Priti Shah

Romance Inspirational Others

3.8  

Priti Shah

Romance Inspirational Others

પ્રેમની પરિભાષા

પ્રેમની પરિભાષા

5 mins
402


"મીનેષ, મેં તને કોલેજકાળથી ચાહ્યો છે. આજે પણ ચાહું છું અને હંમેશા ચાહતી રહીશ. તને ચાહતા મને કોઈ નહીં રોકી શકે. તું પણ નહીં અને મારું મન પણ નહીં. કોઈપણ સંજોગો મારા પ્રેમને મુરઝાવા નહીં દે. દિલનાં એક ખૂણામાં એ હંમેશા જીવંત રહેશે. કોલેજકાળમાં જ્યારે હું વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેતી, ગીત ગાતી કે ડાન્સ કરતી. ત્યારે તું અનિમેષ નજરે મને તાકી રહેતો. ત્યારે, તારી પ્રેમભરી નજરનાં બાણ મારા હૈયાને વીંધી નાંખતાં. હું હંમેશા તારા તરફથી પહેલ થાય એની રાહ જોતી."

"જ્યારે, તું મારી સાથે વાત કરતો ત્યારે હું તને સાંભળ્યા કરતી. તારું બોલવું, તારું હસવું મને ગમતું. પરંતુ, તને નહોતું ગમતું. શું ખબર છે ? તું મને કહેતો, મીત્તલ, "આવું નહીં ચાલે હોં, હું બોલ્યા કરું ને તું સાંભળ્યા કરે. એક હાથે તાળી પાડવી હોય તો જા, કાલથી હું તારી સાથે વાત નહીં કરું." તું મીઠા છણકા સાથે કહેતો.

"મારે તારા વિચાર પણ જાણવા છે. તું કંઈક બોલે તો જ મને ખબર પડે ને કે તું શું વિચારે છે ?" " ત્યારે મને લાગતું કે તું કદાચ આપણા પ્રેમનાં સ્વીકારની વાત કરી રહ્યો છે. હું તને કેવી રીતે સમજાવું કે, "હું જ્યારે-જ્યારે તારી સામે આવું છું ત્યારે-ત્યારે જાણે મારું મગજ સુન્ન મારી જાય છે. મને કંઈ જ સૂઝતું નથી. શું બોલવું, શું ના બોલવું હંમેશા એની દ્વિધામાં જ અટવાતી હોઉં છું. સાચું કહું તો, હું તારી સામે આવતાં પહેલાં અગાઉથી તૈયારી કરી લેતી. કંઈ કેટલીયે વાતો ગોખી લેતી. પણ તારી સામે આવતાં જ બધું બાષ્પીભવન થઈ જતું."

છત્તાં હું તારું મન રાખવા હસીને તને કહેતી, "તને ખબર છે ને હું એક સારી શ્રોતા છું. મને બોલવા કરતાં સાંભળવું વધારે ગમે છે."

"હું તારી સાથે થોડું ઘણું બોલતી, વાત કરતી, તો તું મારી દરેક વાત પર વાહ-વાહી કરતો અને મારા વિચારો પર ઓવારી જઈને ભરપૂર વખાણ કરતાં કહેતો, "ખરેખર, મને તારા વિચારો બહુ ગમે છે. મને તારા જેવું બોલતાં શીખવને. તું કેટલું મીઠું બોલે છે." તે વખતે હું શરમથી પાણી-પાણી થઈ જતી. છત્તાં તને કળવા નહોતી દેતી."

"સાચું કહું, તું આત્મવિશ્વાસથી છલોછલ. તું દરેક વાત કેટલાં ઉત્સાહથી કરતો. નવું-નવું જાણવા ને જણાવવા માટે તું હંમેશા ઉત્સુક રહેતો. મને એમ થતું, તું બોલ્યા કરે ને હું તને સાંભળ્યાજ કરું"

"તું મારી સામે જે બોલતો એ તો મને ખબર છે પણ તારા મનમાં કંઈક અલગ વાત હોય એવું હું અનુભવતી. તેં મને ક્યારેય કોઈ સવાલ નથી કર્યાં કે કદી કોઈ વાતે જબરજસ્તી કે જિદ નથી કરી. હું જે કહું તે તું સાંભળી લેતો અને માની પણ લેતો. મારી દરેક વાત પર તારી ખુશી વ્યક્ત કરતો. તેં તારા હૈયાની વાત ક્યારેય હોઠો પર આવવા ના દીધી. તેથી એ વાત હું ક્યારેય જાણી ના શકી, કે તેં મને ચાહી છે કે નહીં ? પણ..તારી આંખોની ભાષા હું વાંચી શકતી હોઉં તો કદાચ, તેં પણ મને ચાહી જ હશે. એમ હું માની લઉં છું.              

    *      *               *        *              *        *

મીત્તલ રુમમાં પ્રવેશી ને રીવેશે ડાયરી છૂપાવી દીધી. "અરે ! રીવેશ તું ક્યારનો અહીં શું કરી રહ્યો છે ?"

"કંઈ નહીં બસ, અમસ્તો જ બેઠો છું. હું ને મારા આ પુસ્તકો."

"ચાલ, હવે આળસ છોડ અને આપણાં પીન્ટુને રમાડ. હું જરા બજાર જઈને આવું છું. બહુ જ જલ્દી આવી જઈશ. તું આખો દિવસ તારા થોથાં લઈને જ બેઠો હોય છે. આજે રવિવાર છે તો 6 થી 9 મૂવી જોવા જઈશું. હું આવું ત્યાં સુધી તું ઓનલાઈન ટિકિટ બુક કરાવી લે. થોડોક બૈરી-છોકરાંને પણ સમય આપ. આમ, શું આખો દિવસ મૂડલેસ થઈને ફરે છે ?"

"ઓકે, પણ તું ઝટ આવજે. પીન્ટુ મારી સાથે વધારે સમય સુધી રહેશે નહીં. એ રડવા લાગશે તો હું સંભાળી નહીં શકું."

જવાબ આપ્યાં વગર મીત્તલ રૂમની બહાર નીકળી ગઈ. પીન્ટુને ઊંચકીને સોફા પર બેસતાં રીવેશ વિચારે ચડ્યો.

"મીત્તલ, તું કોઈને આટલું ચાહી જ કેવી રીતે શકે. ડાયરીમાં લખી લેવાથી સાબિત નથી થઈ જતું કે તારો પ્રેમ સાચો છે. લગ્ન વખતે પણ તું કેટલી ઉત્સાહિત હતી. તું કોઈને પ્રેમ કરતી હોય તો એવું કેવી રીતે કરી શકે. તું મારી સાથે જે રીતે સુખી લગ્નજીવન વીતાવી રહી છે તેના પરથી તો કળી જ નથી શકાતું કે તેં કોઈને આટલો પ્રેમ કર્યો હશે. કોઈને મનોમન ચાહવું આને પ્રેમ થોડો કહેવાય ? એકબીજાથી દૂર રહીને, કોણ આજે ક્યાં છે ? શું કરે છે ? એની પરવા કર્યા વગર પોતાનું લગ્નજીવન ખુશી-ખુશી જીવવાનું ? આ બધું મારી સમજની બહાર છે.

"તું આખી જિંદગી આવા વહેમમાં જ જીવશે. તારી સાથે ભણતો હતો એ જ મીનેષ હોય તો એ મીનેષ પણ એનાં લગ્નજીવનથી ખુશ છે. એને જોઈને પણ લાગતું નથી કે એણે તને કદી પ્રેમ કર્યો હોય. કેમ કે તેની પત્ની.." રીવેશનાં હોઠ પર આછું હાસ્ય ફરકી ગયું.

"ચાહત કોને કહેવાય તે મને પૂછ. જેને ચાહ્યા હોયને એને જીવનભર વફાદાર રહેવું જોઈએ. પ્રેમ તો અમે કર્યો હતો. અમે રોજ હરતાં-ફરતાં, એકબીજાનાં વિચારોની આપ-લે કરતાં અને આજે પણ સમય મળતાં એકબીજા સાથે વાત કરી લઈએ, એકબીજાનાં ખબર અંતર પૂછી લઈએ. મજબૂરીમાં તારી સાથે લગ્ન તો કરી લીધાં પણ બસ, સમાજને દેખાડવા માટે બાકી, પ્રેમ તો હું આજે પણ એને જ કરું છું." તે બબડ્યો, કાશ, તમે બંનેએ એકબીજા સામે તમારા પ્રેમને વ્યક્ત કર્યો હોત તો આજે મને પણ મારો પ્રેમ મળી ગયો હોત."

પીન્ટુનાં રુદનથી રીવેશની વિચારતંદ્રા તૂટી. અચાનક યાદ આવ્યું. ડાયરી તો બહાર જ રહી ગઈ. તે દોડ્યો, વોર્ડરોબ ખોલી સાડીની ગડીમાં ડાયરી મૂકવા જતાં પીન્ટુનો હાથ વાગ્યો ને ડાયરી નીચે પડી ગઈ. ડાયરી ઉઠાવી ને છેલ્લાં પાનાં પર નજર પડી. લખ્યું હતું,

"પ્રેમ એ પ્રેમ હોય છે,

નિષ્છલ ને નિર્મળ, તારો ને મારો પ્રેમ.

ના કોઈ દિવસ, તું મને કાંઈ કહે,

ના કોઈ દિવસ, હું તને કાંઈ કહું.

છત્તાં મૌનની ભાષા, તારી ને મારી,

તુંયે સમજે ને હુંયે સમજુ,

બસ, પ્રેમ એ પ્રેમ હોય છે."

પ્રેમમાં સમર્પણ, ત્યાગ, બલિદાન હસતાં-હસતાં બધું જ સ્વીકારવું એ જ સાચો પ્રેમ..

આટલું વાંચતા જ પ્રેમની સાચી પરિભાષા તેનાં રોમેરોમમાં વ્યાપી ગઈ. પહેલીવાર પીન્ટુને આટલાં પ્રેમથી ચૂમવા સાથે જ આંખોનાં ખૂણા ભીનાં થઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance