Tarulata Mehta

Inspirational Romance

3  

Tarulata Mehta

Inspirational Romance

મારી રાહ જોજે

મારી રાહ જોજે

11 mins
10K


આજે સવારથી વરસાદ એકધારો ઝિકાતો (ધોધમાર) હતો, તડાકા-ભડાકા અને પવનનું જોર હતું. બિલ્ડીગની સાઈટ પર છત્રી ઓઢી નીતેશ મજૂરોની રાહ જોતો હતો ત્યાં મોબાઈલ પર નીતાનો મેસેજ જોયો 'મારે કામ માટે બહાર જવાનું છે. '

'મારી રાહ જોજે ' તેણે સામે મેસેજ કર્યો.

સવારે એણે નીતાને બે વાર કહ્યું હતું : 'ચા તૈયાર છે.'

'હું જરા બીઝી છું.' નીતા ઓફિસમાંથી જ બોલી હતી.

એણે ઘરની બહાર નીકળતા 'બાય ' કર્યું પણ નીતા ત્યારે શાવરમાં હતી.

રાત્રે પણ નીતા મોડા સુધી કોપ્મ્યુટર સ્ક્રીનને જોતા કાગળની ડિઝાઈનો કરવામાં બેડરૂમમાં આવી નહોતી.

'આ શું એક ઘરમાં રહીએ છીએ પણ બે વાત કરવાની નવરાશ નહિ ? ' તે અકળાયો હતો.

પવનના સપાટામાં તેના હાથમાંની છત્રી ભેગો તે ય જાણે હાલમડોલ થતો હતો,આમે ય રાત્રે નીતાની રાહ જોવામાં તેને સરખી ઉંધ આવી નહોતી. મોસમનો પહેલો વરસાદ... 'ચાલ નીતાને બોલવું' તેને હસવું આવી ગયું. જાતે જ લાફો મારી ગાલ લાલ કર્યા જેવું લાગ્યું. ફોનમાં નીતાનો મેસેજ હતો 'હું ઉતાવળમાં છું '.

તે ફોન ખિસ્સામાં મૂકતો હતો ત્યાં પવનમાં છત્રી કાગડો થઈ ઊડી ગઈ. 'ઓહ ગઈ.. '

નીતેશ આમ જ વર્ષો પહેલાં મુંબઈના ગ્રાન્ટરોડ પર ધોધમાર વરસાદમાં છત્રી ઓઢવાના બહાને નીતાની લગોલગ ચાલતો હતો. એના હાથમાં શોપીંગની બેગો હતી અને નીતા છત્રી ખૂલ્લી રાખી ચાલતી હતી. ત્યાં પવનના ઝપાટામાં છત્રી કાગડો થઈ ઊડી... ત્યારે નીતા 'લિબાસ 'ના શોરૂમની ડિઝાઈનર હતી અને નીતેશ કપડાનો શોખીન અમદાવાદથી ખરીદી માટે આવતો ફાંકડો યુવાન હતો. વરસાદના છાંટાથી હેરાન પરેશાન બાજુમાં ઉભેલી નીતાએ છત્રીને પકડવા હાથ લંબાવ્યો. નીતેશે હાથને પોતાના હાથમાં લઈ નીતાને પાસે ખેંચી લીધી તે જ ક્ષણે વાદળનો કડાકો થયો ને વીજળીના તેજસ્વી લિસોટોમાં ચીપકીને ઊભેલાં તેમણે પરસ્પરની આંખોમાં ભીની ચમક જોઈ.

'સા'બ શું કરીએ ? 'સાઈટ પર કામ કરવા આવેલા મજૂરે તેને બોલાવ્યો.

નીતેશે ભીના હાથને ઝાટકતા આકાશ તરફ જોયું. તેની નજરમાં સૂનાપણું અને ઉદાસી આવી ગઈ. મજૂર સમજ્યો કામ બગડ્યું તેથી સાબ નારાજ થયા છે. સાઈટ પરથી મજૂરો પાછા ગયા.

નીતેશ મલ્ટીસ્ટોરી બિલ્ડીગની સાઈટ પર રેતી, ઈંટોના ઢગલા વચ્ચે અંદર-બહાર પલળતો બસ એમ જ ખોડેલા થાભલા જેવો ઊભો હતો. વર્ષો પહેલાં મકાનમાલિક નવીનશેઠે ઘરવખરી ભેગા તેને અને મમ્મીને ભાડાના ઘરમાંથી બહાર ઉસેટી દીધાં હતાં. તે વખતે દસ વર્ષનો છોકરો ખુન્નસભર્યો ચીખી ઊઠ્યો હતો :'જો જો ને હું દસ માળનું બિલ્ડિગ બનાવીશ. '

'તારા જેવા ટેણિયા બહુ જોયા. ' શેઠ પાનની પિચકારી મારી કારમાં બેસી ગયા. એ છોકરો જાણે હજી સમસમીને ત્યાં જ ઊભો હતો. નીતેશ અટ્ટાહાસ્ય કરતો દુનિયાને કહેતો હતો,'જુઓ અમદાવાદમાં દસ માળના બિલ્ડીગોથી ઠેર ઠેર નીતેશ બિલ્ડરનું નામ ગાજે છે, પણ પેલો ટેણિયો કેમે કર્યો મનમાંથી ખસતો નથી. '

નીતેશ બને તો નીતા સાથે લન્ચ થાય એમ વિચારતો ઉતાવળો ઘર તરફ જવા નીકળ્યો. છેલ્લે ક્યારે તેઓએ સાથે નિરાંતે લન્ચ કર્યું હતું ? નવા ઘરમાં તો ક્યારેય નહિ. હા, બિટ્ટુ નાની હતી ત્યારે નીતા લન્ચ પેક કરી સાઈટ પર અણધારી જ આવી પહોંચતી. નીતેશને મનપસંદ આલુપરોઠા, ચટણી અને લસ્સી.. પછી એ મૂડમાં આવી કહેતો,'આજ તો ટેસડો (મઝા ) પડી ગયો. '

એણે અમદાવાદના સેટરલાઇટ વિસ્તારના વાહનોથી ધમધમતા રોડ પરથી ટર્ન લીધો. એની ભૂરી વોલ્વો કાર 'સ્વપ્નિલ' લક્સ્યુરંસ એપાર્મેન્ટના ગેટ પાસે આવી એટલે દરવાને દોડીને ગેટ ખોલી સલામ ભરી.

એણે વડોદરાના આર્કિટેક પાસે પ્લાન તૈયાર કરાવી 'સ્વપ્નિલ' દસ માળનું બિલ્ડિગ તૈયાર કર્યું હતું. પ્રોફીટ લેવા બંધાતા કબુતરના માળા જેવા બહુમાળી જોઈ નીતેશને ધિક્કાર થતો. માણસની આબરૂ વધે તેવું રહેઠાણ હોવું જોઈએ. શાહજહાંએ પ્રેમની નિશાની રૂપે તાજમહલની અજાયબી દુનિયાને આપી તેમ તેણે નીતાને કહ્યું હતું : 'મારા જીવનનું સ્વપ્ન 'સ્વપ્નિલ ' તારા ચરણોમાં '.

મોગલશાહી બાલ્કનીઓ અને અવનવી કોતરણીવાળા બારી-બારણાં જોતા જ છક થઈ જવાય ! મોં માગ્યા ભાવે શ્રીમંતોએ 'સ્વપ્નિલ 'ના આલિશાન ફ્લૅટ ખરીદી લીધા હતા. દસમો માળ નીતા -નીતેશનું અતિ વિશાળ નિવાસસ્થાન. ઓપનટેરેસની પાર્ટીઓ થાય, નવરાત્રિના ગરબા અને ધૂળેટીના રંગોની ઝાકમઝોળ અહીં થાય. બિટ્ટુની ટેબલટેનિસની રમતો ને હેપી બર્થડેટથી ગાજતો દસમો માળ !!!

***

નીતા દસમા માળની લિફ્ટમાંથી નીચે ઉતરતા ધૂધવાતી હતી 'હજી નીતેશ આવ્યો નહીં ? ' ક્યાં સુધી રાહ જોવાની ? તે કાંડા પરના ઘડિયાળમાં જોતી નીચે આવી. પાર્કિગમાં નીતેશની ગાડી જોઈ નહિ એટલે રિક્ષા બોલાવી. એને માટે સી. જે. રોડ પરના 'સ્ટાઇલ ' શોરૂમના મિટીંગહોલમાં સમયસર પહોંચવું ખૂબ જરૂરી હતું. નીતેશ એના ડિઝાઈનરના કાર્યને મહત્વનું ગણતો નહિ, એને તો એમ જ હતું આર્થિક જવાબદારી તેણે ઉપાડી હતી એટલે નીતા વધુ ધ્યાન ઘરમાં રાખે અને ફાલતું સમયમાં નીતા એનું શોખનું કામ કરે ! આજે એને સમજાશે કે નીતા કાંઈ એની રાહ જોઈને બેસી નહી રહે !

***

નીતેશે બારણું ખોલી 'હલો નીતા 'કહી ચાવીને નીતાએ બનાવેલા સ્ટેન્ડ પર મૂકી. ઘરની બહારની ડિઝાઇન નીતેશની પણ ઘરમાં પગલૂછણિયાથી માંડી બારીના પડદા, બેડરૂમનો સેટ, ચાદરોની પસંદગી એકમાત્ર નીતાની. તેની સજાવટમાં બિટ્ટુ કે નીતેશથી સહેજસાજ આડુંઅવળું થાય તો નીતા આખું ઘર માથે લે. બિટ્ટુનો 'ટાઈમ આઉટ' નો ટી. વી. નો ફ્રેડસ. નીતેશ 'સોરી ' કરી બહાર જતો રહે.

શો -રૂમ જેવા ઘરને જોતાં મહેમાનો અચંબામાં પડતા, નીતા ગૌરવથી પોતાની સજાવટની ઝીણી ઝીણી વિગતો બતાવતા કદી થાકતી નહિ પણ નીતેશ થાકી જતો.

નીતેશને નીતાના ઘરમાં મોકળાશ કે હાશ લાગતી નહિ. કામની વહેંચણીમાં બન્નેના હાસ્ય અને પ્રેમ વ્હેરાતાં (કપાતા ) ગયાં. નીતાને માટે ડિઝાઈનનું કોઈ મોડેલ જેવો નીતેશ હતો. સતત કાતરથી એના પર કાપકૂપ થતી,ટાંકણીઓ ખોસાતી ગમે ત્યારે ડૂચો વાળીને ડસ્ટબીનમાં જઈ પડતો. ખરીદીમાં સાથે ગયાં હોય ત્યારે ય ક્રેડીટ કાર્ડ આપવા અને બેગો ઊંચકવા પૂરતો તેનો ખપ હતો.

ઘરની કેદમાંથી પેરોલ પર નીતેશનો સમય બહાર દોડતો હતો. નીતા ઘેરથી ઓન લાઈન બિઝનેસની કેદમાં સમયને ખોઈ બેઠી હતી. ચાર હજાર સ્કેરફૂટની છત નીચે તેમની દીકરી બિટ્ટુ મમ્મી -પાપાને ભેગા કરવા એક રૂમમાંથી બીજા રૂમમાં દોડ્યા કરતી. પતિ-પત્નીના બહારથી છલકાતા સુખના બહુમાળી બિલ્ડિગનાં ભોંયરામાં દિવાલોને ક્યારે ભેજ લાગ્યો ? ને ક્યારે હૂંફાળી આત્મિયતાને બદલે ઉધય લાગી ? તેની જાણ થઈ નહીં. કાંઈ ઝઘડા થાય,દલીલો કે બોલાબોલી થાય તો સમાધાન કે સોરી થવાનો મોકો રહે પણ આ તો દિલના તાંતણાની વાઢકાપ ! લૂણો લાગેલી ભીતમાંથી રોજ રોજ કણ કણ ખરવાનું. ફ્રીઝના પાણીના બાટલાઓમાં ટીપું ટીપું ઝૂરવાનું ને ભરેલા ભાણે ભૂખને માટે તડપવાનું ! નીતા અને નીતેશ અડધા અંગ વચ્ચોવચની ' હું કરું હું કરું 'ની કાંટાળી વાડથી રાત -દિવસ ઘવાતા રહ્યાં.

'હલો હની, નીતા' ના પડઘા સૂમસામ ઘરમાં અથડાતા હતા. બફારાથી તેના શ્વાસ ભીંસાતા હતા. તેણે પંખો ચાલુ કરી સોફામાં બૂટ કાઢવાની તમા કર્યા વિના લંબાવી દીધું. એને ઘડીક જાણે એની પત્ની નીતાનો છણકો સંભળાયો. 'સોફો ગંદો થઈ જશે. ' એણે ચીડમાં બૂટ કાઢી નાંખ્યા. એને ખબર હતી કે નીતા એનું ધાર્યું કરતી અને કરાવતી. એણે કહ્યું :'નીતા તું આવી બધી ચિંતા છોડ, બીજા ચાર નવા સોફા ખરીદીશું.'

'અરે પણ આ સોફા રાજસ્થાન ગયાં ત્યારે મેં ડિઝાઇન આપી બનાવડાવ્યો હતો, કેટલો એલિગન્ટ લાગે છે ! પેલા સીમાબેન અને પરાગભાઈએ આવો જ બીજો સોફાનો ઓર્ડર આપવા મને કહેલું પણ મારી ડિઝાઇન એમ થોડી આપી દેવાય ? '

***

નીતેશને સોફામાં કરન્ટ લાગ્યો હોય તેમ ઝાટકા સાથે ઊભો થઈ ગયો.

બેડરૂમમાં, ઓફિસમાં, બિટ્ટુના રુમમાં બધે રઘવાયો થઈ આંટો મારી આવ્યો. સાવ ખાલી ઘરની બહાર અગાશી પર બેસુમાર પાણીનો માર પડતો હતો. આકાશ ઝનૂન પૂર્વક આખા વર્ષના મોનને તોડી એકધારા શોરથી ગાજતું હતું. અગાશીમાં રેલ આવી હોય તેમ ખાસ્સું જળબંબાકાર થયું હતું. એણે દોડીને રોડ તરફના પાઈપોના ઢાકણાં ખોલી નાંખ્યા. એ ઠન્ડા પવનમાં દાઢી કકળાવતો,પલળતો દોડીને બારણા પાસે આવ્યો, નીતુ ટુવાલ લઈને ઊભી હોય તેમ તેણે હાથ લંબાવ્યો. માણસ પલળી જાય... ઠરી જાય.. તેમ ઘર પલળી જઈ, ઠરી જઈ સિમેન્ટ-રેતીનો એક્સ રે થઈ જાય ?

એણે સવારે નીતાને કસ્ટમ-મેડ ડિઝાઇન કરેલા ડ્રેસના પેકેટ તૈયાર કરવામાં રોકાયેલી જોઈ હતી. એ રાત્રે મોડે સુધી જાગી હતી,એ એવું જ કરતી હતી. બિટ્ટુને નાઈટ સ્ટોરી કહી સૂવાડી દેતી પછી નીતેશને 'ગુડ નાઈટ' કહી ઓફિસમાં જઈ એના કામમાં ડૂબી જતી.

કાલે રાત્રે એણે નીતેશને બિટ્ટુને સૂવાડવા કહ્યું હતું. બિટ્ટુએ ખુશ થઈ પાપાનો હાથ પકડ્યો ત્યાં પાપાએ એને ઉંચકી લીધી. પાપા વાર્તા કહે ત્યારે બિટ્ટુ એકને બદલે ચાર વાર્તા સાંભળતી. પછી પાસે સૂતેલા પાપા ઝોલે ચઢે એટલે એ પાપાને ધીરેધીરે કપાળ પર એની પોચી, લીસ્સી હથેળીથી થપકીઓ મારી ઉઘાડી દે. 'મારા પાપા ' નીતેશને બિટ્ટુની થપકીઓ મીઠ્ઠી લાગતી, ડોળ કરી આંખો બન્ધ કરી પડી રહેતો.

બે વાર નીતેશે બાજુના રૂમમાં કામમાં ગળાબૂડ નીતાને સૂવા માટે બોલાવી પણ નીતા એની દુનિયામાં ખોવાયેલી હતી.

નીતા ક્રિએટિવ ડ્રેસ ડિઝાઈનર હતી. રાત્રે કામ કરતી ત્યારે જાણે તેનું સમગ અસ્તિત્વ કાગળ પરની ડિઝાઇન બની જતું. દીવાની જ્યોત જેવા પ્રકાશિત તેના મુખ પર અનેરી આભા પથરાતી. તેના રૂમના ખૂણામાં પડેલા ફાલતુ કાગળના ડૂચા જેવું ઘર આખું, બિટ્ટુ ને નીતેશ... જગતની કોઈ ચીજ કે આકર્ષણ નીતાને ડોલાવી શકે નહિ !

નીતેશથી બેડરૂમના કિંગ સાઈઝ બેડની ડાબીબાજુની ખાલી જગ્યા સહેવાતી નહિ. આમ તો એને પત્નીનો કલાકારનો મિજાજ ગમતો પણ હવે તે મૂડી અને એકલસુરી (એકાંતપ્રિય ) રહેતી હતી. નીતેશ માનતો કે પોતાની આવડતથી પેસા કમાઈએ તો જ માનભેર જીવાય. એટલે એણે કુટુંબનો ભાર ઉપાડી લીધો હતો. નીતાને મરજી મુજબ ગમતું કર્યા કરે તેમાં નીતેશ રાજી હતો. તે આર્ટિસ્ટ છે કબૂલ પણ.... એ બેડમાંથી ઊભો થઈ ગયો.

તે પ્રશ્નાર્થ નજરે નીતાની સામે જોઈ ઊભો રહ્યો:

'કલાકારના સંવેદનશીલ હૈયામાં પતિ કે કે સંતાન માટે પ્રેમ હોય કે નહિ ? નીતા તને મારા માટે, બિટ્ટુ માટે પ્રેમ છે ? આ સુખ સાહેબી, બંગલા ગાડી અરે એક છત નીચે રહેવાનો શું અર્થ છે ?'

નીતા ભારેલાઅગ્નિ જેવી હતી ! એને શેની અતુપ્તિ હતી ? નીતેશની સફળતા અને નામના માટે શું જલન હતી ? નીતેશ નીતાના મૌનની દિવાલમાં હાથ પછાડે કે માથા પછાડે.. એક કાંકરી ખરતી નથી.

નીતેશ ઘવાયેલા પશુની હાલતમાં બેડની બન્ને બાજુએ પાસાં ઘસતો રહ્યો.

સવારે એણે નીતાને ચા -નાસ્તા માટે બોલાવી : નીતા ચાલ સાથે ચા પીએ '. પણ એ આવી નહિ. એને લાગ્યું સફરમાં નીતાનો સાથ છૂટતો જાય છે.

ઘણા દિવસથી તે જોતો હતો કે નીતાનું ચિત્ત ઘરમાં કે બિટ્ટુનું ધ્યાન રાખવામાં ચોંટતું નહોતું. પણ નીતેશ સમસમીને બેસી રહેતો. કેમ જાણે એની અને નીતા વચ્ચેનો સેતુ તૂટી ગયો હતો. એ એના ધંધામાં ઘણું કમાતો હતો પછી નીતાને આ ડ્રેસ બનાવવાની માથાકૂટ કરવાની શું જરૂર ? પણ આવું કાંઈ બોલવા જાય તો નીતા રોકડું પરખાવે કે લગ્ન પહેલાં તો બડાશો મારી હતી કે 'હું કાંઈ પત્નીને ઘરમાં પૂરી રાખવા માંગતો નથી, બન્ને વિકસીએ,ખીલીએ પછી લલકારતો 'બહારો ફૂલ બરસાવો,મેરા મહેબૂબ.'

બે સિગરેટને ફૂંકી નીતેશે ડસ્ટબીનમાં નાંખી દીધી. પંખો ચાલુ કરી સ્પ્રે છાંટી રૂમમાં તેણે બેચેનીથી આંટા માર્યા. બાથરૂમમાં જઈ માઉથવૉશથી કોગળા કર્યા. નીતાને કીસ કરતો હોય તેમ ભીના હોઠને લંબાવ્યા. આયનામાંના નીતેશને જોઈ સીટી વગાડી, બાવડાંના ગોળાકાર મસલ્સને દબાવતા નીતાને આલિગનમાં ભીંસી લેવા તડપી રહ્યો. ચુંબન, આલિગન બધું તેને માટે દૂ.. રના ભૂતકાળની મસ્તી હતી. તેને નીતાને કહેવું હતું 'શું તું ભૂલી ગઈ કે તારો પ્રેમી પતિ આદિ પુરુષ આદમ છે અને તું વર્જ્ય સફરજન ખાતી ઇવ છે ! ચાલ આ વરસાદમાં વરસતા જઈએ !!

'ક્યાં ગઈ નીતા ? મોટા ઘરનું સુખ નીતેશને બચકાં ભરતું હતું. કયા ઓરડામાં શોધવી ? સાદ દઈએ તો ય સાંભળે નહિ, બે જણા ઘરમાં હોય ત્યાર પણ ફોનના મેસેજથી.. ?

***

નીતાએ આજે પોતાનું આધુનિક બુટિક શરૂ કરવા માટે મિટીંગ રાખી હતી પણ નીતેશને ગમશે કે તે વિરોધ કરશે તેની દ્વિધા હતી. પત્ની એના કામમાં જ બીઝી રહે તો ઘરમાં આનન્દ પ્રમોદના કોઈ પ્રોગ્રામ ગોઠવાય નહિ.

નીતેશને સમજાતું નહિ કે સાંજની રસોઈ મહારાજ આવી કરતો ને બાઈ તો સવારથી આવી સાફસૂફી કરતી પછી નીતાને ક્યાં ઘરમાં કામના ઢસરડા હતા ? પણ કોણ જાણે કેમ નીતા ઠરીને બેસતી નહિ કે કીટીપાર્ટી કે પત્તાક્લબમાં રસ લેતી નહીં, બસ એક જ વાતની ધૂન પોતાનું એક આધુનિક બુટિક શરૂ કરવું.

નીતા અને નીતેશની પ્રથમ મુલાકાત 'લિબાસ'ના ફેશન ડિઝાઈનરના શોમાં થઈ હતી. ત્યારે નીતાને એની બહેનપણી રૂપાએ એક પર્ફેફ્ટ હાઈટ-બોડી ધરાવતા યુવાનની ઓળખાણ આપતા કહેલું:

'અમદાવાદના જાણીતા બિલ્ડર નીતેશ શ્રોફ '.

નવી સ્ટાઇલના કપડાંનો શોખીન નીતેશ અવારનવાર શોપીંગ માટે આવતો. એને સુડોળ,નમણી, સ્માર્ટ નીતા ગમી ગઈ હતી પણ નીતા લગ્નનું બંધન સ્વીકારવા તૈયાર નહોતી. નીતેશ જેવા પેસાપાત્ર પતિની પત્ની બની શોભાના ગાંઠિયા જેવી જિંદગી કેમ જીવાય ? તેને પોતાની આવડતથી નામ બનાવવું હતું. પણ પછી તો નીતેશના હઠીલા પ્રેમમાં નીતાનું જીવન નવેસરથી મહેંકી ઊઠ્યું હતું.

***

નીતેશે રસોડામાં જોયું તો સવારની ચાની તપેલી ગેસ પર એમ જ પડી હતી. સૂકાયેલી ચાની પત્તીઓને કચરાપેટીમાં નાંખતા તેનો હાથ ધ્રૂજી ગયો. ઠરી ગયેલી ચાના કપ ટેબલ પરથી ઉપાડી સિન્કમાં મૂકી પાણીને જવા દીધું,બધું જ અમથું અમથું... ખાલી ખાલી.. કરતા તેને થાક લાગ્યો.

નાસ્તાની ડીસ પર માખી બણબણતી હતી. એને સૂગ આવી ગઈ. ભૂખ મરી ગઈ. નીતાની હાજરી-ગેરહાજરી બધું તેને માટે ખાલીપો હતું.

નીતેશે મોબાઈલ ચેક કર્યો મેસેજ હતો,'બિટ્ટુને સ્કૂલેથી લઈ આવજે '

એને આઘાત લાગ્યો, ગુસ્સાથી શરીર કંપી ઊઠ્યું, ડાઇનિંગ ટેબલ પર હાથ પછાડી બરાડી ઊઠ્યો

'તું શું કહેવા માંગે છે ? પૂછ્યાગાછ્યા વગર જતા રહેવાનું ? મારી રાહ જોઈ નહિ ? '

ઓરડાની દિવાલો એની છાતીસરસી ધસી આવી હોય તેમ તેને ગૂંગણામણ થતી હતી. 'હવે શું કરવું ? '

તેણે મેસેજ મૂક્યો 'ક્યારે પાછી આવીશ ? '

જવાબ આવ્યો 'ખબર નથી '.

'બાપ રે.. ત્રણ વાગી ગયા ? બિટ્ટુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો..

વરસાદ ને ટ્રાફિક જોઈ તેણે રિક્ષા જ બોલાવી. ભીડભાડમાં મોટી કાર ચલાવવી ને પાછી પાર્કિગની માથાકૂટ. રિક્ષા ટ્રાફિકના જંગલમાં ઊભી હતી. નીતેશે રિક્ષાવાળાને ખભે હાથ મૂકી ઉતાવળ કરવા કહ્યું.

'હું શું કરું સાબ ? તમે ડબલ ભાડું આપો પણ રોડ પર ખસવાની જગ્યા જ નથી. '

***

નીતા પરદેશથી આવનાર ડિઝાઈનરની રાહ જોતી હતી. એ જાણતી હતી કે નીતેશ ગઈ કાલ રાત્રે અને તે પહેલાંની ઘણી રાત્રિઓથી તેનાથી નારાજ હતો. પણ એ શું કરે ? બધી વાતોના ખૂલાસા કરે તો નીતેશ કંટાળે. એને કેમ કરીને સમજાવાય કે પોતાના બિઝનેસમાંથી નવરો પડે ત્યારે નીતાની સંગત શોધે, ખાવાપીવાના જલસા ગોઠવે તેજ ઘડીએ એણે કામને પડતું મૂકી દેવાનું ? લાઈટની સ્વીચ ચાલુ -બન્ધની રમત તેનાથી નહિ રમાય !

'મને તો એકવાર ધૂન ચઢે મારી ડિઝાઇન પૂરી કર્યે જ જંપ વળે. પેસા તું કમાય છે, વધુ પેસાની તમન્ના નથી પણ મારી કલાની કદર થાય તો મને ગમે, મારી અંદરની ઝંખના મને ચેનથી જીવવા દેતી નથી. મારા મનમાં કોઈ નવો વિચાર આવે એટલે હાથ કાગળ -કાતર માટે તડપે છે. ત્યારે તારો અને મારો સમય છેદાય છે. '

'અરે,હજી કોઈ આવ્યું કેમ નહીં ? 'નીતા ચોંકી ઊઠી. તેણે બારીની બહાર જોયું, ધોધમાર પડતા વરસાદમાં રોડ પર છત્રી ઓઢી ચાલતા લોકોમાં એક મોર્ડન યુગલ જતું હતું. તેને પોતાના ઓળખીતા લાગ્યાં. 'એ કોણ ? ઓહ છત્રી ઊડી ગઈ ? એકબીજામાં પલળતા એકાકાર થઈ ગયાં કે શું ? 'તેઓને ઓળખું છું તેમનાં નામ હૈયે છે પણ હોઠે નથી આવતાં ! મોબાઈલ પરનો નીતેશનો સંદેશો 'મારી રાહ જોજે ' મોટા અક્ષરોમાં ચારે કોર નીતાને દેખાતો હતો.

કેબીનના બારણા પર ટકોરા થયા.

'મેડમ વરસાદને કારણે મુંબઈથી ફ્લાઇટ આવી નથી આજની મીટીંગનું શું કરીશું ? રોડ પર પાણી ભરાયાં છે,મારે ઘેર જવા નીકળી જવું પડશે ' સેક્રેટરીએ કહ્યું.

નીતા દસમા માળેથી નીચે પટકાઈ હોય તેમ બેબાકળી થઈ ગઈ ! 'અરે હું ક્યાં છું ? '

નીતાને બિટ્ટુને સ્કૂલેથી લેવા જતો નીતેશ દેખાય છે. એ ટાઇમસર સ્કૂલે પહોંચ્યો હશે ? વરસાદમાં ક્યાંક અટકી પડ્યો હશે તો ? બિટ્ટુ આજે મમ્મી કે પાપાને ન જોતાં રડતી હશે ? મને આજે જ ક્યાં મીટીંગ રાખવાનું સૂઝ્યું ? સવારનો વરસાદ હતો પણ હું મારી ધૂનમાં દોડતી અહીં આવી, નીતેશની રાહ જોવા ન રોકાઈ ?'

એ રિક્ષા માટે ઉતાવળી રોડ પર આવી.

એણે મોબાઈલ પર નીતેશને મેસેજ મૂક્યો :'મારી રાહ જોજે '


Rate this content
Log in

Similar gujarati story from Inspirational