સાનિધ્ય
સાનિધ્ય
"કોરોનાએ મને કોરી ના રહેવા દીધી. મારી મહત્વાકાંક્ષાની પૂર્તિ કરવામાં કોરોનાએ મહત્વનો ભાગ ભજવ્યો. એ ભલે લોકોનો જીવ લેતો હોય. જે સાવચેતી ના રાખે એના માટે એ જીવલેણ સાબિત થતો હોય પણ, મારા માટે તો એ આશીર્વાદરૂપ સાબિત થયો છે. સાંભળ્યું છે એ પ્લેનમાં બેસીને આવ્યો છે અને પૈસાવાળાને ત્યાં જ જાય છે. ભલું થાય આ કોરોનાનું."
રવજી ક્યારનો મંદિર તરફ જોઈને બબડી રહેલાં માજીની વાતો સાંભળતો હતો. હવે તેનાથી ના રહેવાયું. તેને જરાક ગુસ્સામાં પૂછી જ લીધું. "માજી, તમે આ શું બોલી રહ્યા છો ? ભલુ થાય એ કોરોનાનું એટલે ? તમને ખબર છે આ કોરોના કેવો રોગ છે તે ? તે કેવી રીતે ફેલાય છે ? તેનાથી સમગ્ર માનવજાતિ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. આપણે કાળજી નહિ રાખીએ ને તો એ આપણને પણ ભરખી જશે. જરૂરી નથી કે એ ધનિક લોકો પાસે જ જાય."
"હા બેટા, મને બધી ખબર છે. ભલે તમારા જેવો પેલો મોટો મોબાઈલ મારી પાસે નથી. ટીવી તો હું પણ જોઉ છું."
"મારા ત્રણેય દીકરાઓને શે'રનું ઘેલું લાગ્યું'તું ને શે'રમાં ગયા પછી ગામડાં તરફ નજર સુધ્ધાં નહોતી કરી."
"મારા ત્રણેય દીકરાઓ પરિવાર સહિત આજે મારી પાસે ગામડામાં રહેવા આવી ગયા. નાનકો કે'તો તો 'મા' શે'રમાં કમાણી સારી નથી. એટલે હવે હું આપણી જમીન પર ખેતી કરીશ અને અહીંથી શે'રમાં શાકભાજી પો'ચાડીશ. મારું તો ઘડપણ સુધરી ગયું. તને ખબર છે મારું કેવડું મોટું મકાન આજે ઘર જેવું લાગે છે. કેટલા વરસે મેં વહુનાં હાથનાં રોટલા ખાધા. મારા પૌત્ર-પૌત્રીઓને વાર્તા કહી અને એમની સાથે રમીને મને કેટલું સારું લાગે છે."
"માજી, તમે આટલાં સ્વાર્થી કેવી રીતે બની શકો ? તમે ફક્ત તમારી જ ખુશી જુઓ છો."
"ના હોં બેટા, સાવ એવુંયે નથી. એ તને નહિ સમજાય."
"તો કેવું છે માજી કહો ને ?"
"હું કંઈ માનવતાની દુશ્મન નથી. હું પણ નથી ઈચ્છતી કે આ રોગ આપણા દેશમાં રહે. અરે ! આપણા દેશમાં જ શું સમગ્ર વિશ્વમાંથી નાબૂદ થઈ જાય એવી ઈશ્વરનાં ચરણોમાં પ્રાર્થના કરું છું. એટલે જ તો મેં પણ થાળી વગાડી'તી અને દીવાયે મેલ્યા'તા."
તો પછી થોડીક વાર પહેલાં તમે એવું કેમ કીધું હતું ?
"આ તો મારા ને ભગવાન વચ્ચેની વાતચીત છે. તું આટલું બધું પૂછે છે તો તને કહું છું. કોઈને કહેતો નહી હોં."
"ના, માજી હું કોને કહેવા જવાનો."
"હું રોજ પરોઢિયે પેલી ટેકરી ઉપર ચઢીને મંદિરે જતી. મંદિરની બહાર લીલા કૂમળા ઘાસમાં બેસતી. ઘાસ પર બાઝેલાં ઝાકળનાં બિંદુનો સ્પર્શ કરતી ને મારું આંતર મન પોકારી ઉઠતું.
p>
મારી ને ઘાસની વચ્ચે તો જાણે રીતસરનો સંવાદ સધાતો.
"ઘાસ, તારું ને મારું નસીબ એક સરખું છે. તને જેમ ઝાકળનો સ્પર્શ થયો. તેમ મારા ખોળેય દેવનાં દીધેલ ત્રણ-ત્રણ બાળરત્નો.
"હમણાં સૂરજની લાલીમાનો સ્પર્શ થતાં જ આ ઝાકળબિંદુ તને એકલું અટૂલું મૂકીને ક્યાંય અલોપ થઈ જશે. એમ, મારા દીકરાઓને શે'ર રંગતનો રંગ લાગ્યો ને મને મૂકીને જતાં રહ્યાં."
ઘાસ બોલ્યું'તુ "એ આજે ભલે મને છોડીને જતું રહે પણ કાલે આવશે એની મને આશા છે. એમ તમારા દીકરાઓ પણ કાલે આવશે એવી આશા રાખો."
હું કહેતી, "તું મારાં કરતાં થોડોક નસીબદાર તો ખરો હોં ભાઈ. તું એવી આશા રાખી શકે છે. મને તો હવે એવીય આશા નથી. વર્ષોનાં વહાણા વાયા. અત્યાર લગી નથી આયા. તે હવે શું આવવાનાં. એ લોકો કે'છે આ શે'રની ચમક-દમક સામે આ ગામડું સાવ ફિક્કું લાગે."
પછી હું ભગવાન પાસે જતી અને ભગવાનને કહેતી, "તમે આ ત્રણ-ત્રણ દીકરા આપ્યા એનો શું અર્થ ? આટલી બધી જમીન અને આવડું મોટું ખોરડું હવે મારે શું કામનું ? આ દીકરાઓ વેકેશનમાં કે વારે-તહેવારે પણ મારી પાસે ના આવે તો ધૂળ પડે આ બધામાં. ક્યારેક તો મારું સાંભળ. અમે રહ્યાં ગામડાનાં જીવ એટલે અમને શે'રમાં રે'વું ના ફાવે. દીકરાઓ ભલે શે'રમાં રે' એનો મને જરાય વાંધો નથી. તું એમની બુધ્ધિ ફેરવ. ક્યારેક દીકરા-વહુ આવે તો આ માવડીનાં જીવને ટાઢક વળે."
"એટલે તમને એવું લાગે છે કે ભગવાને તમારું સાંભળી લીધું એમ ?"
"હંહંહં હવે સમજ્યો. કારણ ગમે તે હોય મારા દીકરા મારી પાસે પરત ફર્યા એનો મને આનંદ છે. ત્રણેયની વહુઓ કે'તીતી હવે અમે વેકેશનમાં અહીં જ આવતા રહીશું. આ કુદરતી સાનિધ્યમાં. બા અમારા બાળકોને સાચવી લેશે અને અમારા બાળકોને પણ અહીં ખુલ્લામાં રમવાની મજા આવશે.
દૂર દેખાતાં મંદિર સામે જોઈને બે હાથ જોડીને માજી બોલ્યાં, "હું તો ભગવાનનો પાડ માનું છું કે તે જ બધાયની આંખો ઉઘાડી."
માજીની વાતો સાંભળીને રવજીને થયું, માજીની વાત તો સાચી છે. આ તો ઘર-ઘરકી કહાની જેવું છે. 'કોરોનાનાં કહેર'થી દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ. બીજું ઘણું નુકસાન થયું. પણ દરેકે કોઈકનું ને કોઈકનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું જ હશે. કોઈકે પરિવારનો સાથ મેળવ્યો હશે. તો કોઈકને પોતાની જ ભીતર ખોવાયેલાં સ્વ-ની ઓળખ થઈ હશે. હું પણ શહેરની ઝાકમઝાળથી અંજાઈને ક્યારેય પરત ન ફરવાનાં પ્રણ સાથે ગયેલો. આજે વર્ષો પછી ગામડે આવ્યો. ઘાસ પર બાઝેલાં ઝાકળનાં ઔંસબિંદુની જેમ થોડોક સમય માટે મને પણ હરિયાળી ઘાસનું સાનિધ્ય પ્રાપ્ત થયું.