Leena Vachhrajani

Drama Inspirational

4  

Leena Vachhrajani

Drama Inspirational

સફળ દરજી

સફળ દરજી

3 mins
314


ગામના વડીલ વેલા દરજીનું અવસાન થયું. એમના બેસણામાં લગભગ આખું ગામ ઉપસ્થિત હતું. કારણ મોટા ભાગના ઘરોમાં વેલા દરજીના સીવેલા કપડાં જ પહેરાતાં. હા, પાંચ સાત વર્ષ પહેલાં ગામમાં ફેશનેબલ ટેલરનો ચિલો પડેલો પણ તોય વેલા દરજી પાસે કામ ઓછું નહોતું થયું. 

તારક ટેલરને સમજાતું નહોતું કે પોતે રીતસર ભણીને ફેશન ડિઝાઈનિંગ શીખ્યો છે. દેશી જુનવાણી પધ્ધતિને બદલે આધુનિક ટેલરીંગ કામ જાણે છે. મોર્ડન કપડાં સીવી આપે છે તોય લોકો હજી વેલાકાકાને જ કપડાં સીવવા આપે !

બે વર્ષ થયાં તોય પાંચ દસ ટકાનો જ ફર્ક પડેલો. એટલે અકળાઈને એક દિવસ તારક વેલાકાકાની નાનકડી દેશી દુકાને પહોંચી ગયો. 

“કાકા કેમ છો ?”

વેલા દરજીએ ચશ્માની નીચેથી જોયું.

“બસ જો ભગવાનની મહેરબાની છે ભાઈ. આવ બેસ. ચા પી.” 

“વેલાકાકા એક વાત પૂછું ?”

“હા ભાઈ પૂછ ને ! તમારી નવા જમાનાની હશે તો મને નહીં ખબર પડે હોં !”

“ના ના સામાન્ય જ છે. વેલાકાકા, આ તમારી સફળતા પાછળનું રહસ્ય જણાવશો ? હું બે વર્ષથી ધંધો જમાવવા ધમપછાડા કરું છું. પણ ગામમાં તમારી જબ્બર છાપ છે. કોઈને તમારી પાસેથી મારે ત્યાં આવવું નથી. એ જ દેશી કપડાં પહેરવાં છે પણ આધુનિક ડિઝાઈન નથી પહેરવી.” 

“એવું છે ને ભાઈ, હું કોઈ મોટો જાદુ નથી કરતો. પણ કોઈ ગ્રાહકને ક્યારેય નારાજ નથી કરતો.”

“એવું તો બને ? કાતર ક્યારેક તો આડી ચાલે જ. ભૂલ તો પડી જ હોય.”

“હા એમ બહુ ભૂલ નથી પડી. પણ ભૂલ સુધારતાં આવડે એટલે લોકોને જબરદસ્ત વિશ્વાસ છે.”

“એમ ?”

“હા એક વાર પેલો મંદિરની ગલીમાં પરસોત્તમ નથી રહેતો ? એ પોતાના મોટા દીકરાની ચડ્ડી સીવડાવવા કપડું આપી ગયો. મેં માપ લઈને કહ્યું, 

બે દિવસ પછી લઈ જજે.”

હવે તારી તો ખબર નથી પણ દરજી પોતાના પરિવારનાં કપડાં તો ગ્રાહકના કપડાંમાંથી બનાવવાનો વેત કરી જ લેતા હોય. એટલે મેં મારા ત્રીજા નંબરના છોટુની ચડ્ડી પરસોત્તમના કપડામાંથી બનાવી. 

હવે બે દિવસ બાદ પરસોત્તમ આવ્યો ત્યારે ભૂલથી પરસોત્તમના મોટા દીકરાની ચડ્ડી આપવાને બદલે પોતાના છોટુની નાની ચડ્ડી આપી દીધી.

સાંજે પરસોત્તમ અકળાયેલો આવ્યો.

“વેલાકાકા આ શું ? કેટલી નાની ચડ્ડી બનાવી નાખી ? માપ તો લીધું હતું !”

વેલા દરજીએ ચડ્ડી હાથમાં લીધીને સમજાઈ ગયું.

“અરે ! આ તો છોટુની ચડ્ડી ! ભારે ભૂલ થઈ.”

“જો પરસોત્તમ આકરો ન થા. આ ચડ્ડી મુકીને જા. હું સરખી કરી દઈશ.”

“વેલાકાકા ઊંધી ગંગા વહે ? કોને બનાવો છો ? મોટી ચડ્ડીમાંથી નાની થાય એ તો જાણે સમજાય. પણ આ નાની ચડ્ડીમાંથી મોટી ? ક્યાંય સાંભળ્યું છે ?”

વેલાકાકાએ અનુભવી સ્મિત ફરકાવતાં, પેન્સિલ કાન પાછળ ભરાવતાં, નાકની દાંડી પર ઉતરી ગયેલાં ચશ્માની નીચેથી પરસોત્તમને કહ્યું,

“જો પરસોત્તમ એક વાર કહ્યું ને !

તું શાંતિથી જા.

અને હા, શંકા કુશંકા ન કર.”

અને પરસોત્તમ સામે આત્મવિશ્વાસથી ભરપૂર નજર નાખી કહ્યું,

“દરજી તું છે કે હું ?”

“કાકા દરજી તો તમે.”

અને બીજે દિવસે પરસોત્તમ એકદમ આશ્ચર્યચકિત થતો મોટી ચડ્ડી લઈને અહોભાવથી ઘેર ગયો.

“બસ એ દિવસથી આજ સુધી ગામમાં વેલા દરજી કાંઈ પણ કરી શકે, કોઈ પણ ભૂલ સુધારી શકે એ અંધવિશ્વાસે મારું કામ ધમધોકાર ચાલ્યું જાય છે.

જો ભાઈ સફળ થવું હોય તો ભૂલ સુધારવાની તરકીબ શીખી લે. પછી આખું ગામ તારી દુકાને હશે.”

અને. વેલા દરજીના બેસણામાં તારક ટેલરે બહુ માન અને શ્રદ્ધાથી સફળતાનો ગુરુમંત્ર શિખવાડનાર ગુરુને ફૂલની પાંખડીરુપે શ્રદ્ધાંજલિ અર્પી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama