ભગવાન ભરોસે
ભગવાન ભરોસે


છેલ્લા પાંચ મહિનાથી દવાખાનાઓ અને હોસ્પિટલના ચકકરોમાં નાની બેન દીપા અને બનેવી દીપેન ખાલી થઈ ગયા. ડોક્ટર આ ટેસ્ટ અને ફલાણા ટેસ્ટ કરાવી કરાવીને નિદાન ઠેલતા જતા હતા. કોઇ અને કોઇ કવાયત હેઠળ પૈસા નીકળતા જતા હતા.
દીપેને કંટાળીને કહ્યું “ ડોક્ટરને બદલો હવે તો ઉપરવાળાને ભરોસે બાકીની જિંદગી કાઢો આ લોકો તો મને કંગાળ બનાવી દેશે." દીપાએ ડોક્ટર સાથે વાત કરતા કરતા કહ્યું “સાહેબ હવે તમે સ્વીકારો કે તમને દીપને સાજા કરવામાં બીલકુલ રસ નથી જેટલો તેમને તમારી હોસ્પીટલમાં આઈ સી યુ ખાતે રાખવામાં રસ છે. હવે તો શરમ કરો હું પૈસેથી ચુસાઇ ગઈ પણ દીપ સાજો કેમ નથી થતો?”
જુઓ બહેન તમે સમજતા નથી દીપેન જીવતો જ આ સારવાર થકી છે. જેવી આ સારવાર અટકી જશે પછી તે “ભગવાન ભરોસે” થઈ જશે.
તેમના એકના એક દીકરાએ હિંમત કરીને કહ્યું “ભલે જે થાય તે. આ બધી સારવાર બંધ કરો”
ભગવાને ત્યાર પછી દીપેનને પંદર વર્ષ જીવાડ્યો. ભગવાનને તેને આઇ સી યુ માં રાખવામાં રસ નહોતો.