ખંડિત પ્રેમમૂર્તિ
ખંડિત પ્રેમમૂર્તિ
અસહ્ય ઉકળાટમાં તે સોફામાં પડખાં ફેરવ્યા કરતી હતી. ફોનને હાથમાં લઈ કોને જોડવો તેની અવઢવમાં બેઠી થઈ ગઈ. જમીને જંપી જતી બહેનપણીને ફોન કરે તો મણમણ નિસાસા સાંભળવા મળે ચીઢમાં બોલે : 'કલાક રહીને વાત કરીશ ' ટપ દઈ ફોન મૂકી, અણગમતા મહેમાનની જેમ ટાળી દે.
અમી અકળાઈને ઊભી થઈ ગઈ. રૂમમાં આંટા મારતા પતિદેવને ફોન જોડ્યો પણ બે રીગ પછી ઇરાદાપૂર્વક બંધ કર્યો હોય તેવું તેને લાગ્યું.
'ઓહો હજી તો ચાર વાગ્યા છે, વિનય ગમે તેટલી ઉતાવળ કરશે તો ય છ પહેલાં તો નહીં જ આવી શકે ' નેહાની સ્કૂલબસની રાહ જોવાની નથી, એને મુક્તિ જ મુક્તિ હતી પણ ચેન પડતું નહોતું.
બેઠકખંડની એકલતા ટાળવા તે નટખટ તોફાની દીકરીના રૂમમાં ગઈ. નેહા સવારે બે દિવસના પ્રવાસમાં જવા હરખઘેલી થઈ હતી.
'મમ્મા મને પાણીની બોટલ આપ, નાસ્તાનો ડબ્બો ક્યાં મૂક્યો ? પ્લીઝ કેડબરી અને ચુઇંગ ગમ લેવાના પૈસા આપીશ ?'
તે સવારે તો નેહાની પાછળ દોડાદોડી કરી થાકી હતી પણ હવે સૂના ઘરમાં ગમતું નહોતું !
અમી નેહાના વેરવિખેર પડેલાં કપડાંની ગડી વાળતાં વિચારી રહી વિનયે જ તેનું પ્રવાસમાં જવા ગોઠવ્યું હતું તેણે કહેલું :
'નાઉ યુ આર બીગ ગર્લ, ગો એન્ડ હેવ ફન વિથ યોર ફ્રેન્ડસ '.
નેહા ખુશીની મારી પાપાને વળગી મમ્મીને બાય કહેતી હતી. અમીને થયું વિનયે ક્યાંક ફરવા જવાનું વિચાર્યું હશે ! કેટલાં વર્ષો થઈ ગયાં, હુતો-હુતી બિન્દાસ ક્યાંય ગયાં નથી. નેહા ગઈ પછી તેણે નિરાંતે ચા બનાવેલી. વિનય રોજની જેમ છાપું વાંચવામાં મશગૂલ હતો. અમી ચાનો કપ આપી વિનયની બાજુમાં બેસી ગઈ. દરરોજ તો તે નેહા પાછળ કામમાં રોકાયેલી રહેતી. વિનયે ટેવવશાત છાપામાં નજર રાખી ચા પીવા માંડી. અમીએ ખોંખારો ખાધો, સાડીના છેડાને આંગળીએ વીંટાળી પછી હળવો ઝાટકો આપ્યો. વિનયે ચાનો ખાલી કપ અમી તરફ લંબાવ્યો, તે એમ જ રહ્યો એટલે વિનયે પ્રશ્નાર્થ નજરે અમી સામે જોયું.
'નેહા વગર સૂનું લાગે છે ?'
'તો શું ? પાસે બેઠી છું પણ તમે જોતા ય નથી. તમારે મન છાપું ભગવાન જાણે ' અમી છણકો કરી બોલી.
'મારે લોકલ જાહેરાતો પર નજર દોડાવી લેવી પડે, તું કામની ધમાલ નથી તો ટેસથી ચા પી.'
વિનય ફરી છાપાની જાહેરાત જોવા લાગ્યો, અમી ખીજમાં સામે જઈ બેઠી. છાપાની પાછલી બાજુની એક જાહેરાત તરફ એની નજર ગઈ.
'ગુમ થયા છે.'
તે મનમાં ચીસ પાડી ઊઠી: 'હા ગુમ થયા છે, ગુમ થયા છે . . . '
વિનય : 'શું થયું અમી ? ડરી ગઈ હોય તેમ ક્યાં ભાગે છે ' તેનો હાથ પકડી વ્હાલથી પાસે બેસાડી.'
અમીનો જીવ હેઠો બેઠો. બારીમાંથી જીદપૂર્વક આવી સૂર્યકિરણો છાલકોથી વિનયના મુખને પ્રકાશિત કરતાં હતાં. થોડીવાર પહેલાંનો ખાલીપો ઓગળી ગયો ! તેણે લાડમાં પતિને કાન પાસે જઈ કહ્યું :વિનય આપણે બે ક્યાંક ફરવા ઉપડી જઈએ " મનમાં 'ચલો દિલદાર ચલો . . ગીત ગવાતું હતું.
'હા જઈએ પણ આમ કાન પાસે ' અમીના ભીના હોઠથી વિનયના કાનમાં મીઠી ઝણઝણ થતી હતી.
તેણે અમીને ચુંબન કરતા કહ્યું : 'બોલ ,તું કહે ત્યાં જઈએ '.
'બે વર્ષ પહેલાં આપણે અજન્ટા -ઇલોરાની ટ્રીપ ગોઠવેલી પણ જવાની સવારે તને તાવ ચઢેલો ને આપણે જવાનું મુલતવી રાખવું પડેલું '
'તારા મનની ગુફામાં હજી એ વાત પડેલી છે, પણ સાચું કહું તો . . . . ' વિનયથી વાક્ય પૂરું થયું નહિ. તેના મુખ પર અણગમો હતો.
'શું ગુફાઓમાં જોવાની ફરવાની મઝા નહિ આવે ?' અમીને લાગ્યું પતિ એની ઈચ્છાને ટાળી રહ્યો છે.
વિનયે કહ્યું : ગરમીમાં હેરાન થઈશું , સાપુતારાના પહાડોમાં શીતલતા હશે !'
'બપોરે જરા ગરમી છે પણ ગુફામાં મઝાની ઠન્ડક હશે.' અમીએ કહ્યું .
'વિચારીશું ' કહી વિનય ઓફિસ જવા તૈયાર થવા બેડરૂમમાં ગયો હતો.
વિનયના ચહેરા પરનો અણગમો અમીને ક્યાંય સુધી કનડતો રહ્યો. કોઈ અંધારી ગુફામાં ભૂલી પડી હોય તેમ રૂમમાં આંટા મારતી હતી. વિચારતી હતી:
'વિનયને ગુફાઓ જોવાનો કેમ ઉત્સાહ નહોતો ? એના કામમાં ખોવાયેલો રહે છે કે પછી પત્ની જોડે ફરવામાં મઝા નહિ... ના ! ના! એવું તો ન હોય, અમારી વચ્ચે કશું ખૂટતું નથી. એનો સ્વભાવ જ જરા ગંભીર છે બાકી મારું મન કેટલું સાચવે છે !
વિનયે સ્કૂટરની ચાવી લઈ અમીને 'બાય ' કર્યું પણ અમી રોજની જેમ બારણું ખોલવા ઊભી ન થઈ એટલે તે ઉત્સાહથી બોલ્યો:
'બોલ તારે ક્યાં જવું છે ?'
'ગુફાઓ જોવા ' અમી દ્ઢતાથી બોલી
'અમી, અજન્ટાના ચિત્રો ફોટામાં વધુ સુંદર દેખાય છે ! ને ઇલોરાની મૂર્તિઓ ખણ્ડિત છે. અણધડ પ્રવાસીઓએ કોલસાથી લખેલાં તેમનાં નામો જોઈ દિલ દુભાય છે. ' વિનય બોલ્યો:
'હેં તમે કયારે જઈ આવ્યા ?' અમીનો શ્વાસ રૂંધાયો.
વિનયે સાંભળ્યું જ ન હોય તેમ બારણું બંધ કરી ઓફિસે નીકળી ગયો.
અમી દોડીને એનો હાથ પકડી રોકવા ગઈ પણ બંધ બારણું જોઈ તે ધૂંધવાતી સોફામાં બેસી પડી.
'એણે કેમ જવાબ ના આપ્યો ? '
અમીને પોતાની જાત પર ચીઢ ચઢી. આટલી નાની વાતમાં મન આળું થઈ જાય છે ! લગ્ન પહેલાં ગયો હશે. ને બધી જ વાત તેને કહેવી એવું કાંઈ બંધન છે ?
***
ડૉરબૅલ રણક્યો. 'કોણ હશે ?' કોઈ બહેનપણી તો ન હોય ! વિનય હશે ? બારણું ખુલતાં જ સહેજ પણ ખચકાટ વગર આત્મીય અધિકારથી એક યુવતી અંદર આવી ગઈ. પાંત્રીસેક વર્ષની ઉંમરના પ્રમાણમાં વધુ ચંચળ હતી. પોતાનું ઘર હોય તેમ હાથમાંની સૂટકેસને દાદરા પાસે મૂકી, એનો ભરાવદાર મજબૂત હાથ અમી સામે લંબાવી 'હલો ' કરતાં તેને એવી હચમચાવી કે અમીને પડી જવાની બીક લાગી. યુવતીએ મોટા કદના સનગ્લાસીસને ખભા પરની ઝૂલતી પર્સમાં મૂકી ધરને ચારેકોર જોતાં ક્ષોભરહિત નિરાંતે સોફામાં બેઠી. કોઈ ઓફિસની સેક્રેટરી હોવાની છાપ અમીના મનમાં પડી.
'બીજા ગ્રહનું પ્રાણી હોય તેમ ક્યારની જોયા કરે શું કરે છે અમી ? મને ન ઓળખી ?' તેણે પૂછ્યું. અમીને લાગ્યું આ યુવતી કોઈ રમત રહી છે, ઘરની માલિકણ હોય તેમ વર્તે છે. 'આ કોઈ પરિચિત સ્ત્રી છે પણ વેશ બદલી પૂછી રહી છે શું રહસ્ય હશે !' તે હા-ના કરતાં સંકોચ અનુભવતી હતી.
'ક્યાંક જોઈ છે ,વારંવાર જોઈ છે. એનું નામ હૈયે છે પણ બોલાતું નથી . હા ! યાદ આવે છે. વિનયના કોલેજના ગૃપફોટામાં હતી, આખા ગ્રુપને એ જ હસાવતી હોય તેમ છેલ્લે ઊભેલી...મીનુ
મીનુ રસોડામાં જઈ પાણી લઈ આવી. જરાય ઉતાવળ ન હોય તેમ બેઠી હતી. અમી 'અરે ,આણે તો અહીં અડ્ડો જમાવી દીધો ! રહેવા આવી હશે ! તેના મનમાં ઈર્ષા આવી 'મારા ઘરને પોતાનું કરી બેઠી છે. '
મીનું પાણી પીતાં બેઠકખણ્ડની સજાવટને જોઈ બોલી:
'વિનુ પહેલેથી શોખીન, આ વોલપીસ એની જ પસંદગી . '
'વિનુ . . વિનુ કોણ ? આ તો વિનયની અને મારી પસંદગી છે.'
'વિનુ . . ઘરમાં બા ને નાના-મોટા બધાં વિનુ કહી બોલાવે ઓફિસમાં વિનય. મીનુ અને વિનુની તોફાની ટોળી સૌને સતાવે. ' મીનુ ખડખડાટ હસતી હતી.
અમીએ હસવા પ્રયત્ન કર્યો પણ તેને અંતરસ આવી ગયું હોય તેમ ગળું રૂંધાયું. મીનુએ તેને સોફામાં બેસાડી બરડે હળવો હાથ ફેરવ્યો.
'તારો વર યાદ કરતો હશે !' મીનુના હાસ્યના પડઘાથી અમીને કાન બંધ કરી દેવા હતા. તે રીસમાં બોલી: 'મારો વિનય યાદ કરતો હશે' તેને યાદ આવ્યું કે શરૂઆતમાં તે જયારે 'વિનય ' કહી બોલાવતી ત્યારે તે ઉંઘમાંથી જાગ્યો હોય તેમ 'મને બોલાવ્યો?' પૂછતો. આ ઘરમાં વિનુ નહોતો.
મીનુ ઘરમાં ચારે બાજુ ફરી વળી. ખૂણામાં મૂકેલી ઇઝી ચેર જોઈ કહે;
'અરે ! અહીં પહેલાં દીવાન હતો. બારી પાસે રંગીન પાંદડાનો ક્રોટનનો છોડ સરસ છે, તેં મૂક્યો હશે ! બાકી વિનુને ઘરમાં રાખવાની ભારે ચીડ. હંમેશ કહેતો 'ઘરમાં છોડ જેલમાં પૂરાયો કહેવાય, પવન પ્રકાશ વિના તડપે !'
અમીને યાદ આવ્યું સમય મળે વિનય કૂંડાને બહાર મૂકે કહે: 'હાશ 'હવે જો કેવો પવનમાં હસે છે !'
અમી વ્યથિત થઈ 'ન વિનયે કદી કહ્યું ના તે સમજી 'એકબીજાને ગમે તેવું કરતાં રહ્યાં ! હિજરાતા છોડને... બહારની હવામાં હવામાં લઈ જવા તે ઝનખી રહી. મીનુની તાળીઓના અવાજથી તે ચમકી. ખોવાયેલું રમકડું જડ્યું હોય તેમ તે બોલી ઉઠી :
'વાહ ! આ ગ્રુપ ફોટો હજુ અહીં જ છે ?' વિનયે આગ્રહથી એ કોલેજનો ફોટો ત્યાં રહેવા દીધો હતો. એ ફોટામાંથી એણે મીનુની ઓણખાણ કરાવી હતી.
'મારી ક્લાસમેટ પણ દૂરનાં માસીની દીકરી. તોફાની, બેપરવાહ.'
નેહાને મઝાકમાં કહેતો : તું મીનુ જેવી અલમસ્ત છું '
'નો પાપા હું જાડી નથી '
'તોફાની છોકરીઓને ખીજવવાની મઝા આવે. '
નેહા પૂછતી ; પાપા ,મીનુ કેવી છે ?'
'બસ તારા જેવી, મમ્મી જેવી ડાહી નહીં. '
અમી મુંઝાતી કે વિનય તેની પ્રશંસા કરે છે કે ટીકા ?'
મીનુના ઘરમાં આવ્યા પછી અમીને થયું સુનામીના સપાટાથી તેનું ઘર હાલમડોલમ થતું વેરણ છેરણ થઈ રહ્યું છે. તેને સવારથી નેહા ગયા પછી ઘરમાં ગમતું નહોતું તેમાં આફતની પડીકી મીનુ ટપકી પડી. વિનય સાથે હરવા ફરવાના પ્લાનમાં હડ્ડી જેવી મીનુ તેને ખટકી .
મીનુ બોલતી હતી:
'પહેલાં અહીં તિરાડવાળો મોટો આયનો હતો. વિનુ મઝાકમાં કહેતો 'જો મારા બે ભાગ '.
અમીએ બે હાથે માથું પકડી લીધું 'શું આ ઘરમાં હું નહોતી ત્યારે ઘણું બધું હતું ?વિનુ હતો, કયો વિનુ ? વિનયનો અડધો ભાગ ? મઝાકિયો વિનુ, શોખીન વિનુ, ના... ના હું નથી જાણતી એને...
બાર વર્ષ પહેલાંનો ભૂતકાળ . . . તેનાં અને વિનયના લગ્ન પહેલાંનો વીતેલો સમય ફરી વળી વળ્યો હતો. તેમાં તેની એક નિશાની નહોતી. આ ચિરપરિચિત ઘર તેને માટે અંધારી ગુફા બન્યું હતું. પ્રવેશદ્રાર આગળ જ એ થંભી ગઈ હતી. અંદરની મૂર્તિઓ કેવી હશે ! હાથ મોં ધોઈ તાજગી અનુભવતી મીનુને તેણે કહ્યું :
'હું વિનયને ફોન કરું ?'
'એ તો આવતો જ હશે. '
'શું વિનયને ખબર છે ?' એકદમ ક્ષીણ અવાજે અમીએ પૂછ્યું.
મીનુ પ્રસન્નતાથી બોલી: 'છે ને નથી ! હું માસીને ત્યાં જવાની હતી, પણ એ અહીં આવવા જીદ કરતો હતો. કહેતો હતો મારા માટે અલગ કમરો પણ છે.'
અમીએ નેહા પ્રવાસમાં ગઈ ત્યાર પછીની ક્ષણોને પુન: જીવી જોઈ. નેહાને પ્રવાસમાં મોકલવા પાછળનું કારણ એ હતું કે મીનુને અલગ કમરો મળે ? વિનયના મનની ગતિઓથી હું સાવ અજ્ઞાન છું કે પછી 'મારો પતિ વિનય' ના વર્તુળની બહાર કશું જોતી નથી ?' પતિ સાથે જિવાયેલા જીવનનો જાણે તેને અપચો થયો હોય તેમ તેનું મન ખાટું થઈ ગયું.
***
બહારના દરવાજે સ્કૂટરનું હોર્ન વાગતાં મીનુએ દોડીને બારણું ખોલ્યું . અમીને પતિને આવકારવાનો પોતાનો અધિકાર છીનવાઇ જતો લાગ્યો.
મીનુ બોલી ઊઠી: 'જો અમી, વિનુ આવી ગયો ! ગમે તેવો સાહેબ હોય પણ હું આવું એટલે વહેલો આવે જ !'
અમી બબડી: 'આ બધું હું નથી જાણતી' એના પતિ વિનય પરના અજ્ઞાત આક્રમણથી તે થરથર થતી ડરી ગઈ હતી. વિનયના હાથમાં બે-ત્રણ પેકેટ હતાં. ઓફિસેથી આવ્યો છતાં ચહેરા પર પ્રસન્નતા હતી અને તરવરાટ તો કોલેજના યુવાન જેવો. તે ગંભીર રહેતા પતિને આવો હસતો જોવા ઝૂરતી હતી. વિનયે એક પેકેટનો ધા મીનુ પર કરતાં કહ્યું :
'કેમ બહુ મોંઘાઈ કરતી હતી ?'
મીનુએ વિનુને ધબ્બો મારતાં કહ્યું:
'તેં નોટિસ આપી કે તારી મુંબઈની મુલાકાત બંધ એટલે દોડીને તારા ધેર પહેલી આવી. '
'હું ક્યાં નવરો છું કે તને મળવા આવ્યા કરું ?'
સોફાના ખૂણામાં બેની વચ્ચે અજાણી અમીનો ચહેરો ઝન્ખવાયો હતો. તે વિચારતી હતી ઓફિસના કામે વિનય મુંબઈ તો જાય છે પણ મીનુને મળ્યાની વાત ન કરી ?' મુંબઈની મુલાકાત 'શબ્દો તેને કાળજે વાગતા હતા.
વિનય અમીના તેજહીન મોંને જોઈ તેની પાસે બેઠો। 'અમી,આ મીનુનું ઠેકાણું નહીં એટલે તને કહ્યું નહોતું'. અમીને લાગ્યું તેનો પતિ તેને ખુલાસા આપી સાચવી રહ્યો છે. તે રસોડામાં ગઈ, વિનયે બૂમ પાડી :
'અમી,આજે તારે રસોઈની છુટ્ટી. આ હું પેકેટ લાવ્યો છું તેમાંથી મીનુ પાસ્તા બનાવશે'.
'કોલેજના દિવસો યાદ આવ્યા વિનુ ?' મીનુ રસોડામાં ગઈ તેની પાછળ વિનુ પણ ગયો. તેણે કહ્યું:
'તું ય હોસ્ટેલમાં પાસ્તા બનાવી લેતી હતી ને ?'
'ઓકે બાબા મારી પોલ ખોલે છે. તોબા બહાર જતાં ત્યારે તું લારીઓ પર પાવભાજી ખાઈ લેતો તે મને ખબર છે. '
અમીને થયું વિનય નેહાને કદી લારી પરનું ખાવા દેતો નહીં. કોલેજના દિવસોમાં લારીઓ પર ખાતો કે એવી કોઈ વાત વિનયે કદી પત્નીને કહી નથી. શું પત્ની સાથે હસી મઝાક ન થાય ?
સોસના ડબ્બાનું ઢાંકણ કાપવા મીનુએ ચારેકોર નજર ફેરવી વિનયને કહ્યું :
'કેનકટર લાવને ?'
રસોડાની ચીજવસ્તુઓથી સાવ અજાણ વિનય લાચાર ઊભો રહી બોલ્યો: 'અમીના રસોડામાં મને કશી ગતાગમ પડે નહીં. ઘરનું કામકાજ અમી જાણે, હું તો શોભાનો ગાંઠિયો !'
અમી સંભાળથી ડબ્બાનું ઢાંકણ કાપતી હતી છતાં તેને આંગળી કપાયાની વેદના થઈ. મનમાં વિચારી રહી 'શું મેં કદી ઘરના કામમાં એની મદદ લીધી જ નહીં કે એને સમય નહોતો. '
મીનુએ અમીની પાસે કહ્યું જઈ : ''મારો વર અમર પણ મને જોઈ ઢેકો હલાવતો નથી,'
જમવાનું પતાવી સૌ બેઠાં ત્યારે અમીને લાગ્યું સવારે દીકરી વગર ઘર ખાલી હતું છતાં એ ભરી ભરી હતી. અત્યારે ઘર મહેમાનથી ભરેલું છે પણ પોતે ઘરમાં નથી.
વિનયે અમીને પૂછ્યું : 'કેમ નેહા સાંભરી કે શું ? લે આ અજન્ટા ઇલોરાની બસના રિઝર્વેશનની ટિકિટ.' અમીના હાથમાં પડેલી ત્રણ ટિકિટો તેને દઝાડતી હતી.
અમી બોલી: 'મેં તો અમસ્તું જ કહેલું "
''જઈશું મઝા આવશે. બોલ મીનુ તારો શું કાર્યક્રમ છે ? આવવું છે અમારી સાથે ?'
'ના યાર, મારે ફરી એ ગુફાઓમાં નથી આવવું.'
અમીને આંચકો લાગ્યો 'ઓહ તો ગુફા જોવા સાથે ગયાં હતાં !'
'મને ખબર છે ખંડિત મૂર્તિઓ જોઈ તારું હદય રડે છે.' વિનયે ભીનાશથી કહ્યું.
મીનુ બોલી: 'ખંડિત પ્રેમની મૂર્તિઓ મને વેદના આપે છે. કલાકારના પ્રાણને કચડી નાંખતા એ નિષ્ઠુર આક્રમણકાર માણસ હશે !'
મીનુની ચંચળ -તોફાની પ્રકૃતિનું નવું પાસું જોઈ અમી અચંબામાં પડી ગઈ.
'મીનુ, તું વધારે પડતી ઊર્મિશીલ છે. મૂર્તિની રચના જેમ ઇતિહાસની ઘટના છે તેમ તેના પરનું આક્રમણ. સત્તાનો કેફ બધું ભુલાવી દેતો હશે, યુદ્ધોના ઇતિહાસ છે. માણસાઈના નહીં !'
અમી અનુભવી રહી કે ખરેખર તો વિનય પણ ખંડિત મૂર્તિઓ જોઈ દુઃખી થયેલો એટલે જ ફરી જવાનો ઉત્સાહ નહોતો. છતાં તેને ખાતર ટિકિટ લીધી.
વિનય બોલતો હતો: 'ખંડિત મૂર્તિઓનું પણ કેવું વેદનામય આકર્ષણ છે !'
વિનુ અને મીનુની નવી ઓળખ અમીને ભીંજવી રહી. મીનુ આવી ત્યારથી એના પર કોઈ આક્રમણ શરૂ થયું હતું. એણે મનમાની રીતે નિરાંતે ઘડેલી વિનયની મૂર્તિ ખંડિત થઈ રહી હતી. પણ તેને લાગ્યું પોતાના પ્રિય પતિના ભૂતકાળના જીવનની મહત્વની ઘટનામાં તે સામેલ થઈ છે. વિનયનાં તરવરાટ, શોખ અને આનંદને તેણે જોયાં, જાણ્યા. વિનયમાંના અડધા વિનુની મીનુ આવી તેથી ઓળખ થઈ તેણે વિનયની ઘડેલી મૂર્તિ અધૂરી હતી, હવે પૂર્ણ થઈ...ના ના જીવનમાં પૂર્ણતા ક્યાંથી ?