ઊડતી રકાબી
ઊડતી રકાબી
નીતુ મમ્મીના અવસાન પછી મહિને ફરી સ્કૂલ આવતી થઈ હતી. મમ્મીની વિદાયની ઘટના એને સમજાઈ નહોતી રહી. પપ્પા અને દાદા દાદી એને વળગીને રડતાં. ઘેર બહુ બધા મહેમાન આવતા જતા રહેતા. બધા એને માથે હાથ ફેરવીને દિલાસો આપતા જે એને બહુ સમજાતો નહીં.
મહિને ઘરમાં સહેજ સ્વસ્થતા આવતાં નીતુની સ્કૂલ ફરી ચાલુ થઈ. પહેલા અઠવાડિયામાં ટીચરે એલિયન વિશે માહિતી આપી. પરગ્રહવાસી જીવ આપણી ધરતી પર ભૂલેચૂકે દેખાઈ જતા હોય. ઊડતી રકાબીની વાત કરી. નાનકડી નીતુને ટીચરની વાત સાંભળી બહુ નવાઈ લાગી. મનમાં સળવળાટ થયો.
બપોરે ઘેર આવતાં આખો રસ્તો વિચાર આવ્યા. ઘેર પહોંચી ત્યારે વાતાવરણમાં સૂનકાર હતો. પપ્પાને વર્ક ફ્રોમ હોમ હતું એટલે એના રુમમાંથી ફોનના અવાજ આવી રહ્યા હતા. દાદા દિવાનખંડના સોફા પર આડા પડ્યા હતા. દાદી રસોડામાં હશે એમ લાગ્યું.
મીનુ દોડીને દાદા પાસે પહોંચી. એટલી વારમાં દાદી ચાના કપ લઈને આવ્યાં.
“આવી ગઈ મારી દીકરી ! ચા પીશ કે દૂધ બનાવું ? લંચબોક્સ ખતમ કર્યો કે નહીં ?”
“હા દાદી બધું પછી કહું. ઓ દાદા મારી વાત સાંભળો તો !”
દાદા હવે જાગ્રત થયા.
“હા બોલ બેટા.”
મીનુએ હળવેથી વાત શરુ કરી.
“આજે ક્લાસમાં ટીચરે એલિયન, ઊડતી રકાબીની વાત કરી. એ બધા પણ પરગ્રહવાસી કહેવાય. હેં દાદા, તમે નહોતા કહેતા કે મમ્મી પરલોકવાસી કહેવાય. આપણાથી દૂર રહેવા ગઈ હવે. તો હું શું કહેતી હતી કે…” દાદા દાદીના શ્વાસ જરા ઊંચા થયા.
“દાદા ટીચર કહેતાં હતાં કે એ બધા પરગ્રહવાસીઓ કોઈ કોઈ વાર ધરતી પર આવી જાય. તો આપણે મમ્મીને કહી રાખીએ કે જો એ ઊડતી રકાબી જોવે તો ટિકિટ લઈને બેસી જ જાય.”
દાદાના હાથમાં ચાનો કપ ધ્રૂજી ગયો. દાદીને ઉધરસ આવી ગઈ. પપ્પા વાતચીતનો અવાજ સાંભળીને બહાર આવ્યા હતા એમણે મીનુની વાત સાંભળી.
મીનુને બાથમાં લઈને કહ્યું, “વાહ મારી મીનુ તો મોટાં જેવા વિચાર કરતી થઈ ગઈ. હું કાલે જ મમ્મીને ફોન કરીને કહું કે હવે પેલી ઊડતી રકાબી આવે તો ટિકિટ લઈને બેસી જ જાય. બરાબર ને !”
મીનુ રાજી રાજી હતી. બાકીના ત્રણેયે ન દેખાય એમ આંખ લૂછી નાખી.