Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Hardik G Raval

Drama Classics Inspirational

5.0  

Hardik G Raval

Drama Classics Inspirational

આઝાદ

આઝાદ

7 mins
592


"અરે, ધરતી તું જા, હું આવું પછી". લાઇબ્રેરીમાં બુક્સના થપ્પા ફંફોળતો હું બોલ્યો.

"શું કરે છે તું યાર ! તારી પાસે સમય બહુ ઓછો છે અને એમાં તું કેટલી માહિતી એકઠી કરી શકશે ?" ધરતી આશ્ચર્યજનક સ્વરે મારી સામે જોઈને બોલી.

એક્ચ્યુલી, થયું એવું હતું કે મારા ઓફિસ સ્ટાફના મિત્રોએ મને મારા બોસની સામે ફસાવી દીધો છે. ૧૫મી ઓગસ્ટ નિમિત્તે અમારી કંપની તરફથી એક પ્રોગ્રામનું આયોજન કરાયું છે અને એમાં હું કોઈ ક્રાંતિકારી વિષે બોલીશ એવું તે લોકોએ બોસને જણાવ્યું છે. તે લોકોને ખબર છે કે મને હિસ્ટ્રીમાં રસ નથી પડતો અને ક્રાંતિકારીઓ વિષે તો મેં ખાલી મૂવિઝમાં જોયું છે અને ન્યૂઝપેપરમાં આઝાદી નિમિત્તે વરસમાં એક વખત આવતાં લેખોમાં વાંચ્યું છે અને એવું જ ન્યૂઝચેનલમાં આવતી ડિબેટ્સ પરથી મારી પાસે થોડી માહિતી છે. મને બીજી બહુ માહિતી નથી, મારું વાંચન પણ વિશાળ નથી. તેમ છતાં મારું નામ આપીને હું મજાકને પાત્ર બનું એ પ્રયત્નો કરવામાં આવ્યા છે. હવે મેં પણ નક્કી કર્યું છે કે હું એ નહીં થવા દઉં, હું સ્પીચ આપીશ. જેટલો સમય બચ્યો છે એમાં ક્રાંતિકારીઓ વિષે જાણીશ, તેમની ઉપલબ્ધિઓ જાણીશ. એટલે જ હું મારી ગર્લફ્રેન્ડ ધરતી સાથે અહીં લાઈબ્રેરીમાં આવ્યો છું. તે કંટાળી છે, હું કયા ક્રાંતિકારી વિષે બોલું એમાં જ કન્ફ્યુઝ છું, એટલે હું આમતેમ અલગ અલગ બુક્સ જોઉં છું.

ધરતી કંટાળીને જતી રહી છે અને બુક્સને ફંફોળતાં મને એક નાની બુક મળે છે અને તે બુક પર લખ્યું છે 'અ સ્ટોરી ઓફ આઝાદ'. હું બુક વાંચું છું, ધીમે ધીમે મને રસ પડે છે, એક જ બેઠકે એ બુક પતી જાય છે, છતાં પણ કંઈ અધૂરું છૂટ્યું હોય એવું લાગે છે, બીજી બે મોટી બુક્સ ઘરે લઈ જાઉં છું, ઘરે પણ સમયની પરવા કર્યા વગર બુક વાંચવાની ચાલું કરું છું. આખી રાત એ બુક વાંચ્યા કરી છે, મારી આંખો ઘેરાય છે. મગજમાં સિતારામ તિવારી, કાકોરી, લાલા લજપત રાયનું મૃત્યુ, અલ્ફ્રેડ બાગ, ભગતસિંહ, વંદે માતરમ્ જેવા શબ્દો, વિચારો ચાલ્યા કરે છે. બીજો દિવસ પૂરો પણ હું મારી રૂમમાં પુરાઈ રહ્યો છું. હવે મને મિત્રોને દેખાડી દેવા માટે નહીં પણ રસ, ઉત્કંઠા જાગી છે એટલે વાંચી રહ્યો છું.

આંખો ઘેરાઈ રહી છે અને અચાનક મને મહેસુસ થાય છે કે હું કોઈ બગીચામાં છું જ્યાં સફેદ ધોતિયા અને ઝભ્ભો પહેરેલી બે વ્યક્તિ ચાલતાં ચાલતાં એકબીજા સાથે વાત કરી રહી છે અને એમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને રશિયા જવા માટે કહી રહી હોય છે. થોડું નજીક જવાથી સમજાયું કે એમાંથી એક વ્યક્તિને મેં ક્યાંક જોઈ છે, હું નજીક ગયો. મારી સામે મજબૂત બાંધાના, ઘાટી મૂંછોવાળા ચંદ્રશેખર આઝાદ હતા. મને જોઈને તે બન્ને જણા આશ્ચર્યથી એકબીજા સામે જોઈ રહ્યા. કદાચ મારો આધુનિક ટીશર્ટ અને જિન્સવાળા પહેરવેશે તેમને આમ કરવા મજબૂર કર્યા હશે.

સર...સર...હું હાર્દિક. હું...હું તમારા વિશે વાંચતો હતો અને અહીં પહોંચી ગયો. મારાથી જેમતેમ અચકાતાં અચકાતાં બોલાયું.

"મારા વિશે ?ક્યાં વાંચી રહ્યો હતો અને શું ?" આઝાદ કડક સ્વરે બોલ્યા.

"બુકમાં....ધરતી....ઓફિસમાં તમારા વિશે બોલવાનું છે." હું હજી અચકાતાં બોલતો હતો, વાક્ય પણ અધૂરાં છોડી રહ્યો હતો. મારા અચકાવાનું કારણ ચંદશેખર આઝાદનું પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. તેઓ મને બ્રિટિશરોએ મોકલેલો કોઈ જાસૂસ સમજી રહ્યા હતા.

"ધરતી, એ કોણ અને સર કોણ ?" સુખદેવ રાજ બોલ્યા.

મેં મારી સાથે બનેલી ઓફિસની વાત કહી અને આઝાદજી માટેની જાણકારી માટેની છેલ્લા બે દિવસની મારી મહેનત વિશે પણ જણાવ્યું. હજી તેઓ મારા પર સંપૂર્ણપણે ભરોસો કરી શકતા ન હતા. છતાંપણ વાતને પૂર્ણ કરવા માટે આઝાદ બોલ્યા,

"શું જાણવું છે, તમારે ?"

"આમ તો છેલ્લા બે દિવસમાં મેં ઘણું વાંચ્યું છે પણ પંદર વરસની ઉંમરમાં અભ્યાસની બદલે ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાવું, ધરપકડ વહોરવી અને સજા મેળવવી ? બધું સરળ તો નહીં જ હોય ને નાની ઉંમરે, આ વિચાર કેમ ?"

"ક્રાંતિકારીઓ માટે સરળ કંઈ જ નથી હોતું અને જો આપે મારા વિશે વાંચ્યું હશે તો આપ ને જાણ જ હશે કે મારા પિતાજીએ એક વખત નાનપણમાં કહેલું કે જો આપણા ઘરમાં કોઈ ઘૂસી જાય તો આપણે એમને બહાર કાઢીએ છીએ તો પછી આપણા દેશમાં ઘૂસી ગયેલાને તો કાઢવા જ પડે, ને ? આ જ વિચારે મને આઝાદીની લડતમાં સક્રિય રીતે જોડાવા માટે પ્રેરણા આપેલી".

"અને ટ્રેન લૂંટનો વિચાર ?" હું ફરી થોડું બોલી ચૂપ થઈ ગયો.

"બ્રિટિશરો સામે લડવા માટે હથિયારની જરૂર હતી અને હથિયાર માટે આ લૂંટ જરૂરી હતી." આઝાદ વિસ્તારપૂર્વક બોલી રહ્યા હતા. એમણે મારી સાથે દરેક વસ્તુની ખુલ્લા મને ચર્ચા કરી જે મેં ઓલરેડી છેલ્લા બે દિવસમાં વાંચી હતી.

મેં બીજી વાત કરી, "તમને ખબર છે, તમે ક્રાંતિકારીઓ આઝાદી તો અપાવી ગયા, પણ આ દેશ ભવિષ્યમાં ફરી ગુલામ થઈ ગયો છે, લોકો રાજકારણનો શિકાર બને છે, લોકોની માનસિકતા જાતિવાદી થઈ ગઈ છે, હિન્દુસ્તાની જ હિન્દુસ્તાનીનો દુશ્મન બની ગયો છે. રોજ કોઈને કોઈ પ્રોબ્લેમ્સ હોય છે દેશ પાસે. બળાત્કાર, ખૂન, લુંટફાટ જેવી ઘટનાઓ સામાન્ય બની ગયી છે. દેશને આ બધી સમસ્યાઓમાંથી મુક્ત / આઝાદી કઈ રીતે કરવી એ કોઈના સમજમાં જ નથી આવતું.

હું આગળ બોલ્યો, "કોઈ કોઈની પરવા જ નથી કરતું, રસ્તા પર ધોળા દિવસે કોઈ કોઈની હત્યા પણ કરે તો કોઈને કંઈજ ફરક નથી પડતો."

"તો તે શું વિચાર્યું ?" આઝાદ મારી આ નકારાત્મક વાતોથી દુઃખી થયા હોય તેવું લાગ્યું.

"મારે શું સર ? એક તકની રાહમાં છું. બસ, જેવી મળે એમ જ આ દેશ છોડીને જતું રહેવું છે." હું ઉદાસ સ્વરે બોલ્યો.

મારા આ શબ્દો સાંભળતા જ આઝાદ ગુસ્સે થઈ ગયા અને ઘડીની સેકન્ડમાં મારા ગાલ પર એક સણસણતો તમાચો માર્યો. મારા ગાલ ઉપર એક ભારે હાથ પડ્યો હતો. હું ચક્કર ખાઈને પડી ગયો, ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા હતા. અમુક મિનિટો પછી હું બગીચાના એક બાંકડામાં સૂતો હતો અને સુખદેવ રાજ પાણીની છાંટ મારા ચહેરા પર મારી રહ્યા હતા.

હું બાંકડા પર બેઠો થયો. ચંદ્રશેખર આઝાદ હજી મારાથી ગુસ્સે હતા. છતાંપણ તેઓ મારી બાજુમાં બેઠા, મારા ખભા ઉપર મૂકવા માટે હાથ ઊંચો કર્યો, ત્યાં હું ડરી ગયો અને થોડીવાર પહેલાં વાગેલો તમાચો યાદ આવી ગયો, તેમણે મારા ખભા ઉપર હાથ મુક્યો અને બોલ્યા:

" હું આપની વાતથી ખૂબ જ નારાજ થયો છું. તમને ખ્યાલ તો હશે જ ને કે નામી અનામી ઘણા ક્રાંતિકારીઓ એ આઝાદી માટે પોતાના જીવ આપ્યા છે, હજી પણ આપશે. આપ જેમ કહો છો કે આપણે આઝાદ થયા છીએ તો એમાં ઘણાં લોકોનું લોહી રેડાયું છે. આઝાદી મેળવવી સરળ ક્યારેય નથી રહી. લોકોની આખેઆખી જિંદગી જતી રહી છે"

આઝાદ થોડીવાર ચૂપ રહ્યા, કોઈ ઊંડા વિચારમાં પડી ગયા અને અમુક સમય પછી તેમણે ફરી બોલવાનું ચાલું કર્યું.

"જો મેં અને મારા જેવા અન્ય લોકોએ પણ આપની જેમ 'મારે શું ?' વાળું વલણ દાખવ્યું હોત તો, શું જરૂર હતી અમારે ? કાશીની સંસ્કૃતની પાઠશાળામાં ભણતર ચાલુ જ હતું’ને મારું ? શાંતિથી અભ્યાસ પૂરો કર્યો હોત તો આપ જેવી વ્યક્તિ આવું બોલી શકી હોત ? અત્યારે અમારે બ્રિટિશરો પાસેથી આઝાદી મેળવવાની છે તો ત્યારે તમારે લોકોએ પૂર્વગ્રહયુક્ત, ગુનાયુક્ત, લાલચી માનસિકતાથી આઝાદી મેળવવાની છે. તમારે લોકોએ પણ લોકોને એ અંગે સજાગ કરવાના છે."

ફરી આઝાદ થોડી વાર ચૂપ રહ્યા અને પછી ફરી બોલ્યા.

"હાર્દિક, તને ખબર છે આગ માટે એક નાનકડા તણખલાની જરૂર હોય છે. તું તારી અંદર આગ જગાડ, લોકોને કહે કે તે પણ પોતાની અંદર આગ જગાડે અને દેશને દરેક દૂષણમાંથી મુક્ત કરીને એક સમૃદ્ધ દેશ બનાવવાના પ્રયત્નો કરે, જેથી ક્યારેય કોઈ હાર્દિક દેશ છોડીને જવાની વાત ન કરે".

"હું એકલો !" હવે તો લાફાની બીકે અવાજ પણ નહોતો નીકળતો.

"શરૂઆત તો કરો, લોકો આપોઆપ જોડાશે". આઝાદ હસતાં હસતાં બોલ્યા. તેમનો હસતો ચહેરો જોઈને મને સારું લાગ્યું.

આઝાદ પાસેથી મને સોનેરી સલાહો મળી રહી હતી ત્યાં જ અચાનક મને યાદ આવ્યું કે આ જ આલ્ફ્રેડ ગાર્ડન છે અને અહીં હમણાં અંગ્રેજો હુમલો કરશે. મેં ચંદ્રશેખર આઝાદ સામે જોયું અને બોલવા ગયો ત્યાં જ અંગ્રેજોની વાન આવી અને તેઓએ ગોળીબાર ચાલુ કરી દીધો. ચંદ્રશેખર આઝાદે સુખદેવ રાજને મને લઈને નીકળી જવા કહ્યું અને અમે નીકળી ગયા. આગળ દૂર જઈને મેં જોયું અને હું ઊભો રહી ગયો. આઝાદ અંગ્રેજોની ગોળીનો ગોળીબારથી જ જવાબ આપી રહ્યા હતા. એકલે હાથે ઘણા અંગ્રેજોને એમણે માર્યા. અને થોડા સમય પછી એમની ગોળીઓ ખલાસ થઈ ગઈ. હવે આઝાદ વૃક્ષ પાછળ સંતાઈને પોતાની બંદૂકને ચેક કરી રહ્યા હતા. આ દરમિયાન મારું ધ્યાન અમે ઊભા હતા તે સ્થળની પાસે એક બારૂદથી ભરેલી એક બેગ પર પડ્યું. મેં એ તરફ સુખદેવ રાજનું ધ્યાન દોર્યું. સુખદેવ રાજે એ એ બારૂદથી ભરેલી બેગને અંગ્રેજોની ટુકડી તરફ ફેંકી. સુખદેવ રાજના એમ કરવાથી જોરથી કાન ફાડી નાખે તેવો અવાજ થયો અને આખો બાગ ધુમાડાથી ઘેરાઈ ગયો. ધુમાડાનો ફાયદો ઊઠાવી ચંદ્રશેખર આઝાદે એક અંગ્રેજની હાથમાંથી હથિયાર લેવાનો મોકો ઝડપ્યો અને એનાથી જ ગોળીઓનો વરસાદ કરી બધા અંગ્રેજને મોતને ઘાટ ઊતાર્યા. ત્યાર બાદ આઝાદ ખૂબ જ ચપળતાથી આલ્ફ્રેડ ગાર્ડનની બહારની તરફ નીકળી ગયા.

આ દૃશ્ય જોતાં જ મારી સામે ચંદ્રશેખર આઝાદનો એક શેર આવી ગયો.

दुश्मन की गोलियों का हम सामना करेंगे,

आजाद ही रहे हैं, आजाद ही रहेंगे.

હું ધડામ દઈને પલંગ ઉપરથી પડ્યો અને મને વાગ્યું. મેં અરીસામાં જોયું. મારો જમણો ગાલ લાલ હતો. આ પલંગ પરથી પડવાથી થયું છે કે ચંદશેખર આઝાદની થપ્પડથી મને ન સમજાયું મારું ઓફિસમાં વ્યક્તવ્ય પણ સારું ગયું અને લોકોએ મને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.


Rate this content
Log in

More gujarati story from Hardik G Raval

Similar gujarati story from Drama