સફર
સફર


બસમાં ભીડ બહુ હતી, ક્યાંય જગ્યા મળવાની આશા પણ ન હતી. હું જેમતેમ કરીને વચ્ચે જઈ ને ઉભો રહી ગયો, બેગ હજુ પણ ખભે લટકાવેલી હતી અને બેગ મુકવા માટે જગ્યા શોધી રહ્યો હતો. થોડો સમય આમતેમ જોયા બાદ બેગ મુકવા માટે પણ જગ્યા ના મળી તેથી બેગ પાછી ખભે ટીંગાડી દીધી. ઉનાળાનો દિવસ હોવાથી ગરમી સખત લાગી રહી હતી જોકે બસ ઉપડતા ગરમીથી થોડી રાહત થઈ હતી છતાંપણ ગરમીનાં કારણે પરસેવો વળી ગયો હતો અને તે ચહેરા પરથી રીતસરનો ટપકી રહ્યો હતો.
થોડીવાર બસ ચાલ્યા બાદ મને કોઈ બોલાવતું હોય એવું લાગ્યું, આ અવાજ તો ચીર પરિચિત હતો છતાંપણ ખાતરી કરવા પાછળ જોયું. પાછળ ઉભેલા મહાકાય શરીરવાળા ભાઈના હાથ અને શરીરના વચ્ચેથી છેક છેલ્લેથી બીજી રહેલી સીટ પર બેઠેલી અને મોં પર દુપટ્ટો બાંધેલી યુવતી મને બોલાવી રહી હોય તેવું લાગ્યું. ચહેરો ઓળખાતો ન હતો, પણ અવાજની સાથે સાથે તેની આંખો પણ ઓળખાઈ ગઈ હતી. હું જેમતેમ કરતો તેની પાસે પહોંચ્યો, તેણે તેની બાજુમાં બેઠેલી ચારથી પાંચ વરસની છોકરીને પોતાના ખોળામાં લઈ મને સીટ પર બેસવા કહ્યું. હું પણ બેસી ગયો, મને ખાતરી થઈ ગઈ હતી તેમ છતાંપણ તેણે માથાં પર અને મોં પર રહેલો દુપટ્ટો હટાવ્યો. હું આ ચહેરો પુરા આઠ વરસ પછી જોઈ રહ્યો હતો. મારી આંખો તેના ચહેરા પર ગુંદરની જેમ ચોંટી ગઈ. તે આઠ વરસ પછી પણ એટલી જ સુંદર લાગી રહી હતી. હું તેના સૌંદર્યમાં ફરી એકવાર ખોવાઈ ગયો હતો. અચાનક તેણે ચપટી વગાડી મને જગાડ્યો.
"ક્યાં ખોવાઈ ગયા લેખક સાહેબ ?" તે બોલી ઉઠી.
તેના આ અચાનક પૂછાયેલા સવાલથી હું અચકાયો. મારી જીભ ચોંટી અને હું એક વાક્ય પણ પૂરું બોલી ના શક્યો.
"હું ....હું બસ કઇ........" આટલું જ બોલી શક્યો અને હવે હું તેનાથી નજર બચાવી ને સામેની તરફ જોઈ રહ્યો હતો.
"તું હજી પણ મને જોઈ ને ગભરાય છે, હજી પણ તું મને કંઈ કહી નથી શકતો ! જો તારા ચહેરા પર પરસેવો છૂટી ગયો છે" તે આટલું બોલતાં લુચ્ચું હસી. આ એજ સ્માઈલ હતી જેનો હું આઠ વરસ પહેલાં દીવાનો હતો.
“ના બસ એવું કંઈ નથી" હું થોડો સ્વસ્થ થયો.
મેં મારા પોકેટમાંથી રૂમાલ કાઢીને ચહેરા પરનો પરસેવો લૂછયો, તે પણ વાળ ખોલીને ફરીવાર ઓળી રહી હતી આ દરમિયાન એના બે હાથ પાછળ ચોટલી વાળી રહ્યા હતા અને હેર કલીપ તેના બે હોઠો વચ્ચે દબાયેલી હતી. મને ખરેખર આ હેરકલીપ નસીબદાર લાગી !
"હજી પણ એકલો ભટકે છે કે કોઈ મળ્યું ?" તે બોલી
“ના એકલો જ છુ" મારે કહેવું હતું કાશ તારા જેવું કોઈ મળી ગયું હોત !
"કાશ, તને મારા જેવું કોઈ મળી ગયું હોત!" તે હસીને બોલી ઉઠી.
ખરેખર હજી પણ અમારૂ આ કનેક્શન જોઈને હું ભૂતકાળમાં સરી પડ્યો.
હું અને નિશા સાથે ભણતા, અને મિત્રો પણ હતા. આ મિત્રતાની શરૂઆત કોલેજના બીજા વરસથી થઈ બાકી કોલેજના પ્રથમ વરસે તો મારી સાઈકલે તેની સ્કૂટીનો પીછો બહુ કર્યો હતો. હું રોજ એની પાછળ એના ઘર સુધી જતો અને પછી એના ઘરે પહોંચ્યા બાદ ત્યાંથી મારી સાઇકલ રિટર્ન લઈ લેતો. અને હા મારુ ઘર તો એના ઘરથી બિલકુલ ઉલટી દિશામાં હતું તો પણ આ મારો નિત્યક્રમ હતો અને આમા એ હદની નિયમિતતા હતી ને કે જો એના ઘરે પહોંચ્યા પછીની બે મિનિટમાં મારી સાઈકલ એ ગલીમાંથી ના નીકળે તો શેરીના કુતરા ગલીની બહાર ચેક કરવા આવતા. એને પણ આ વાતની ખબર પડી ગઈ હતી અને એટલે જ તો એ સ્કૂટી આટલું ધીમું ચલાવતી ! મને એવો વહેમ હતો.
અમારી પહેલી વાતચીત ત્યારે થઈ જ્યારે કોલેજના બીજા વરસમાં એણે સામેથી બોલાવ્યો અને બોલી
“એ ડફોળ, તારી એફ.એમ (ફાઈનાન્સ મેનેજમેન્ટ એટલે કે નાણાંકીય સંચાલન)ની નોટ્સ મળશે?”
એક તો પહેલી વખત બોલાવ્યો અને એમાં પણ ડફોળ કહ્યું તો મારો પોતાનાં પરથી વિશ્વાસ ઉઠી ગયો અને હું નકારમાં માથું ધુણાવી કલાસ તરફ ચાલી નીકળ્યો. તે પણ કલાસમાં પાછળ પાછળ આવી, લેકચર ચાલું થવાનો હતો એટલે સ્તો ! મારી પાછળ નહીં. લેક્ચરરે તે દિવસે કલાસમાં માત્ર દશ વિદ્યાર્થી હોવાથી ગેમ રમાડવાનું નક્કી કર્યુ. અને એમણે બે બે વિદ્યાર્થીઓની એવી પાંચની ટીમ બનાવી. અમે બન્ને એક ટીમ માં આવેલ ત્યારે ! ગેમ પણ જીતી ગયેલા. ત્યારબાદ અમારા વચ્ચે દોસ્તી થઈ હતી અને એ અતૂટ દોસ્તી કોલેજના છેલ્લા વરસ સુધી ચાલેલી. કોલેજ પુરી થયાંબાદ તરત જ તેની સગાઈ એક આર્મીના જવાન સાથે કરવામાં આવી હતી અને થોડા સમય પછી લગ્ન પણ થઈ ગયા. હું ખૂબ રડેલો, ખૂબ નિરાશ થઈ ગયેલો, તેના લગ્નના દિવસે, તેણે લગ્નના ફેરા ફરતી વખતે પણ મારી સામે જોયેલું એકવખત ! પણ હું નજર ચૂકવી ખુરશી ગોઠવવા લાગેલો. જાણે એ ત્યારે ના કહેતી હોય કે "હજી પણ સમય છે, બોલી દે , રોકી લે મને". હું કંઈજ ના બોલ્યો.
અઠવાડિયા પછી બ્લેડથી હાથ કાપી નાખેલા. તે દવાખાને ખબર કાઢવા આવેલી, તેનું સાસરું પણ એ જ ગામમાં હતું તેથી તેના માટે એ શક્ય હતું. તે મારા દવાખાનાના બેડની બાજુમાં બેસી ને ફરી આવું પગલું ના ભરવાનું વચન લઈ ને જતી રહી. થોડા સમય પછી ખબર મળેલા કે આર્મીમેન મારી નિશાને લઈને બરોડા શિફ્ટ થયેલા વિથ ફેમિલી. ત્યારપછી ના ક્યારેય મળેલા કે ના વાતચીત થયેલી.
"ક્યાં ખોવાઈ ગયો ?" તેણે મને જગાડ્યો.
"બસ એમ જ આંખ મળી ગઈ હતી." હું બોલી ઉઠ્યો. તેણે ભૂતકાળની યાદોના કારણે મારી આંખના ખૂણામાં આવેલા આંસુ ને જોઈ લીધેલું.
“તું બોલ કેમ છે ? આ તારી ઢીંગલી ?" તેના ખોળામાં સુઈ ગયેલી છોકરીના માથાં પર પ્રેમથી હાથ ફેરવતા હું બોલી ઉઠ્યો.
“પપ્પા!" આટલું બોલતાં જ તે છોકરી મને ભેટીને રડી પડી. મને કંઈ સમજાયું નહીં. હું વિસ્મય ભરેલી આંખોથી તેની સામે જોઈ રહ્યો.
હવે તેણે બોલવાનું ચાલુ કર્યું. "લગ્ન પછી અમે બરોડા શિફ્ટ થઈ ગયેલા. તેમની રજાઓ પુરી થાય એ પહેલાં અમે શિમલા હનીમૂન પર ગયેલા હજી થોડું જ ફર્યા હશું ત્યાં તેમને ડયુટી પર હાજર થવાનો ફોન આવેલો. તે મને બરોડા મૂકીને પહોંચી ગયા સરહદ પર. રોજ સરહદ પર સામસામે ફાયરીંગના સમાચાર આવતા અને એક દિવસ ત્રિરંગો ઓઢીને, શહીદનું લેબલ લઈને તેમનો મૃતદેહ આવેલો, મારી તો દુનિયા લૂંટાઈ ગયેલી, હું કઈ વિચારી કે બોલી શકવાની સ્થિતિમાં જ ન હતી. એ શહિદના ઘરમાં ભગવાન માનેલા સાસુ સસરા શેતાન બની ગયેલા. સાસુ સસરા એ 'પનોતી'નું લેબલ લગાડ્યું અને દેવરે બે વરસ સુધી મને ગોંધી રાખી અને પોતાની ઇચ્છાઓ તૃપ્ત કરેલી. મને એ ઘરમાં નજર કેદ કરવામાં આવી હતી, જાણે કોઈ પ્રાણી કે પક્ષી ને પીંજરામાં કેદ રાખેલ હોય. એક વાર હું ભાગી છૂટી એ પિંજારામાંથી અને ત્યારબાદ તેમનો ભાંડો ફૂટ્યો અને પોલીસે તે ત્રણેની ધરપકડ કરેલી.
મારા મમ્મી પપ્પાને તે લોકોએ એ વખતે એવું ખોટું કહેલું કે હું ભાગી છૂટી છુ અને તે પણ સરકાર તરફથી મળેલી સહાયની રકમની ચોરી કરી ને. આ વાતની જાણ મને ત્યારે થયેલી જ્યારે હું ભાગીને પપ્પાના ઘરે આવેલી, ત્યારે મારા દેવરના કુકર્મના કારણે હું પ્રેગનન્ટ હતી. કદાચ એ સમયગાળામાં હું બહુ ડરેલી રહેતી તેથી આ પણ આમ ડરેલી રહે છે. બહુ ઓછું બોલે છે અને બોલે ત્યારે આવી રીતે 'પપ્પા' એટલું જ બોલે છે. તે પોતાની આપવીતી એક શ્વાસે સંભળાઈ ચુકી હતી. એની સાથેસાથે મારી આંખો પણ રડી રહી હતી. મેં તેની આંખોમાં રહેલા આંસુ સાફ કરવા માટે મારો રૂમાલ ધર્યો.
થોડા સમય પછી આ અચાનક આવેલું ગમગીન વાતાવરણ હળવું થઈ ગયું હતું. નોર્મલ વાતો પણ અમારા વચ્ચે થઈ રહી હતી. એક સ્ટેન્ડ આવતા તે ઉભી થઈ અને બોલી ઊઠી "આવી ગઈ મારી મંજીલ" આટલું બોલતા તે પેલી છોકરીને લઈને આગળ ચાલવા લાગી. મેં પાછળથી તેનો હાથ પકડી લીધો અને હિંમત કરીને બોલી ઉઠ્યો
"શુ હવેથી આપણાં બંનેની મંજીલ એક ના થઈ શકે ?” તે હર્ષના આંસુ સાથે મને ભેટી પડી.
ઘણી વખત સફરનો અંત થવાનો હોય ત્યારે તે સફર કોઈ સુંદર વળાંક તો લાવે જ છે.