આઝાદ ગંગુ પરિવાર
આઝાદ ગંગુ પરિવાર
“આજની વ્યસ્ત દુનિયામાં સારી જિંદગી જીવવા દરેક સંઘર્ષમાં જીવે છે. આપણે શારીરિક શ્રમથી નહીં પરંતુ મનમાં ફરતા વધારાના વિચારોને લીધે થાકી જઈએ છીએ.”
મોટીવેશનલ સ્પિકર ચંદનરાવની જુસ્સાસભર વાણી માઈક પરથી હોલમાં બેઠેલા દરેકને મંત્રમુગ્ધ કરી રહી હતી.
“વાત તો સાવ સાચી.” ખચોખચ ભરેલા હોલમાં દરેકને એવું થયું. દરેકને પોતાના મન સાથે કોઈ ને કોઈ માથાકુટ ચાલતી રહે છે. ચંદનરાવ પોડિયમ પર મુકેલા કાગળમાં લખેલું વક્તવ્ય બને એટલા ભાવ સાથે પ્રદર્શિત કરી રહ્યા હતા.
ખરા અર્થમાં માણસે ઉત્તમ જીવવું હોય તો મન અને મગજ વચ્ચેના સંઘર્ષમાંથી આઝાદ થઈ જવું જોઈએ. ખરી આઝાદી તનની નહીં મનની હોય છે.વગેરે.. વગેરે..
જિંદગીને પ્રોત્સાહિત કરતા શબ્દો માઈક પરથી વહેતા રહ્યા. પણ બીજાને આઝાદીની વ્યાખ્યા સમજાવનાર ચંદનરાવ મનમાં બીજા વિચારોના વમળમાં ઘેરાયેલા હતા.
“શેખરને કેમ સમજાવવો ? આટલી સારી જોબ છોડીને હવે એને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જોઈન કરવી છે એ કંઈ રમત વાત છે ! ચોખ્ખો જુગાર છે. કાં આકાશની ઉંચાઈ મળે કાં પાતાળમાં જઈ પડો. લોકોને મનની આઝાદી વિશે ગળું ફાડી ફાડીને કહું છું પણ એ તો મારું પ્રોફેશન છે. આજકાલ મોટીવેશનલ સ્પીચ બહુ ચાલી છે. પૈસાય સારા મળે છે તે આપણે બે શબ્દ બોલવામાં શું ?”
પંદર મિનિટ પછી વક્તવ્ય પૂરું થયું. આયોજકોએ આભારવિધિ કરી. પછી હળવા ચા નાસ્તાનું આયોજન હતું એ ચાલુ થયું.
હોલના દરવાજાના એક ખૂણે ઉભડક પગે બેઠેલા ગંગુએ બરાબર એક ઉંઘ ખેંચી લીધી હતી. માલિકે કહ્યું હતું કે,
“હોલ ખાલી થઈ જાય પછી સફાઈ કરીને જજે.”
"આ સાહેબ કલાકેક બોલ્યા એમાં
આઝાદી સિવાય એકે શબ્દની ટપ્પી પડી નહીં. એમ આછું પાતળું સમજાયું કે બહુ વિચાર કરવા નહીં. હશે મારે શું ? ઝટ સફાઈ પતાવીને ઘેર પહોંચી જઉં એટલે હુંય આઝાદ."
વધેલો ચા નાસ્તો થેલીમાં ભરીને ઘેર પહોંચેલા ગંગુએ ચારેય છોકરાં અને મંગીને કુંડાળામાં બેસાડીને થેલી ખોલી.
“બાપુ આજ તો બહુ નાસ્તો લાયા.”
“હોવે ચા ય મસાલાવાળી છે.”
“મોટા લોક રોજ આવી જ પીવે.”
“બાપુ તમારે રોજ એ હોલની નોકરી કરવી.”
છોકરાં વાતોએ ચડ્યાં. મંગીએ પૂછ્યું,
“આજ શાનો પોગ્રામ હતો ?”
“બહુ તો ના હમજાયું. કોક મોટા માણસ મનની આઝાદીને એવી બધી વાતો કરતા હતા.”
“તે એટલામાં બે કલાક બોલ્યા ?”
“હા. હાચું કહું ? મને હો એવો જ વચાર આયો કે બળ્યું એમાં મનની આઝાદી તે કેવી હોય ? આ આપણે તો સાંજ પડે કામ કરીને એવા થાકી જ્યા હોઈએ કે વચાર કરવાના યાદેય નહીં આવતા.”
મંગી હસી પડી. “અહીં તો પૈસા નહીં એટલે ખિસ્સાં ખાલી છે અને ખિસ્સાં ખાલી છે એટલે કોઈ જોખમ નહીં. કોઈ જોખમ નહીં એટલે એ...યને મનમાં કોઈ વચારેય નહીં ફરકતા. આ જો ને, અત્તારની ખાવાની ચંતા ટળી ગઈ. તે મગજ શાંત છે.”
“વાહ મારી મંગી, તું તો આજે પેલા માઈકમાં બોલતા હતા એ સાયબ જેવું બોલી.”
"શું તમેય તે !”
મંગી સાડીનો છેડો દાંતમાં ભરાવીને શરમાઈ ગઈ. ગંગુ અને મંગી મનની આઝાદી માણતાં ચાર છોકરાં સાથે ટોળટપ્પાં મારીને રાતે ગોદડીઓ પાથરીને ઘોંટાઈ ગયાં. ચંદનરાવ આવતી કાલના વિષય પરની તૈયારીમાં વ્યસ્ત હતા.
મોડી રાતે માથાના દુ:ખાવાની અને ઉંઘની ગોળી લઈને વિચારોની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસમાં પડ્યા.