અનાયાસ
અનાયાસ


જીતાંશુ ભાગતો-ભાગતો એક ગોડાઉનમાં છૂપાઈ ગયો. થોડીકવાર પછી તેને થયું, તેની પાછળ જે ટોળું હતું તે દૂર નીકળી ગયું હશે, એટલે તે ગોડાઉનની બહાર નીકળવા ગયો ત્યાં તો છૂપાયેલાં લોકોએ રીતસરનો તેની ઉપર હુમલો જ કરી દીધો. તે બેભાન થતાં એ લોકો તેને મરી ગયેલો માનીને ત્યાંથી ચાલ્યા ગયા.
થોડીવાર પછી તેની ઉપર પાણીનો છંટકાવ થતાં તે જાગી ગયો. તેને ચારેબાજુ ફાંફા માર્યાં. ચંદ્રનાં આછા પ્રકાશમાં ગોડાઉનની બાજુમાં નાનકડી ઓરડીનાં ઉપરનાં ભાગેથી કોઈક હાથ હલાવી રહ્યું હોય એમ તેને લાગ્યું. તે લથડિયાં ખાતો-ખાતો ધીરેથી ઊભો થયો.
નજીક ગયો તો ઉપર ઉભેલી વ્યક્તિ તેને મોઢા પર આંગળી મૂકીને ચૂપ રહેવા કહી રહી હોય એમ દેખાયું. તે વ્યક્તિએ તેને ઈશારાથી ઉપર આવવા સમજાવ્યું. પણ..જે જગ્યાએ એ ઊભો હતો તેનાથી બારી લગભગ ચારેક ફૂટ ઉપર હતી. માંડ ચાલી શકનારો તે ગોડાઉનમાંથી ધીરેથી એક ડ્રમ ઢસડીને લઈ આવ્યો.
જીતાંશુ માંડ-માંડ ડ્રમ ઉપર ચડ્યો. તેને બારી પર હાથ મૂકતાં જ અંદર રહેલી અજાણી વ્યક્તિએ તેનો હાથ પકડીને ઉપર ખેંચવાનો પ્રયાસ કર્યો. તે જોર લગાવીને ઉપર ચડ્યો.
રૂમમાં પ્રવેશતાં જ તેને ઉત્સુકતાવશ એ વ્યક્તિને જોવાનો પ્રયાસ કર્યો. ફક્ત પડછાયા જેવી જ ઉપસી આવેલી એક આકૃતિ દેખાઈ. તે થાકીને દીવાલનાં ટેકે બેસી ગયો. પેલી વ્યક્તિએ તેની સામે પાણીનો બોટલ ધર્યો, તે પાણી ગટગટાવી ગયો.
પેલી વ્યક્તિનાં શ્વાસોચ્છવાસ બહુ ઝડપથી ઉછળી રહ્યા હોય એવું જીતાંશુએ અનુભવ્યું. જીતાંશુએ મોજામાં છૂપાવેલો મોબાઈલ કાઢ્યો ને ફ્લેશ લાઈટ ઓન કરી. એક સુંદર યુવતીને જોતાં જ તેનાં રૂપ પર મોહિત થઈ ગયો. બંને ઘડીક એકબીજાને નીરખી રહ્યાં.
તે યુવતીએ તેનાં હાથમાંથી મોબાઈલ લઈને ફટાફટ ટાઈપ કર્યું ને મોબાઈલ જીતાંશુનાં હાથમાં આપ્યો.
"હું આ શહેરનાં ધનિક ધીમંતરાયની દીકરી છું. છેલ્લાં બે-ત્રણ મહિનાથી કેટલાક લુખ્ખાઓ મારા પિતાજીને બ્લેકમેલ કરીને એમની પાસેથી પૈસા પડાવવા માંગતા હતા. મારા પિતાજી ઈમાનદારની જિંદગીને વરેલા. તે એકનાં બે ના થયા. અમે પોલીસમાં કમ્પલેન પણ લખાવી શકીએ એમ નહોતાં. એમને મારા પપ્પાને ધમકી આપી હતી. તેથી મારા પિતાજી બહુ ગભરાયેલાં રહેતાં."
"ગઈકાલે હું જીમમાંથી ઘરે પરત ફરતી હતી તે વખતે એ લોકો મને ગાડીમાં નાંખીને આંખે પાટા બાંધીને કોઈક અજાણી જગ્યાએ લઈ આવ્યાં. એ લોકોએ મારો મોબાઈલ લઈ લીધો . મેં આમાંની બે વ્યક્તિનાં ચહેરા જોયા છે. એ લોકોએ મને અહીંયા પૂરી દીધી, પછી ખુરશીમાં બેસાડી હાથ-પગ બાંધી દીધા. ભૂલમાં એ લોકોએ મારો એક જ હાથ બાંધ્યો હતો. કદાચ અંધારાને લીધે એ બરાબર જોઈ નહિ શક્યા હોય. પછી એક જણે મને ઈંજેકશન મૂક્યું. જેણે ઈંજેક્શન મૂક્યું એ થોડોક પીધેલી હાલતમાં હતો એટલે એ જ્યારે મને ઈંજેક્શન મૂકવા આવ્યો ત્યારે મેં મારો જે હાથ ખૂલ્લો હતો તે હાથ વડે મારું પર્સ ધરી દીધું."
"આ લોકોએ બહાર એક માણસ બેસાડ્યો છે. જે તેનાં બોસનાં ઓર્ડર પ્રમાણે દર બે કલાકે અહીંયા આવીને બધું બરાબર છે કે નહિ તે જોઈ જાય છે. એ લોકો મને કાલ રાત સુધી રાખવાનાં છે એટલે બરાબર ચોવીસ કલાક આપણી પાસે છે. મેં તમને એટલા માટે અહીંયા બોલાવ્યા કે, એ મને જોઈને જાય પછી તરત જ આપણે અહીંથી નીકળીએ તો આપણને ભાગવામાં પૂરતો સમય મળી રહે. તે દરમિયાન હું તમને મારી વાત સારી રીતે સમજાવી શકું."
"મેડમ, બહાર એક માણસ બેસાડ્યો હો
ય તો, જ્યારે ગોડાઉનમાં આટલો અવાજ થતો હતો ત્યારે એ કેમ ના આવ્યો."
"તે વખતે એ બાઈક લઈને કશેક ગયો હતો. બાઈકનો અવાજ આવતાં મેં બારણાંનાં પોલાણમાંથી જોયું હતું. ગોડાઉનની પાછળનાં ભાગે આ રુમનું બારણું છે. જ્યારે તમે ભાનમાં આવીને આમ-તેમ જોઈ રહ્યાં હતા, તે વખતે એ પરત આવ્યો. એટલે જ મેં તમને બોલવાની કે અવાજ કરવાની ના પાડી હતી." પેલી યુવતીએ વળતો પ્રત્યુતર આપ્યો."
"મેડમ, મારી પર આટલો વિશ્વાસ મૂકવાનું કારણ ?"
"તમારી પાછળ જે માણસો પડ્યા હતા, એમાંનો એક માણસ તો લગભગ એ જ ગુંડો હતો જે મને અહીં લાવ્યો હતો. હું એકદમ શ્યોર તો નથી પણ નવ્વાણું ટકા એજ હતો. આમ, તમારો ને મારો દુશ્મન એક હોવાનું મેં માની લીધું."
"મિસ્ટર, તમે મને સવાલ જ કર્યા કરશો કે તમારું પણ કંઈક કહેશો ?"
"હું પ્રેસ રિપોર્ટર છું. મેં એક ખૂન કરતાં જોયું. ખૂનનું રેકોર્ડિંગ મેં કેમેરામાં કર્યું હતું. એ લોકો મને જોઈ ગયા અને મને મારી નાંખવાના ઈરાદે મારી પાછળ પડ્યાં હતા. હું એક કારની ડીકીમાં છૂપાઈ ગયો. કારમાં અમુક માણસો બેઠાં અને કાર રસ્તાં પર પૂરપાટ ઝડપે દોડવા માંડી. લગભગ બે-એક કલાક પછી કાર એક જગ્યાએ આવીને ઊભી રહી. મેં ધીરેથી ડીકી ખોલીને જોયું અને કોઈ ન દેખાતાં હું ડીકીની બહાર નીકળ્યો. સાવ જંગલ જેવો અજાણ્યો વિસ્તાર જોઈને આ કયો એરિયા હશે, એ જોવા ખિસ્સામાંથી મેં મારો મોબાઈલ કાઢ્યો. અચાનક કોઈકે તરાપ મારીને મારો મોબાઈલ છીનવી લીધો. મોબાઈલની સાથે-સાથે મારો કેમેરા પણ લઈ લીધો. અચાનક હુમલો થતાં હું ડરી ગયો. મારા કમનસીબે એ કાર આ ગુંડાઓની જ નીકળી."
"આમ તો મારી પાસે બે મોબાઈલ હતા. ચાલુ ગાડીએ જ મેં એક મોબાઈલ સંતાડી દીધો હતો. જેમાં રેકોર્ડ છે એ પેનડ્રાઈવને મેં મારા બૂટમાં છૂપાવી દીધી હતી."
"હવે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું, જે જાણીને તમને આંચકો લાગશે, પણ તમે તમારી જાતને સંભાળી લેશો. એ આશા અને સાંત્વના સાથે કહી રહ્યો છું."
"જેનું ખૂન થતાં મેં જોયું તે બીજું કોઈ નહિ પણ તમારા પિતાજી ધીમંતરાય જ હતા."
વાંચતા જ તેને એક આંચકો અનુભવ્યો. પણ બીજી જ મિનિટે જાતને સંભાળી લેતાં આગળ શું લખ્યું છે, તે વાંચવા લાગી. "તમે બિલકુલ ચિંતા ના કરતાં તમારા પિતાજીને ન્યાય અપાવવા માટે મારી પાસે જે પુરાવા છે તે પૂરતાં છે."
એટલામાં દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો. જીતાંશુને ખૂણામાં સંતાઈ જવાનો ઈશારો કરીને એ યુવતી જલ્દીથી ખુરશીમાં બેસી ગઈ ને ઊંઘવાનો ઢોંગ કરવા લાગી. કોઈક માણસ બારણાં પાસે જ ઊભો રહીને જોઈને જતો રહ્યો. દરવાજો બંધ થતાંની સાથે જ યુવતી જીતાંશુ પાસે આવીને કહેવા લાગી કે, "હવે આપણી પાસે બે કલાક છે. હમણાં આપણે નીકળી જઈએ તો બે કલાકમાં આપણે ઘણાં દૂર નીકળી ગયા હોઈશું. વળી, સવાર પડવામાં પણ બહુ સમય નથી. ગાડીમાં રોડ પરથી ઉબડ-ખાબડવાળા રસ્તેથી અહીંયા આવવામાં લગભગ એકાદ કલાક જેટલો સમય લાગ્યો હશે. હવે જો મારી ગણતરી પ્રમાણે આપણે હમણાંથી જ ચાલવાનું શરુ કરી દઈએ તો આપણે મેઈન રોડ સુધી દોઢેક કલાકમાં તો પહોંચી જ જઈશું."
"વાહ ! શું તમને લાગે છે કે આટલા અંધારામાં આપણે સાચો રસ્તો શોધી શકીશું ?"
"હા, એક ડિટેક્ટીવ તરીકે મારી પાસે એવી વસ્તુ છે જે આપણને મદદ કરશે. બાકીની વાત રસ્તામાં કરીશ. આપણે થોડીક હિંમત કરી લઈએ, 'અનાયાસે' આપણે અહીંયા મળ્યા છીએ તેને ભગવાનનો સંકેત સમજીને જલ્દીથી નીકળીએ."