ભયાનક સ્વપ્ન
ભયાનક સ્વપ્ન


ટીના... ટીના... સવાર પડી ગઈ. આજે કોલેજ નથી જવાનું ? મમ્મીની બૂમ સાંભળતા જ ટીના સફાળી બેઠી થઈ ગઈ. શું થયું બેટા, કોઈ સપનું જોયું કે શું ?
હા, પણ મમ્મી કાશ, એ સપનું, સપનું જ રહે. કેમ બેટા, એવું કહે છે ? બહુ ડરામણું સપનું જોયું કે શું ? ટીનાની મમ્મી ટીનાની બાજુમાં બેસતાં બોલી.
મમ્મી, મેં બહુ ભયાનક સપનું જોયું, જેની કલ્પના પણ ન કરી શકાય. મેં સપનામાં જોયું કે આપણા ઘરની લાઈટો બંધ થઈ ગઈ છે. નળમાં પાણી નથી આવતું. રાંધણ ગેસ ખલાસ થઈ ગયો છે. પરિણામે જમવાનું પણ નથી બનતું. તું હાંફળી-ફાંફળી થઈને આમ-તેમ દોડા-દોડી કરે છે. ઘડીક નળ ચેક કરે છે તો ઘડીક ગેસ ચાલુ કરે છે. તો ઘડીક ઘરની બહાર શાકભાજી કે ફ્રૂટની લારી શોધવા જાય છે. દિવસમાં દસ વખતતો દૂધની ડેરીએ દોડી જાય છે, પરંતુ બધું જ વ્યર્થ. બધે જ અંધાધૂંધી ફેલાઈ છે. અરે હા મમ્મી, પપ્પા પણ ઘડીક મોબાઈલ હાથમાં લઈને ચેક કરે છે તો ઘડીક ટીવીનું રિમોટ ફેરવે છે, પણ બધું જ નકામું નીવડે છે. મને તો બહુ જ કકડીને ભૂખ લાગી હોય છે. હું તારી પાસે ખાવાનું માંગુ છું ને તું તો બસ મને વળગીને રડ્યા જ કરે છે. પપ્પા મારી પાસે આવીને મને સમજાવે છે કે બેટા, હવે આપણને ક્યારેય ખાવાનું મળશે જ નહિ. કેમ કે આપણા પૂર્વજોએ આપણા માટે બંગલા-ગાડી, બેન્ક બેલેન્સ, સોના-ચાંદી હીરા-મોતીનાં ઘરેણાં બધું જ બચાવીને ભેગું કર્યું. પરંતુ ઈંધણ તો "દરેક વ્યક્તિએ જેટલું વાપર્યું એનાથી વધારે વેડફ્યું." ન તો વૃક્ષો વાવ્યા ન તો પાણી સાચવીને વાપર્યું. આપણા જીવન માટે જરૂરી એવું ઈંધણ તો રહેવા જ ના દીધું. આ બધું સાંભળીને હું તો ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને ત્યાં જ તારી બૂમ સંભળાઈ ને હું જાગી ગઈ.
બેટા, તને આવું સ્વપ્ન કેમ આવ્યું ખબર છે ? કાલે રાત્રે મેં તને વાત કરી હતી કે ઊર્જા બચત ન કરીએ તો શું-શું થાય ? ઊર્જા બચત માટે પીસીઆરએ (Petroleum Conservation Research association) દ્વારા પ્રેરિત "ઊર્જા બચત આવો સૌ સાથે મળીને કરીએ" વિષય પર કેવું કાર્ય કરી રહી છે. તેની વિગતવાર માહિતીની સાથે તેમની વેબસાઈટ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ-૨૦૧૯) www.pcra.org વિશે જાણકારી મેળવ્યા બાદ તું તરત જ સૂઈ ગઈ હતી ને તેથી જ તને આવું સ્વપ્ન આવ્યું.
બોલ બેટા ! તો હવે ઊર્જા બચત માટે તું શું કરી શકે? હં..હં..હં.. મમ્મી હું વિચારું છું કે આજથી જ્યાં ચાલીને જવાતું હશે ત્યાં ચાલીને જઈશ. સિગ્નલ પર કે ટ્રાફિક હોય ને વધારે સમય ઊભાં રહેવાનું હોય તો ગાડી બંધ કરીશ. આ બધી વાતો મારા ગૃપમાં પણ શેર કરીશ. મમ્મી, તું પણ સૂર્ય કુકરનો ઉપયોગ વધારે કરજે. ધીમી આંચ પર જમવાનું બનાવજે. ફ્રીજની વસ્તુ રસોઈ બનાવવાના અડધા કલાક પહેલાં જ બહાર કાઢી લેજે. વીજળીનો વપરાશ સાચવીને કરજે. આ બધી વાતો તારી પેલી કીટ્ટી પાર્ટીની બહેનોને પણ સમજાવજે અને હા, પપ્પાએ આપણા ગામમાં સોલાર પેનલ માટે મુખ્યમંત્રીશ્રી ને પત્ર તો લખ્યો જ છે ને. બસ, તો મમ્મી આજથી ઊર્જા બચાવનું કાર્ય શરૂ. શું કહે છે મમ્મી ? ટીના તેના કોલેજિયન અંદાજમાં બોલી. હા, મારી મા. જે વાત હું તને કહેવાની હતી તે વાત તે જ મને સમજાવી દીધી. ચાલ, હવે તું જલ્દીથી તૈયાર થઈને ડાઈનિંગ પર આવીજા. હું નાસ્તો તૈયાર કરું છું. મમ્મી જતાં જતાં બોલી અને બંને હસતાં-હસતાં પોતાના કામે લાગી ગયા.