Leena Vachhrajani

Tragedy Others

4  

Leena Vachhrajani

Tragedy Others

જાગતું સપનું

જાગતું સપનું

2 mins
459


મસમોટા બગીચાની વચ્ચે બોગનવેલથી સુશોભિત પોર્ચ અને ભવ્ય “સ્વપ્ન” બંગલો. વિશાળ ભીની ..મીઠી લીલીછમ લોનથી આચ્છાદિત સુવ્યવસ્થિત બગીચામાં રાતરાણી મહેકી રહી હતી. ચારે કિનારીએ દેશ-વિદેશથી મંગાવાયેલાં કેટલાંય ફૂલના રંગીન કુંડાં ગોઠવાયેલાં હતાં. મત્સ્યકન્યાના આકારનો ફુવારો ઝરમર જળ ઊડાડતો જીવંતતા બક્ષી રહ્યો હતો. ફુવારાની જ એક બાજુ ચોરસ જગ્યામાં બાંધેલા ચકચકાટ પિત્તળના આંકડીયાવાળા હીંચકે ઝૂલતી એક અપ્સરા સમી આકૃતિ એટલે ફિલ્મઇન્ડસ્ટ્રીની સુપરહીટ એક્ટ્રેસ મોહિની અને એની સામે ગોઠવાયેલા ગોળ આરસના ટેબલની ફરતે માંડેલી એવા જ આરસની ખુરશીઓમાંથી એક પર ફિલ્મી સ્ટોરી લખતા મશહુર લેખક “અનામ” અને બાજુની ખુરશી પર પ્રખ્યાત વકીલ જગતાપ વિચારવિમર્શમાં મશગુલ હતા.

“જો મોહિની આપણે બે વર્ષનો કોન્ટ્રેક્ટ કર્યો છે. એ મુજબ તમે બે વર્ષ દરમ્યાન બીજા કોઈ પ્રોડક્શનહાઉસ સાથે કામ ન કરી શકો. લગ્ન ન કરી શકો.”

મોહિની આકુળવ્યાકુળ હતી. 

“અરે ! પણ મેં તો તમારા પર અંધ વિશ્વાસ મૂકી કોન્ટ્રેક્ટ સાઈન કરી દીધો હતો. આવું તો કોઈ કરે ?”

“મોહિની હવે તમે સુપરસ્ટાર બની ગયાં એટલે નખરાં કરવાનાં ?”

“નો નો સર. હું એવું કેવી રીતે કરી શકું ? પણ મને પણ મારી જિંદગીના મહત્વના ફેંસલા કરવાનો હક મળવો જોઈએ ને ? હું બધા જ પ્રોજેક્ટ પૂરા કરવાની જ છું.”

અને વકીલ, લેખક અને એક્ટ્રેસ વચ્ચે ચર્ચા પર ચર્ચા ચાલુ રહી. ક્યારેક ધીમા અવાજે, ક્યારેક મોટા અવાજે, ક્યારેક કડક શબ્દો, ક્યારેક તીખા પ્રહાર વળી સમજાવટના સંવાદ..

“મોહલી.. અલી ચ્યોં ઘોડા વેચીને સૂઈ ગઈ છો ?”

“જુઓ જગતાપ સર..”

“અલી મુઈ કોનાં નામ બડબડે છે ?”

“હું આવતા મહિને મુકેશ સાથે લગ્ન કરવાની છું.”

“હાય.. હાય.. આ છોડી હાથથી ગઈ. સપનામાંય મુકલાને રેઢો મેલતી નહીં.”

અને એક જોરદાર ધક્કાથી મોહિની જાગી ગઈ.

આંખ પર હજી ભાર હતો. ધીરેધીરે આંખ ખોલી.

અને કપાળ કુટીને કાથીના ખાટલામાં બેઠી થઈ. 

“મા કેટલું જોરદાર સપનું હતું ! જોવા દેવું હતું ને ! જગાડીને બધું બગાડી નાખ્યું.”

“અલી મોહલી, તારું નામ તારા બાપાએ પાડ્યું તારે જ મેં કહેલું કે આ છોડીનું નામ પિચ્ચરની હિરોઈન જેવું ના પાડો ભઈસા’બ. પછી પાછી તું હિરોઈન જેવી જ રુપાળી તે બધા તને હિરોઈન જ કહે. પણ મું કહું છું કે સમજી જા હજી. આપણાં નસીબ એવાં નહીં આલ્યાં ભગવાને. હમજી ?” 

“મા.. સપનાં તો જોવાય ને !”

“જોજે પછી. હેંડ અત્તારે ચા પી ને ઝાડુ ઉપાડ. ઘરનું કોમ કરીને સાથે જ કામ કરવા જઈએ. આજે સ્વસ્તિક બંગલાવાળા જગતાપશેઠને ત્યાં મહેમાન છે. એમની છોડીની સગાઈ છે. તે પહેલાં કચરાપોતાં કરીને ઘર ચોખ્ખું કરી આલવાનું છે. પછી બીજા ત્રણ ઘેર કોમ પતાઈને ફરી આઈશું ત્યાં વાસણ થઈ જ્યોં હશે.”

મોહિની ઉજળી જિંદગીને પાંપણની પાછળ ધકેલીને રાત્રે સપનારુપે ફરી મળવાના વાયદા સાથે દુપટ્ટો વિંટાળી તૈયાર થઈ ગઈ.

“હેંડ તારે આ જ જિંદગી છે આપણી તો..” પાછું મન સળવળાટ કરી વળ્યું, “પેલા જગતાપશેઠનો ડ્રાઈવર મુકેશ મળશે. એ ગમતો થયો છે. એય તો મને હમજે છે. હેંડ મારા રામ કોમે ઉપડીએ.”

દિલમાં એક જાગતા સપનાને લઈને મોહલીએ સાવરણી ઉપાડી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy