મીઠો ઝઘડો
મીઠો ઝઘડો
આજે સવારથી કામ કરીને અને ઘરમાં થયેલાં કજિયા-કંકાસથી થાકેલી ઉષ્મા બપોરે ઘડીક આડી પડતાં વિચારે ચડી.
"શું આ રોજ-રોજનાં ઝઘડાં ? હું કોને-કોને સમજાવું ? હવે તો ખરેખર, બધાંને સમજાવી-સમજાવીને થાકી ગઈ છું. પતિને સમજાવવા જાઉં છું તો બાળકોને ખોટું લાગે છે. બાળકોને સમજાવવા જાઉં છું, તો પતિ કહે છે, તું બાળકોને છાવરે છે. તું જ એમને બગાડે છે."
"હું સારી રીતે જાણું છું કે ટીન એજર બાળકોની માનસિકતા સમજવી બહુ અઘરી હોય છે. એમને બહુ પંપાળીએ તો એ બગડી જાય અને બહુ દબાવીએ તો સ્પ્રીંગની જેમ ઉછળે. એમની સાથે બળથી નહિ કળથી કામ લેવું પડે."
"ક્યાંક બાળકો હાથથી નીકળી ના જાય એનો મનમાં સતત ડર રહ્યાં કરે છે. તો આ બાજુ પતિની નારાજગી પણ સહન નથી કરી શકતી. હું તો બંને વચ્ચે સેન્ડવીચ બનીને રહી ગઈ છું."
"દર વખતે બધાં લડી-ઝગડીને એકબીજાથી રિસાઈ જાય ત્યારે મારે અવનવા નુસ્ખા કરીને મનાવવા પડે છે. આજે એટલે જ સાંજનાં નાસ્તા માટે ચા સાથે બટાટાવડાં બનાવવા માટેની તૈયારી કરી દીધી છે. પતિદેવ અને બ
ાળકો પણ બટાટાવડાં જોઈને એકદમ ખુશ થઈ જશે. બટાટાવડાં સાથે મરચાં પણ તળી દઈશ. એટલે પતિદેવ તો ખુશખુશ !"
આવા વિચારમાં ને વિચારમાં ક્યારે આંખ મિચાઈ ગઈ, તેની ખબર જ ના પડી.
જેવી તીખાં તળેલાં મરચાંની ખૂશ્બુ તેનાં નાકમાં પ્રવેશી તેની આંખ ખૂલી ગઈ. ઘડિયાળ તરફ નજર કરી તો સાડાચાર થઈ ગયા હતા. "બાપ રે ! ચાર વાગ્યે તો ચાનો ટાઈમ અને હું આટલી વાર સુધી સૂતી રહી. હવે બહુ દોડા-દોડ થઈ જશે. આજે રવિવાર એટલે વાસણોનો તો ઢગલો હતો. એટલાં વાસણો ગોઠવવાનાં, કપડાંની ગડી કરવાની, ચા-નાસ્તો બનાવવાનો અને એનાં વાસણ ઘસવાનાં, પાછી રસોઈની તૈયારી કરવાની." એમ વિચારતી ઊઠી ને રસોડા તરફ વળી. રસોડામાં નજર પડતાં જ તેનાં પગ થંભી ગયાં.
દીકરો ચા ગાળી રહ્યો હતો. પતિ બટાટાવડાં ઉતારી રહ્યાં હતાં અને દીકરી નાસ્તાની ડીશો ભરીને ટ્રેમાં ગોઠવી રહી હતી. ત્રણેયને એકાગ્રતાથી કામ કરતાં જોઈને સમજી ગઈ કે મીઠાં ઝઘડાનો અંત આવી ગયો. તેનાં મનની કડવાશ દૂર થઈ. હોઠો પર ઉપસી આવેલાં મીઠાં-મધુરાં સ્મિત ઉપરથી જ કલ્પી શકાય કે તેનાં રોમેરોમમાં કેટલો આનંદ વ્યાપી ગયો હશે.