Tarulata Mehta

Classics Thriller Tragedy

4.3  

Tarulata Mehta

Classics Thriller Tragedy

તો સારું...!

તો સારું...!

6 mins
4.3K


તો સારું...!

અજાણ્યા ટાપુ પર બેઠેલી એ ઉદાસ, કેડેથી નમી ગયેલી, પીગળતા સૂરજને તાકી રહેલી સ્ત્રી કોણ છે? એ મારા તરફ જુએ તો સારું!

મારા હૈયામાં ભાવોનું તોફાન આવ્યું છે. મેં મારા હુદયને ઢંઢોળ્યું, ભાવો તો નદીના જળની જેમ વહેતા રહે એમાંથી અનેક તરંગો ઉઠે ને શમે પરંતુ એ બધાંમાંથી આજનું તોફાન વેદનાનું પૂર લઇ આવ્યું, જેણે મારા અસ્તિત્વને હચમચાવી નાખ્યું, તીવ્રતાપૂર્વક હું ચિત્કારી ઊઠું છું 'હે મા હું તારા ખોળામાં માથું મૂકી શકું તો “તો સારું”..!

મારા બા,જેના થકી હું પૃથ્વી પર આવી, જેની આંગળી ​ઝાલી જીવનમાં પગલા માંડ્યા​.​ મને યાદ છે એ દિવસો જયારે હું ​પાંચ સાત વર્ષની હોઈશ ત્યારે થતું, બા સાથે આંગળી ઝાલીને સંતરામ મંદિરના મેળામાં જવાનું મળે તો સારું…, અને મેળામાં જવાનું મળતું, પરીક્ષા ​આવી, પરીક્ષા આપી પેપર ખુબ સારા લખ્યા, પરંતુ પરિણામ ન આવે ત્યાં સુધી એક જ વિચાર આવતો પાસ થઇ જવાય “તો સારું”… અને બાના આશીર્વાદથી નોકરી પણ મળી ગઈ, હું પરણી પણ ગઈ.

જીવન એમ સરળ જતું હોત તો શું જોઈતું હતું?​ ખરી કસોટીની વેળા આવી, આજથી સોળ વર્ષ પહેલા.​.​, એ વખતે મારા બા પથારીવશ હતાં મેં એમને મળવા શિકાગો જવા વિચાર્યું હતું ત્યાં અગિયારમી સપ્ટેમ્બર,2001ની ગોઝારી સવારે ન્યુયોર્કના ટ્વીન ટાવર પર આતંકવાદી હુમલો થયો. અમેરિકામાં અને સમસ્ત વિશ્વમાં અસલામતીનું મોજું ફરી વળ્યું.

દસેક દિવસ સુધી તો વિમાની સેવાઓ ઠપ થઈ ગઈ. ધીરે ધીરે ફ્લાઇટ ઉડવાની શરૂઆત થઈ પણ પેસેન્જરોના અભાવે રદ કરવામાં આવતી હતી. એ વાતને મહિનો થયો હતો પરંતુ અમેરિકનવાસીઓના મનમાં ભયની રજકણો વાગતી હતી.

ત્યાં એક દિવસ અચાનક ભાઈનો ફોન આવ્યો, બાની તબિયત સારી નથી, તું અહીં આવી જાય તો સારું…પણ બાને શું થયું છે? તો કહે તું અહી આવી ને જો. .મારુ મન બાને મળવા તલપાપડ થયું, ચિંતામાં રાત્રે બેચેન પડખાં ફેરવતી રહી.સવારે મારી દીકરીએ યુનાઇટેડ એરમાં જેમ તેમ ટીકીટ મેળવી.

સાનફ્રાન્સિસ્કોનું એરપોર્ટ ભેંકાર લાગતું હતું. દરેક પેસેન્જર પર શકના ઓળા ધૂમતા હતા. સિક્યોરિટીના કાળા કુતરાઓ લઈ ગાર્ડ બેગોની નજીક ફરતા હતા. 'યુ કાન્ટ ગો,સૉરી ' ગાર્ડે મારી દીકરીને ઓટોમેટિક ડોરની બહાર અટકાવી દીધી.

અમે માં-દીકરી લાચારીથી ગ્લાસ ડોર પરની ભયની રાખને જોઈ રહ્યાં. મને ગ્લાસ ડોર ખડેરમાંથી ઊડતી રાખથી સજ્જડ દીવાલ સમું લાગ્યું. મારી દીકરીથી ન 'બાય ' કહેવાયું કે ના તો મારાથી 'ઓ કે' કહેવાયું.

'રેડ લાઈટ'ના ધોરણે સલામતીના પગલાં એરપોર્ટ પર લેવાતાં હતાં. અભિમન્યુના સાત કોઠામાંથી પસાર થતી રહી. મારી ફોટો આઈ.ડી.હાથમાં જ રાખી હતી. શુઝ, જેકેટથી માંડી માથાની પિન સુધ્ધાંનું સ્ક્રીનિંગ થયું. મારા જેવા અનેક મુસાફરોનું સ્ક્રીનિંગ એટલે શરીરની આરપાર ચૂંથાચૂંથ. મને થયું મારી ઓળખને નામશેષ કરી નાખી.

વિમાનમાં તો બેઠી પણ મન બાની ચિંતા કરવા માંડ્યું, માત્ર બાર મુસાફરો વિમાનમાં હતાં. બારી પાસેની ખાલી સીટમાં હું બેઠી. સાન્ફ્રાન્સિસ્કોનો 'ગોલ્ડન ગેટ' પૂલ સૂર્યનાં ગુલાબી કિરણો માટે ઝૂરતો ધુમ્મસના સમુદ્રમાં ખોવાઈ ગયો હતો. મારા મનમાં બે હજાર માઈલ શિકાગોમાં ભાઈના ઘરે સૂતેલી મારી બા પાસે ક્યાં પૂલથી પહોંચાય તેની વ્યાકુળતા હતી.

'એવરી થિંગ ઇઝ ફાઈન,એન્જોય યોર ફ્લાઇટ ' એરહોસ્ટેસે મીઠું હસીને મને ઓરેન્જ જ્યુસ આપ્યો.

મને કહેવાનું મન થયું: ધૂળ એન્જોય કરું? અહીં મારો જીવ બાને મળવા તરસે છે. મને ભાઈ પર ગુસ્સો આવ્યો. વિગતે કાંઈ જણાવ્યું નહીં. મનને મેં મનાવતા વિચાર્યું 'મને જોઈ બા રાજીના રેડ થઈ જશે.' આવી ગઈ મારી બેબી 'કહેતાં ભેટી પડશે.

બે દીકરા પછીની દીકરીને બા તેને બેબીના હુલામણા નામે જ બોલાવતાં. બેબી બાની આંગળી ઝાલી પોળના ખાડાટેકરાવાળા રસ્તે બાલમંદિર જતી. સ્કૂલ -કોલેજોની પરીક્ષા આપવા જતી ત્યારે બા શુકનના દહીં-ગોળ ખવડાવતી. હું મનોમન પોકારું છું,

'બા મને દહીં -ગોળ કોણ ખવડાવે કે તારા સુધી પહોંચવાની પરીક્ષામાં પાર ઊતરું?

વિમાનના એન્જીનનો અવાજ કોણ જાણે કેમ વધુ લાગવા માંડ્યો જાણે મને વ્હેરતો ન હોય! મન વલોવાતું હતું, બા ને શું થયું હશે? ભાઈએ માંદગીની વાત કરી પણ શું થયું હશે? બધા સારાવાના થઇ જાય “તો સારું”,

સાનફ્રાન્સિસ્કોથી શિકાગોનો પ્રવાસ કોણ જાણે કેમ ખુબ લાંબો લાગ્યો, શિકાગોનું ઓહેરા ઍરપોર્ટ સદાય ધમધમતું હોય પણ આજે ભયના ઓથારમાં હાંફી રહ્યું હતું. હું બેગ લઈને બહાર નીકળી. બાની વય બ્યાંસી વર્ષની, લાકડીના ટેકે અને વોકરથી બા ઘરમાં હાલતા ચાલતા હતા. અને હું શિકાગો જાઉં ત્યારે બા અચૂક ભાભી સાથે કારમાં બેસી જતા, એરપોર્ટ પર બા, ભાભીને ને ભાઈને જોઉં ત્યારે પિયર આવી છું તેવું લાગતું …તે દિવસે મારી બેગ લઇ ભાઈ એ કારમાં મૂકી દીધી, મેં અને ભાઈએ વાતો કરી પણ ખુબ ​ઠાલા ​શબ્દો અને મને થયું એક વાર બાને મળી લઉં “તો સારું “ એવા વિચાર આવતા હતા પણ 'બાને કેમ છે?' એવું પૂછવાની હિંમત ન હતી.

કારમાં સૌ શાંત હતાં પણ મને હીંચકાનો કિચૂડાટ સંભળાય છે.​ વતનમાં બાના નાનકડા ઘરની રવેશીમાં(વરંડામાં) પિત્તળની સાંકળવાળો હીંચકો હતો. વતનમાં બાને મળવા જાઉં ત્યારે દોડીને હીંચકા પર માળા ફેરવતી મારી બાની સોડમાં બેસી પડું. મારા ધક્કાથી બા હાલી જતાં, મારો હાથ ઝાલી કહેતાં 'ધીરે બેબી ધીરે '.

કારની આગલી સીટમાં બેઠેલાં ભાભીએ પૂછ્યું :'કેવી હતી તમારી ફ્લાઇટ?'

મારા ગળામાં બાની યાદો અટકી હતી. હું મારી બાજુની સીટમાં બેઠેલી બાને એકાએક ઓગળી જતી જોઈ રહી. 'બા .. બા કરતી હતી. નીરવ હીંચકો, ખાલી વતનનું ઘર, ખાલી મારી બાજુની સીટ અને ખાલીખમ હું ...શિકાગોના રોડ પર દોડતી કારની સામે બા ઊભી હોવાના ભ્રમમાં અકસ્માત થઈ જશે એવા ભયમાં હું બોલી ઊઠી 'કાર રોકો રોકો..' ભાઈએ કાર ધીમી પાડી, ભાભીએ મને પાણીની બોટલ આપી. તેઓ બોલ્યાં: 'બહેન મુંઝાશો નહીં,બા તમારી રાહ જોતાં હશે.'

શિકાગોના પૉશ વિસ્તારની મેપલ સ્ટ્રીટ પર આવેલા ભાઈના વિશાળ ઘરના ડ્રાઈવ-વેમાં કાર થોભી ત્યારે મારામાં એકાએક ચેતન આવ્યું. કારની બહાર નીકળ્યા એટલે ઠન્ડી હવામાં ધરુજી જવાયું. મને થયું લાકડીના ટેકે ચાલતાં બા મને ગરમ શાલ ઓઢાડવા ઉતાવળાં થયાં હતાં. હું બાને ભેટવા દોડી, ત્યાં લાકડી ઠક ઠક કરતી મેળાની ભીડમાં ખોવાઈ ગઈ, મને પગથિયાંની ઠેસ વાગી, ભાઇ મને હાથ ઝાલી ઘરમાં લઈ ગયા.

ઘરમાં વાતાવરણ ગંભીર દેખાયું, બધાના મો પર ગુંગળામણ, બોજ અને વમળમાં ફસાયાની લાગણી હતી. ભાઈ ભાભી મને બાના ઓરડામાં લઇ ગયા, બા બે તકિયાના ટેકે બેડમાં બેઠા હતાં, એમની નજર બારીની બહાર ખોવાયેલી હતી. તેઓએ અમને જોયાં પણ નહીં, ભાઈ ભાભી મને બા પાસે લઇ ગયા અને બાને ક​હ્યું,

​'જુઓ કોણ આવ્યું છે?'

હું હરખઘેલી થઇ બાને પડખે બેસી ગઈ, તો ​બા ​કહે:

અત્યારે નર્સ ને કેમ બોલાવી ​છે? '​વિચારોની અને લાગણીઓની એવી ભીસ મારા હૃદયમાં હતી કે મેં બાને હચમચાવી કહ્યું:

'​હું તમારી દીકરી બેબી ' …અને બાની આંખોમાં અજાણ્યાપણું તરી આવ્યું !

'તું કોણ છે? બાનો યક્ષપ્રશ્ન મને વીંધવા લાગ્યો, હું જાણે નાપાસ થઇ ગઈ, અજાણ્યાપણા અને પારકાપણાના પૂરમાં તણાઈ ગઈ,

ભાઈએ મને આશ્વાસન આપ્યું કે બાને મીનીસ્ટ્રોક આવ્યા હતા. એના સ્મૃતિનાં તાંતણાં તૂટતાં ગયાં અને ડીમેનસ્યા ​થયો છે. ડોકટરના નિદાન પ્રમાણે એનો કોઈ ઈલાજ નથી.

ત્યાં તો ભર બપોરે બા બોલ્યાં: હવે લાઈટ બંધ કરો હું સુઈ જાવ છું,'

બાને હ​વે ​સંબંધ, ​સ્થળ, સમયનું ભાન નહોતું ..અને બા હવે તેમની દુનિયામાં જ હતાં. વિસ્મૃતિના ટાપુ પર સૂતેલી મારી બાને હું ઢંઢોળું છું: બા બા એક વાર મારુ નામ બોલ ને? હું સ્તબ્ધ હતી, મારું હુદય દ્રવી ઉઠયું અને અંદરથી પોકારીને કહેતું હતું:

' બા બા એકવાર તમારી બેબીને ને ઓળખો "તો સારું…". હું ઓરડાની બહાર નીકળી ત્યારે થયું​,​ કે મારું નામ, અસ્તિત્વ અને મારી ઓળખ જે બા હતાં તેમણે મને પાછી ગર્ભમાં સમાવી લીધી?​ મારો જીવ બાના ગર્ભમાં તરફડતો હતો અને કણસતો કે ​બા મને મારું અસ્તિત્વ પાછું આપો "તો સારું ...."!


Rate this content
Log in

Similar gujarati story from Classics