Leena Vachhrajani

Romance Classics

4  

Leena Vachhrajani

Romance Classics

ઈતિહાસ

ઈતિહાસ

4 mins
416


ઈતિહાસવિદ્ પ્રોફેસર શેફાલી પોતાની ટીમ સાથે નવાઘાટની ગુફામાં સંશોધન માટે પહોંચી ગઈ. દર થોડા સમયે ઈતિહાસના કોઈ ને કોઈ નવા નવા સંશોધનો શેફાલીના નામે ન્યુઝપેપરમાં ઝળકતાં રહેતાં.  શેફાલીને પુરાતત્વખાતાએ નિયુક્ત કરી હતી. એ એની ટીમ સાથે દેશ વિદેશ ઘુમતી રહેતી અને યુગો પહેલાં ધરબાઈ ગયેલા ઈતિહાસને બહાર લઈ આવતી. ક્યાંક કાળની થપાટમાં ધરબાઈ ગયેલાં શહેરો, ક્યાંક જળની જગ્સાએ સ્થળ થઈ ગયેલી જગ્યાઓ. 

પણ છેલ્લા કેટલાક સમયથી શેફાલી માત્ર એક વિષય પર ધ્યાનસ્થ હતી. પંદરેક દિવસ પહેલાં ઓફિસમાં છેલ્લા સંશોધન વિશેનો રિપોર્ટ સબમિટ કરી રહી હતી. પટાવાળો નારાયણ ઓફિસમાં ચા લઈને દરેકના ટેબલ પર ફરી રહ્યો હતો. શેફાલીના ટેબલ પર એણે મગ મુક્યો. 

“મેડમ, સેન્ડવિચ લઈ આવું ?”

“હેં! હા એક લઈ આવ ચાલ.”

એટલી વાત દરમ્યાન નારાયણની નજર શેફાલીના ડેસ્ક ટોપ પર પડી. કોઈ મોટી મોટી ગુફાઓ હતી. 

“મેડમ આ કઈ ગુફાઓ છે ?”

“આપણે અહીયાં નથી. પરદેશમાં છે.”

“તે આપણે ત્યાંય આવી ખતરનાક ગુફાઓ છે હોં ! મારા ગામની નજીક પહાડોની બખોલમાં થઈને સાંકડા રસ્તા છે. અને તમને ખબર છે ? આજે પણ ત્યાં યોગીબાબા બિરાજે છે. એમની પાસે વિશિષ્ટ શક્તિ છે. એ ઈચ્છાપૂર્તિ વરદાન આપે છે એવું સાંભળ્યું છે.”

શેફાલીના કાન હવે ચમક્યા. જીવનમાં અધૂરી રહી ગયેલી એક માત્ર ઈચ્છા જો પૂરી થઈ જાય તો તો જિંદગી સામે કોઈ ફરિયાદ જ ન રહે. અને દસ વર્ષ પહેલાં સાગર કિનારે વાસુ સાથે થયેલી પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ. કોલેજમાંથી ટ્રીપ પર ગયેલી શેફાલી ગોવાના દરિયા કિનારાના સૌંદર્યમાં એવી મગ્ન થઈ ગઈ કે બાકીના બધા હોટલ પર જતા રહ્યા તોય એને ખબર ન રહી. 

સાગરની ઉછળતી લહેરો અને આથમતા સૂરજની જૂગલબંદી માણવામાં લીન શેફાલીના ખભે કોઈએ હાથ મુકીને એને પાછળ ખેંચી. શેફાલી હબકી ગઈ. 

એય…. “

“ડર નહીં. આ ભરતી વધતી જાય છે અને તું કમરભર પાણીમાં ઉભી ઉભી ન જાણે ક્યાં ખોવાઈ ગઈ છો ?”

“હેં..!”

“હા જો તો ખરી.”

શેફાલીએ નજર દોડાવી. ખરેખર પાણી કમરથી ઉપર સુધી હતું.

“ઓહોહો!”

સહેજ પાછળ ફરીને જોયું તો સાવ અજાણ્યો યુવાન એનો હાથ પકડીને બહાર લાવી રહ્યો હતો. 

“સોરી સોરી! આ કુદરતી નજારો જોવામાં મને તો ખ્યાલ જ ન રહ્યો. પણ મારી સાથેના કોલેજવાળા મિત્રો દેખાતા નથી.”

“ઓહ! તું ગૃપમાં આવી છો ? તો તો એ લોકો બેદરકાર કહેવાય કે એક પણ જણ બાકી હોય ત્યાં સુધી જવાય જ કેવી રીતે ?”

અને વાસુ શેફાલીને હોટલ સુધી મુકવા આવ્યો. બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લીધા. પછી પરિચય કેળવાયો અને મીઠી લાગણીમાં બંને બંધાયાં. પણ..પરિચયથી શરુ થયેલો સંબંધ પરિણય સુધી પહોંચે એ પહેલાં વાસુ શેફાલીની જિંદગીમાંથી જેમ અચાનક આવ્યો હતો એમ જ અચાનક ગાયબ થઈ ગયો. શેફાલી વર્ષો સુધી એ મિસ્ટ્રી ઉકેલવામાં અસફળ રહી.

“મેડમ ઓ મેડમ !”

“હં.. નારાયણ મને એ ગુફાનું સરનામું આપ. હવે ત્યાં જઈશું.”

અને શેફાલીની ટીમ નારાયણે આપેલા સરનામે નવાઘાટની ગુફામાં પહોંચી ગઈ. ખરેખર નારાયણે કહેલું એવા જ વિકટ રસ્તાવાળી ગુફા હતી. સાચવીને બધા ગુફામાં પહોંચ્યા. ટીમ ગુફાની આસપાસના પથ્થરો, ખડકો, રેતી, માટી અને એના આકારોના ફોટા અને માહિતી ભેગી કરવામાં પડી. શેફાલી રોમાંચ સાથે ગુફાની અંદર પ્રવેશી જાણે વાસુ અંદર રાહ જોતો હોય !

દિલમાં ફરી એક આશા જન્મી. ધીરે ધીરે ટોર્ચની રોશનીમાં આગળ વધતી શેફાલી એક ભારેખમ અવાજથી રોકાઈ ગઈ. પડઘાને સીધે અવાજ ક્યાંથી આવી રહ્યો છે એ સમજાઈ નહોતું રહ્યું.

“બચ્ચા ઈધર આ જાઓ.”

“પણ બાબા ક્યાથી બોલો છો ?”

“ઉપર દેખ. હમ ઉપર હૈં.”

શેફાલીએ આશ્ચર્યથી ઉપર નજર કરી અને સ્તબ્ધ થઈ ગઈ. બાબા ઉપર અધ્ધર હવામાં પદ્માસન વાળીને બેઠા હતા. 

“પ્રણામ બાબા.”

અને બાબા હવામાં સરકીને નીચે આવ્યા.

“ખુશ રહો બચ્ચા.”

“બાબા હું ઈતિહાસવિદ્ છું. ગુફાનો ઈતિહાસ અને એના વિશે માહિતી મેળવવા આવી છું.”

“જૂઠ મત બોલ. તુ ઈતિહાસ ખોજને નહીં, કિસી ઓરકો ખોજને આઈ હૈ.”

“બાબા.. સાચું સાચું શોધી લીધું.  તો હવે મને એના વિશે કહી જ દો.”

“સિર્ફ કહુંગા નહીં, દિખાઉંગા ભી..”

શેફાલી અધ્ધર શ્વાસે બાબા સામે જોતી રહી. બાબાએ કોઈ મંત્ર બોલતાં બોલતાં હવામાં ધુમાડાનું એક વર્તુળ બનાવ્યું. અને હાથમાં કોઈ વસ્તુ હતી એનો મંત્ર બોલીને એ વર્તુળ પર પ્રયોગ કર્યો. ધીરે ધીરે એર આકાર દ્રશ્યમાન થયો. શેફાલી આનંદથી ઉછળી પડી.

“વાસુ.. વાસુ..”

વાસુ બોલ્ય વગર એ ધુમાડાના વર્તુળમાં બે પાંચ પળ દેખાયો ન દેખાયો અને અંતર્ધ્યાન થઈ ગયો. 

“બાબા વાસુને પાછો લાવો. મેં મહાપ્રયત્ને એને ભૂલ્યો છે. હવે ફરી એને ખોવાની મારી હિંમત નથી.”

શેફાલી આખી ગુફામાં વાસુ વાસુ નામની બૂમો પાડતી રહી. એના પડઘા પડતા રહ્યા.

“બચ્ચા વો અબ ઈસ દુનિયામે નહીં હૈ. મૈં સિર્ફ તુજે યહી દિખાના ચાહતા થા કિ તુ જિસકી બાત કર રહી હૈ વો કઈ સાલ પહેલે ઈતિહાસ બન ગયા હૈ. ઉસકી પ્રતિક્ષા મત કરના.”

શેફાલી ભાંગી પડી. માંડ પોતાની જાતને એકઠી કરીને ગુફા બહાર પહોંચી. ટીમે પોતાનું ગ્રાઉન્ડ વર્ક પૂરું કરી લીધું હતું. બે દિવસ બાદ શેફાલીએ ટીમે આપેલા રિપોર્ટ નીચે પોતાની ટિપ્પણી ઉમેરી.

“ગુફાના ઈતિહાસને લગતા નીચેના મુદ્દાઓ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે. બાકી ગુફાની અંદર કોઈ સંશોધનને લગતા પદાર્થ મળ્યા નથી. હવે એને અસંશોધિત ઈતિહાસને હવાલે કરવામાં આવે છે.”

અને પલળેલી પાંપણે ફાઈલ બંધ કરી.


Rate this content
Log in

Similar gujarati story from Romance