રિયુનિયન
રિયુનિયન
ફેસબુકની વોલ પર ડો. સોપારકરનો મેસેજ હજી તો પહોંચ્યો અને ઘણા બધાના મનમાં એ વિચારના આગલાં ચિત્ર ખડાં થવા લાગ્યાં..
“ડિઅર ઓલ બેચમેટ,
હું કિરણ સોપારકર. જેને તમે લોકોએ ક્યારેય ડોક્ટર ન થવા દીધો હોત. મને ભણવાને બદલે પાર્ટી-પિકનિકની ભવ્ય સલાહ આપી આપીને આકર્ષિત કરવામાં તમારો મસમોટો ફાળો રહ્યો હતો. પણ તોય દોસ્તો, વો ભી ક્યા દિન થે! બહુ યાદ આવે છે. તમારા બધાથી અલગ પડ્યા પછી મારી પાસે ડોક્ટરી ભણવા સિવાય કોઈ ખાસ પ્રવૃત્તિ નહોતી એટલે અંતે સર્જન બની ગયો અને સારી એવી નામના મેળવી લીધી છે.
માણસ જ્યારે પોતાની લગભગ બધી જ જવાબદારી સફળતાપૂર્વક પાર પાડે પછી એને પોતે જીવેલા સ્કૂલ-કોલેજના દિવસો બહુ યાદ આવે એ જ કોલેજજીવનની ખૂબી હોય છે. બસ, એમ જ મને પણ એક દિવસ નિરાંતે બેઠો હતો ત્યારે તમારા બધાની સાથે વિતાવેલ એ બધી જ પળ બહુ યાદ આવી અને એમ થયું કે ચાલો, ફરી પહેલાના જીવનમાં ડોકિયું કરી આવીએ.
આટલા વર્ષો પહેલાં ભણીને સેટ થવામાં અને પછી ઘરસંસાર અને હોસ્પટલની ભાગદોડમાં આપણામાંથી લગભગ કોઈ સાથે મારે સંપર્ક નથી રહ્યો એટલે સોશિયલ મિડિયાની મદદ લીધી. આ મેસેજ વાંચીને મારા મોબાઇલ પર સંપર્ક કરો. કોલેજમાં બધું કામ હું જ કરતો પણ આ વખતે તમે સામેથી મને કોન્ટેક્ટ કરવાની તસ્દી લેશો તો આગળનો પ્લાન કરી શકાશે.”
અને અંતમાં બે ચાર સ્માઇલી મુકીને સોપારકરનો લાં...બો મેસેજ પૂરો થતો હતો.
પછીના ચોવીસ કલાકમાં લગભગ અઢાર લોકોએ પોતાના નંબર મોકલ્યા અને
“રિયુનિયન” નામથી એક વોટ્સઅપ ગૃપ બન્યું. પછી તો ગૃપમાં રોજના પચાસથી ઉપર મેસેજ આગલા દિવસો વાગોળતા ભેગા થતા. સૂરજ બર્વે બહુ મોટો બિઝનેસમેન બની ગયો હતો. પરાત્પર શુક્લ આમ કર્મકાંડી બ્રાહ્મણ પણ અમેરિકાના ડલાસ શહેરના વિશાળ સર્વ ધર્મ મંદિરના ટ્રસ્ટીઓ એને પ્રિસ્ટ વીઝા પર લઈ ગયા અને હવે એ ત્યાં મબલખ કમાતો હતો. શ્રવણ મજમુદાર કોલેજમાં બહુ સારું ગાતો અને ગિટાર વગાડતો. હવે એ બહુ પ્રસિધ્ધ સંગીતકાર બની ગયો હતો. નંદિની પટેલ સમાજ સેવિકા બની ગઈ હતી. પ્રેરણા દાંતે પ્રોફેસર હતી.
આવા તો બીજા પંદરેક મિત્રો ગૃપમાં ભેગા થઈ ગયા હતા.
[2:21 PM, 9/24/2019] Lina Vachhrajani: એક સવારે સોપારકરે ગૃપને બદલે પોતાને પર્સનલમાં મોકલેલ મેસેજ જોયો.
“હાઈ. હું નમ્ર પંડિત.”
સોપારકરે જવાબ લખ્યો.
“હાઈ નમ્ર, કેમ પર્સનલમાં મેસેજ કરે છે? ગૃપમાં આવને!”
“ના મારે ગૃપમાં નથી આવવું. આ તો ફેસબુક પર તારો મેસેજ વાંચીને એ દિવસો બહુ યાદ આવી ગયા એટલે તને મેસેજ કરું છું.”
“પણ નમ્ર ગૃપમાં મારા સહિત બધાને મળીશ તો તને વધુ ગમશે.”
નમ્ર થોડી વાર મૌન રહ્યો.
પછી એણે લખ્યું,
“કિરણ, એક વાત પૂછું? ગૃપમાં રુજુ છે?”
“ના હજી નથી આવી.”
“સારું તો હું ગૃપમાં આવું છું.”
અને સોપારકરે નમ્રને રિયુનિયનમાં એડ
કર્યો. ગૃપમાં હવે રોજ અતીતની યાદોનો ખડકલો થતો. સૂરજનો નાનામાં નાનો ખર્ચ લખીને હિસાબ રાખવાની ટેવ, રોજ સવારની પ્રાર્થનામાં પરાત્પરનો ગુંજતો અવાજ, શ્રવણની એની જ મસ્તી હોય, નમ્રની ઉત્તમ સાહિત્ય રચનાઓ હોય. આ બધું અરસપરસ ટિપ્પણી સાથે મોજથી ચાલતું રહેતું.
હા, નમ્રને માટે હવે સતત વાગોળાતો અતીત ક્યારેક મીઠો તો ક્યારેક તુરો બની જતો. મિત્રો સાથે સેમિનારમાં કરેલી મોજ-એ રાત્રે કેમ્પફાયરની જ્વાળામાં હૂંફાળી શાયરીઓની મહેફિલ બધું જ જાણે ફરી સજીવ થઈ ઉઠતું. પણ સાથે સાથે એ શાયરીઓની પ્રેરણાસ્ત્રોત એવી રુજુની યાદ નમ્રને ફરી હિમાલય સમ શીત બનાવી જતી.
એમ જ વાતો કરતાં કરતાં કિરણે એક દિવસ પ્રસ્તાવ મુક્યો.
“ડિઅર ઓલ,
હવે મને એમ લાગે છે કે આપણે રુબરુ મળવું જ જોઇએ. સાપુતારામાં મારું એક નેચરોપથી સેન્ટર ચાલે છે. કુદરતે અહીયાં ખોબલે ખોબલે સૌંદર્ય વેર્યું છે. જો બધાની સંમતિ આવે તો ત્યાં બે મહિના પછીના શનિ-રવિ આપણે ગેટ ટુ ગેધર ગોઠવીએ. જૂની યાદો ફરી તાજા કરીને વર્તમાન અને ભવિષ્ય માટે તાજગી એકઠી કરી લઇએ.પોતાનાં કન્ફર્મેશન આપશો પછી વ્યવસ્થાની ખબર પડશે.”
મેસેજ વાંચીને લગભગ બધાની સંમતિ આવી ગઈ અને સોપારકરના નેચરોપથી સેન્ટરમાં ભેગા થવાનો રોમાંચ ફરી વળ્યો. બે મહિના સુધી પ્રતિક્ષા કરવાની ઘણાને અઘરી પડી. વહેલા ભેગા થવાનું સૂચન પણ આવતું રહ્યું પણ સોપારકરે સેન્ટરમાં એ સમયે જ હળવાશ હોય એમ કારણ આપી દીધું.
બે મહિના પછીના શનિ-રવિ આવી પહોંચ્યા. લગભગ દરેક મિત્ર પોતાના પરિવાર સાથે આવી રહ્યો હતો. સોપારકરે સેન્ટરમાં કોઇને જરા પણ તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરાવી હતી. દરેકને અલગ રુમ અપાયો. કેન્ટિનમાં બે દિવસ કોઈ જ પરેજી વગરનું મેનુ નક્કી કરવામાં આવ્યું હતું.
[2:22 PM, 9/24/2019] Lina Vachhrajani: એક પછી એક મિત્ર કિરણની યજમાનગીરી માણવા પહોંચવા લાગ્યા. કિરણે દરેકને હૂંફાળો આવકાર આપ્યો. નમ્ર એકલો આવ્યો હતો. દરેકે એને એકલા આવવાનું કારણ પૂછ્યું. નમ્રએ જરા વાત ટાળી દીધી.
બપોર સુધી રિયુનિયનનો માહોલ બરાબર રંગમાં આવી ગયો હતો. બપોરના જમવામાં પણ કિરણે મોં માં પાણી લાવી દે એવું મેનુ ગોઠવ્યું હતું. વર્ષો બાદ મળેલા મિત્રો અરસપરસ વાતોમાં અને જમવામાં વ્યસ્ત હતા. કેન્ટિનમાં રોજ કરતાં અલગ જ માહોલ સર્જાયો હતો.
ત્યાં જ...કિરણે રુજુ સાથે પ્રવેશ કર્યો.
બધાએ રુજુના સરપ્રાઇઝ આગમનને હલ્લો બોલાવીને વધાવી લીધું.
“તું તો છાની મીઠી નીકળી.
આટલા મહિનાઓથી અમે બધા હો હો અને દેકારો બોલાવીએ અને તું તો એમ જ પ્રગટ થઈ ગઈ!”
રુજુ હજી મૌન હતી. કિરણે એના બદલે જવાબ આપ્યો,
“અરે મિત્રો શાંતિ રાખો. રુજુનું આવવાનું કારણ બહુ અલગ છે.”
જો કે નમ્રના હાથમાંથી ચમચી પડતાં પડતાં રહી ગઈ હતી. એને કિરણ પર ગુસ્સો આવી ગયો.
“મને જૂઠું કીધું? રુજુ આવવાની હતી એ કિરણને ખબર હોવા છતાં મને જણાવ્યું નહીં. હું આવવા જ નહોતો ઇચ્છતો. ક્યાંથી વળી મને મન થઈ ગયું!”
હવે નમ્રને પોતાના પર ગુસ્સો આવતો હતો.
ત્યાં કિરણે કહ્યું,
“રુજુ આપણી જેમ રિયુનિયનમાં શામેલ થવા નથી આવી. એ બહુ અલગ કારણથી અહીયાં છે.”
અને દરેકને રુજુના મુરઝાયેલા ચહેરા સામે જોતાં એમ તો લાગ્યું જ કે,
“હા કંઇક તો અલગ વાત છે.”
નમ્ર હવે સહેજ કળ વળતાં સ્વસ્થ થયો.
રુજુની નજીક જઇને એણે પૂછ્યું,
“કેમ છે રુજુ?”
અને રુજુની આંખે છલકીને જવાબ આપી દીધો.
કિરણે એ વિષય પર પડદો પાડતાં એલાન કર્યું,
“ચાલો બધા હવે પોતપોતાના રુમમાં આરામ ફરમાવો. તમે બધાય શું યાદ કરશો કે જલસો કર્યો હતો. સાંજે બરાબર પાંચ વાગે અહીયાં હાઈ-ટી પર મળીશું. ત્યાર બાદ સાપુતારાનું સૌંદર્ય માણવા નીકળી પડીશું. રાતે ડિનર બાદ કેમ્પફાયર કરીશું અને ગીત સંગીત વાતોની મહેફિલ જમાવીશું.”
બધા છૂટા પડ્યા. નમ્ર પોતાના રુમમાં આવ્યો. સરસ નરમ ગાદલાં હતાં તોય આંખ બંધ ન થઈ.
પાંપણ સામે નખરાળી લટકાળી નામ પ્રમાણે જ રુજુ કોમળ સુંદર રુજુ સાક્ષાત રજુ થઈ ગઈ હતી.
યાદ આવ્યો એ લાઇબ્રેરીનો લીલોછમ બગીચો અને બાંકડો. જેના પર બેસીને રુજુ અને નમ્ર હંમેશાં મટિરિયલ કે પેપર્સ કે ટેક્સ્ટબુકની આપ-લે કરતાં. ભણતરથી શરુ થયેલી મૈત્રી હૂંફમાં પરિવર્તિત થતી ચાલી હતી. પહેલાં પુસ્તકની આપ-લે વખતે થતો અજાણ સ્પર્શ હવે વારંવાર જાણીજોઇને થતો રહેતો. બંને પોતાનાં ભવિષ્યના સ્વર્ગ સે સુંદર ઘરનાં સપનાં પણ જાગતી આંખે જોવા લાગ્યાં હતાં.
રુજુ નખરાળા નૈન નચાવતી કહેતી,
“નમ્ર, હું ઘર તો તારી પસંદગીથી જ સજાવીશ.”
“કેમ? ઘર તો આપણી પસંદગીથી બનાવશું. ન એકલી મારી-ન એકલી તારી.”
નમ્ર રુજુનો તોફાની લહેકો સમજ્યા વગર કહેતો..
“ના તું સમજતો નથી. તારી પસંદગી મારા કરતાં વધુ સરસ છે. જો ને! તેં મને પસંદ ન કરી!!”
અને નમ્રને મોડી મોડી રુજુની તોફાની વાત સમજાતી ત્યારે એ ખોટો ગુસ્સો કરતો.
“અરે અરે! વાહ! તારી પસંદગીમાં ઓટ અને મારી પસંદગીમાં ભરતી!”
આમ આ સારસ બેલડીની પ્રણયપૂર્ણ નોકઝોક ચાલ્યા કરતી.
[2:23 PM, 9/24/2019] Lina Vachhrajani: પણ અચાનક રુજુના પપ્પાની બદલી થતાં રુજુ અધૂરાં સપનાં અને નમ્રની અધૂરી ઇચ્છાઓ નમ્રના જ હાથમાં સોંપીને ચાલી ગઈ. દોસ્તોને પણ એમની કહાનીનો આવો અચાનક, અધૂરો અંત બહુ જચ્યો નહોતો.
નમ્ર ત્યાર પછી માત્ર પુસ્તકો વચ્ચે જ જીવવા લાગ્યો. પ્રેમ હતો કે નહોતો એ નક્કી ન કરી શક્યો પણ રુજુની ગેરહાજરી એની કલમ દ્વારા કોરા કાગળ પર અંકિત થવા લાગી અને વાચકોએ એને ટોચનો સાહિત્યકાર બનાવી દીધો. પછી તો એ માત્ર શબ્દોને પ્રેમ કરતો થઈ ગયો.
એકાંત એનું પ્રિય સાથી બની ગયું.
નમ્ર વિચારોના ધોધમાર વરસાદ વચ્ચે ભિંજાતો રહ્યો અને પાંચ વાગી ગયા.
મોં પર પાણીની છાલક મારતાં એને જરા સારું લાગ્યું. તૈયાર થઇને એ કેન્ટિનમાં
પહોંચ્યો. ધમાલ મસ્તી સાથે બધા ચા અને મિક્ષ પકોડાનો આનંદ માણી રહ્યા હતા. અરધો કલાક પછી કિરણે બતાવેલી પહાડી પર સનસેટ જોવા બધા રવાના થયા. પણ કિરણે નમ્ર અને રુજુને રોકી લીધાં હતાં.
કિરણની ચેમ્બરમાં ત્રણ મિત્રો વર્ષો બાદ બેઠા હતા.
કિરણે શરુઆત કરી,
“નમ્ર તને એમ થતું હશે કે મેં તારી સાથે બનાવટ કરી.”
“હા કિરણ મને દુ:ખ જરુર થયું છે.”
“ના દોસ્ત એવી ગેરસમજણ ન કરીશ.”
“તો શું કામ મેં પૂછ્યું ત્યારે સાચો જવાબ ન આપ્યો?”
“એ વખતે એ જવાબ સાચો જ હતો નમ્ર. તારો મેસેજ આવ્યો ત્યારે રુજુના કોઈ જ સમાચાર નહોતા. તને મેં ગૃપમાં એડ કર્યો
ત્યાર પછીના અઠવાડિયામાં એક એવી ઘટના ઘટી ગઈ કે હું જ આજ સુધી અસમંજસમાં છું.”
“એવું તે શું બન્યું હોય કિરણ! તારે રુજુ સાથે વાત થઈ હશે બીજું શું!”
“ના. એક સવારે રુજુનો ફોન આવ્યો કે કિરણ મને મદદ કરીશ? મારી વિકટ પરિસ્થિતિમાં તારો સંપર્ક થવો એ મને બહુ આધાર મળવા જેવી વાત છે.
પછી એ બોલતી રહી અને હું સાંભળતો રહ્યો.”
એના લગ્નને પાંચ વર્ષ થયાં. પપ્પાના આગ્રહથી એ તને ભુલીને શહેરના અતિ પ્રતિષ્ઠિત કુટુંબમાં પરણી તો ગઈ પણ ધીરે ધીરે એને પતિના એટલે કે સલીલના અસલી સ્વરુપની ઓળખાણ થતી ગઈ. ધનાઢ્ય નબીરાનાં દરેક કુ-લક્ષણ એનામાં હતાં. રુજુ એક પળ પણ સલીલની નજીક ન જઈ શકી. માત્ર પત્નીધર્મ અદા કરતી રહી.
પણ એક દિવસ સલીલને અસાધ્ય બિમારીનું નામ પડ્યું. બરાબર એ જ અરસામાં સોશિયલ મિડિયા પર મારો મેસેજ વાંચવામાં આવ્યો. અને એણે મારો સંપર્ક સાધ્યો. હેતુ માત્ર સલીલના છેલ્લા દિવસોમાં સતત સાથ અને કુદરતી વાતાવરણમાં શહેરની જિંદગીના દરેક દૂષણ જે આજ સુધી સાથી હતાં એનાથી દૂર કરીને સલીલને મનની શાંતિ અપાવવાનો હતો.
અને રુજુ સલીલને લઇ આવી પહોંચી. અને નમ્ર એટલે જ મારે આપણું ગેટ ટુ ગેધર બે મહિના પછી પ્લાન કરવું પડ્યું. મને કોઈ રસ્તો સુઝતો નહોતો તો કમ સે કમ બે મહિના સલીલની સારવાર માટે મળી જાય.
હવે સ્તબ્ધ થવાનો વારો નમ્રનો હતો.
રુજુ સામેથી નજર હટતી નહોતી. રુજુ પાંપણને કિનારે ઝાકળનાં તોરણ બાંધીને મૌન બેઠી હતી.
નમ્રએ પૂછ્યું,
“કિરણ પછી શું થયું?”
“નમ્ર, જે ધારેલું હતું એ જ પરિણામ આવીને રહ્યું. વીસ દિવસ અહીયાં પરમ શાંતિમાં રહ્યા બાદ સલીલ રુજુની માફી માંગીને વિરામ પામી ગયો. સલીલના કહેવાતા પ્રતિષ્ઠિત પરિવારે રુજુને ઘેર પરત ફરવાની મનાઈ ફરમાવીને એની સાથે તમામ સંબંધ પર પૂર્ણવિરામ મુકી દીધું. રુજુ ત્રિશંકુ જેવી હાલતમાં હતી.
અને હું કદાચ એના નસીબની રેખાને તારા તરફ વાળવાના વિચારમાં વ્યસ્ત..
હા, તારા વિશે અસમંજસ હતી કે તું એકમાંથી પરિવાર થયો હોઇશ કે નહીં? પણ અહીં મળ્યા પછી એ દૂવિધા પણ દૂર થઈ ગઈ. અને એટલે જ રુજુને તારી સમક્ષ લઈ આવ્યો. તારી નજરના એક ખૂણામાં રુજુને જોઇને હજી પણ એ જ ચમક છે એ જાણીને મને મારા સાહસ પર વિશ્વાસ બેસી ગયો.”
ત્યાં તો રુજુએ એક હળવા ઝાટકા સાથે હજી પણ એટલી જ ઢેલ જેવી સુડોળ ડોક ઉંચી કરી.
“કિરણ, તું આવું કેવી રીતે વિચારી શકે? તું મારા દિલમાં તારા માટે રહેલુ માન ખોવે છે. તારી મદદ માટે હું જિંદગીભર ઋણી રહીશ પણ મારે બદલે મારી જિંદગીના ફેંસલા કરવાનો હક તને આપ્યો નથી.”
નમ્રએ પણ રોષભેર કહ્યું,
“કિરણ, એ સંબંધ હવે ઇતિહાસ બની ગયો. અને મેં મારા શબ્દોને જ હવે જીવનસાથી બનાવી દીધા છે.”
“અરે અરે! મારા દોસ્તો, એમ એક જ વિચારધારા પર જીવી લેવું એ આપણા જેવા શિક્ષિત લોકોનું કામ નહીં. સમય અને સંજોગ સાથે જિંદગીમાં પરિવર્તન ન લાવીએ તો આટલો ઉત્તમ માનવ અવતાર એળે ગયો કહેવાય. છતાં હું હવે પછીનો નિર્ણય તમારા બંને પર છોડું છું.”
કિરણ ચેમ્બરમાથી બહાર નીકળી ગયો.
રુમમાં રુજુ અને નમ્રના ધબકારા પણ સંભળાય એવી નિરવ શાંતિ પ્રવતતી હતી.
નમ્રએ મૌન તોડતાં કહ્યું,
“રુજુ, કુદરતના ખોળે કુદરતે આપણને એકબીજા સમક્ષ ફરી લાવી દીધાં. મેં તારા વગરની જિંદગીમાં માત્ર શબ્દોને પ્રવેશ આપ્યો છે. હવે શું?”
રુજુએ ભીના અવાજે કહ્યું,
“નમ્ર, ત્યારે પણ વાંક તારો કે મારો નહોતો. અને આજ પણ સંજોગ જ રમત રમી ગયા છે. હું ક્યારેય મજબૂરીમાં લેવાયેલ નિર્ણય પસંદ નહીં કરું. હું પણ શિક્ષિત છું. હું સ્વમાનભેર મારા પગ પર ઉભા રહેવાનો પ્રમાણિક પ્રયાસ કરીશ જ.”
પણ પછી તો નમ્ર અને રુજુ સમયનું પરિમાણ ભુલીને વાતોમાં મગ્ન થતાં ગયાં. લગભગ કલાક બાદ કિરણે હળવાશથી પ્રવેશ કર્યો,
“અરે તમે બંને તો મને બોલાવવાનો ભુલી જ ગયાં. હું મિત્રો સાથે માત્ર તમારે કારણે જ ગયો નથી.
ચાલો, જણાવો કે મારી આ સુંદર સંધ્યાની કુરબાનીનું શું પરિણામ આવ્યું?”
નમ્રએ કિરણનો હાથ પકડીને કહ્યું,
“દોસ્ત, તું મુકીને ગયો પછી થોડી પળ અમે બંને પોતપોતાના સ્વાભાવિક અહંકારમાં વ્યક્ત થતાં રહ્યાં પણ બંને જાણતાં હતાં કે દિલ કંઈ અલગ કહેતું હતું અને દિમાગ બીજી તરફ ખેંચી રહ્યું હતું.”
રુજુએ વાતનો આગળનો દોર સંભાળતાં કહ્યું,
“કિરણ, ધીમેધીમે અમને બંનેને સમજાતું ગયું કે હજી અમે એકબીજાની જિંદગીમાં એકબીજાથી બહુ દૂર નથી ગયાં. ફરી એક વાર પેલા બગીચામાં બાંકડે બેસવાની ઇચ્છા હજી દિલના એક ખૂણે જાગ્રત છે.”
એ રાતે કેમ્પફાયર વખતે કિરણે મિત્રો વચ્ચે રુજુની કહાની અને એ કહાનીના સુખદ અંત અને હવે નમ્ર અને રુજુની નવી જિંદગીના સુખદ આરંભની ખુશખબર જાહેર કરી.
સોપારકરના સુંદર નેચરોપથી સેન્ટરના વિશાળ આંગણામાં ભેગા થયેલા મિત્રો માટે આ ગેટ ટુ ગેધર અવિસ્મરણીય બની રહ્યું. કેમ્પફાયરના અગ્નિની સાક્ષી અને મીઠા ધીમા અવાજે વાગી રહેલા ગીત પર દરેક મિત્ર પોતાના પાર્ટનર સાથે કુદરતની એક અનર્ગળ મસ્તીમાં ઝુમી રહ્યો હતો.
જબ કોઈ બાત બિગડ જાયે,
જબ કોઈ મુશ્કિલ પડ જાયે,
તુમ દેના સાથ મેરા, ઓ હમનવાઝ..
નમ્રએ બહુ સલુકાઇથી પોતાનો હાથ રુજુ તરફ લંબાવ્યો અને રુજુએ એક પળના ખચકાટ બાદ એ હથેળીમાં પોતાની નરમ સુંવાળી હથેળી પરોવી દીધી.
કિરણ સહિત તમામ દોસ્તોએ એ અનોખા રિયુનિયનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. બીજે દિવસે બધા જ દોસ્તો એક સુંદર યાદગીરી મનમાં લઈ વિદાય થયા.
ડો. કિરણ સોપારકર પોતાની ચેમ્બરમાં એક અપાર સંતોષની લાગણી સાથે સામે બિરાજેલ વિઘ્નહર્તા ગણુમહારાજનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. નમ્ર એકલો આવ્યો હતો પણ જિંદગીના આ અનોખા વળાંકને સ્વિકારીને રુજુને લઇને એક નવી ગઝલની રચના તરફ આગળ વધી ગયો.