Hardik G Raval

Drama Fantasy Thriller

4  

Hardik G Raval

Drama Fantasy Thriller

જીવા

જીવા

6 mins
408


"હું એને ન મારતી તો એ મને મારી નાખતો" સવારથી આ વાક્ય હિમેશના ઉપર હાવી થઈ ગયું હતું. સાત વરસની દીકરી જીવાનાં મુખે ઊંઘમાં બોલાયેલા આ શબ્દોથી તે ચિંતિત થઈ ગયો હતો. જીવાનું આ શબ્દો બોલવાનું કારણ શું હતું ? પૂર્વજન્મની કોઈ ઘટના હશે કે સાચે જ જીવા એ આ જન્મમાં કોઈની હત્યા કરી હશે, એ અંગે હિમેશને કશી સમજ પડતી ન હતી. એ મૂંઝાઈ ગયો હતો. માનસીને મન આ વાત એટલી ગંભીર ન હતી, એણે આ વાતને ફિલ્મ જોવાની અસર ગણાવી ગંભીરતાથી લીધી ન હતી.

જીવાના મુખે આ શબ્દો પહેલી વખત સંભળાયા એવું ન હતું, આ અગાઉ પણ જીવાએ આવા મતલબના શબ્દો ઊંઘમાં ઉચ્ચારેલા, એ સમયે એ વાત હિમેશને પણ ગંભીર લાગી ન હતી, પરંતુ હવે અવારનવાર આવાજ વાક્યો સાંભળીને તે થોડો ગભરાયો હતો. તેણે મનોમન આની પાછળનું રહસ્ય જાણવાનું નક્કી કર્યું.

આ રહસ્ય જાણવાની તક પણ હિમેશને જલદી મળી. એક દિવસ વહેલી સવારે એ જીવાને રોજની માફક સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે તક ઝડપીને હિમેશે પૂછ્યું.

"બેટા, તને મારધાડ, ખૂન ખરાબાવાળી ફિલ્મો જોવી ગમે ?"

સાત વરસની જીવા આવા પ્રશ્ર્નનો શું જવાબ આપે એ જોવા તેણે ગાડી ડ્રાઈવ કરતાં કરતાં એની તરફ નજર પણ કરી.

"ના, મને તો તારક મહેતા અને કપિલ જોવું ગમે" જીવાએ એના કાલાઘેલા શબ્દોમાં પોતાને ગમતા ટીવી શોનાં નામ બોલી.

હિમેશને પોતાને નહોતી ખબર કે આ સવાલનો જવાબ એ શું ઈચ્છતો હતો. તેણે અન્ય રીતે પૂછવા માટે શબ્દો ગોઠવ્યા પણ પછી એ અંગે પૂછવાનું માંડી વાળ્યું.

સામાન્ય રીતે હિમેશ જીવાને સ્કૂલે ડ્રોપ કરી ઓફિસ જતો પણ એ દિવસે ઘરે ગયો. માનસીને પણ આ સમયે હિમેશને ઘરે જોઈને આશ્ચર્ય થયું.

"કેમ પાછો આવ્યો, એની પ્રોબ્લેમ ?" માનસીએ હિમેશને પૂછ્યું.

"મને જીવાના ઊંઘમાં બોલવાથી ચિંતા થાય છે " હિમેશ ઉદાસીભર્યા સ્વરે બોલ્યો.

"શું તું પણ ! આવું તો ચાલ્યા કરે, ના બાળકો આજુબાજુના વાતાવરણમાંથી આવું જલદી પકડી લે અને પછી સપનામાં આવું બોલી નાખે, હું પણ નાની હતી ત્યારે સપનામાં ‘ભૂત,ભૂત’ બોલતી, કારણકે એ વખતે ભૂતની ચર્ચાઓ બહુ થતી અને ફિલ્મો પણ એવી આવતી" માનસી હસતાં હસતાં હિમેશ પાસે સોફા પર બેસતાં બોલી.

"છતાં પણ આપણે એને ડોક્ટરને બતાવી જોઈએ !" હિમેશ બોલ્યો.

"યુ મીન ટુ સે, મારી દીકરી માનસિક બીમાર છે ? એ ગાંડી છે, રાઈટ ?" માનસી થોડા અકળાયેલા સ્વરે બોલી.

"ના, એવું નહીં પણ....." હિમેશ બોલતાં બોલતાં અટક્યો.

"તો !" માનસી થોડા ઊંચા સ્વરે બોલી ઊઠી.

"જવા દે, તું નહીં સમજે" હિમેશે વાત ટાળતાં કહ્યું.

"લુક, આ ઉંમરે ફિલ્મો, સિરિયલની અસર થાય, ઉપરાંત થોડી પપ્પાની પણ અસર આવે’ને, તું પણ ઊંઘમાં રોમાની, રોમાની બોલતો જ હોય છે’ને ! તો હું તને પાગલ કહું, એ પણ મારી બેસ્ટફ્રેન્ડના પ્રેમમાં". માનસીએ હિમેશને હળવો કરવા મુદ્દો મજાક તરફ વાળ્યો.

"....!" હિમેશ આશ્ચર્યથી માનસીને જોઈ રહ્યો.

"મજાક કરું છું, ચલ ચા મૂકું, તું પણ ઓફિસે જા અને હું પણ ઓફિસે જાઉં". માનસી રસોડા તરફ જતાં બોલી.

હિમેશ ઓફિસ તો ગયો પણ એ દિવસથી એ વધુને વધુ ઉદાસ રહેવા લાગ્યો, ન કામમાં મન લાગેકે ન કોઈ બીજી પ્રવૃત્તિમાં. આ સંદર્ભે ટોપ મેનેજમેન્ટ તરફથી ફટકાર પણ સાંભળવી પડી. તે દિવસે અને દિવસે વધુ ચિંતિત રહેવા લાગ્યો. તે ઘરે હોય ત્યારે જીવાને પોતાની નજરોથી દૂર ન કરતો. વ્હાલથી એને ખોળામાં બેસાડતો, એની સાથે જ ટીવી જોતો અને એની સાથે જ રમત રમતો. રાત્રે એને વળગીને સૂઈ જતો.

હિમેશની આ અકારણ ચિંતાથી માનસી પણ અકળાઈ હતી.

"મને લાગે છે કે હવે જીવાની બદલે તને સાયકેટ્રીટ પાસે લઈ જવો પડશે" હિમેશના ગાલે હાથ ફેરવતાં માનસી મજાકભર્યા સ્વરે બોલી.

"તને હજું પણ આ મજાક લાગે છે ? કાલે રાત્રે તું તો ઘસઘસાટ ઊંઘતી હતી પણ મને ચિંતામાં ઊંઘ આવતી ન હતી, ત્યારે હું રસોડામાંથી પાણી પીવા ગયો અને પરત ફર્યો ત્યા રેજીવા ઊંઘમાં બોલતી હતી કે ' એ મારી પાછળ જ પડે છે', બોલ, હવે શું કહેવું તારું ?" હિમેશે ગુસ્સામાં કહ્યું.

માનસીને પણ આ વાતની નવાઈ લાગી, શું ખરેખર જીવાને કોઈ તકલીફ છે ? ગયા જન્મનું કશું યાદ આવે છે કે પછી કોઈ ફિલ્મની અસર. સાત વરસની દીકરીનું આવું વર્તન બન્ને માટે હવે કોયડા સમાન બની ગયું હતું. હવે બંન્ને સમયે સમયે જીવાને ઓબસર્વ કરવા લાગ્યાં. માનસીએ થોડા દિવસોની ઓફિસમાં રજા મૂકી દીધી. એ જીવા સ્કૂલેથી પરત ફરે ત્યારે એને હોમ વર્ક કરવામાં, એની સાથે રમવામાં અને ગાર્ડનમાં લઈ જઈ સમય પસાર કરતી. આ સમયે જીવા પહેલાં જેવી નોર્મલ જ રહેતી, કોઈપણ પ્રકારની શંકા ઉપજે તેવું વર્તન ન કરતી.

જીવાને પણ મમ્મી ઘરે રહે એ ગમવા મંડ્યું હતું. સાંજે એ પપ્પા સાથે અને બપોરે મમ્મી સાથે ધીંગામસ્તી અને તોફાન કરતી. હવે હિમેશને બધું સામાન્ય પહેલાં જેવું જ લાગવા મંડ્યું. એ જીવાને લઈને બેફીકર થઈ જ રહ્યો હતો ત્યાં એક રાત્રીએ આ ત્રણ જણાનો પરિવાર ટીવી જોઈ રહ્યો હતો ત્યારે જીવા રસોડામાં પાણી પીવા ગઈ પણ તે થોડીક મિનિટોમાં પરત ન ફરતાં હિમેશ પણ રસોડામાં ગયો. રસોડાનું દૃશ્ય જોઈને જ હિમેશની આંખો પહોળી થઈ ગઈ. એના મુખેથી માનસીના નામની ચીખ નીકળી ગઈ. હિમેશનો અવાજ સાંભળતાં જ માનસી પણ રસોડા તરફ દોડી આવી, એ પણ રસોડાનું દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ.

રસોડામાં કોઈનું ખૂન કરતી હોય એ રીતે ચપ્પુ પકડીને જીવા ઊભી હતી. માનસી દોડીને જીવાને ભેટી અને ચપ્પુ હાથમાંથી લઈ લીધું. જીવાનાં કપાળને ચૂમતી એ એને તેડીને હોલમાં લાવી સોફા પર બેસી ગઈ.

માનસી, એની આંખો ગુસ્સાથી લાલ હતી જ્યારે એ હાથમાં ચપ્પુ લઈ ઊભી હતી. જાણે એ હમણાં જ કોઈનું ખૂન કરવા જઈ રહી હોય.

હિમેશ અને માનસી એ રાત્રે એકબીજા સાથે બહુ ઓછું બોલ્યા, રાત્રે ઠીકથી સૂતાં પણ નહીં, ઘડી ઘડી જાગી જીવાને સૂતી જોતાં અને સૂઈ જવાનો પ્રયત્ન કરતાં. રાત્રીએ જ એ બન્નેની આંખોએ બીજા દિવસે હોસ્પિટલ જવાનો નિર્ણય લઈ લીધો હતો.

સવારે ત્રણેય મોડાં જ ઊઠ્યાં. હિમેશે રજાનો ઓફિસે મેઈલ કર્યો અને ત્યારબાદ તેઓ મનોચિકિત્સકની પાસે પહોંચ્યા.

માનસીએ બધી ઘટનાઓ વર્ણવી, લેડી ડોક્ટરે તેની વાત શાંતિથી સાંભળી, ત્યારબાદ અમુક સમય પછી લેડી ડોક્ટરે બહાર બેઠેલા હિમેશ અને જીવા પાસે માનસીને જવા કહ્યું અને માત્ર જીવાને અંદર મોકલવા જણાવ્યું.

માનસીએ ડોક્ટરે કહ્યા મુજબ કર્યું. ડોક્ટરે જીવા અંદર આવી એટલે દરવાજો બંધ કર્યો.

હિમેશ અને માનસી એક બીજાનો હાથ પકડી હજુ ચિંતાતુર વદને બેઠાં હતાં.

પૂરી ત્રીસ મિનિટ પછી ડોક્ટરે દરવાજો ખોલ્યો. જીવા આઈસ્ક્રીમ ખાઈ રહી હતી, એ ખુશ જણાઈ રહી હતી. ડોક્ટરે નર્સને બોલાવી જીવાને બહાર ગાર્ડનમાં લઈ જવા કહ્યું અને હિમેશ અને માનસીને અંદર બોલાવ્યાં .

એ લેડી ડોક્ટરે જીવા સાથે કરેલી વાતચીતનું વીડિયો રેકોડિંગ બતાવ્યું, એ જોઈ બન્ને જણાં હસી પડ્યાં. એ વીડિયો અનુસાર જીવા "હું એને ન મારતી તો એમને મારી નાખતો" એ લુડો ગેમ સંદર્ભે બોલી રહી હતી અને એને લુડોની એ હદે આદત થઈ ગઈ હતી કે મમ્મી પપ્પાની ગેરહાજરીમાં પોતાના અડોસપડોસના મિત્રો સાથે એ લુડો જ રમ્યા કરતી અને એ રમવાની અતિશય આદતનાં કારણે ઊંઘમાં એ મતલબનું બોલ્યે રાખતી હશે એ બન્નેને સમજાયું.

રસોડાવાળા કિસ્સાના ઉત્તરમાં એણે જણાવ્યું કે એ રસોડામાં ગઈ ત્યારે મંકોડાએ એને બટકું ભર્યું હતું, એટલે એણે હાથમાં ચપ્પુ એને મારવા લીધું હતું.

ડોક્ટરે જે સહજતાથી અને વાકચાતુર્યથી જીવા પાસેથી વાત કઢાવી એ માનસી અને હિમેશ કઢાવી ન શક્યા, એ મૂર્ખામી પર એ લોકો હોસ્પિટલમાં જ ડોકટર સામે જ ખૂબ હસ્યાં.

ત્યારબાદ સામાન્ય વાતો કરી એમણે ડોક્ટરની વિદાય લીધી અને બાજુમાં આવેલા ગાર્ડનમાં પહોંચ્યાં, નર્સનો આભાર વ્યક્ત કરતાં હિમેશે જીવાને તેડી લીધી.

ઘરે પરત ફરતી વખતે બન્ને ખૂશ હતાં, જીવા પાછળ સીટમાં બેઠી હતી અને હિમેશે અરીસામાંથી જીવાના ચહેરા પર ન કળી શકાય એવું હાસ્ય જોયું અને આંખોમાં પણ નફ્ફટાઈ દેખાઈ. હિમેશે ગાડી ઊભી રાખી, જીવા ન સાંભળે તેમ માનસીના કાનમાં આ વાત જણાવી.

"નોટ અગેઇન, હિમેશ" બોલતાં માનસી એ હિમેશને ગાડી ઘર તરફ લેવા કહ્યું.

અને આ બાજુ હિમેશના મનમાં એ ન કળી શકાય એવું અરીસામાંથી દેખાતું જીવાનું હાસ્ય ઘર કરી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Drama