એક ભૂલ
એક ભૂલ
"અનુપ, હું ક્યારની બૂમો પાડુ છું. તને સંભળાતું નથી ? છેલ્લી વખત કહું છું. તારે જમવું છે કે નહિ." આંખો મોટી કરી, દાંત પીસીને ભવ્યા બોલી.
"મેં પણ તને કેટલી વખત કહ્યું, તું મારી રાહ ના જોઈશ. તું જમીને મારું જમવાનું ડાયનિંગ ટેબલ પર ઢાંકી દે" લેપટોપમાંથી સહેજ ઉપર નજર કરીને અનુપે એ જ અંદાજમાં કહ્યું.
"હું જમુ કે ના જમુ તને શું ફરક પડે છે. હું તો બે જીવની છું એટલે મારે તો જમવું જ પડશે ને. મારા માટે નહિ તો મારા બાળક માટે.." ભવ્યા થાળી પછાડતાં વળતાં પ્રત્યુત્તરની આશાએ બોલી.
"હા, તે તારું જ બાળક છે ને કોણ જાણે કોનું પાપ.." અનુપ ધીરેથી નાક ફૂલાવતાં બબડ્યો.
* * * * *
*
"દોસ્ત, તારા બાપ બનવાની ખુશીમાં આ પાર્ટી છે કે શું ?" આશિષ અનુપનાં ખભે હાથ મૂકતાં બોલ્યો.
"જે વાતથી ભાગીને હું તારી પાસે આવ્યો. એ જ વાત પૂછીને તું મારી દુખતી નસ પર હાથ મૂકે છે. પાછો મને દોસ્ત કહે છે." અનુપે ખભા પરથી આશિષના હાથને જોરથી ધક્કો માર્યો.
"અરે ! યાર નારાજ કેમ થાય છે ?"
"બાય ધ વે, આ જો હું શું લાવ્યો છું. મને ડૉ. સિંહા મળ્યા હતાં. હાલ તો એ કોઈ કોન્ફરન્સ માટે લંડન જવાના હોવાથી તારો મેડિકલ રિપોર્ટ મને આપ્યો. પરત ફર્યા પછી તને મળીને તારી માફી માંગવાનું કહેતા હતા. તને..."
"લાવ..લાવ..જોવા દે..શશશશશશશાનો રિપોર્ટ છે ? આઈ મીન કયો રિપોર્ટ એ રિપોર્ટ તો હું લઈ આવ્યો હતો."
"ઓહ ! આ મારો રિપોર્ટ છે તો પેલો કોનો હતો ?" એક જ ઝાટકે ખુરશીમાંથી ઊભો થતાં આશીષની સામે આશ્ચર્યભાવે જોતાં અનુપ બોલ્યો. આશિષને ત્યાં જ મૂકીને દોડીને હોટલની બહાર નીકળી ગયો. બાઈક સ્ટાર્ટ કરી ને ઘર તરફ મારી મૂકી.