાં નથી અને ફરી ફરી પ્રયત્ન કરતાં રહો છો. તમે હિંમતવાળા પણ છો. એટલે જોખમ પણ લેશો જ. આશા છે કે તમારા આ ગુણનો લાભ અમારી કંપનીને મળે."
"કોન્ગ્રેચ્યુલેશન્સ, તમે કાલથી આવી જાવ.."
"ઓકે, થેન્ક યુ સર" કહીને જેવો સપ્તક ઓફિસની બહાર નીકળ્યો કે તરત જ વિવાને સપ્તકની ફાઈલમાંથી યાદ રાખી લીધેલાં રેસી. મોબા. નંબર પર ફોન જોડ્યો.
"હેલો.." સામે છેડેથી આવેલો અવાજ સાંભળીને વિવાને ચશ્મા ઉતાર્યા ને ખુરશીમાંથી ઊભો થઈ ગયો. સામે છેડેથી કેટલીયે વાર બોલાયેલાં હેલોને સાંભળી રહ્યો. આંખમાંથી નીકળેલું આંસુ ગાલ પર ઉતરી આવતાં ખ્યાલ આવ્યો અને અચાનક તંદ્રાવસ્થામાંથી જાગીને બોલ્યો, "મ..હેં..ક.."
"વિ..વા..ન ?" હવે ચોંકવાનો વારો મહેંકનો હતો.
"હા, મહેંક.. તું ક્યાં જતી રહી હતી ?"
"વિવાન, મારા પપ્પાને તું પસંદ નહતો, પણ મારા પપ્પાએ ક્યારેય એ વાત મને કળવા દીધી નહોતી. આપણાં લગ્ન પછી કંઈ ને કંઈ બહાને મને એમને ત્યાં બોલાવતાં અને હું પિતૃપ્રેમમાં તણાઈને ત્યાં જતી."
"તું નોકરીનાં કામે બે દિવસ મુંબઈ ગયો હતો, તે વખતે પપ્પાનાં પ્લાનિંગ મુજબ મને બંગલે બોલાવી અને બિમારીનાં બહાના હેઠળ થોડાક દિવસ ત્યાં જ રાખી લીધી. મને એટલાં બીઝી રાખતાં કે હું તને ફોન પણ નહોતી કરી શકતી. મારો ફોન એમના હાથે પડી ગયો ને સ્ક્રીન ઊડી ગઈ. તે કેટલાંયે દિવસ સુધી રીપેર ના થયો. એટલે તને ફોન કરવા માટે પપ્પા પાસે ફોન માંગતી."
"રાત્રે પણ હું તને ફોન કરવાં જઉં તો કહેતાં, થોડીક વાર પહેલાં જ વાત કરી અને વિવાને કહ્યું છે, કે મહેંકને કહેજો કે, "આજે હું બહુ જ થાકી ગયો છું તો કાલે વાત કરીશ."
"મારી હમણાં જ વિવાન સાથે વાત થઈ. આજે એ મીટીંગમાં બીઝી છે. તો ક્યારેક કહેતાં, આજે એ કોઈ નવી નોકરીનો ઈન્ટરવ્યુ આપવા માટે જવાનો છે તો તેને ડિસ્ટર્બ ના કરતી. આ બધું પપ્પાનાં પ્લનિંગ હેઠળ હતું."
"આ રીતે આપણાં બંને વાતચીત બંધ કરાવવામાં પપ્પા મહદ્ અંશે સફળ રહ્યા."
"મને તારા તરફથી ડિવોર્સ પેપર મળ્યાં તે જોઈને હું ચોંકી ગઈ. મેં પણ ગુસ્સામાં આવીને સહી કરી દીધી. પપ્પાએ કહ્યું, "તું થોડાક દિવસ સપ્તકને લઈને અમેરીકા ફોઈને ત્યાં જઈ આવ. તને સારું લાગશે." હું બે મહિને પરત ફરી."
"એક દિવસ પપ્પાની તેમનાં આસીસ્ટન્ટ સાથેની વાતચીત પરથી મને તેમનાં ષડયંત્રનો ખ્યાલ આવી ગયો. આ સંદર્ભે પપ્પા સાથે વાતચીત કરી, તો પપ્પાએ કહ્યું, "એ તારે લાયક હતો જ નહી. તું નવેસરથી તારી જિંદગી શરુ કર. આપણા રુતબાને શોભે એવો છોકરો પસંદ કર. રહી વાત સપ્તકની તો , હમણાં આયા સંભાળી લેશે પછી એને કોઈ બોર્ડીંગ સ્કૂલમાં મૂકી દેજે."
"ખરેખર, તે દિવસે મેં મારા પપ્પાનો અસલી ચહેરો જોયો. તે દિવસે હું તેમની ધનદોલત અને બંગલો બધું જ છોડી સપ્તકને લઈને નીકળી ગઈ."
"ક્યાં જઈશ તેની મને ખબર નહોતી. રેલ્વે સ્ટેશન ગઈ. સાચું કહું તો હું એટલી બધી હતાશ થઈ ગઈ હતી કે હું શું કરી રહી છું એનું પણ મને ભાન નહોતું."
"રડતાં-રડતાં રેલ્વેનાં પાટા ક્રોસ કરી રહી હતી. દૂરથી આવતી ટ્રેનનાં અવાજે પણ મારી વિચાર તંદ્રા ન તોડી. એક માણસ દોડતો મારી પાસે આવ્યો અને મને રેલ્વેનાં પાટા પરથી રીતસરની ખેંચી લીધી. "શું કરો છો બહેન તમે ? બાળકને લઈને આમ રેલ્વે ક્રોસ કરાય ? દાદર પરથી જવાને બદલે તમે..? " હું અહોભાવથી તેની સામે જોઈ રહી. મારી આંખો પરથી તે સમજી ગયો કે હું ખૂબ રડી હોઈશ. તે મને એક બાંકડા પાસે દોરી ગયો અને બોલ્યો, "બેસો અહીં બેસો. તમે મહેંક છો ને ?" મેં કહ્યું, "હા, પણ તમે મને કઈ રીતે ઓળખો છો ?" "તમે મને ના ઓળખ્યો ? હું તમારી સાથે ભણતી વિભાનો ભાઈ છું. તમે એક વખત મારી દીદી સાથે મારા ઘરે આવ્યાં હતાં."
"તમને યાદ છે આપણી સાથે ભણતી હતી એ વિભા ?"
"હા, જાડી ને ? બહુ ઓછાબોલી હતી એ જ ને ?"
"હા "
પછી મેં એને બધી વાત કરી. પપ્પા સમક્ષ આપણાં બંનેનો લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પહેલી વખતે તો પપ્પાએ અસ્વીકાર કરેલો પણ પછી મારી તટસ્થતા જોઈને એ માની ગયેલાં. એ બધી જ વાત કરતાં તેણે મને કહ્યું, મેં તમને અજાણતાં જ બહેન કહ્યાં છે, પણ તમે તો મારી દીદીનાં બહેનપણી છો. વળી તમે ઘરબાર વગરનાં..દીકરા સાથે ક્યાં જશો ? તમારે મારી સાથે આવવું જ પડશે. દીદી પણ ડીલીવરી માટે આવ્યાં છે. એ તમને જોઈને બહુ ખુશ થઈ જશે."
"તે મારી ટિકિટ લઈ આવ્યો. હું તેની સાથે તેનાં ઘરે અમદાવાદ ગઈ. વિભાને મળીને ખૂબ આનંદ થયો. વિભાનાં ઘરનાંએ મને બહુ મદદ કરી. પંદર જ દિવસમાં મેં નોકરી મેળવી લીધી. મને વધારે દિવસ એમની સાથે રહેવાનું સારું ન લાગ્યું. પણ, વિભાની મમ્મીએ બહુ આગ્રહ કર્યો, "તું તો મારી દીકરી જેવી છે. આ નાના બાળકને લઈને એકલી કેવી રીતે રહીશ ? તું નોકરી કરશે તો આ બાળકને કોણ સાચવશે ?"
"ખરેખર વિવાન, 'મા' વગરની દીકરીને માનો પ્રેમ કોને કહેવાય તે સમજાયું. હું તેમનાં ઘરની બરાબર બાજુમાં જ ઘર ભાડે રાખીને રહેવા લાગી. હું નોકરીએ જતી ત્યારે સપ્તકને વિભાનાં ઘરે જ મૂકીને જતી. એમ સમજ કે એ જ મારું પિયર બની ગયું. મેં મારું બધું દુ:ખ ભૂલીને નવેસરથી જિંદગી શરુ કરી."
"વિભા તો એનાં સાસરે જતી રહી હશે ને ?"
" બધી વાત ફોન પર જ કરશે ?"
"ઓકે, મળીને વાત કરીએ."
"વિવાન, ત્યાર પછી મેં તને બહુ શોધ્યો. તારા ફોન પણ બંધ આવતા હતા."
"મહેંક, મને ટાઈપ કરેલો એક પત્ર મળ્યો, તેમાં લખેલું હતું કે "વિવાન, તું મારે લાયક બનજે પછી આવજે. લિ. મહેંક"
"મેં તારું ઘમંડ ઉતારવાનું નક્કી કર્યું અને આગળ ભણવા વિદેશ જતો રહ્યો. જ્યારે પરત ફર્યો ત્યારે તારા પપ્પાની ડેથના સમાચાર જાણ્યા ને તને મળવા બંગલે ગયો, ત્યારે ખબર પડી કે તું તો ક્યારની આ ઘર છોડી ચૂકી છે. માળીકાકા પાસેથી બધી વાતનો તાગ મેળવ્યાં પછી તને શોધવાનાં બહુ પ્રયત્નો કર્યાં પણ નિરાશા હાથ લાગી."
"આજે સપ્તકની પાછળ મારું નામ જોઈને મેં ધારી લીધું કે તું આજે પણ મારી રાહ જોતી બેઠી હશે. મારી ધારણા સાચી છે ને ?"
"વિવાન, તને તારા પ્રેમ પર વિશ્વાસ નથી ?"
"છે એટલે જ તને ફોન કર્યો છત્તાં પૂછી.."
"વિવાન, તું અહીં આવે છે કે હું ત્યાં આવું ?"
"અત્યારે તો હું જ ત્યાં આવું છું. તને લેવા માટે."
"તું ના તો કહી નહી શકે, કેમ કે તારા દીકરાને, આઈ મીન આપણા દીકરાને પણ આ જ શહેરમાં નોકરી મળી છે."
"એટલે, તું હવે આપણાં દીકરાને નોકરીએ રાખશે ?"
"બધી વાતો પછી હમણાં તો હું તને મળવા માટે ઉત્સુક છું"
"લેપટોપ બંધ કરીને જવાની તૈયારી કરતાં વિવાનની નજર અધ:ખૂલા દરવાજામાંથી અંદર આવી રહેલાં સપ્તક ઉપર પડી. આંખમાં આંસુ સાથે વિવાન બે ડગલાં સપ્તક તરફ ચાલ્યો અને સપ્તક પણ "પપ્પા" કહીને ભેટી પડ્યો."
વગર વાંકે સજા પામેલાં પિતા-પુત્રનું વીસ વરસે "અનોખું મિલન" થયું.