Vijay Shah

Inspirational Classics Tragedy

4  

Vijay Shah

Inspirational Classics Tragedy

આશાનો ચમત્કાર

આશાનો ચમત્કાર

6 mins
21.5K


રાધા અને ગોવિંદનું લગ્નજીવન આમ તો સુપેરે આનંદદાયક હતું. નાની નીરા રાધાની આબેહુબ નકલ હતી અને મોટો દીકરો જગત ગોવિંદ જેવો.. અમેરિકાનું નાનું ગામ જ્યાં રબરની ફેક્ટરીમાં એન્જીનીયર ગોવિંદ મોટો સાહેબ હતો..નીરા કોલેજના પહેલા વર્ષમાં અને જગત માઈક્રોસોફ્ટની કંપનીમાં ઇન્ટર્ન તરીકે સ્વીકારાઈને સ્થિર થતો જતો હતો.

રાધા ડે કેર ચલાવતી હતી તે દિવસે થોડી ચિંતીત હતી કારણ કે તેની મેનેજર લ્યુસીએ રાજીનામું આપ્યું હતું અને નજીકમાં જ પોતાની ડે કેર સંસ્થા શરુ કરી હતી અને ગોવિંદનો ફોન આવ્યો. સવારથી તે ચાલવા જાય છે પણ સ્થિર ઉભા નથી રહેવાતું.

રાધાએ કહ્યું, “હું આવી જઉં?”

ગોવિંદે કહ્યું, “લંચમાં સમયસર આવી જજે!”

બપોરે જ્યારે રાધા ઘરે પહોંચી ત્યારે ગોવિંદ સૂતો હતો અને રાધાએ ઝટપટ રોટલી બનાવી. શાક અને કઠોળ ફ્રીઝમાંથી કાઢી માઈક્રો વેવમાં ગરમ કરવા મૂક્યું. રસોડામાં થતા અવાજો સાંભળી ગોવિંદ ઊઠ્યો અને સહેજ ચાલવા ગયો અને જમીન ઉપર ફસડાઈ ગયો. રસોડામાંથી રાધા દોડતી આવી પણ ગોવિંદને હાથ ઉપર થોડું વાગ્યું અને લોહી નીકળતું હતું. રાધાને ગભરામણ તો થતી હતી અને એકદમ સ્વસ્થ ગોવિંદને વિના કારણ ચક્કર આવે અને ગબડે તેનું કારણ રાધાને સમજાતું નહોતું…

ગોવિંદને જરુરી પાટા પીંડી કરી બંને સાથે જમવા બેઠા.

રાધા કહે, “લ્યુસી જતાં જતાં આખા સ્ટાફને લઈ ગઈ હવે ૩૦ જેટલા છોકરા અને એક ઘરડી માર્થા રહી છે.”

ગોવિંદ કહે, “તારુ લાયસંસ જતું રહ્યું તેથી તો લ્યુસી રાજા થઈ ગઈ. ચાલ જવા દે હવે બહુ કામ કર્યું હવે ડે કેર બંધ કરી દે."

“પણ... જગ્યાનું ભાડું... ચાર ઓરડા ભરીને રમકડા અને સાજ સજાવટ ફર્નીચર... કેટલું બધું રોકાણ ખાડે જશે.”

“મને ખબર છે... આપણે પ્રયત્ન કર્યો પણ આ પરવાના રાજમાં પરવાનો ગયો એટલે આવું ન થાય તો નવાઇ લાગે... આ દેશમાં પ્રોફેશનલ રહે તે જ ચાલે. બુધ્ધિ લાગણીના ખોળામાં કદી નથી બેસતી..! તારું જે થવાનું હોય તે થાય પણ મને તક મળી તો તે મેળવવા તારા ભોગે પણ હું આગળ નીકળું નીકળુંને નીકળું જ.”

મારું મન માનતું નથી. લ્યુસીને ફરી મનાવી જોઉં..”

“તારે પ્રયત્ન કરવો હોય તો કર પણ પાણીનું નામ ભુ છે. એ જે રીતે આખી સંસ્થાને તેની સાથે લઇ ગઇ તે તો બતાવે છે કે વધુ સમય બગાડવાને બદલે સડ્યું ત્યાંથી કાપો અને ખોટ ઘટાડો વાળી વાત અપનાવો..”

જમી રહ્યા પછી ડો.રાણાને ફોન કરી બોલાવ્યા હતા તેમણે જોતાની સાથે કહ્યું-

“નજીકના મોટા ગામમાં લઇ જાવ કાનનો નવો રોગ છે. તાબડતોડ માવજત થશે તો ઝડપથી પાછું વળાશે.”

સમયની ગંભીરતા સમજી લ્યુસીને ફોન કરી બાકી રહેલા બાળકો અને ઘરડી માર્થાને લઇ લેવાનો નમ્ર આગ્રહ કર્યો. લ્યુસી બાળકોને લઇ જવા રાજી હતી પણ માર્થાને નહીં કારણ કે તેની ઉંમર વધુ હતી અને તેને લે તો કામ ઓછું અને પગાર વધુ આપવો પડેને...?

માર્થાને ફોન કરી કહ્યું ગોવિંદની તબિયત બગડી છે અને તે ડે કેર બંધ કરશે. તું સારી નોકરી શોધી લે અને રાધા જોઇ શકતી હતી કે બાસઠ વર્ષની માર્થાની આંખમાં આંસુ હતાં. હવે આ ઉંમરે તેને નોકરી ક્યાં મળવાની હતી? કલાકના સાત ડોલરમાં તેનું શું થશે? રાધાએ તેને દિલાસો આપતાં કહ્યું, “લ્યુસીને વાત કરી છે તુ તેને મળી આવજે.. અત્યારે તો ગોવિંદને લઇ તેને જવું પડશે. રાધા મનથી તો સમજતી હતી કે માર્થાને તે જવા દઇને પોતાને પણ તે નોકરીમાંથી કાઢી રહી હતી.હવે શુંનો પ્રશ્ન એને પણ નડતો હતો.

ડો જેક્શન ડો રાણાના ગુરુ હતા અને તેમનું નિદાન પણ એ જ આવ્યું વાઇરલ ઇંફેક્શન છે દવા લો આરામ કરો અને આ રોગ જતો રહે તેના સમયની રાહ જુઓ.. કેટલાક રોગ દવા વિના અઠવાડીયે મટે તો દવા સાથે સાત દિવસે..! દવા તમને થોડું ઘેન આપશે પણ આશા રાખીયે કે સારું થઇ જાય… શનિવારે નીરા અને જગત આવી ગયા. રાધાને સારું લાગ્યું પણ તે વિચારી શકતી નહોતી કે ગોવિંદને આ અચાનક શું થઇ ગયું?

અઠવાડીયાના મહીના થયા અને મહીનાઓ વિતતા વરસ થયું..હવે તો ગોવિંદની નોકરી પણ જશે જે એંસી ટકા ડીસેબીલીટીની આવકો આવતી હતી તે પણ જશે. ડો. રાણાના કહેવાથી સાતેક વર્ષ પહેલા લીધેલો વિમો પ્રીમીયમ વધુ હોવાથી પગારનાં સાહીઠ ટકા કરાવી હતી ત્યાં મેડીકલ ચેક અપ અને અન્ય માહીતિ ભરી લાભો મેળવવા અરજી કરી. નોકરી તો ગઇ હતી અને તે બેકારી ગોવિંદને માનસિક તાણો આપતી વળી વારે વારે પડી જવાની ધાસ્તી અને સ્થિર વસ્તુ સહેજ પણ હલે તો ગોવિંદને પડી જવાની બીકથી રાધા તેને એકલો મુકતી નહોતી. ગોવિંદને રાધાની આ વધુ સજાગતા અને કાળજીથી બહુ જ તકલીફો થતી. પરંતુ સમજતો પણ્ થયો કે આ તેનો પ્રેમ હતો. તેને કોઇ તકલીફ પડે અને જે થોડું ઘણું સ્થિરતા તરફ જિંદગીનું વહેણ ચાલ્યુ છે તે રુંધાઇ જશે.

રાધાએ જગતને કહ્યું અમે તુ જ્યાં કામ કરે છે તે શહેરમાં આવી જઇએ કે જેથી ફરીથી સાથે રહેવાય. જગતને થોડીક રાહત થઇ મમ્મી સાથે હશે તો “બ્રાઉન બેગ”ના ખાવામાંથી બચાશે. તેને આમેય અમેરીકન ખાવાનું ભાવતું નહોતું. જે દિવસે નોકરી ગઈ તે દિવસથી વિમાનું આરક્ષણ મળ્યું અને જગતને ગામ રવાના થયા.

વરસના હવે તો વરસો થવા લાગ્યા પણ કોઇ ચિન્હ નથી કે સારું થાય. કોઇકે કહ્યું કે આયુર્વેદ કરો તે અજમાવ્યું. કોઇકે કહ્યું, “હોમીયો પેથ કરો.” તે પણ કર્યુ. ગોવિંદ એકલો પડતો ત્યારે તેના શારીરિક પછાતપણાથી કૃધ્ધ થતો. તેને જાતે ગાડી લઇને ફરવા જવું હોય. પણ જવાય નહીં. તેના વર્તનમાં તોછડાપણું આવી જાય ત્યારે રાધા ઉપર ઘણો ગુસ્સો કરે. રાધા તેને તે વખતે બબડતો છોડીને પ્રભુ સામે પ્રાર્થના કર્યા કરે. તેને વાળે સમજાવે પણ ફરીથી તે આવેગો આવે અને ઘર કલાકો માટે વ્યથાનું કાળું ડીબાંગ વંટોળ બની જાય.

એક વખત નીરાની હાજરીમાં ગોવિંદ ઉત્પાતે ચઢ્યો. મારે હવે કોને માટે જીવવાનું? મારી આ ઘરમાં જરુર શી? બીચારા થઇને મારે જીવવું નથી. ત્યારે નીરા બોલી પપ્પા આપણે આપણા એકલા માટે તો જીવતા નથી હોતા ને? તમે જે વેઠો છો તેનાં કરતાં વધુ વેઠતાં માણસોને જુઓ તો ખબર પડે કે સુખ શું છે? તમે આશા છોડી દીધી છે પણ મને ગળા સુધી આશા છે કે એક દિવસ તમારો આ વાઇરસ જતો રહેવાનો છે. ઘણી જીભાજોડી છતાં ગોવિંદ ન જંપ્યો અને બધાની ના છતાં જાતે ગાડી લઇને નીકળ્યો. નીરાને મમ્મીની દશા ઉપર ખૂબ જ રડવું આવતું હતું.

રાધાએ તેને છાની રાખતા કહ્યું, “એકલતા અને પરાધિનતા જો ગોવિંદે જન્મથી જોઇ હોત તો આ ઉત્પાત ન હોત.. પણ આ મળ્યા પછી છીનવાયેલી આઝાદી છેને તેથી.. તેણે આશા છોડી દીધી છે મેં નહીં. મને ખબર છે જિંદગી બહુ જ લાંબી છે અને તેને રડતા રડતા જીવો કે હસતા હસતા જીવવી તો પડે જ છે. તો પછી હસતા હસતા જ જીવવું જોઇએને?”

ગોવિંદ પાછો આવ્યો સાથે પોલીસને પણ લાવ્યો.. તેનું ડ્રાઇવર લાયસંસ જપ્ત થયું હતું… ગુસ્સાથી તેનો ચહેરો લાલ ઘુમ હતો.. તે તેની જાત ઉપર ખુબ જ કૃધ્ધ હતો.. નિષ્ફળતા અને બેકારી તેને ડંખતી હતી. રાધાએ તેને પાણી આપ્યું અને નાના બાળકને છાવરતી હોય તેમ તેને પંપાળતી રહી..

નીરાને પપ્પા પર ખૂબ જ ગુસ્સો આવતો હતો અને મમ્મીની બહુ જ દયા. તેની આંખમાંથી પણ પાણી સરતાં હતાં.

જગત અને નીરાએ તે દિવસે કશું બોલ્યાં નહીં પણ મનથી નક્કી કર્યું કે રોગીની વર્તણુંકને નહીં તેના રોગને મારો. દિવસના અઢાર કલાકમાં ગોવિંદને કદી એકલો નહીં રાખવાનો અને કદી તેની માનસિક કુદશાને યાદ નહીં કરાવવાનું. હંમેશાં આશાવંત રહે તેવું વાતાવરણ રાખવાનું. દવા ચાલુ, દુઆ ચાલુ અને વહાલની વર્ષા ચાલુ. ચેસ, કોમ્પ્યુટર, કેરીઓકી, ભજન અને ફેમીલી પાર્ટીઓ ચાલુ કરી અને દરેક મિત્રોની મદદથી તેનો રોગ ભયંકર નથી વાળી વાતો કહેવડાવા માંડી. ગોવિંદ મૂળે હતો ટોળાનો માણસ અને તેને એકલો પાડી દીધો તે તો મોટી વ્યથા હતી. તે ખીલતો ગયો.

દિવાળીની વહેલી પરોઢે નીરા અને જગત પગે લાગવા આવ્યા ત્યારે પપ્પા અતિ પ્રસન્ન હતા. રાધાની આંખમાં હર્ષના આંસુ હતા. આઠ વર્ષની કપરી કસોટીને અંતે બધાની તપસ્યા ફળી હતી.

તે સ્વસ્થતાથી અડધો કલાક ગબડ્યા વિના અને રાધાનો હાથ ઝાલ્યા વિના ચાલ્યો હતો. રાધાએ કદી આશા છોડી નહોતી અને તે આશાનો જ આ ચમત્કાર હતો.

(સત્ય ઘટનાનાં આધારે)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational