જાગ્યા ત્યારથી સવાર
જાગ્યા ત્યારથી સવાર
એક હોસ્પિટલમાં પેશન્ટ બનીને સૂતેલા નિર્મેશની નજર ડૉક્ટરનાં ગળાથી છાતી સુધી ઝૂલતાં આઈકાર્ડ ઉપર પડી. તેનાથી બોલી જવાયું, "ડૉક્ટર એન્જલ ?"
અવાજ સાંભળતાં જ ડૉક્ટરે એની સામે જોઈને કહ્યું, "નિર્મેશ.. નિર્મેશ દેસાઈ તું.."
"હા, હું એ જ તારો ભાઈબંધ.. બાર ધોરણ સુધી એક જ સ્કુલમાં, એક જ બેન્ચ પર બેસીને આપણે સાથે જ ભણતાં હતા."
"બારમા પછી તું બહાર ભણવા ગયો હતો ને ?"
"હા, પછી હું ત્યાં જ સેટલ થઈ ગયો. આજે વૈશ્વિક મહામારી કોવિડ-19ને કારણે હું ભારત પરત ફર્યો. મને અહીં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો. બધી જ કાળજી રાખીને અહીંયા આવ્યો હતો. છત્તાં, ત્રીજા દિવસે કોરોના પોઝીટીવ આવ્યો. આજે બરાબર સત્તરમા દિવસે હું મારા ઘરે જઈ રહ્યો છું."
"કોરોના જતો રહે પછી કેટલા સમયમાં પરત જવાનો વિચાર છે મિસ્ટર નિર્મેશ ?" ડિસ્ચાર્જ પેપર પર સહી કરતાં ડૉક્ટર એંન્જલ બોલ્યો.
"અરે ! હોય કાંઈ, ભલે, મારા દેશ અને પરિવારનાં પ્રેમને છોડીને હું વિદેશ ચાલ્યો ગયો પણ આજે મને અહીંયા આવ્યા પછી એનો અહેસાસ થયો છે. એટલે હવે ભારતભૂમી પર રહીને ભારતની સેવા કરવાની તકને જતી કરવા નથી માંગતો."
"એટલે ?" ડૉક્ટર એન્જલે આંખો પહોળી કરતાં કહ્યું.
"એટલે એમ ડૉક્ટર એન્જલ કે, હું ત્યાં રિસર્ચ સેન્ટરમાં કામ કરતો હતો. મમ્મીની બહુ જિદને કારણે થોડાક સમય માટે ભારત આવવાનું નક્કી કર્યું. પરંતુ બીજા દેશની સરખામણીએ આપણા દેશની સજાગતા, સભાનતા અને આપણા જ દેશનાં પરંતુ વિદેશ વસતાં ભારતીયોની જે રીતે 'આઓ ભગત' થઈ રહી છે તે જોઈને મારો દેશપ્રેમ જાગૃત થયો છે. હવે, મારો ત્યાંનો અનુભવ અહીંના વૈજ્ઞાનિકોને કોવિડ-19ની રસી શોધવામાં કામ લાગશે."
"વાહ ! મારા શેર અચાનક દેશ-પ્રેમ જાગી ગયો ને કાંઈ ?" તાળી પાડતાં ડૉક્ટર એન્જલ બોલ્યો.
"અ
ચાનક નથી જાગ્યો. આ સત્તર દિવસમાં સત્તરસો વખત મર્યો હોઈશ. મને તો હતું કે હવે હું નહી બચુ. પરંતુ જે રીતે મને અહીંયા લાવવા માટે ભારત સરકારે મારી મદદ કરી અને આ હોસ્પિટલનાં સ્ટાફે પોતાના જીવની પરવા કર્યાં વગર જે રીતે મારો જીવ બચાવવાનાં પ્રયત્નો કર્યાં તે જોઈને મેં આ નિર્ણય લીધો છે." નિર્મેશ ગળગળા સાદે બોલ્યો.
"ઓહોહો ! એટલે તને કોરોના ના થયો હોત તો તું આ બધું પૂરું થતાં બિસ્ત્રા-પોટલાં ભરીને સીધો વિદેશ ભેગો થઈ જાત એમ જ ને ?" ડૉક્ટર એન્જલે નિર્મેશને કટાક્ષમાં કહ્યું.
"સોરી યાર, હવે કેટલા મહેણાં મારશે ? તું તારા આ દોસ્તને માફ નહી કરે ? હું વિદેશ જવાનો હતો તે વખતે પણ તે મને આવું જ કંઈક કહ્યું હતું ને ?" નિર્મેશ બે હાથ જોડીને કરગરતાં બોલ્યો.
"ઓ....કે, "જાગ્યા ત્યારથી સવાર" ચાલ, હવે તારો ઘરે જવાનો વારો આવી ગયો છે. પછી તું મારો કોન્ટેક્ટ કરજે. આ જો તારી વિદાયની ભવ્ય તૈયારીઓ." ડૉક્ટરે તેની વ્હીલચેર રૂમની બહાર લઈ જતાં કહ્યું.
ડૉક્ટર-નર્સના સ્ટાફને એક મીટરનાં અંતરે ઊભાં રહીને તાળી વગાડતાં જોઈને નિર્મેશ બોલ્યો, "આ બધું શું છે ?"
"કોવિડ-19ને હરાવવાનાં માનમાં આ તારું ઈનામ છે." ડૉક્ટર એન્જલે એક તેજાબી છટા સાથે કહ્યું.
"નિર્મેશ તેની આંખના આંસુને રોકી ના શક્યો ને પાછળ ઉભેલા એન્જલ સામે જોઈને બોલ્યો, યાર, અફસોસ કે હું તને ગળે નથી મળી શકતો. બસ, બે હાથ જોડીને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું."
"બસ, બસ, હવે તું મને રડાવશે કે શું " ડૉક્ટર એન્જલ આંખોનાં ભીનાં ખૂણાં લૂછતાં બોલ્યો.
"યાર, તને યાદ છે ? હું તારા નામ બદલ તને ચીડવતો હતો કે આવું નામ તો કોઈ છોકરીનું હોય. ખરેખર, આજે તારા નામનો સાચો અર્થ મને સમજાય છે મારા એન્જલ. આજે તો હું તારો સુદામા ને તું મારો કૃષ્ણ."