Priti Shah

Inspirational Others

4  

Priti Shah

Inspirational Others

સ્વતંત્રતા કે સ્વચ્છંદતા

સ્વતંત્રતા કે સ્વચ્છંદતા

4 mins
371


કયાંક, સ્વતંત્રતા પામવાની હોડમાં, કયાંક, પુરુષ સમોવડી બનવાની લ્હાયમાં, કયાંક, આકાશને આંબવાની ઉતાવળમાં, આપણે કયાંક સ્વચ્છંદતા તરફ દોટ તો નથી મૂકી રહયાં ને ? આપણા પગ નીચેથી ધરતી તો નથી સરકી રહીને ? કે પછી ધરતી પર પગ મૂકવાનું જ તો નથી ભૂલી ગયા ને ? સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે એક પાતળી ભેદરેખા છે. જેને આપણે સમજવી જ રહી. આ વાત કોઈ પુરુષ કોઈ સ્ત્રીને સમજાવી જ નહી શકે. સ્ત્રી હઠમાં આપણે જ આપણું અસ્તિત્વ જોખમમાં ન મૂકી દઈએ. એનું ધ્યાન આપણે જ રાખવું પડશે. આવો, આપણે જ આપણી જાતને તપાસીએ.

સ્ત્રી શકિત, સ્ત્રી સશકિતકરણ, સ્ત્રીની સ્વતંત્રતા વિશે ઘણાં કાયૅક્રમો થયાં. ઘણું બધું લખાયું અને સ્ત્રી એ કક્ષાએ પહોંચી પણ ખરી. શું ખરા અથૅમાં આપણે સ્વતંત્રતા ઈચ્છીએ છીએ ખરાં ? કે સ્વતંત્રતા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખરાં ? ફકત વાતો કરવાથી કે ઢોલ-નગારાં પીટવાથી કે રોદણાં રડવાથી કાંઈ વળવાનું નથી. એની જવાબદારી દરેક નારીની છે.. કોઈ એક નારીનો ખભો આ ભાર ઉપાડી જ ન શકે.

મારી દૂરંદ્રષ્ટિ કહે છે કે આવનારા દિવસોમાં કયાંક એવું ન બને કે જે પુરુષો નારીને કે નારી-શકિતને પ્રોત્સાહિત કરી રહયા છે. તે જ પુરુષો નારીની સ્વચ્છંદતાના વિરોધમાં સરઘસો કાઢતાં જોવા મળે તો નવાઈ નહિ. પરંતુ આપણે એ હદ સુધી નથી પહોંચવું. આપણે તો હજુ ચાલવાનું શરૂ કર્યુ છે. ઘણું બધું ચાલવાનું જ નહિ પણ દોડવાનું છે. પણ એ દોડ ફકત પુરુષ સમોવડી બનવા સુધી જ સીમીત હોવી જોઈએ. આપણે સ્ત્રી સ્વતંત્રતા માટે આંધળા બનીને દોટ મૂકીએ એ તો ન જ ચાલે. આપણે તો ફકત સ્વતંત્રતા તરફ દોટ મૂકવાની છે. પણ ત્યાં કયાંક સ્વચ્છંદતા ઓળંગાઈ ન જવાય એની કાળજી પણ આપણે જ રાખવાની છે.

આપણે નારી સ્વતંત્રતા માટે સરઘસો કાઢયાં, પણ, કયારેય કોઈએ આપણને સ્વતંત્રતાની હદ બતાવી ખરી ? કે અહીંથી સ્વતંત્રતા પછીની હદ પાર કરશો તો સ્વચ્છંદતા આવી જશે.

અમે તો આમ નહિ કરીએ, અને અમે તો તેમ નહિ કરીએ. અમે તો નારી, અમે તો આમ જ કરીએ. આપણે પુરુષ સાથે ખભે-ખભો મિલાવીને ચાલવાનું છે. આપણે કાંઈ તેમના વિરોધી નથી બનવાનું. એ વિરોધમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે કયાંક ને કયાંક પિતા-ભાઈ, પતિ-પુત્ર સામેલ છે. જેમના થકી આપણે છીએ અને આપણા થકી એ છે. બન્ને એકબીજાનાં પૂરક છીએ. તેનો અહેસાસ આપણે ભૂલી ગયા છીએ.. હા, નારી સમ્માનિત ચોકકસ થવી જોઈએ. પણ બીજાને અપમાનિત કરીને નહિ. આપણું સન્માન જાળવવામાં કયાંક બીજાનું સન્માન જાળવવાનું ભૂલાઈ ન જાય એનું ધ્યાન તો આપણે રાખવું જ રહયું...

કયારેય કોઈ વસ્તુનો અતિરેક થવો ન જોઈએ. ખાવામાં અતિરેક થઈ જાય તો પાચનશકિત પર અસર પડે. બોલવામાં અતિરેક થઈ જાય તો સંબંધો પર અસર પડે. તેવી જ રીતે સ્વતંત્રતામાં અતિરેક થઈ જાય તો સ્વચ્છંદતામાં પરિણમે.

આપણે નારી-દિવસ અને માતૃ-દિવસ ઉજવીએ છીએ. આપણે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં અંજાઈ તો નથી ગયાં ને ?... આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીએ એમાં વાંધો નથી. સાથે-સાથે આપણી સંસ્કૃતિ ને સભ્યતાને વળગેલાં રહીએ એ જરૂરી છે.

દરેક માતાએ આ વાત પોતાની દિકરીને સમજાવવી જ રહી. આપણે આપણી દિકરીને સ્વતંત્રતા ચોકકસ આપીએ પણ સાથે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ પણ સમજાવીએ. સાથે-સાથે દિકરાને પણ નારીનું સન્માન કરતાં શીખવીએ. દરેક દિકરો જો આ વાત સમજી જાય ને તો આપણી અડધી લડાઈ અહીં જ પૂરી થઈ ગઈ. દરેક માતા જો આ કાયૅ હાથમાં લે ને તો એનાં પરીણામ સ્વરૂપે નારીની સ્વતંત્રતા એની મૂઠ્ઠીમાં હશે. એ વાતને કોઈ બે મત નથી. કોઈ સ્ત્રીએ સ્વતંત્રતા માંગવી જ નહિ પડે. ખાસ કાંઈ વધુ મહેનતની જરૂર નથી. ખાતર રૂપી સંસ્કારો સીંચવાનું કાયૅ કરવાનું છે. બસ, એ બીડું ઝડપવાનું કામ નારીશકિત એ જ કરવાનું છે. નારી ધારે તે કરી શકે. તો બસ, આપણે આપણા મૃત થઈ ગયેલાં એ છોડને જીવંત કરવાનું કાયૅ ન કરી શકીએ ?...

મારી મમ્મી હંમેશા કહેતી કે દિકરીને તો રોટલીનાં લોટને કેળવીએ ને એમ કેળવવી પડે. કંઈક અંશે આજે મને એની વાત સાચી લાગે છે. ઘણી વાતો એવી હોય છે કે કોઈ આપણને ઢોલ-નગારાં પીટીને સમજાવેને તો પણ ન સમજાય. જે એક નાનકડા અનુભવથી હ્રદય સોંસરવી ઉતરી જાય. દિકરીને બેવડી જવાબદારી નિભાવવા માટે તૈયાર કરવાની છે. સાથે પોતાના સ્વમાનની રક્ષા કરતાં પણ શીખવવાનું છે.

સાસુ, ‘માઁ’ બને કે ન બને. વહુ, ‘દિકરી’ બને કે ન બને. પહેલાં આપણે એક સ્ત્રી બનીએ. સ્ત્રીનો આદર- સત્કાર કરીએ. જે દિવસથી એક નારી બીજી નારીને માન આપતી થઈ જશે ને તે દિવસથી કોઈ પુરુષની તાકાત નહિ રહે કે કોઈ સ્ત્રી નું અપમાન કરે...

ચાલો, આપણે સૌ નારી ભેગી મળીને સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજીએ. ને આપણી દિકરીઓને પણ સમજાવીએ. આપણે પણ વુમન્સ-ડે અને મધસૅ-ડે ઉજવીએ. સાચા અથૅમાં માતૃત્વને દીપાવીને ગૌરવશાળી બનાવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational