mariyam dhupli

Abstract Romance Thriller

5.0  

mariyam dhupli

Abstract Romance Thriller

શ્રદ્ધા

શ્રદ્ધા

13 mins
707


એનું નામ શ્રદ્ધા.

રૂપ કહો તો રૂપ, પ્રેમ કહો તો પ્રેમ, ટેવ કહો તો ટેવ, જીદ્દ કહો તો જીદ્દ. મારા માટે તો એ બધુજ હતી. મારુ સર્વસ્વ. પણ મારા હૈયાનાં ભાવ ન કદી હું ઉચ્ચારી શક્યો, ન કદી એ મારા હૃદયના ઊંડાણોમાં ઝાંખી શકી. 

દરરોજ તો એ મને નિહાળતી અને હું એને. એની આંખોમાં આશ હતી અને મારી આંખોમાં પ્યાસ. તરસ શું હોય એ એને મળ્યા પછી જ હું સમજી શક્યો. મારી પાસે આવતા લોકોના મોઢેથી, હૃદયથી ઘણીવાર શબ્દો નીકળી આવતા. 

પ્રેમ, ઈશ્ક, મહોબ્બ્ત.......!

પણ એ સમયે હું એને ફક્ત શબ્દોજ સમજતો. એના ભાવાર્થ તો શ્રદ્ધાને જોયા, જાણ્યા પછી સમજાયા. 

મારી જોડે એની મુલાકાત રઘુએ કરાવી હતી. રઘુ જયારે એને મારી પાસે લઈ પહેલીવાર આવ્યો હતો એ દિવસ,એ ક્ષણ આજે પણ મને બરાબર યાદ છે. જીવન મળ્યાની ક્ષણ ભૂલી ક્યાંથી શકાય ? ત્યારે વિચાર્યું પણ ન હતું કે મારી સામે આવી ઊભેલી એ ચંચળ, નિર્દોષ યુવતી મારા જીવનનો અનન્ય હિસ્સો બની જશે. એ નિર્દોષ હાસ્ય, એ તારલા જેવી ચળકતી મોટી મોટી કથ્થાઈ આંખો, એ લચકીલુ શરીર અને મધથી પણ મીઠી વાણી. પહેલી નજરનો પ્રેમ હતો એ. 

રઘુ જોડે એ નિયમિત મારી મુલાકાત લેવા આવતી. દરેક વખતે એની આશાસભર નજર વડે મને ટગર ટગર નિહાળ્યા કરતી અને હું એ આજીજીસભર દ્રષ્ટિના ઊંડા સમુદ્રમાં કશે ઊંડે ખોવાઈ જતો. આમ તો મારી મુલાકાત લેતા લોકો વચ્ચે ઘણી યુવાન યુવતીઓ પણ આવતી. પરંતુ શ્રદ્ધા. એની વાતજ કઈ જુદી હતી !

એના તરફનું આકર્ષણ અજાણ્યે જ વધી રહ્યું હતું. એને મળવા આવવામાં થોડું પણ મોડું થાય કે મન વ્યાકુળ થઈ ઉઠતું. શું થયું હશે ? આજે કેમ નહીં આવી ? મારાથી ધરાઈ તો ન ગઈ હોય ? ના, ના. એવું ન થાય. મારા મનમાં કેવી ચિંતા અને અસુરક્ષા ડોકાઈ જતી ? અને પછી જેવી એની છમ છમ કરતી પાયલનો અવાજ સંભળાય કે મનમાં રાહત ફરી વળતી. એનો ચહેરો નિહાળી જાતને જીવતા હોવાની નિશ્ચિતતા થઈ જતી. હા, હું એના પ્રેમમાં હતો, છું અને રહીશ. 

હવે એમ ન કહેતા કે હું પ્રેમ કઈ રીતે કરી શકું ? સૃષ્ટિ ઉપર શ્વાસ ભરતા દરેક જીવને પ્રેમ કરવાનો એક સમાન અધિકાર છે. જે રીતે હું શ્વાસ અંદર ખેંચું છું, ઉચ્છવાસ બહાર કાઢું છું, મારી રસોઈ જાતે તૈયાર કરું છું, દિવસ રાત જીવું છું....... એમજ પ્રેમ પણ કરું છું, કરતો હતો અને કરતો રહીશ. 

પણ રઘુ ? 

રઘુની નજરમાં પણ શ્રદ્ધા માટે એ વિશિષ્ટ ભાવો હું નિહાળી રહ્યો હતો. શ્રદ્ધા એની જોડે વાતો કરતી હોય, હાથ વડે પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કરતી હોય, ક્યારેક વાર્તાલાપ વચ્ચે એની આંખોમાં ભેજ હોય તો ક્યારેક એના મોતી જેવા દાંત નું પ્રદર્શન કરતું એનું મન જીતી લેનાર હાસ્ય...રઘુ તો એનેજ અવિરત નિહાળ્યા કરતો. શ્રદ્ધા ના ચહેરા સિવાય વિશ્વમાં કઈ અસ્તિત્વ જ ધરાવતું ન હોય એમ રઘુની આંખો શ્રદ્ધાના ચહેરામાં વિલીન થઈ જતી. એની આજુબાજુ શ્વાસ ભરી રહેલું વિશ્વ જાણે હાજર જ ન હોય અને સૃષ્ટિ ઉપર એ બે એકલા જીવ બચ્યા હોય એમ રઘુ શ્રદ્ધાના એકધારી દર્શન કર્યે જતો. એનું આ વલણ મારા હૈયાંમાં કંઈક જુદાજ ભાવો જન્માવતું. મને રઘુ ઉપર ક્રોધ ઉપજતો. મન અકળાઈ ઉઠતું. મન તો થતું એને એક જોરદાર ધક્કો લગાવી શ્રદ્ધાથી દૂર ફેંકી દઉં. એને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં કે 'એ મારી છે. હું એને પ્રેમ કરું છું.' પણ હું લાચાર હતો. ન તો હું મારા પ્રેમની અભિવ્યક્તિ કરી શક્યો, ન તો રઘુને એનાથી દૂર હડસેલી શક્યો. એક જડ પથ્થર જેમ ઊભો ઊભો રઘુની પ્રેમલીલા નિહાળતો રહ્યો. મારી ઈર્ષ્યા મારા પ્રેમનું શિક્ષણ હતું. 

મને તો હતું રઘુ એક દિવસ સીધે સીધો પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરશે અને પ્રેમ કહાની શરૂ. પણ આ રઘુ તો ઘણો વિચિત્ર નીકળ્યો. શ્રદ્ધા જોડેની એની દરેક વાત હું કાન દઈ ધ્યાનથી સાંભળતો. બન્ને બાળપણમાં એકજ મહોલ્લામાં સાથે રમતા રમતા ઉછર્યા હતા. સ્કૂલમાં પણ જોડે અને કોલેજ પણ એકજ. ખુબજ લાંબી ઓળખાણ હતી. આટલા લાંબા ગાળામાં તો એકબીજાને એટલું ઓળખી લેવાય કે જાત કરતા વધુ સામે વાળો આપણને ઓળખી કાઢે. રઘુ તો શ્રદ્ધાને નખશીખ જાણતો હતો. કઈ વાતોથી શ્રદ્ધાના ચહેરા ઉપર હાસ્ય ઉપસી આવશે, કયો વિષય એને ઉદાસ કરી શકે કે ક્યુ જમણ એને ભાવે કે કેવું ચલચિત્ર જેવાનું એને ગમે એ બધીજ વિગતો જાણે રઘુના હૈયાંમાં લખ્યા વિનાજ નોંધાઈ ગઈ હતી. શ્રદ્ધા જો બે આંસુ સારે તો એના ચહેરા ઉપર હાસ્ય લાવવા રઘુ એની ક્ષમતામાં હોય એ બધુજ કરી શકે. એક દિવસ કેટલાક ગુંડાઓ શ્રદ્ધા વિષે ગમે તેવી બીભત્સ ભાષાનો પ્રયોગ કરી રહ્યા હતા ત્યારે રઘુએ પોતાની બાંય ઉપર ચઢાવી લીધી હતી. શ્રદ્ધાએ એને રોકી લીધો એટલે એ શાંતિથી શ્રદ્ધાને લઈ દૂર નીકળી ગયો હતો. પણ થોડા સમય પછી એ એજ સ્થળે પરત થયો હતો. એ ગુંડાઓ જોડે એને જબરી જપાજપી કરી હતી. હું તો એનું એ રૌદ્ર સ્વરૂપ નિહાળી ડઘાય જ ગયો હતો. એ જપાજપીમાં એને માર પણ ભારે લાગ્યો હતો. બે દિવસ સુધી શ્રદ્ધા એનાથી રિસાઈ ગઈ હતી. માથા ઉપર લગાવેલી પટ્ટીઓ જોડે એ મારી આગળ આવતો. શ્રદ્ધા ફક્ત મને તાક્યા કરતી. એક શબ્દ પણ ઉચ્ચારતી નહીં. સાચું કહું તો હું તો અત્યંત પ્રસન્ન થઈ ઉઠ્યો હતો. એ રઘુ થી જેટલી દૂર રહે, એનાથી જેટલું અંતર રાખે એટલુંજ મારુ મન સુરક્ષિતતાનો અનુભવ કરતું. પરંતુ મારી ખુશી ફક્ત બેજ દિવસની મહેમાન હતી. બે દિવસ પછી શ્રદ્ધા એ પોતાના અબોલા તોડ્યા. રઘુ પાસે પાક્કું વચન પણ લીધું. રઘુએ પણ પાક્કા મન વડે વચન આપ્યું કે હવે પછી આવા કોઈ પણ પ્રકારના કજિયાઓમાં ન પડે. પરંતુ મારું મન માન્યું જ નહીં ને. એ દિવસે એ ગુંડાઓ જોડે ભીડાતા એની આંખોમાં જે લોહી હતું એ શ્રદ્ધાએ નહીં મેં નિહાળ્યું હતું. પણ એક વાત વિચિત્ર હતી. જે રઘુ છાતી ઠોકી શ્રદ્ધાના માન માટે આખા વિશ્વ જોડે લડવા તૈયાર હતો એનું કાળજું શ્રદ્ધા સામે પ્રેમનો સ્વીકાર કરવા માટે ડરીને પાછળ કેમ હડસેલાય જતું ? એની જગ્યાએ હું હોત તો સીધેસીધી પ્રેમની અભિવ્યક્તિ કરી દીધી હોત. પણ દુર્ભાગ્યે હું એની જગ્યાએ ન હતો અને પ્રેમની અભિવ્યક્તિ તો.........કોઈ પ્રશ્ન જ ન હતો. 

મારી આસપાસ ફરતી શ્રદ્ધાની આંખોમાં હું ઘણીવાર ઝાંખતો. એનું મન ટટોળવાનો પ્રયાસ કરતો. એના મનમાં શું છે ? એ શું ઈચ્છે છે ? એ કોને ચાહે છે ? પણ એની આંખોમાં ફક્ત એક મૌન, અશાબ્દિક આશ સિવાય કશું હું પામી ન શકતો. એની એ આશ ક્યારે શબ્દોમાં ઢળશે એની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. 

અને એક દિવસે એ રાહને આખરે પૂર્ણવિરામ લાગ્યું. શ્રદ્ધા એ દિવસે મારી પાસે આવી હતી. પણ રઘુ એની જોડે ન હતો. મને થયું કદાચ વ્યસ્ત હશે કે તબિયત સારી ન હોય. જે પણ કારણ હોય. મારી ખુશીની તો કોઈ સીમાજ ન હતી. હું અને શ્રદ્ધા. અમારા બે વચ્ચે ત્રીજું કોઈજ નહીં. એ દિવસે શ્રદ્ધા મને જુદીજ નજરે નિહાળી રહી હતી. એની આંખોમાં એક અલગજ ચમક હતી. પાંપણોમાં શરમની લાલિમા. એના ગુલાબી હોઠ થરથર કામપી રહ્યા હતા. એની હાથની કોમળ આંગળીઓ કારણ વિનાજ એના વાળ જોડે રમત રમી રહી હતી. એના પગની આંગળીઓ નિષ્ક્રિય મગજ પાસેથી એના જાણ્યા વિનાજ જમીન કોતરવાના આદેશ ઝીલી રહી હતી. એનું શરીર મારી આસપાસ ફરતું ઉત્સાહ અને ઉત્તેજનાને સંતુલિત રાખવામાં નિષ્ફ્ળ નીવડી રહ્યું હતું. હૈયાંના ધબકારો મને પણ સંભળાઈ રહ્યા હતા. કપાળ ઉપર બાઝેલા પરસેવાના ટીપા ખુશી અને આનંદથી તરબતર ભીંજાઈ રહ્યા હતા. એ તમામ લક્ષણો હું પણ અનુભવી રહ્યો હતો.ભલે જુદી રીતથી, જુદા સ્વરૂપે, જુદી પદ્ધતિ વડે....પણ મૂળ તો એક સરખુંજ હતું. પ્રેમ અને ફક્ત પ્રેમ.

શ્રદ્ધા પ્રેમમાં હતી. આખરે. પણ કોના ? મારા કે રઘુના ? એ પ્રશ્નનો ઉત્તર એ દિવસે તો ન જ મળ્યો. 

પણ બીજે દિવસે જયારે શ્રદ્ધા મને મળવા આવી ત્યારે મારા પગ તળેની જમીન સરકી પડી. એ એકલી ન હતી. એની જોડે રઘુ પણ ન હતો. કોઈ અન્ય જ યુવક હતો. જે પ્રમાણે એના હાથ શ્રદ્ધાની કમરને વીંટળાયા હતા એ રીતે તો કદી રઘુએ પણ એને સ્પર્શી ન હતી. રઘુએ કદી એને સ્પર્શીજ ક્યાં હતી ? એનો સ્પર્શ તો ફક્ત નજરનો હતો અને એ સ્પર્શ પણ કેટલો આબરૂદાર અને સન્માન વાળો. આનો હાથ તો જાણે શ્રદ્ધાના શરીરને ભીંસી રહ્યો હતો. મારા શરીરમાં જાણે માથાથી પગ સુધી આગ લાગી ગઈ. આવી આગ તો કદી શ્રદ્ધાને રઘુ જોડે નિહાળી લાગી ન હતી. થોડા સમય પછી એ શ્રદ્ધાને લઈ બાઈક ઉપર જતો રહ્યો. રઘુ જોડે જયારે એ પગપાળી પરત થતી ત્યારે એની પાયલનો છમ છમ કરતો સ્વર એના ગયા પછી પણ કલાકો સુધી આસપાસના વાતાવરણમાં પડઘાતો રહેતો અને એની સંગીતમય ધૂન હવાઓને પણ તાલ અને લય શીખવતી રહેતી. પણ આ નાલાયકનો બાઈકનો કર્કશ સ્વર આખું વાતાવરણ ધુણાવી ગયો અને એની પાછળની નળીમાંથી નીકળેલો કાળો ધુમાડો મારા ફેફ્સાઓને હંફાવી ગયો. 

પછી તો એ શ્રદ્ધાના નિયતક્રમ જેવો એના જીવનમાં વણાઈ ગયો. દરરોજ એની કર્કશ બાઈક ઉપર એ શ્રદ્ધાને લઈ આવી પહોંચતો. જેટલી કર્કશ એની બાઈક એનાથી પણ કર્કશ એનો પોતાનો સ્વર અને મિજાજ. બન્ને વચ્ચે થતા વાર્તાલાપમાં મને તો ફક્ત એકજ પક્ષનો અવાજ સંભળાતો. શ્રદ્ધા તો ફક્ત સાંભળતી રહેતી. અને વચ્ચે ક્યારેક એનો અવાજ સંભળાઈ પણ જાય તો " ના....એવું નથી....હું શું કહું છું...." જેવા શબ્દો દ્વારા એના સ્વરની દોર કપાઈ જતી. રઘુ જોડે તો શ્રદ્ધા મન ખોલીને વાત કરતી. શ્રદ્ધા રઘુના અભિપ્રાયો જેટલા ધ્યાન દઈ સાંભળતી રઘુ પણ શ્રદ્ધાના અભિપ્રાયોમાં એટલીજ રસરુચિ રાખતો. એને પણ બોલવાની તક આપતો. પ્રેમ આંધળો હોય એવું સાંભળ્યું હતું પણ શું એ ગુંગો પણ હોય ? 

એક દિવસે તો એણે હદ જ કરી નાખી. એણે શ્રદ્ધાને રઘુ જોડે વાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. એની વાતો સાંભળી હું તો દંગ જ રહી ગયો. 

" નક્કી કરી લે. મારી જોડે મિત્રતા રાખવી છે કે રઘુ જોડે. " 

શ્રદ્ધાને સીધી ચેતવણી આપી દીધી. હા, હું સ્વીકારું છું કે મારાથી પણ રઘુનું શ્રદ્ધા નજીક હોવું સહેવાતું ન હતું. કદાચ એટલે કે હું રઘુથી ઈર્ષ્યા અનુભવતો હતો. એના હૃદયમાં સંગ્રહાયેલા શ્રદ્ધા પ્રત્યેના સાચા પ્રેમ અને સન્માનથી હું અસુરક્ષિત હતો. પણ એનો અર્થ એ તો નથી કે બાળપણની મૈત્રી જ જડમાંથી ઉખાડી ફેંકી દેવી. આ તો નકારાત્મક લાગણીનું લક્ષણ હતું. અને મને સો ટકા ખાતરી હતી કે શ્રદ્ધા આ શરત કદી ન સ્વીકારશે. પણ હું ખોટો હતો. શ્રદ્ધાએ એનું મન રાખવા એ વાત પણ સ્વીકારી લીધી. એ દિવસે મારા મનમાં પહેલી વાર રઘુ માટે દયા જન્મી. એમાં એનો તો કોઈ વાંક જ ન હતો. તો આ સજા કઈ વાતની ? 

ધીરે ધીરે એના પ્રત્યેનો મારો અણગમો વધી રહ્યો હતો. એના લક્ષણોમાં કોઈ સકરાત્મક્તા દર્શન જ આપી રહી ન હતી. રઘુ ઘણા દિવસોથી શ્રદ્ધા જોડે દેખાયો ન હતો. પેલા ગુંડાઓ એ પણ કદાચ આ વાતની નોંધ લીધી હતી. એક દિવસે એમણે ફરી શ્રદ્ધા તરફ અયોગ્ય ઈશારાઓ કર્યા. મારુ માથું તપી ગયું. પણ હું વિવશ હતો. કાશ રઘુ અહીં હાજર હોત. મને પહેલીવાર રઘુની ગેરહાજરી ગમી નહીં. મને એની કમીનો અનુભવ થયો. મન તો થયું કે મોટેથી એક ચીસ પાડું ને રઘુને મદદ માટે પોકારું. પણ એ મારી મર્યાદાની બહાર હતું. શ્રદ્ધાની મદદ કરવાની જગ્યા એ એણે શ્રદ્ધા ઉપરજ આક્રમણ સ્થળાંતર કર્યું. 

" આવા કપડાં પહેરાતા હોય ? લોકો છેડેજ ને. " 

એ દિવસે પહેલીવાર શ્રદ્ધાની આંખોમાંથી આત્મવિશ્વાસની બાદબાકી થતા મેં નિહાળી. એ રઘુનો જયારે પણ અભિપ્રાય માંગતી ત્યારે રઘુના તટસ્થ છતાં અભિપ્રેરિત ઉત્તરોથી એનું મન આત્મવિશ્વાસથી કેવું છલકાઈ ઉઠતું ! પછી એ એણે પહેલીવાર લખેલી કવિતા હોય કે પહેલીવાર હાથ વડે બનાવેલ રોટલી. પણ આ મહાશયના શબ્દભંડોળમાં તો અભિપ્રેરણા કે પ્રશંસાનો અકાળ પડ્યો હતો. એ દિવસે એ તરતજ શ્રદ્ધાને બાઈક ઉપર બેસાડી જતો રહ્યો હતો. ત્યારબાદ શ્રદ્ધા જેટલીવાર એની જોડે મને મળવા આવી હતી ત્યારે એના માથેની ઓઢણી ટસથી મસ થઈ ન હતી. સામે તરફની રસ્તા ઉપરના ગુંડાઓ એને નિહાળી ન શકે એની જવાબદારી એના નાજુક ખભે એણે ઊંચકી લીધી હતી. 

શ્રદ્ધા કેટલી બદલાઈ ગઈ હતી !

કદાચ એ વાત એ જાતે પણ જાણતી ન હતી. પોતાના પ્રેમીનો પડ્યો બોલ એ ઝીલી રહી હતી. સામે તરફથી પ્રેમ મેળવવા માટે કેટલા જતન કરી રહી હતી ! પણ રઘુ જોડે તો એને કોઈ પ્રયાસ જ ન કરવા પડતા. એ જેવી હતી એવીજ રહેતી. અંદર અને બહાર બંને તરફથી. રઘુની લાગણીઓ 'જો 'અને 'તો'ની શરતો ઉપર ચાલતીજ ન હતી. એ તો ફક્ત એક પ્રાકૃતિક પ્રવાહ જેમ વહેતી રહેતી. એની સાથે ખુશ રહેવા શ્રદ્ધાને કોઈ જહેમત જ ઉઠાવવી ન પડતી. 

પણ શ્રદ્ધાને ખબર નહીં શું થઈ ગયું હતું ? હા, રઘુ દેખાવમાં થોડો સામાન્ય હતો. એની પાસે આટલી મોંઘી બાઈક પણ ન હતી. એને આવી અદાઓ અને છટાઓ ફાવતી ન હતી. અંગ્રેજી થોડું કાચું હતું. પણ હા, માતૃભાષા ઉપર પાક્કી પકડ હતી અને જ્ઞાનમાં તો આ લંગુર જોડે રઘુની સરખામણી જ ન થાય. 

અરે, આ મને શું થઈ રહ્યું હતું ? હું રઘુનો પ્રશંસક ક્યારથી થઈ ગયો હતો ? કાલ સુધી જે મને કાંચ જેમ આંખે ખૂંચતો હતો હું એની લાક્ષણિકતાઓની યાદી બનાવી રહ્યો હતો ? 

શું પ્રેમમાં એટલી તાકાત હોય છે કે એ દુશમનને પણ મિત્ર બનાવી નાખે ?

મારા મનમાં રઘુની મૈત્રીના બીજ રોપાયાજ કે શ્રદ્ધાએ ધડાકો કર્યો. એક દિવસ મારી નજીક આવી એણે ધીમેથી કહ્યું. 

" હું રાઘવને ચાહું છું. એને મારો જીવનસાથી બનાવી દો, પ્લીઝ. " 

મારું રોમેરોમ ભડકી ઉઠ્યું. શ્રદ્ધાને શું લાગતું હતું ? હું એની એ ઈચ્છા પૂરી કરીશ ? હું જાતે મારા અસ્તિત્વ માટે અવલંબિત હતો. જેનું પોતાનું સ્વાવલંબન ન હોય.....અને ચાલો એક ક્ષણ માટે માની પણ લઈએ કે હું એટલો સક્ષમ છું...તો પણ શું હું એની આ ઈચ્છા સ્વીકારી લઈશ ? આ રાઘવ......

મને શ્રદ્ધા ઉપર એવો તો ગુસ્સો આવ્યો. થયું કે કહીજ દઉં, ' હવે તારું મોઢું જ ન દેખાડતી. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ' પણ હું તો કહેવાથી રહ્યો. મારો ઊંડો નિસાસો વાતાવરણમાં ભળી ગયો. 

કહેવાય છે કે ગમે તે સમયે ગમે તે શબ્દો મોઢામાંથી નીકાળવા ન જોઈએ. મેં તો ફક્ત મનમાંજ ઉચ્ચાર્યું હતું અને એનું પરિણામ પણ મેં જ ભોગવ્યું. એ દિવસ પછી કેટલાય દિવસો સુધી શ્રદ્ધા આવી જ નહીં. અરે યાર ! એ તો ફક્ત ગુસ્સામાં મનમાંથી ઉભરાઈ ગયું હતું. શ્રદ્ધાનો ચહેરો જોયા વિના કઈ રીતે જીવીશ ? એ આમ ક્યાં જતી રહી ? કદાચ રાઘવ જોડે લગ્ન.....નહીં..નહીં....શ્રદ્ધાના માતાપિતા રાઘવ જેવા યુવક જોડે લગ્ન કરવાની પરવાનગી કઈ રીતે આપી શકે ? જો હું એને ઓળખી ગયો તો એ તો.....કદાચ રાઘવ એને ભગાવી....નહીં...નહીં...વિચારતાંજ હૈયું ધ્રૂજતું. આમ શ્રદ્ધા પોતાનું જીવન બરબાદ કરીજ ન શકે.....મને એની ખુબજ ચિંતા થઈ રહી હતી. મન થતું કે દોડતો જાઉં અને એની ખબર મેળવું...પણ....મારી મર્યાદા ઉપર મને ઘૃણા થવા માંડી હતી. કશુંજ ગમતું ન હતું. મારી આસપાસનું વાતાવરણ પૂર્વવત હતું પણ હું નહીં, જરાયે નહીં. શ્રદ્ધા વિના જાણે શ્વાસ પણ લેવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. હું આકાશ તરફ એકીટશે નિહાળ્યા કરતો. હવે ત્યાંથીજ કદાચ કોઈ મદદ મળે. 

જયારે મદદ પગપાળા ચાલતી મારી સામે આવી રહી હતી ત્યારે હું કૃતજ્ઞતાથી છલકાઈ પડ્યો. 

રઘુ મને મળવા આવ્યો હતો. એની આંખોમાં જાણે સમુદ્ર ઠલવાઈ ગયો હતો. એને નિહાળી એવું લાગતું હતું જાણે દિવસોથી ઊંઘ્યો ન હતો. બરાબર જમ્યો ન હતો. એના વાળ વિખરાયેલા હતા. એના ચહેરા પરનું તેજ અદ્રશ્ય થઈ ગયું હતું. એ જાણે પોતાની જાતમાં જ ન હતો. એણે બે હાથ મારી સામે જોડ્યા હતા અને એ એક બાળક સમો કરગરી રહ્યો હતો. મારુ હૈયું જાણે બેસી પડવાનું હતું. 

" પ્લીઝ શ્રદ્ધાને બચાવી લો. એ બિચારી નિર્દોષ હતી. એણે તો પ્રેમ કર્યો હતો. સાચા હૃદયથી. અત્યંત પવિત્ર ભાવના જોડે. ધોખો તો રાઘવે એને આપ્યો. જુઠા વાયદા કરી અન્ય જોડે લગ્ન કરી લીધા અને એ ભોળી એ નદીમાં પડતું મૂક્યું. આજે એ જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. શ્રદ્ધાની આશ તો હંમેશા તમારી ઉપર જ હતી અને મારી પણ. હું એને સાચા હૃદયથી ચાહું છું. આપ એને બચાવી લો પ્લીઝ. હું એને આ હાલતમાં નથી જોઈ શકતો. " 

મારા તો અસ્તિત્વના મૂળજ જાણે હાલી ઉઠ્યા. હું શ્રદ્ધાને કઈ રીતે.....રઘુને કેમ સમજાઉં કે હું કશું જ કરી શકતો નથી. મારી શ્રદ્ધા મૃત્યુ સામે ઝઝૂમી રહી હતી અને હું એની પડખે જઈ ઊભો પણ રહી શકતો ન હતો. એને એકવાર નિહાળી પણ શકતો ન હતો. મનમાં તો આવ્યું કે જઈને એક થપ્પડ લગાવી.....રાઘવ જેવા મનુષ્ય માટે....હદ છે યાર....જેની પાસે રઘુ જેવો મિત્ર અને સાથી હોય, દરકાર લેનાર પરિવાર હોય અને જે જાતે આટલી હોંશિયાર, પ્રતિભાશાળી હોય એ આમ નદીમાં કૂદી......!

એ દિવસે રઘુ જતો રહ્યો અને મારું તો જાણે જીવન જ થંભી ગયું. રઘુની જેમ મારી રોનક પણ ગુમ થઈ ગઈ. મને રીસ ચઢવા લાગી મારી જાત ઉપર. શું વાંક મારો હતો ? મારા પર આટલી બધી આશ ? હું છું જ કોણ ? એક સામાન્ય જીવ. જે જન્મે છે, મરે છે. વિકસે છે, વિનાશ પામે છે. મારો તો શ્વાસ પણ પરાવલંબી છે. 

હું શ્રદ્ધાને કઈ રીતે બચાવી લઉં ? હા, એક ઉપાય તો હતો. મેં આકાશ તરફ દ્રષ્ટિ કરી અને રઘુની જેમજ કરગરવા લાગ્યો. રાત અને દિવસ. ચોવીસ કલાક. થાક્યા વિના. અવિરત, સતત. 

' મારી શ્રદ્ધાને બચાવી લો. ' 

એક દિવસ ધોધમાર વરસાદ વરસ્યો. મારી દ્રષ્ટિ મને છેતરી તો નથી રહી ? મેં સામેના માર્ગ ઉપર વરસતા વરસાદ વચ્ચેથી દ્રશ્ય સ્પષ્ટ નિહાળવા સંઘર્ષ કર્યો.

મારું શરીર હર્ષથી ઝણઝણી ઉઠ્યું. 

એકજ છત્રી નીચે ભીંજાતા રઘુ અને શ્રદ્ધા મારી નજીક આવી ઊભાં રહી ગયા. છમ છમ પાયલના અવાજે વાતાવરણમાં મનમોહક સંગીત રેડી નાખ્યું હતું. રઘુએ ધીમે રહી શ્રદ્ધાના ખભે હાથ ટેકવ્યો. 

" મેં કહ્યું હતું ને આ વૃક્ષ ખુબજ ચમત્કારી છે. એની પાસે સાચા હૃદયથી જે યાચના કરો એ આપે છે, પણ આપણા હિતમાં હોય તો જ. મેં તારા પ્રાણ માંગ્યા હતા અને તારો પ્રેમ." 

રઘુ અને શ્રદ્ધાએ મારા શરીર ઉપર દર વખતની જેમ શ્રદ્ધાનો દોરો બાંધ્યો. હું મૂળથી લઈ મારી ડાળખીઓ, પાંદડાઓ, ફળ, ફૂલ સહિત ફરી ખીલી ઉઠ્યો. 

શ્રદ્ધા બચી ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract