પુન : નિર્માણ
પુન : નિર્માણ


પોતાની માતૃભૂમિ પર વીસ વર્ષો પછી એના પગ સ્પર્શ્યા. આ વીસ વર્ષોમાં એનું જીવન કેવું વેગપૂર્ણ બદલાઈ ચૂક્યું હતું. બધુજ તો બદલાઈ ચૂક્યું હતું ! નવા જીવનના વહેણમાં જૂનું જીવન તણાઈને નામોનિશાન વિના અસ્ત થઇ ગયું હતું. પણ આજે એ અસ્ત જીવનના પડઘાઓ વર્તમાન સાથે અફળાઈ રહ્યા હતા. વર્ષોથી બંધ રહેલું પુસ્તક ધીરે ધીરે એક એક પાના સાથે ઉઘડી રહ્યું હતું. આ પુસ્તક ઉઘડવા પાછળનું કારણ ફક્ત એક ફોન કોલ, અમિષાનો ફોન કોલ :
"થઇ શકે તો બાની અસ્થિ વહાવા..."
બસ આટલાંજ શબ્દો એણે ઉચ્ચાર્યા હતા. એ શબ્દો વિનંતી હતી કે પછી એને પરદેશથી દેશમાં બોલાવી સંપત્તિ અંગેના નિર્ણયો નિર્ધારિત કરવા માટેની કોઈ સોચીસમજી ચાતુર્યપૂર્ણ યોજના ? અમિષા પોતાની પત્ની છે કે હતી ? હજી સુધી ઉખડી ગયેલા એ સંબંધના કોઈ સ્વાચ્છોશ્વાસ જીવંત હતા કે પછી નુકસાનમાં પરિણમી ચૂકેલા એ બંધન પાસેથી થોડો ઘણો ફાયદો સમેટી લેવાની એક ચેષ્ટા માત્ર ?
વીસ વર્ષો પહેલા પરદેશની ધરતીને અપનાવવા એ રીત સર પોતાની માતૃભૂમિ પરથી ભાગી છૂટ્યો હતો. કોઈને કઈ પણ કહ્યા વિના... બાને કહેવાની હિમ્મત ક્યાંથી કેળવી શકતે ? અને શું કહેતે ? હું મારું આખું જીવન પિતાજીની જેમ આદર્શોના ભાષણોને નૈતિકતાના ભાર નીચે કચડી શકીશ નહીં... આ ભૂતિયા હવેલી જેવા ઘરમાં એમની જેમ સચ્ચાઈ અને પ્રમાણિકતાની ગાથા ગાતા - ગાતા, જીવલેણ ઉધરસથી ક્ષણ ક્ષણ પીંખાઈ, ચિતાની આગમાં મારું શરીર મને બલિદાને ચઢાવવું નથી. શાળાનું મોઢું પણ ન જોયું હોય એવી અશિક્ષિત અને અભણ સ્ત્રી જોડે મારું આખું જીવન વેડફવું નથી. આખો દિવસ રસોડામાં ગોંધાઈ રહેતી સાવ ગામડિયા જેવી તારી પસંદગીની વહુને છોડી મારી ઈચ્છા મુજબની અને મારી પસંદગીની કોઈ શિક્ષિત અને નવી પેઢીની સ્ત્રી જોડે મારુ જીવન ફરીથી માંડીશ. પડુ પડુ થઇ રહેલી આ હવેલીની જર્જરિત દીવાલોની મરંમત પાછળ મારા જીવનની ઇમારતને જમીનદોસ્ત ન જ થવા દઈશ...!
પિતાના મૃત્યુ પછી જાણે જીવનનું મેદાન મોકળું થયું. વિદેશમાં વસી ચૂકેલા મિત્રની સલાહથી ચોરીછૂપે પાસપોર્ટ, વિઝા અને વર્કપરમિટની વ્યવસ્થા કરી નાખી. આ દેશમાં રહી સડવા કરતા વિદેશ જઈ ગુણવત્તાયુક્ત અને ખુમારી ભર્યું જીવન ઘડવુંજ તર્ક યુક્ત અને સંપૂર્ણ વ્યવહારુ હતું. અહીં બા સિવાય કોઈ હતુજ ક્યાં ? અમિષા ને એણે હૃદયથી કદી પોતાની પત્ની તરીકે સ્વીકારીજ ક્યાં હતી ? સાત ફેરા અને મંગળ સૂત્રની એ ઔપચારિકતાથી એક બંધન જરૂર રચાયો હતો પણ એ બંધન સંબંધના પગથિયાં ચઢી શકવામાં સંપૂર્ણ નિષ્ફ્ળ નિવડ્યો હતો. વૃદ્ધાવસ્થામાં બાના જીવનના વધેલા નામના દિવસોમાં એને આરામદાયક જીવન પૂરું પાડવા તેમજ પિતાના ખોખલા જીવન વિચારોથી જે ગુણવત્તાયુક્ત જીવન શૈલીથી એ વેગળી રહી ગઈ એ જીવન શૈલીનો એને અનુભવ આપવા આખરે એ ઉડીજ ગયો. પોતાના સ્વપ્નો પાછળ... બધુજ પાછળ છોડી... એક મુક્ત વિહરતા પતંગ સમો...
એ દિવસ પછી એણે કદી પાછળ ફરી જોયુંજ નહીં. જીવનના એ જૂના અધ્યાયને હંમેશ માટે બંધ કરી એક નવુંજ અધ્યાય એણે શરૂ કર્યું. પોતાનું એક નવું ખુમારી ભર્યું જીવન જ્યાં બધુજ એનીજ ઈચ્છાનુસાર અને મરજી માફક હતું. ના કોઈ રોકટોક, ના કોઈ અવરોધ, ન બંધનોનું કોઈ વિઘ્ન ! એ ખંડેર હવેલીમાંથી નીકળી એ બંધાયેલું પંખી વિદેશના મુક્ત અને વૈભવશાળી આકાશમાં મુક્ત પાંખો ફેલાવતું ઊંચે ને ઊંચે વિહરી રહ્યું. બાનો સંપર્ક સાધવાનો દરેક પ્રયત્ન નાકામ નીવડી રહ્યો. ભગોડા દીકરાએ નામ ડૂબાડ્યું હતું. વિશ્વાસઘાત કર્યો હતો. પીઠ ઉપર ખંજર ભોંક્યું હતું. કોઈ નિર્દોષ યુવતીના જીવન સાથે રમત રમી હતી. માફીનો કોઈ અવકાશજ ક્યાં હતો ?
સફેદ વાળ ધરાવનારી પેઢી યુવા પેઢીના જીવન સ્વપ્નોને કદી ન સમજી શકે, એ બાબત એણે હૈયાંમાં શીધ્રજ સ્વીકારી લીધી. આમ છતાં પોતાની કર્તવ્ય પરાયણતા અંતર્ગત બે સ્ત્રીઓનો જીવન નિર્વાહ સરળતાથી થઇ શકે એટલી આર્થિક મદદ એ દર મહિને અચૂક વતન પહોંચાડી દેતો. એ ફરજ પૂરતી હતી કે પછી પોતાની અંતર આત્માને શાંત રાખવા અપાતી લાંચ એ કહેવું થોડું મુશ્કેલ હતું !
વર્ક પરમીટની અવધિ સમાપ્ત થવા પહેલાંજ એણે પરદેશની આજીવન નાગરિકતા મેળવી લીધી. તદ્દન ટૂંકા ને ટચ રસ્તે, લગ્ન બંધનની સૌથી પ્રખ્યાત તરકીબ દ્વારા. વિદેશી પત્ની ના વ્યવહારુ સ્વભાવે એક ભારતીય હ્રદયના પ્રેમમાં એનો બધોજ ભૂતકાળ તદ્દન સહજતાથી સ્વીકારી લીધો. આ વ્યવહારુતાજ તો એને ગમતી, એને આકર્ષતી. લાગણીવેડામાં રચેલીપચેલી લાચાર ભારતીય નારીની તુલનામાં આ ખુલ્લા વિચારશરણીવાળું વ્યક્તિત્વ, એનો નીડર અને પારદર્શક મિજાજ પ્રેમમાં પડવા પર્યાપ્ત હતો. બે બાળકો અને સધ્ધર નોકરી... જીવન એની ઈચ્છા મુજબ તાલ સાથે તાલ મેળવી આગળ વધતું ગયું અને દેશની યાદો એટલીજ ધૂંધળી પડતી પાછળ છૂટતી ચાલી.
બાની માંદગી વિશે એને કોઈ સમાચાર સુદ્ધાં મળ્યા નહીં. પોતાની અંતિમ યાત્રામાં પોતાનો પુત્ર ભાગ ન લે, એવી આખરી ઈચ્છા તો કદાચજ કોઈ માએ સેવી હોય ! પોતાના બાળકને પોતાનો ચ્હેરો અંતિમ વાર જોવાની પણ પરવાનગી ન આપવી, એનાથી મોટી સજા એક બાળકને માતા તરફથી મળી શકે ખરી ?
અમિષાના કોલથી બાના મૃત્યુના સમાચાર મળ્યા. વિદેશી દીકરો અને વહુ ચિંતામાં પડ્યા. અસ્થિ વહાવાના આમંત્રણ પાછળનું ગણિત સમજતા સમય ન લાગ્યો. વર્ષો પહેલા પાછળ છોડી આવેલ પેલી જૂની જર્જરિત હવેલીની બજાર કિંમત આભને સ્પર્શી હોવી જ જોઈએ ! જમીન સાથે વળી બમણો ભાવ ! બાના અવસાન પછી પોતેજ એનો સાચો વારસદાર કહેવાય. અમિષાને કદી પત્ની તરીકે દરજ્જો આપ્યો ન હતો તો વારસદારમાં એની ગણતરી વળી કેવી ? છતાં અમિષા પણ પોતાનો હક સ્થાપિત કરવા જરૂરથી પ્રયત્ન કરશે... બા સિવાય વિશ્વમાં એનો કોઈ સહારોજ ક્યાં હતો ? ન કોઈ ભાઈ બહેન, ન માતાપિતાની હયાતી. બાના નિધન પછી હવે તો આ હવેલીજ એનો એકમાત્ર આશ્રય અને વિસામો... વિદેશી પત્નીની શિખામણ અનુસાર ગમે તેમ કરી એને છૂટાછેડા માટે મનાવી, કેટલીક આર્થિક સહાયની લાલચ આપી એ સ્થળેથી હડસેલવીજ એકમાત્ર માર્ગ !
માર્ગ એટલો સહેલો પણ ન હતો. એ અંગે અમિષા આટલી સહેલાઈથી હામી શા માટે પૂરાવશે ? ભારતીય સ્ત્રીઓનો સુહાગ તો એમની સૌથી મોટી નબળાઈ... એજ લાગણીવેડા ને એજ ભાવાત્મક તમાશાઓ...
બને એટલી ઝડપે આ બધી કાયદાકીય પ્રક્રિયાઓ નિપટાવી પોતાના પરિવાર પાસે પરત ફરવાના ધ્યેય સાથે એ આખરે હવેલી પહોંચ્યો. હવેલીના બદલાયેલા રંગરૂપે એને ચોંકાવ્યો. જર્જરિત દીવાલો નવી શ્વાસો ભરતી નવા રંગોમાં રંગાઈ નવી દુલ્હન સમી સુંદર દીસી રહી હતી. નવી મરમ્મ્ત અને પુનઃ નિર્માણનો સ્પર્શ એના જુના શરીરને જાણે નવો શણગાર સજાવી ગઈ હતી. જૂની પડું પડું થઇ રહેલી ઇમારતની જગ્યાએ નવી સશક્ત ઇમારત અડીખમ ઉભી શેરીની એકમાત્ર આધુનિક સંપત્તિ જણાઈ આવતી હતી. આ નવા કરાવાયેલા ફેરફારો કોઈ હકાધિકાર તરફ સંકેત કરી રહ્યા હતા.
હવેલીના મુખ્ય દ્વારે મોટું તાળું લટકી રહ્યું હતું. વિસ્મય અને હેરત જોડે આસપાસ તપાસ કરતા એક ચોંકાવનારી હકીકત જાણવા મળી. એના પરદેશ ગયા પછી બા અને અમિષા પણ અહીંથી અન્યસ્થળે રહેવા જતા રહ્યાં હતાં. વર્ષમાં થોડા દિવસો સાફસફાઈ અને હવેલીની મરમ્મત માટે ડોકિયું માત્ર કરી જતાં. જોકે બાના નિધન પછી તો અમિષા એ અહીં પગ પણ મૂક્યો ન હતો. પાડોશીઓ પાસેથી અમિષાનું નવું સરનામું મેળવી એના નવા નિવાસ સ્થળ તરફ એ શીઘ્ર ઉપડ્યો. અંતર કળી રહ્યું... બાના અવસાન પહેલાંજ હવેલીનો ચાલાકીભર્યો સોદો નિપટાવી દેવાયો હતો ! તિરસ્કાર અને ઘૃણાથી હૈયું વલોવાઈ રહ્યું... નર્યો સ્વાર્થ અને ધોકાબાજી !
ક્રોધાવેગમાં અમિષાના બારણે ઉભા રહેલા એના શરીરના હાવભાવોમાં એના અંતરનો વલોપાત સ્પષ્ટ ડોકાઈ રહ્યો હતો. બારણું ઉઘડ્યું અને ત્યાં ઉભી અજાણી સ્ત્રીને અમિષા અંગે પૂછપરછ કરવા ઉઠી રહેલા શબ્દો ફરીથી એની જગ્યા એ પરત ગોઠવાઈ ગયા હોય એમ અવાક બનેલા ચ્હેરાના ભાવો સામે ઉભી સ્ત્રી પર જડાઈ ગયા. અમિષા ? એની પત્ની અમિષા જ હતી એ કે કોઈ નજર દોષ ? પેલી વર્ષો પહેલાની તદ્દન મેદસ્વી, સાદી, સરળ, આવડત વિહીન, અશિક્ષિત, અભણ ને ગામઠી અમિષાની જગ્યા એ આધુનિક અભિનેત્રીની સરખામણીમાં ઉતરી શકે એવી સુડોળ ને આકર્ષક કાયા, લેવાયેલી માવજત અને દરકારનો પુરાવો આપતા તદ્દન આધુનિક ચલણને અનુસરતા મોહ પમાડે તેવા સુંદર વાળ, ડિઝાઈનર સલવાર કમીઝ અને સાદગીથી દીપી ઉઠેલ સુંદર શરીર... આંખો પર જાણે વિશ્વાસ જ બેસતો ન હતો... કોઈ કઈ રીતે આટલું સુંદર અને સંમોહક દીસી શકે ?
"ઓહ, પ્લીઝ કમ ઈન..."
અવાક બની સ્તબ્ધ થયેલા શરીર ને તદ્દન સ્પષ્ટ અને સ્વચ્છ અંગ્રેજી એ ઢંઢોળ્યું.
"પ્લીઝ, હેવ અ સીટ. વુડ યુ લાઈક ટુ હેવ સમથિંગ ?"
અંગ્રેજીનો તદ્દન સહજ ઉપયોગ ભાષામાં વણાઇ ચૂક્યો હતો અને એને પ્રભાવિત કરવાનો એ પ્રયાસ તો નજ હતો. લીધેલી તાલીમ અને શિક્ષણનું ફક્ત યોગ્ય સ્થળે થયેલું પ્રયોજન માત્ર જ હતું. નકારમાં માથું ધૂણાવી, મૌન પૂર્વક અહીં ત્યાં નજર ફેરવી રહેલ પતિની મનોસ્થિતિ પામી જતા અમિષા અંદરના ઓરડામાં જતી રહી. બાની અમિષા સાથેની તસ્વીરને દીવાલને આવરી લેતી ખુબજ વિશાલ અને ભવ્ય ફ્રેમમાં દીવાન ખંડમાં સજાવાય હતી. તસ્વીરમાં એની કમી સહેજે અનુભવાતી ન હોય એવા અતિસંતુષ્ટ અને અંતરની સાચી ખુશી પ્રગટાવતા બન્ને ચ્હેરાઓ ઉપર સ્થાયી એની નજરોમાં વિચિત્ર ઈર્ષ્યા ફરકી રહી...
"તમારી અમાનત..."
બાની અસ્થિને સમ્માનપૂર્વક અમિષાએ એના હાથોમાં સોંપી...
"માફ કરશો એમની અંતિમ ઈચ્છાનું માન જાળવવા..." બાના નિધનના સમાચાર ત્વરિત ન પહોંચાડવા બદલ અમિષા એ માંગેલ માફી એ જાણે અંતરની ઈર્ષ્યાને વધુ પ્રજ્વલિત કરી હોય એમ ચ્હેરાનો રંગ લાલ પીળો થઇ રહ્યો. એ બદલાયેલા રંગની નોંધ લેતાજ અમિષા એ વિષય બદલ્યો. હાથમાં થામી રાખેલો પૈસાનો ચેક એણે પતિના હવાલે કર્યો. પતિની આંખોમાં ઉભરાયેલા વિસ્મયને વિગતવાર સમજૂતી આપી અમિષા એ ઉકેલવા પ્રયાસ કર્યો :
"આપના પરદેશ ગયા પછી હું હવેલી છોડી અહીં આવતી રહી. જીવન કઈ રીતે આગળ વધશે અને કેવા વણાંકો લેશે એ અંગે કોઈ જ્ઞાન ન હતું. બાએ પણ તૂટેલા હૈયાં સાથે હવેલી પર તાળું વાંસી મારી જોડે જ રહેવાનો નિર્ણય લીધો. અક્ષર જ્ઞાનથી બાળપણ વંચીત રહ્યું હતું. સ્ત્રીની જાત તો રસોડાંમાંજ શોભે એ સામાજિક માન્યતાએ મારુ જીવન રસોડાની ચાર દીવાલો પૂરતું મર્યાદિત બનાવી દીધું હતું. હાથો વડે બનતી મારી રસોઈને બાએ રસોઈ કલા કહી વધાવી. નાના મોટા રસોઈના ઓર્ડરથી શરૂઆત કરી. ધીરે ધીરે બાની પ્રેરણા અને સાથસહકારથી ટિફિન સેવા શરૂ કરી. ઓફિસના કાર્યકરો, ઘરની બહાર કામ કરતી સ્ત્રીઓ તરફથી ને સામાજિક પ્રસંગોએ પણ સારા એવા ઓર્ડર મળવા લાગ્યા. આર્થિક ઉપાજન માટે શરૂ કરેલું કાર્ય એક વ્યવ્યસિક દિશામાં સફળતાથી આગળ વધતું ગયું. બે સ્ત્રીઓના જીવન નિર્વાહ માટે સરળતાથી પર્યાપ્ત રકમ ઉપરાંત વધારાની પુંજીથી હવેલીનું પણ ધીમે પાયે પુનઃ નિર્માણ શક્ય બન્યું. ભાડેના મકાનને પોતાનું કરવા પુંજી પણ ભેગી કરતાં ગયાં. બાની હિમ્મત નિહાળી એક અનન્ય આત્મવિશ્વાસ વાળી ભાવના હૃદયને નીડરતા અર્પી રહી. જીવનની દરેક સમસ્યાઓ એ આત્મવિશ્વાસ આગળ નહિવત થતી ચાલી. એક ગભરુ અને અવિશ્વાસુ શરીરને બાએ એક આત્મવિશ્વાસી અને આત્મસન્માનયુક્ત વ્યક્તિત્વમાં ઢાળી દીધું. પોતે દુનિયા છોડી જવા પહેલા પોતાની દીકરીને પગ પર ઉભી કરી દુનિયા સામે ઝઝૂમવા તૈયાર કરી ગયા." બાની તસ્વીર પર મંડાયેલી અમિષાની આંખોમાં ભેજયુક્ત ચમક પ્રસરી રહી.
"આપે બા માટે જેટલી પણ આર્થિક મદદ મોકલી એને તેઓ સ્પર્શવા તૈયાર જ ન હતાં. એ બધી રકમ સાચવીને હું બેન્કમાં જમા કરાવી દેતી. એ બધીજ રકમનો સરવાળો આ ચેકમાં હાજર છે..." પાસે પડેલી ફાઈલ પણ પતિના હાથોમાં આપી અમિષા એ વાત આગળ વધારી :
"આ હવેલીના કાગળિયા છે. બાએ પોતાના ગુસ્સાના આવેગમાં મારા નામે હવેલી કરાવી દીધી હતી. પણ એના સાચા વારસદાર તો આપજ છો. આપનો હક હું નજ છીનવી શકું. બાની યાદો, એમનો સ્નેહ, એમના આશીર્વાદ અને એમણે સિંચેલી જીવન રાહ જીવવા માટે પર્યાપ્ત છે..."
હવેલીના કાગળિયા અને બેન્કનો ચેક હાથમાં હોવા છતાં અચાનક તદ્દન દરિદ્રતાની ભાવના મન પર છવાઈ ગઈ. સામે બેઠી સ્ત્રી વિશ્વની સૌથી સમૃદ્ધ વ્યક્તિનો આભાસ શા માટે ઉપજાવી રહી હતી ? ઢળેલી પાંપણો ખુબજ ભારયુક્ત બની ગઈ હતી. એને ઉપર ઉંચકી સામે બેઠી સ્ત્રીની આંખોમાં આંખો મેળવવાની હિંમત ન હતી... મૌન અને નિ:શબ્દતા નીચે પોતાની લાજ ઢાંકવી જ યોગ્ય લાગી રહ્યું.
"ઇફ યુ ડોન્ટ માઈન્ડ..." અચકાતા ભાવ સાથે એને અપમાનની ભાવના ન અનુભવાય એવા મધુર લહેકા સાથે અમિષાએ પરવાનગી માંગી. "મારે કેટરિંગના ઓર્ડર માટે નીકળવું પડશે... કામ કરવાવાળા પહોંચી ચુક્યા હશે.. મારી રાહ જોતા હશે.... તો ......"
"યા સ્યોર....." છોભીલો પડી ઉભો થઇ એ ઘરની બહાર તરફ જવા ઉપડ્યો. એને જોઈતું બધુંજ સહેલાઇથી સજેલી થાળી સ્વરૂપે મળી ચૂક્યું હતું છતાં કશુંક અત્યંત મહત્ત્વનું પાછળ છૂટી રહ્યાનો આ કેવો વિચિત્ર ભાવ એ અનુભવી રહ્યો હતો ? અહીંથી દૂર જવા પગ શા માટે ઉપડી રહ્યા ન હતા ? રોકાઈ ન જવાય ? પણ કોઈ રોકવાવાળું પણ હોવું જોઈએ ને ?
"જી, એક મિનિટ...." કંઈક કહેવું હતું અમિષાને... પાછળથી એનો મધુર કંઠ સાંભળતાંજ મન એક બાળક જેમ ચહેકી કેમ ઉઠ્યું. પાછળ ફરેલી નજર સામે કેટલાક કાગળ ધરાયા....
"આપ જરા સાઈન કરી આપશો ?"
ખુશીથી પહોળી થયેલી દ્રષ્ટિ એકજ ક્ષણમાં ઉદાસીમાં ગરકી ગઈ. છૂટાછેડાના કાગળિયા ઉપર સહી કરાવવા પેન આગળ ધરી રહેલી અમિષાના હાથોમાંથી કમને પેન સ્વીકારી. આ સંબંધ તો વર્ષો પહેલાં જાતેજ સમાપ્ત કરી નાખ્યો હતો. આજે સહી કરવી એના માટે એક ઔપચારિકતાજ તો હતી. પરંતુ અમિષા માટે નવા મુક્ત જીવનની શરૂઆત ભણી સન્માનભર્યું પ્રથમ ડગલું.
પોતાની આંખોમાં પ્રસરેલી પ્રશચ્યાતાપની ભીનાશ અમિષા કળી ન જાય એ રીતે ઉતાવળે સહી કરી એ શીઘ્ર એના મકાનમાંથી બહાર નીકળી આવ્યો. જૂની જર્જરિત હવેલી પુનઃ નિર્માણના નવા રંગો સાથે જેટલી નવીન ને આહલાદક લાગી રહી હતી એનાથીયે બમણી આહલાદક અને મનમોહી અમિષાની પુનઃ નિર્માણવાળી જિંદગી દીપી રહી હતી. અમિષાનો સાથ તો ગુમાવી ચૂક્યો પણ બા બાપુજીની નિશાની રૂપએ હવેલીનો સોદો કરી નાખવાની પરવાનગી એના હ્રદયે ન જ આપી...
પરદેશ પરત થવા એરપોર્ટ ઉપર પ્રતીક્ષા વિભાગમાં રાહ જોતા એની આંગળીઓ મોબાઈલના સંદેશાઓ ચકાસી રહી હતી. વિદેશી પત્નીના અસંખ્ય સંદેશાઓથી મોબાઈલ ઉભરાઈ ગયો હતો. બધાજ સંદેશાઓનો હેતુ એક સમાન જાણકારી મેળવવાનો હતો. હવેલીના કાગળિયા અને છૂટાછેડા મળ્યા કે નહીં ? બધુંજ સરળતાથી પાર પડી ગયું એ જાણતાંજ વિસ્મયભર્યો પ્રશ્ન સંદેશ સ્વરૂપે મળ્યો : "પણ કઈ રીતે ?"
ઉત્તરમાં અંગ્રેજી ભાષામાં જે શબ્દો ટાઈપ કરી મોકલ્યા એનો ગુજરાતી ભાવાનુવાદ એટલોજ કરી શકાય :
"બે સ્ત્રીઓની અનન્ય ખુમારીના પરિણામ સ્વરૂપ...."