Tarulata Mehta

Drama Romance

3  

Tarulata Mehta

Drama Romance

પ્રેમની અભિવ્યક્તિ

પ્રેમની અભિવ્યક્તિ

7 mins
910


(આ વાર્તા સ્ટોરીમિરર પર રજૂ થયેલી 'પ્રેમની જીત' વાર્તાના દોરને આગળ વધારે છે. જીવનની હકીકતમાંથી આ બન્ને પાત્રો મળેલાં છે. શરમાળ,ભલો ભોળો હરીશ (બાબુ) અને કોલેજ ગ્રેજ્યુએટ,સ્માર્ટ હેલીના લગ્ન જીવનમાં પ્રથમ વેલેન્ટાઈનના દિવસે બાબુને શું મૂઝવણ થઈ ? હેલી નારાજ થઈ ? આપણા સૌનો અનુભવ છે કે હદયમાં પ્રેમનો સાગર ધૂધવાતો હોય પણ પ્રિયજન સમક્ષ શબ્દો ધોખો દઈ દે છે,

પ્રેમની અભિવ્યક્તિ થઈ શકતી નથી અને પ્રિય રિસાઈ જાય છે.શું હેલીને લગ્ન કર્યાનો અફસોસ થયો કે..? )

પ્રેમની અભિવ્યક્તિ

હરીશનો કુંવારો ભાઈબંધ નરેશ સવારનો ફેશનેબલ કપડાં પહેરી આઘોપાછો થતો હતો,ઘડી ઘડી ફોન કરતો અને કોઈ જવાબ આપે તેની રાહ જોતો હતો તેણે કહ્યું :

'યાર કોઈ સરખી વાત કરતું નથી.'

'આટલો બધો અકળાય છે શાનો? હરીશ દુકાને જવા તૈયાર થયો હતો. તેને સમજાતું નહોતું કે નરેશ શેના ફોન કર્યા કરે છે.

હેલીએ મઝાક કરી કે ગર્લ ફ્રેન્ડને પટાવે છે.

હરીશે રોજની જેમ બહાર જતા પહેલા બાને 'જય સાંઇ' કહ્યું.

આજે બાને તેણે રસોડામાં જોઈ નહોતી, બાપુની તબિયત નરમ રહેતી હતી.

બાબુએ હેલીને બૂમ પાડી એટલે રસોડામાંથી તે બોલી:'જે સાંઈ,જા રિક્ષાવાળો હોર્ન મારે છે.'.

બાબુ જાય ત્યારે હેલી દોડીને બહાર આવી જતી. હાથ દબાવી અમસ્તું જ પૂછતી : 'ફોન લીધો? ચાવી લીધી બાપુની દવા લાવવાનું યાદ રાખજે '

બાબુ હેલીના દુપટ્ટાથી ચશ્મા લૂછતા ફૂલ સુંઘતો હોય તેમ એના ભીના,છૂટા રેશમ જેવા વાળની નજીક ઝૂકી જતો. ભલે હેલીના રૂપને એની નબળી આંખો ચૂકી જાય પણ તેની સુગંધ અને સ્પર્શને ફેફસામાં ભરી લેતો, તે દુકાનના કામમાં સહેજ નવરો પડે એટલે કોઈને કોઈ બહાને હેલીને ફોન કરતો.આજે હેલી ઓટલે દેખાઈ નહિ શું વાંકુ પડ્યું હશે? તે વિચારતો રહ્યો.

સવારથી હેલી તીરછી નજરે બાબુને જોઈ વિચારતી હતી, 'આ ભોળિયાને વેલેન્ટાઈનનું ગુલાબનું ફૂલ લાવવાનું સૂઝશે કે નહિ? આને તો નરેશ કેમ તૈયાર થયો છે તે ય ખબર નથી.

તેને કોલેજનાં વેલેન્ટાઈન ડેની રંગત યાદ આવી.

બાબુની સાથે રિક્ષામાં નરેશ પણ બેઠો. એનો બબળાટ ચાલુ જ હતો, ' નીતા, કવિતા રીટા કોઈ ફોન લેતું જ નથી. શું કરું ?

એ કોલેજ રોડના સ્ટેન્ડે રિક્ષામાંથી ઊતરતા બોલ્યો :

'અલા હરીશ તું હેલી માટે શું લઈ જઈશ?'

'કોણ હું ? ખબર નથી.'

'જો સામેના સ્ટોરમાં મસ્ત ચોકલેટ મળે છે લઈ લે.'

સ્ટેન્ડની આજુબાજુ મેળો ભરાયો હોય તેવું હતું.રિક્ષાવાળો વચ્ચે ઊભેલા છોકરાઓ પર ખિજાતો બોલ્યો : 'નવી નવાઈ, આમને વેલેન્ટાઇનનું ધેલું લાગ્યું છે, આજે આઈ લવ યુ ને કાલે બાય બાય.બાપાના પેસે તાગડધિન્ના 'રિક્ષા ઊભેલી જોઈ હરીશ સામેના સ્ટોરમાંથી કેડબરીના પેકેટ લઈ આવ્યો. એક રિક્ષાવાળાને આપતા બોલ્યો :

'શાંતિ રાખ' તે ખુશ થયો 'મારી કીકુને આપીશ.'

હરીશ ચોકલેટના લીસ્સા રેપર પર હાથ ફેરવતા મનમાં ને મનમાં પચીસવાર બોલવા પ્રયત્ન કરે છે:

' હેલી ,હેપી વેલેન્ટાઈન ડે , આઈ.લવ યુ ' પણ કહેવાતું નથી..'.આમ તો .પડોશમાં બધા તેને 'વહુઘેલો ' કહેતા એ ય હેલીને ઘડીક ન જુએ એટલે ચારેકોર હેલીની બૂમો પાડતો ફરી વળતો.

સામેથી નરેશ તેની મશ્કરી કરતો 'એ ય તારી લયલાને કોઈ લઈ નહિ જાય.'

હેલી બાબુને પાછળથી આવી પકડી લેતી ને પછી બાબુ ગુલાબજાંબુ ખાતો હોય તેમ છાનું છાનું હસ્યા કરતો.

ચોકલેટ માટે તો એ ય ગાંડો હતો, અમેરિકાથી ભાઈઓ લાવતા ત્યારે એ બે ચોકલેટ લઈ હેલીના ઘરે દોડતો. હેલી એના હાથમાંથી બેય ચોકલેટ લઈ નાસભાગ કરતી છેવટે એકમાંથી અડધી ચોકલેટનું બટકું ભરી અડધી રડતા બાબુના મોમાં મૂકી દેતી. તેનું મોં ખૂલી ગયું જાણે હેલી દોડતી આવી રહી છે.

'હરીશભાઈ આજે દુકાન ખોલવી નથી?'

રિક્ષાવાળાએ તેની પ્રેમસમાધિ તોડી ત્યારે કહેવાનું મન થઈ ગયું:'ચાલ ઘર બાજુ રિક્ષા વાળી લે '

કોલેજના યુવક -યુવતીઓ સવારથી હિલોળે ચઢયાં છે, આજના દિવસની તોલે બીજો કોઈપણ ઉત્સવ આવે નહિ ખાસ તો યુવાનો માટે જિંદગીનો મહામૂલો લ્હાવો. ખિસ્સાખર્ચીમાંથી ગુલાબ અને ચોકલેટનું બોક્સ તો ખરીદી લીધાં.કોણ કોને ઝૂકીને 'બી માઇ વેલેન્ટાઈન'કહેશે તેની વાતો વાયરાની જેમ ઘડીક અડી જઈ દિલમાં મીઠી કલ્પનાની થરકન જગાડતી હતી..કેટલા 'લવ યુઃ' કહેવાના નસીબદાર થશે અને કેટલાના ગુલાબ મૂરઝાઇ જશે!

***

હરીશને ભાઈબંધોની વેલેન્ટાઈન ડેની તાલાવેલી માટે નવાઈ લાગતી હતી .એ કૉલેજમાં ભણ્યો નહોતો, હેલી સિવાયની બીજી કોઈ છોકરીને તે દૂરથી જોઈને શરમાતો.હેલીની સાથે બાળપણમાં તે રમતો,ઝગડા કરતો એ જ એની સાથીદાર હતી,બીજા છોકરાઓ એના ચશ્મા ખેંચી લેતા ,એને ધક્કો મારતા ને પછી હેલી સુરત કોલેજમાં ગયેલી ત્યારે તેને જરા ય ગમતું નહીં,બે ધર ને આખું ગામ જાણે માણસ વગરનું ખાલી લાગતું.

હરીશ વિચારતો હતો શિવરાત્રિ ગઈ કોઈ વાતો સુધ્ધાં કરતું નહોતું બાકી મહાદેવના મંદિરોમાં કેવા સરસ શણગાર થયા હતા ! હરીશ દુકાનેથી વહેલો આવી ગયેલો , મહાદેવના દર્શને જવા હેલી લાલ બોર્ડરવાળી સફેદ સાડી પહેરી મઝાની તૈયાર થયેલી ,હેલી ઠસ્સાભેર વટથી તેની સાથે ચાલતી હોય ત્યારે તેણે દુનિયાનું બધું સુખ મેળવી લીધું છે તેમ હરખાતો ,તે મરક મરક હસતો હેલીને જોયા કરતો પણ બોલાતું નહિ .હેલી એને કોણી મારી મારકણી આંખે પૂછતી :' કેવી દેખાઉં છું ' એ કંઈક ભળતું બોલતો :

'બા સફેદ સાડલા પહેરે ,મને સફેદ સાડી બહુ વહાલી લાગે "

' સીધું બોલ બુધ્.... હું કે સાડી વહાલી લાગું ?' એક વાર બાએ એને ટોકી હતી 'બુદ્ધુ ' શોભતું નથી. બાકી બાબુ તો ખુશ થાય ત્યારે તારો બુધ્ધુ કહેતો એની પાછળ પાછળ ફરતો .હેલીને એનું ભોળપણ ગમતું . બન્ને જાણે એકબીજાના અડધા અંગ જ નહિ એક દિલ અને એક શ્વાસ હતા .બન્નેના મન ખૂલ્લી કિતાબ જેવાં ,ના કોઈ ચોરી છુપી કે સાચું જૂઠું કહેવાનું .

ઘરમાં બા પૂજાપાઠમાં અને બાપુની સારવાર કરવામાં રોકાઈ રહેતાં ,હેલી આવ્યા પછી ઘરની માથાકૂટમાં પડતાં નહિ .આમે ય એમનું ઘસાતું જતું શરીર આરામ માગતું હતું। હેલી ઘરની રાણી ! હરખાતી,બધે કામે દોડયા કરતી. પડોશની નરેશની ભાભી એને ટોકતી 'તેં તો ઘર છાતીએ બાંધી રાખ્યું છે ,ઘડીકે વાત કરવા નવરી પડતી નથી.' હેલી બપોરે નવરી પડતી ને બાબુનો ફોન આવી જતો.

***

આજે હેલીને ચેન પડતું નથી ,ઘડીક થતું જીન્સ અને ટોપ પહેરી કોલેજ બાજુ આંટો મારી આવું ,જોઉં તો ખરી કેવો માહોલ છે ! હરીશની દુકાને જાઉં ને અડધી ચોકલેટ એના મોમાં મૂકી દઉં ! 'એ જ મારો રોમિયો ને હું એની જૂલિયેટ 'એ તૈયાર થતી હતી ત્યાં બા બોલ્યાં :

'બાપુને શ્વાસ ચઢયો છે,કેમે કરી સૂવાતું નથી .ડોક્ટરને ત્યાં લઈ જઈએ '

હેલી બાપુની કથળેલી તબિયત જોઈ ચિંતામાં પડી ગઈ.આવી હાલતમાં રિક્ષામાં દવાખાને કેમ લઈ જવાશે? તેણે બાને કહ્યું :

'હું ડોક્ટરને ફોન કરું ,ઘેર જમવા જાય ત્યારે બે મિનિટ બાપુને તપાસી જાય.'

બા હોટ પેકથી બાપુના બરડાને ,છાતીને ગરમાવો આપતાં હતાં . હેલી બા-બાપુના એકમેકના મેળને જોયા કરતી ,બાપુ ઓછું બોલે પણ બાની મરજી સાચવી લે .તેણે નાનપણમાં ગુમાવેલાં માબાપ ફોટામાંથી બહાર આવી ગયાં હોય તેવું તેને લાગ્યું.

ડોક્ટર બાપુની છાતી પર સ્ટેથોસ્કોપ મૂકી તપાસતા હતા ,એમણે તાત્કાલિક એક ઇંનજેસ્ક્શન બાપુને આપ્યું . કેટલીક દવા લખી આપી. હેલી સાથે રૂમની બહાર આવી કહ્યું :

' બે કલાકમાં રાહત ન લાગે તો હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.'

હેલી મુંઝાઈ તેણે બાબુને ફોન જોડ્યો .બા રૂમમાંથી બહાર આવી બોલ્યાં :

'બે કલાક રાહ જોઈએ ,દુકાનમાં ઘરાકીનો વખત હશે પછી જરૂર પડશે તો બાબુને જણાવીશું.'

હરીશને હેલીનો ફોન આવ્યો જાણી મોમાં મીઠાશ આવી ગઈ. તેના શબ્દો તોફાની બની થપ્પો આપી ભાગી ગયા.

હેલીએ કહ્યું: 'હલો ,બહુ બીઝી છું ?'

હરીશ હા-ના કરતો તોતડાયો : હેલી ..હું તને કહું કે..'

હેલી : 'જો દુકાનનું કામ પતાવી વહેલો ઘેર આવજે '

હરીશની ખુશી સમાતી નથી તેણે કહ્યું: 'બે કલાકમાં આવી જઈશ..તું તૈયાર રહેજે..' એ ઘેર ફોન પકડી ઊભેલી હેલીને ભેટી પડતો હોય તેમ ઝૂકી ગયો.

હેલીનું મન હરીશની ખુશી અને બાપુની માંદગી વચ્ચે ઝોલા ખાતું હતું . અધીરતાથી સાંજની રાહ જોતી હતી ,આજે ઘરનું કામ કરવામાં એનું કે બાનું ચિત્ત લાગતું નહોતું.સામેના ધરે નીલાફોઇ હજી નોકરી પરથી આવ્યાં નહોતાં . બાપુને હોસ્પિટલમાં કેમ લઈ જવાશે?

બાએ કેલેન્ડર પર લખેલો એબ્યુલન્સનો નંબર હેલીને બતાવ્યો .તેમણે હેલીને બરડા પર હાથ ફેરવી કહ્યું :

'બાબુને ડો.શાહની હોસ્પિટલમાં પહોંચી જવા ફોન કરી દે. કહેજે શાંતિથી દુકાનને બરોબર તાળું વાસી આવે .એબ્યુલન્સ આવતા ય વાર લાગશે.'

હેલી ચાવી ચઢાવેલા પૂતળા જેવી બાપુની બેગ તૈયાર કરી ઓટલે રાહ જોતી હતી .

બાએ બાપુ સાથે એબ્યુલન્સમાં હેલીને મોકલી .બાએ રિક્ષામાંથી નીલાફોઇને ઘેર આવતાં જોયાં એમને રાહત થઈ.બન્ને હોસ્પિટલ પહોંચ્યાં.

હેલી બાપુને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવા વીલચેરની રાહ જોતી હતી તેણે હરીશને આવતો જોયો . બન્ને અસહાય બાળકો જેવાં એકબીજાને વળગી રડી પડ્યાં .

નીલાફોઈએ બન્નેને મોટા અવાજે કહ્યું : બાપુને જરા શ્વાસ ચઢ્યો છે તે હમણાં ઓક્સિજનનો બાટલો ચઢાવશે એટલે સારું થશે ..જાવ બહારથી નાળિયેરનું પાણી લઈ આવો '.

***

બા અને નીલાફોઈ ધીરેથી વાતો કરતાં હતાં . બાપુને રાહત થઈ હતી.ખાનગી રૂમમાં લઈ આવ્યા હતા.નાનકડા રૂમમાં બે માણસને બેસવાની જગ્યા હતી .બાબુ બેડની ધારે લટકીને અડધો ઊભો હતો. છેવટે બા અને નીલાફોઈએ બાબુને સમજાવી ,વઢીને રાત્રે મોડો ઘેર મોકલ્યો. હેલીને દીવો કરવા બાએ વહેલી ઘેર મોકલી હતી.હેલી ધેર પહોંચી પણ બન્ને ઘરના અંધારાના પૂરમાં તે ડૂબકીઓ મારતી માંડ લાઈટની સ્વીચ સુધી પહોંચી .એ અને બાબુ મોડા વહેલા ગમે ત્યારે ઘેર આવે ઓટલાની લાઈટ ચાલુ હોય ને 'ખોલું છું ' બાનો અવાજ સંભળાય. એને ખૂબ એકલું લાગ્યું ' આ ઘર -બાબુ -બા ,બાપુ જ એની હરીભરી દુનિયા બાકી બધું વા '

એણે રસોઈ કરી નરેશને ટિફિન આપવા મોકલ્યો હતો. કાગને ડોળે હરીશની રાહ જોતી હતી. દુકાનની બેગમાંથી અડધું ખાધેલું ટિફિન કાઢી ધોવા મૂક્યું ને બેગ ખાલી કરી તો નીચે કેડબરી દેખાઈ. બાબુ બાજુમાં ઊભો હોય તેમ તે કોણી મારી હસી પડી ' ઓહ તો ફોનમાં આઈ લવ યુ કહેવાનો હતો.'

હરીશ ચિંતાતુર ,કચવાતા મને રિક્ષામાં બેઠો . દૂરથી તેણે બા-બાપુ વિનાના ઘરમાં લાઈટ જોઈ તે હેલીને મળવા રિક્ષામાંથી ઉતાવળો ઘરના બારણે ઊભો રહ્યો ત્યાં એના રોતલ મોમાં હેલીએ અડધી ચોકલેટ મૂકી દીધી.એકસાથે સુખ દુઃખની લહેરો તેમના તનમનને ભીંજવતી રહી.પરસ્પરના રોમાંચિત સ્પર્શથી રોમેરોમ ખીલી ઊઠેલાં ગુલાબોની સુગન્ધના ઘરમાં તેઓ ગુલ થઈ ગયાં .


Rate this content
Log in

Similar gujarati story from Drama