Hardik G Raval

Crime Fantasy Thriller

4  

Hardik G Raval

Crime Fantasy Thriller

એકલતા

એકલતા

7 mins
301


એ અનુભવ મારા માટે અવિસ્મરણીય હતો. હું ત્યાં જવા માટે માનસિક તૈયાર ન હતો, પરંતુ એ દિવસ સુધી હું મારા લેખ દ્વારા વાંચકોને આકર્ષી શક્યો ન હતો. હું સતત નિષ્ફળ રહ્યો હતો, અને આ નિષ્ફળતા વચ્ચે એનું આ ઈન્ટરવ્યુ મારા માટે આશારૂપી કિરણ હતું. જો મેં એના જીવનનો અભ્યાસ કરી, એનો ઈન્ટરવ્યુ લઈ આર્ટિકલ લખ્યો તો અમારા ક્ષેત્રમાં મારા નામના ડંકા વાગશે એ નક્કી હતું. અગાઉ ક્યારેય કોઈએ ન કરેલું એ કામ હતું. લોકો એની પાસે જતાં ડરતા પણ મેં જીવના જોખમે કારકિર્દી બચાવવા માટે ત્યાં જવાનું નક્કી કર્યું હતું, અને હું ત્યાં ગયો હતો.

મેં મારા મનમાં રહેલા પ્રશ્નો એને કર્યા અને એણે બહુ જ સ્વસ્થતાથી એ પ્રશ્નોના જવાબ આપ્યા. એણે વાતચીત દરમિયાન જે કહ્યું એ પ્રસંગ એના શબ્દોમાં જ હું અહીં ટાંકી રહ્યો છું.

***

એ લોકો સતત મારા અંગે ચર્ચા કરતાં, મને એ જરાપણ પસંદ પડતું ન હતું. મને લાગ્યા કરતું કે લોકોએ મારા વિશે ચર્ચા બંધ કરી દેવી જોઈએ. હું બગીચામાં ચાલવા જાઉં કે મને ફાળવાયેલા રૂમમાં હું આરામ કરતો હોઉં, મને મારા વિશે ગણગણાટ સંભળાયા કરતો. હું કોઈ ચર્ચાનો વિષય તો ન જ હતો !

તેઓને લાગ્યા કરતું કે મારી કલ્પનાશક્તિ વિલક્ષણ છે, પરંતુ તેઓએ એ વાત માનવી જોઈતી હતી કે મેં જે વાતો જણાવી હતી એ કોઈ હવામાં થતી વાતો ન હતી, એ સંપૂર્ણપણે તર્કબદ્ધ વાતો હતી. હું કોઈ દીવાસ્વપ્નોમાં ન રાચતો, હું તથ્ય સાબિત કરી શકવા સક્ષમ હતો છતાં પણ તેઓ મને પાગલ માનતા. મને એમની માન્યતા સાથે કોઈ તકલીફ ન હોવી જોઈએ કારણ કે હું એ વાત જાણતો જ હતો કે કોઈ અવિશ્વસનીય શોધ કરનારને હંમેશા પાગલ જ માનવામાં આવતા.

મેં એવી શોધ કરી હતી કે જેનાથી તમે કોઈપણ વ્યક્તિ વિષે વિચારો અને એ વ્યક્તિ તમારી સમક્ષ હાજર થઈ જાય. ના, આ કોઈ જાદુ ન હતું, અમુક સમયના અભ્યાસ અને પ્રયોગો કર્યા બાદ મેં જાણ્યું હતું કે મગજના તરંગો દ્વારા તમે એકાગ્ર ચિત્તે કોઈ વ્યક્તિનું સ્મરણ કરી, જે તે વ્યક્તિનો સંપર્ક કરી શકો છો અને એ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ શકે છે, એ હું અમુક સફળ પ્રયોગો દ્વારા જાતને સાબિત કરી ચૂક્યો હતો.

આ વાત જ્યારે પહેલીવાર મેં ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવેલી ત્યારે હું મજાકને પાત્ર બન્યો હતો. એના પર અનેક વાંધાજનક ટિપ્પણીઓ આવી હતી પણ મેં એના પર કોઈ પ્રતિભાવો ન આપેલા. મારે એ લોકોને શું કામ જવાબ આપવા જોઈએ, જ્યારે હું મારા પ્રથમ સફળ પ્રયોગ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી એમની સાથે દેશની આર્થિક પરિસ્થિતિ અંગે અને અન્ય ગંભીર મુદ્દે ચર્ચા કરી ચૂક્યો હોઉં ! આ પ્રક્રિયા દરમિયાન મોદીજી મારા ઘરની સામે લાગેલા પ્રધાનમંત્રીની કોઈ યોજનાના બેનરમાંથી બહાર નીકળીને મારા ઘરમાં પ્રવેશેલા. આ કેટલું અકલ્પનિય દૃશ્ય હતું એ લોકો માટે, તેથી એ લોકો મારી વાત ન જ માને ને !

મારા અહીંના રોકાણ દરમિયાન પણ આ વાત તેઓને મેં જણાવેલી પણ તેઓ આ વાતને માનવા તૈયાર જ ન હતા. તેઓના મતે એકલતાના ભાવે મને માનસિક રીતે ભાંગી નાખ્યો હતો, હું એકાંતના કારણે મનોરોગી બની ચૂક્યો હતો. હું કોઈ અલગ જ દુનિયામાં રાચતો. મેં તેઓને કહેતા સાંભળેલા કે મારા જેવા લોકો પોતાની અલગ દુનિયામાં જ રહેવાનું પસંદ કરતા હોય છે, એ દુનિયાની બહાર નીકળવાનું મારા જેવા લોકોને પસંદ નથી હોતું. મેં વારેવારે એમને 'મારા જેવી' વ્યક્તિઓ એટલે કેવી વ્યક્તિઓ ? એ જાણવા પ્રશ્નો પૂછેલા પરંતુ તેઓએ એ વાતને ટાળી દીધેલા અથવા તો હું તમને એમ કહી શકું કે મારા પ્રશ્નોના તેમની પાસે કોઈ જવાબ જ ન હતા.

તે લોકોની આખી ટીમ હતી, તેઓ મારા પર કોઈ કેસ સ્ટડી કરતા, જરૂર પડ્યે મારા શરીરમાં ઇન્જેક્શનો આપતા, મારા શરીરમાં નળીઓ ઘુસેડતા અને મને બેભાન કરી નાખતા, આ દરમિયાન મારા શરીરમાં અશક્તિ આવી જતી, હું ચાલી ન શકતો. તેઓ આવું કરી મારી શોધ છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગતું પરંતુ તેઓ ક્યારેય સફળ ન થતા. તેઓ મારી સાથે કોઈ ગુનેગાર જેવું વર્તન કરતા.

મેં તેમની મારા પર આ અમાનવીય હરકતો કરવા બદલ ઉગ્ર પગલું લેવાનું પણ વિચાર્યું હતું પરંતુ મારા અન્ય એક પ્રયોગ દરમિયાન મહાત્મા ગાંધી બાપુએ કહેલી અહિંસાની વાતો મને યાદ આવી ગયેલી. જ્યારે બે હજારની નવી ગુલાબી નોટમાંથી નીકળીને ગાંધીજી મને મળવા આવ્યા ત્યારે તેઓએ મારી સાથે તેમનાં આંદોલનો વિશે, તેમના સત્યના આગ્રહ વિશે, જે તે સમયે સિસ્ટમના ભ્રષ્ટાચાર સામેની લડત અંગે અને તેમની રોજિંદી પ્રવૃત્તિઓ વિશે ખૂલીને જણાવ્યું હતું. તેઓની સમક્ષ હું મારી વાત સાચી સાબિત કરવા બાપુને બોલાવી શકું, સત્યના આગ્રહી બાપુ તો અમારી મુલાકાત અંગે સત્ય જ બોલશે, ને !

મારી ગાંધીજીની સાથેની એ મુલાકાત દરમિયાન મેં ચે ગુવેરાની ટીશર્ટ પહેરેલી અને અચાનક મને શું સૂઝ્યું કે મેં એમને પણ મળવા માટે બોલાવ્યા. એ મારી ટીશર્ટમાંથી નીકળીને મને મળવા આવેલા. મેં ગુવેરા પાસેથી એમની 'મોટરસાઈકલ ડાયરી'ના અનુભવો પૂછ્યા, એમને ગાંધીજી અંગે એમનાં મંતવ્યો પૂછ્યાં, તેમણે જણાવેલું કે તેઓ પણ ગાંધીજીની જેમ જિદ્દી ખરા, ગાંધીજીએ જિદ્દ કરીને આઝાદી અપાવવાના પ્રયત્નો કર્યા એ જ રીતે એમણે પણ જિદ્દ કરીને ક્રાંતિનો સંદેશ અમેરિકા અને આફ્રિકામાં ફેલાવવાનું નક્કી કર્યું હતું. મને એ મુલાકાત પરથી સમજાયું હતું કે એમણે ગાંધીજીથી તદ્દન વિરુદ્ધનો હિંસાનો રસ્તો પસંદ કર્યો હતો પણ બન્ને પોતાના સમયનાં જિદ્દી ક્રાંતિકારી હતા. એક વધુ ક્રાંતિકારી ભગતસિંહને પણ એ સમયે મળવા બોલાવવાનું વિચારેલું પણ ગાંધીજીને યોગ્ય ન લાગતાં એ માંડી વાળ્યું.

મારી આવા મહાનુભાવોની મુલાકાત દરમિયાન મને ઘણું શીખવા મળ્યું, અદ્ભુત જ્ઞાન મળ્યું. કદાચ તેઓને મારી આ જ ઉપલબ્ધિના કારણે ઈર્ષ્યા થતી હોય અને એ જ કારણોસર એ લોકોએ મને અહીં કેદ કર્યો હોય એવું બની શકે !

એ લોકોના મતે હું એકલતાના કારણે મનોરોગી બની ગયો હતો. હું સત્ય જણાવું તો હું એકાંત પસંદ કરતો એવું પહેલેથી ન હતું, હું આનંદપ્રિય વ્યક્તિ હતો. મારા દિવસો મારી પ્રેયસી નિશા સાથે ખુશીથી વીતતા. કોઈપણ સફળ પ્રેમીઓ જેવી અમારી જિંદગી હતી. અમે સાથે મળતાં, ફરતાં અને ફોન પર કલાકો સુધી વાતો કરતાં. એને કોઈપણ સમયે મારા ઘરે આવવાનો અબાધિત હક્ક હતો અને મારો એના પર હક્ક હતો. આજીવન અમે એ રીતે જ રહેવા માગતાં હતાં, કિંતુ કોઈ અગમ્ય કારણોસર સમય જતાં અમારા વચ્ચે વિખવાદો વધવા લાગ્યા, નિશાને મારું તેને ચાહવું બંધન લાગવા લાગ્યું, એ બંધનમાંથી એણે એક દિવસ જાતે જ મુક્તિ મેળવી લીધી. પોલીસના રિપોર્ટ મુજબ એણે મારા ઘરની બાલ્કનીમાંથી કૂદકો મારી મારાથી બહુ દૂર જતી રહી, હું ત્યારબાદ એકલો પડી ગયો.

એકલતા દરમિયાન જ તો મેં માનસિક તરંગો દ્વારા માણસોને મળવાની સિદ્ધિ મેળવી હતી. આ દરમિયાન મેં માત્ર જ્ઞાન જ પ્રાપ્ત કર્યું હતું એવું ન હતું, મેં મોજશોખ પણ કર્યા હતા. મારે તમને એ જણાવતાં જરાપણ સંકોચ ન અનુભવવો જોઈએ કે મેં એક વખત મારી શોધના ઉપયોગ દ્વારા મોબાઈલ વીડિયોમાંથી સનીને પણ મળવા બોલાવેલી. જે તે વીડિયોમાંથી આવેલી સનીએ મારી સાથે એ દરેક અનુભવો વહેંચ્યા જેમાં એ પારંગત હતી. સનીને મળવાનો અનુભવ મારા માટે અન્યની સરખામણીએ વધુ સુખદ હતો, હું એ દરમિયાન આનંદની ચરમસીમાએ હતો.

મને ખ્યાલ છે ત્યાં સુધી મારી પાસે જે આવડત છે એ હજુ કોઈ પાસે નથી તેથી જ એ લોકો મને પાગલ સાબિત કરી શકવા મથે છે, દર અઠવાડિયે શરીરમાં ઇન્જેક્શનો મારે છે. હું હજુ એ ઇન્જેક્શન સહન કરી લઉં પણ એ લોકો મને બેભાન કરી મારી સાથે જે પ્રયોગો કરે છે એ મને નથી સમજાતા.

એ લોકોની ટીમ તો એ હદે મને પાગલ સાબિત કરવા મથી રહી છે કે આજે એમણે મારો રિપોર્ટ પોલિસને સોંપતા જણાવેલું કે એકાંતથી કંટાળીને આત્મહત્યાના હેતુસર મેં વધુ પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ગળી લેતાં હું કોમામાં સરી પડેલો. એ ગોળીઓની અસર મારી મગજની નસો પર થઈ છે, એ નબળી પડી ગઈ છે. હું શું વિચારું છું, હું શું કરું છું એનું મને જ ભાન નથી હોતું. એમના મત મુજબ હું કોઈપણ વસ્તુ, વ્યક્તિ, પ્રસંગને ઈમેજિન કરી લઉં છું. મારી માનસિક હાલત અત્યંત ખરાબ છે. એ લોકોના મત મુજબ નિશાની હત્યા મેં ક્રુરતાપૂર્વક કરી હતી, એ વાતમાં જરાપણ તથ્ય ન હતું.

હું પાગલ અને ખૂની તો નથી જ, અને બીજું એકાંતના કારણે કે નિશાના છોડી જવાના કારણે હું પાગલ બની ગયો એ શક્ય જ કઈ રીતે હોઈ શકે ! આ લોકો હકીકતમાં મારી શોધની પાછળ પડી ગયેલા મારા દુશ્મનો છે. એક પાગલ આટલી સ્વસ્થતાથી વાત ન જ કરી શકે એ વાતને તમે તો સમજો છો ને, હું મનોરોગી નથી એનો તમને તો ખ્યાલ આવી જ ગયો હશે ને, હું તો તમારા લખાણનો પ્રસંશક છું, મી. પત્રકાર ! હું પાગલ કઈ રીતે હોઈ શકું !

***

આટલું જાણ્યા બાદ હું વગર બોલ્યે ત્યાંથી નીકળી ગયો. હું આ લખું છું ત્યારે પણ એ વાત માનવા તૈયાર નથી કે એણે કોઈ ખૂન કર્યું હોય. કોઈ હત્યારો આટલો સ્વસ્થ બની વાત કરી શકે ? કાયદાની દૃષ્ટિએ એ ગુનેગાર છે પણ ખરેખર એ ગુનેગાર છે કે નહીં એ હું નક્કી નથી કરી શકતો. મને તો એ માનસિક બીમાર પણ નથી લાગી રહ્યો. હું એના અંગે કોઈ ચોક્કસ નિર્ણય પર નથી પહોંચી શકતો. આ વાંચ્યા બાદ કદાચ તમે કોઈ નિર્ણય પર પહોંચી શકો.


Rate this content
Log in

Similar gujarati story from Crime