lina joshichaniyara

Tragedy Crime Thriller

4.8  

lina joshichaniyara

Tragedy Crime Thriller

વિસ્ફોટ

વિસ્ફોટ

14 mins
636


રસોડાની હાલત જોઈને ઈ.પાટીલનું મગજ ચકરાઈ ગયું. રસોડામાં ચારેયબાજુ માંસના બળી ગયેલા લોચા, જ્યાં નજર પડે ત્યાં લોહીથી ખરડાઈ ગયેલી દિવાલો, ઇશાનીના શરીરના બ્લાસ્ટના કારણે ચારેબાજુ ઉડેલા ફુરચે ફુરચા, બળીને કાળી થઈને પડી ગયેલી દિવાલો.

ફોરેન્સિકની ટીમ બધા પુરાવા એકઠા કરી રહી હતી. આમ તો આ એક ઓપન એન્ડ શટ કેસ હતો. ઈશાની રસોડામાં ગઈ, ત્યાં ગેસના બાટલાથી વિસ્ફોટ થયો અને.....

ઘટના સ્થળને સીલ કરી દેવામાં આવ્યું. સુહાસિની અને સચિન અત્યંત શોકમાં હતા. એમનું મગજ કામ કરતું જ બંધ થઇ ગયું હતું. સમજાતું ન હતું કે દીકરીના મૃત્યુનો શોક કરવો કે પોલીસના સવાલોના જવાબ આપવા?

ઈ. પાટીલ અને એમના આસિસ્ટન્ટ પાંડે આ કેસના ઇન્ચાર્જ હતા. એમણે આખા ઘરનું નિરીક્ષણ કર્યું. સુહાસિની અને સચિનને અત્યારે સવાલો કરવા યોગ્ય ન લાગતા બાકીની પોલીસ વિધિ પુરી કરી, પોલીસ સ્ટેશન તરફ વળ્યાં.

સુહાસિની અને સચિન પોલીસ સ્ટેશને આવ્યા છે. ઈ. પાટીલ એમની પૂછ-પરછ કરે છે.

તો સુહાસિનીબહેન, મને એ કહો કે ઈશાની રસોડામાં શું કરતી હતી?

સાહેબ, એને કોફી પીવાની ઈચ્છા થઇ હતી એટલે એ બનાવવા એ રસોડામાં ગઈ હતી.

સચિનભાઈ ,સુહાસિનીબેન, તમે શું કરતા હતા?

સાહેબ, રવિવાર ની સવાર અમે બધા સાથે ગાર્ડનમાં ચા-નાસ્તો કરતા. એ અમારા ઘરનો અતૂટ નિયમ હતો. એટલે અમે બંને ઇશાનીની રાહ જોતા ગાર્ડનમાં બેઠા હતા.

પછી શું થયું?

કંઈ ખબર જ ન પડી સાહેબ. અચાનકથી જ એક વિસ્ફોટ થયો અને અમે બંને..... એમ કહી બંને અત્યંત જોરથી રડવા લાગ્યા.

પાટીલ સાહેબ સારી રીતે સમજતા હતા કે માતા પિતા માટે એકની એક દીકરીને આમ પોતાની નજર સામે ગુમાવવાનું દુઃખ શું હોય છે. એમણે બંને ને પાણી આપ્યું અને ઘરે જવાનું કહ્યું.

પાટીલ સાહેબ અને પાંડે એ સુહાસિની અને સચિનની પાડોશમાં રહેતા લોકોની પણ તપાસ કરી. એમાં એમને બીજી કોઈ ખાસ માહિતી મળી નહિ. સામાન્ય મા-દીકરી વચ્ચે ચાલતી તું-તું મેં મેં સિવાય કોઈ વિશેષ માહિતી મળી નહિ.

 મોટા શહેરોની આ એક ખાસિયત છે કે ત્યાં લોકો પોતાના કામથી કામ જ રાખે. સચિનના ઘરની આજુ બાજુ રહેતા લોકોમાં લગભગ બધા ભાડે જ રહેતા હતા એટલે ૨-૩ વર્ષ રહી મકાન ખાલી કરી જતા રહેતા. એક-બે પરિવારના ખુદના ઘર હતા પણ એ લોકો પણ આખો દિવસ કામથી બહાર રહેતા હતા અને સચિન-સુહાસિનીને કામ પૂરતા ઓળખતા હતા. ફક્ત અનસૂયા બા ના જ સચિન-સુહાસિની સાથે વધારે ગાઢ સંબંધો હતા. પરંતુ એ પણ એમના દીકરાને ત્યાં મુંબઈ ગયા હતા. પાટીલ સાહેબે પોતાનો એક ખબરી સચિનના ઘરની બહાર લગાવી દીધો હતો.

તમને શું લાગે છે, સાહેબ? પાંડે એ પાટીલ સાહેબને ચા ની પ્યાલી આપતા પૂછ્યું.

તને શું લાગે છે પાંડે?

સાહેબ, આમ તો આ એકદમ સરળ અને સીધો કેસ છે. એક વિસ્ફોટક અકસ્માતમાં ઇશાનીનું મૃત્યુ થયું છે. કેસ તો પૂરો થઇ ગયો સાહેબ.

પાંડે, તું હજી નવો છે. જેટલો કેસ સીધો દેખાતો હોય એટલો એ હોતો નથી. મને લાગે છે કે મારે આપણા ડિપાર્ટમેન્ટ ના ખૂંખાર જાસૂસ, મારા પરમ મિત્ર એવા કદમ સાહેબ ને બોલાવવા જ પડશે. આજકાલ એ અહીં પુનામાં જ છે. 

ઈ. પાટીલ અને પાંડે કદમ સાહેબ ને મળે છે. એમને કેસની વિગતો કહે છે.

પાટીલ, તારી વાત સાચી લાગે છે. કેસ જેટલો સીધો દેખાય છે એટલો સીધો નથી. આ અનસૂયા બા ક્યારે આવશે?

કદમ સાહેબ, એ કાલે મોડી રાત્રે આવી ગયા છે.

તો પછી રાહ કોની જોવો છો? ચાલો, મળી લઈએ એમને. અને પ્લીઝ પાટીલ, આ સાહેબ કહેવાનું બંધ કર. આપણે મિત્રો પહેલા છીએ પછી સિનિયર-જુનિયર. જો તું મને ખાલી કદમ કહેવાનો હોય તો જ હું આ કેસમાં તારી સાથે કામ કરીશ.

ઠીક છે, તું જીત્યો કદમ. હવે આપણે જઈએ?

ત્રણેય અનસૂયા બા ના ઘરે પહોંચે છે.

તમે જ અનસૂયા બા? કદમ સાહેબ પૂછે છે.

હા. હું જ ....

તમે સચિન-સુહાસિનીને કેટલા સમયથી ઓળખો છો?

લગભગ બાર વર્ષથી. ઈશાની ત્યારે ૫ વર્ષની હતી જયારે સચિન અને શિવાની અહીં રહેવા આવ્યા હતા. સચિનને અહીં કંપનીમાં નવી નોકરી મળી હતી. એકદમ હસતો રમતો પરિવાર. સચિન મારા દિકરા જેવડો જ છે એટલે એને પહેલી વખત જોઈને મને દિકરાની જ લાગણી થઇ અને એ પણ મને માઁ જ કહે છે. શિવાની અને ઈશાની તો આખો દિવસ....

એક મિનિટ અનસૂયા બા, સચિન ની પત્નીનું નામ સુહાસિની છે ને?

હા, સુહાસિની જ છે.

તો આ શિવાની કોણ છે?

શિવાની એ સચિનની પહેલી પત્ની અને ઈશાની ની સગી માઁ છે.

ઓહ!! તો સુહાસિની એ ઇશાનીની સાવકી માઁ છે?

જી હા, ઈશાની ૬ વર્ષની હતી જયારે શિવાનીનું કેન્સરમાં મૃત્યુ થયું. એ પછી ઇશાની માટે સચિને બીજા લગ્ન સુહાસિની સાથે કર્યા. સચિન અને સુહાસિની ની ઉંમરમાં દસ વર્ષનો તફાવત હોવા છતાં પણ સુહાસિનીએ આવતાની સાથે જ ઈશાની અને સચિનને પ્રેમથી સાંભળી લીધા હતા.

બા, એ બંને માં દીકરી વચ્ચેના સંબંધો કેવા હતા?

સાહેબ, ભલે સુહાસિની ઇશાનીની સાવકી માઁ હતી પરંતુ ઈશાનીને સગી માઁ ની જેમ જ પ્રેમ આપતી, ધ્યાન રાખતી, ચિંતા કરતી. સાહેબ, દીકરી જવાન થાય એટલે માઁ ની ચિંતા વધી જાય એટલે એમની વચ્ચે સામાન્ય તું- તું મેં મેં થઇ જતી અને સચિન વચ્ચે પડી ને મામલો શાંત કરતો. સાહેબ, મને ઈશાની ઘણી વખત કહેતી કે એને સુહાસિની નથી ગમતી કેમ કે સુહાસિનીએ એના પિતાને એની પાસેથી છીનવી લીધા. હું ઘણી વખત એને સમજાવતી કે બેટા, એવું બિલકુલ નથી. એ બંને તો તને કેટલો પ્રેમ કરે છે. તું દીકરી છે અને એ પત્ની છે. તમારા બંને માટે, સચિનના જીવન માં સ્થાન અલગ છે. તો એ કહેતી કે બા, જો સુહાસિની ન આવી હોત તો પપ્પાના પ્રેમ ઉપર સંપૂર્ણ પણે મારો એકલી નો જ હક હોત ને??

ઈશાની બહુ જ ખુશ હતી કેમ કે એનું એડમિશન આઈ. આઈ. ટી. મુંબઈ માં થઇ ગયું હતું. મને કહેતી કે તમે પણ મારી સાથે મુંબઈ જ રહેજો. આમ કહી અનસૂયા બા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...

પાંડે એ બા ને પાણી આપ્યું અને શાંત પડ્યા.

સાહેબ, ઈશાનીના નાનાજી જે પોતે મોટા જમીનદાર હતા એમણે પોતાની કરોડોની મિલકત પોતાની એક માત્ર વારસદાર ઈશાનીના નામે કરી હતી.

ઓહ, બા એ વસિયત વિષે તમને ખબર છે?

કેટલી મિલકત છે એ નથી ખબર પણ એટલી ખબર છે કે એ વસિયત પ્રમાણે જો ઇશાનીનું મૃત્યુ ૧૮ વર્ષ ની ઉંમર પહેલા થાય તો બધી જ સંપત્તિ ટ્રસ્ટમાં જશે અને જો ૧૮ વર્ષની ઉંમર પછી થાય તો એ સંપત્તિ એના પિતા એટલે કે સચિન ને મળશે પરંતુ સુહાસિનીનો એ સંપત્તિ ઉપર કોઈ અધિકાર રહેશે નહિ. સંપત્તિ મળ્યા બાદ જો સચિનનું મૃત્યુ થાય તો પણ તમામ સંપત્તિ ટ્રસ્ટમાં જશે.

ઓહ તો આમ વાત છે. પણ બા તમને આ વિષે કેવી રીતે ખબર પડી?

એક વખત ઇશાનીના જન્મદિવસ ઉપર એના નાનાજી એને સરપ્રાઈઝ આપવા અહીં આવ્યા હતા. પણ ઈશાની, સચિન અને સુહાસિની બહાર ગયા હતા એટલે એ મારા ઘરે બેઠા હતા. એ મારા અને ઈશાની ના સંબંધો જાણતા હતા એટલે એમણે મને વસિયત વિષે જણાવ્યું. 

ભલે બા, અમે હવે જઈએ. તમારી પાસે બીજી કોઈ માહિતી હોય તો અમને ફોન કરજો.

સાહેબ, એક બીજી વાત પણ છે. સુહાસિનીનો ૨-૩ મહિના પહેલા એની સામે રહેતા વિપુલ સાથે ઝગડો થયો હતો. મેં કારણ પૂછ્યું તો એ કંઈક વિડીયો બનાવતો હતો એવું કહ્યું.

ઓહ ! તો એમ વાત છે. ભલે બા, તમને બીજું કંઈ યાદ આવે તો અમને જાણ કરજો. આ કાર્ડ ઉપર મારો નંબર છે. એમ કહી કદમ, પાટીલ અને પાંડે ત્યાં થી નીકળી બાજુ ની ચા ની લારીએ ગયા.

કેસ કંઈક અલગ જ દિશામાં જતો હોય એવું લાગે છે પાટીલ. બની શકે કે આ વિપુલ અને ઇશાનીના કોઈ ખાસ સંબંધો હોય અને વાત કંઈક બીજી જ હોય. ચાલો, તો પછી સુહાસિની બહેન ને મળતા જ જઈએ.

ત્રણેય સચિન અને સુહાનીના ઘરે આવે છે. દરવાજો ખુલ્લો જ છે અને બંને ઈશાનીના ફોટા પાસે બેસીને રડી રહ્યા છે.

સચિન ભાઈ, અમે આવી શકીએ? થોડી માહિતી જોઈતી હતી.

આવો સાહેબ, બેસો હું હમણાં મોં ધોઈને આવું. સુહાસિની, તું ચા-પાણીની વ્યવસ્થા કર. એમ કહી સચિન જાય છે.

સચિનભાઈ ,અનસૂયા બા સાથે તમારા કેવા સંબંધો છે?

સાહેબ, એક દિકરા ના માઁ સાથે હોય એવા.

સચીનભાઈ, અમને માહિતી મળી છે કે ૨-૩ મહિના પહેલા સામે રહેતા કોઈ વિપુલ સાથે તમારા પત્નીનો ઝગડો થયો હતો. એનું કોઈ કારણ ?

સાહેબ, એ વિપુલ થોડો માનસિક છે. એ જતી આવતી બધી સ્ત્રીઓને વિચિત્ર રીતે જોયા કરે છે. એક દિવસ ઈશાની અગાસી ઉપર હિંચકે બેસીને વાંચી રહી હતી. ત્યારે મેં વિપુલને બારી માં ઊભેલો જોયો. એના હાથમાં કેમેરો હતો. મને શંકા ગઈ હતી કે એ ઈશાનીના ફોટા પાડે છે અથવા તો વિડીયો બનાવી રહ્યો છે. એટલા માટે હું એની સાથે ઝઘડી હતી. સુહાસિની એ જવાબ આપ્યો.

તો પછી બહેન, તમે પોલીસમાં ફરિયાદ કેમ ન કરી?

સાહેબ, પોલીસમાં ફરિયાદ કરું તો એની અવળી અસર ઈશાની ઉપર પડે જે અમે બંને નહોતા ઇચ્છતા.

માફ કરજો સચીનભાઈ- સુહાસિનીબહેન, પણ એવું તો નથી ને કે ઈશાની અને વિપુલની વચ્ચે કંઈક.....

ના, ના સાહેબ. મારી દીકરી એવા લોફર સામે જોવે પણ નહિ. એને તો એના કેરિયર ની જ ચિંતા હતી. આઈ. આઈ.ટી. માં પ્રવેશ મેળવવો એ કંઈ સહેલું નથી. ઈશાની બહુ સમજુ હતી અને ખુલ્લા મન ની હતી. એને ખબર હતી કે ખોટા લફડામાં પડવાથી કેરિયર ખરાબ થઇ જાય. એટલે એવું કશું જ ન હતું સાહેબ.

ઠીક છે સચીનભાઈ. વધુ માહિતી જોઈશે તો અમે પાછા આવીશું.

આ ઘટનાનાં બે દિવસ પછી સુહાસિનીનાં પાડોશ માં રહેતા રમેશભાઈએ વિપુલ વિરુદ્ધની ફરિયાદ નોંધાવી. ઈશાનીના કેસની પૂછપરછ વખતે રમેશભાઈ પણ હાજર હોવાથી પાટીલ સાહેબ એમને ઓળખી ગયા. એમણે વિપુલને એમની પત્નીનો વિડીયો ઉતારતા જોઈ લીધો હતો. એટલે સીધા જ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા આવ્યા હતા.

પાટીલ, કદમ અને પાંડે, રમેશભાઈ સાથે વિપુલ ના ઘરે ગયા. શરૂઆતમાં તો વિપુલ દરવાજો ખોલી રહ્યો ન હતો પછી પાટીલ અને પાંડે એ દરવાજો તોડી પાડયો.

પોલીસ ને જોતા જ વિપુલ ગભરાઈ ગયો અને ભાગવાની કોશિશ કરી પરંતુ પાટીલે એને પકડી લીધો. એના ઘરની તલાશી લીધી તો કદમ અને પાટીલ બંને આશ્ચર્યચકિત થઇ ગયા. વિપુલે ઘરની બધી જ બારીઓમાં કેમેરા લગાવેલા હતા. જેમાં રેકોર્ડિંગ ચાલુ જ રહેતું હતું. એમાં પણ સચિનના ઘર ની સામે તો ત્રણ-ત્રણ કેમેરા લાગવ્યા હતા. જેમાંથી સચિનનું રસોડું, એનો બેડરૂમ અને ગાર્ડન સ્પષ્ટપણે જોઈ શકાતું હતું.

કદમ સાહેબે બધા જ કેમેરા જપ્ત કર્યા અને વિપુલ ને જેલ માં નાખ્યો અને વિપુલની પૂછ-પરછ ચાલુ કરી.

બોલ, સચીનભાઈ ના ઘર ની સામે આટલા કેમેરા શા માટે લગાવ્યા હતા ?

સાહેબ, મને કંઈ ખબર નથી.

પાંડે, આ આમ નહિ મોં ખોલે. એને થોડો મેથી પાક આપ. પાંડે એ વિપુલને મારી મારી ને એની હાલત ખરાબ કરી નાખી.

બસ, બસ સાહેબ બસ. હું કહું છું બધું કહું છું. હવે મારશો નહિ.

બોલ, જલ્દી બોલ.

સાહેબ, મને પરણિત સ્ત્રીઓને જોવી બહુ ગમે છે. એમાં પણ સુહાસિનીની તો વાત જ અલગ છે. એને જોવા માટે, ૨૪ કલાક ,૩૬૫ દિવસ જોવા માટે મેં કેમેરા લગાવ્યા હતા. મારો વિશ્વાસ કરો. મારા મનમાં બીજું કંઈ જ ન હતું. મને બસ બધી સ્ત્રીઓને જોવી ગમે છે.

પાંડે, આની સરખી રીતના મહેમાન ગતિ કરજે કે જેથી કરીને બીજી વાર સ્ત્રીઓ સામે જોવું તો દૂર, એનો વિચાર પણ મનમાંથી નીકળી જાય. આપણા મનોચિકિત્સકને પણ બોલાવી લેજે.

પાટીલ, આપણે પેલા વિડીયો જોઈ લઈએ.

બંને વિડીયો જોવા બેસે છે.

બે દિવસ પછી પાટીલ અને કદમ સાહેબ સુહાસિની ને મળવા આવે છે.

આવો સાહેબ, સચિન તો નથી અત્યારે.

સુહાસિની બહેન, અમારે તમારી સાથે જ વાત કરવી છે.

બોલો સાહેબ.

વિપુલના ઘરે થી તમારા ઘરના ઘણા બધા વિડીયો મળ્યા છે. એમાં જે દિવસે ઇશાનીનું મૃત્યુ થયું એ વિડીયો પણ છે. પણ એ પહેલા અમારે તમને કંઈક પૂછવું છે. આશા છે કે તમે અમને ગુમરાહ નહિ કરો.

પૂછો સાહેબ.

લગભગ એક મહિના પહેલાના વિડીયોમાં અમે જોયું કે ઈશાની એ તમારા માટે ચા બનાવી હતી. એ ચા માં એણે શીશીમાંથી કશુંક નાખ્યું હતું. પછી એ ચા તમને આપી અને એ બહાર ગઈ. જેવી એ બહાર ગઈ તમે ચા ફેંકી દીધી એવું કેમ? એ શીશીને અમે ઝૂમ કરીને જોઈ તો એ ઝહેર ની શીશી હતી. તમને ખબર હતી?

સાહેબ, તમે કહી એ ઘટના ના થોડા દિવસ પહેલા બે ઘટના બની હતી. પહેલી ઘટનામાં એક દિવસ ઉપરની ટાંકીમાં પાણી ખાલી થઇ ગયું હતું એટલે મેં ઈશાની ને કહ્યું કે મોટર ચાલુ કરી દે પણ એણે કંઈ જવાબ ન આપ્યો. એટલે મને થયું કે એણે સાંભળ્યું નહિ હોય, વાંચતી હશે અથવા તો ગીત સાંભળતી હશે. એટલે લાવ હું જ ચાલુ કરી આવું. જયારે હું સ્વિચ ચાલુ કરવા ગઈ તો મેં જોયું કે ઇશાની મોટરના વાયર સાથે કંઈક કરી રહી હતી. પછી એ અંદર તરફ આવી રહી હતી એટલે હું પછી અંદર ચાલી ગઈ. એ પછી હું મોટર પાસે ગઈ તો એ સ્વીચમાં શોર્ટ શાર્કીટ જેવું લાગતું હતું. સામાન્ય રીતે હું જોયા વગર જ સ્વિચ ચાલુ કરી દઉં છું એ વાત ની ઈશાનીને ખબર હતી. મને આઘાત લાગ્યો કે ઈશાની મને મારવા માંગે છે? પછી એમ થયું કે કદાચ હું વધુ વિચારું છું.

એક મિનિટ સુહાસિનીબહેન, તમને આવો વિચાર કેમ આવ્યો કે ઈશાની તમને મારવા માંગે છે ?

સાહેબ, હું ઇશાનીની સાવકી માઁ છું. આપણા સમાજ માં સાવકા શબ્દને બહુ ભયાનક રીતે દર્શવાયો છે. ભલે હું ઈશાની ની સાવકી માઁ છું પરંતુ એને હું પ્રેમ કરું છું. પરંતુ ઈશાની ને હું પહેલેથી જ એટલે કે લગ્ન કરીને આવી ત્યારથી જ પસંદ નથી. એ અવારનવાર મારા ભોજન માં વધારાનું મીઠું, મરચું નાખી દેતી. એટલું જ નહિ ૧૨ વર્ષની હતી ત્યારે એણે જમાલગોટાં દવા ભેળવી દીધી હતી અને મને....

બીજી ઘટના એ પછીના થોડા દિવસ પછી બની હું અગાસી ઉપર કપડાં સૂકવવાની દોરી બાંધી રહી હતી. એ આવી અને એણે મને ધક્કો મારવાની કોશિશ કરી આ તો સારું થયું કે મેં પાઇપ પકડી રાખ્યો હતો નહિ તો.....

એ પછી મને ઇશાનીની મારા માટે કરેલી કે બનાવેલી વસ્તુઓ ઉપર વિશ્વાસ ન આવતો. એટલે જ એણે ચા આપી તો મેં લઇ લીધી પણ એ સીધી ફેંકી દીધી. એ પછી જયારે રાત્રે હું કચરો થેલીમાં ભરતી હતી ત્યારે એ ઝેર ની શીશી મારા હાથમાં આવી હતી.

તો પછી તમે સચિનભાઈ ને આ બાબત ની વાત કેમ ન કરી?

શું વાત કરું? સચિન ને એની નોકરીમાંથી સમય જ નથી મળતો અને આ વાત કરીને હું એ બાપ-દીકરી ના સંબંધો બગાડવા ન માંગતી હતી. મને થયું કે હવે તો એનું એડમિશન મુંબઈ થઇ ગયું છે તો એ ત્યાં જ જતી રહેશે. કદાચ દૂર જઈને એના મારા માટે ના વિચારો બદલાઈ જાય...

આ વાતો ચાલી રહી હતી ત્યાં જ સચિન બહારથી આવે છે. કદમ સાહેબ એમને બધી જ વાત વિગતે કરે છે. ઈશાનીનો વિડીયો કે જેમાં એ ચા માં ઝેર ભેળવી રહી હતી એ પણ બતાવે છે. એ પછી ઇશાનીના મૃત્યુનો વિડીયો દેખાડે છે.

વિડીયોમાં દેખાય છે કે સુહાસિની ગેસ ઉપર દૂધ મૂકી ને બહાર જાય છે.. દૂધ ઉભરાય છે..એના કારણે ગેસ ઠરી જાય છે...પરંતુ ગેસનો નોબ ચાલુ જ હોય છે. ઈશાની આવે છે... એ ઈયરફોનમાં સંગીત સાંભળતી અને ગીત ગણગણતી પોતાની ધૂનમાં જ લાઈટની સ્વિચ ચાલુ કરે છે...સ્પાર્ક....ધમાકો..... બીજા વીડિયોમાં ગાર્ડનમાં બેઠેલા વાતો કરતા સચિન-સુહાસિની પણ દેખાય છે જે ધમાકો થતા સીધા જ ઘરમાં અંદર દોડે છે.

આ વિડીયો જોઈ સચિન સુહાસિની ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે....

એક વાત સમજમાં ન આવી સચિનભાઈ..ઇશાનીએ દિવસના એટલો ઉજાસ હોવા છતાં પણ લાઈટ કેમ ચાલુ કરી?

સાહેબ, ઈશાનીને પહેલેથી જ આદત હતી કે ક્યાંય પણ જાય ત્યાં પહેલા લાઈટ ચાલુ કરે એ પછી પોતાનું કામ કરે. પછી એ દિવસ હોય કે રાત....

કેસ બંધ થાય છે. પાટીલ અને કદમ સાહેબ એમના ઘરે બેઠા હોય છે.

કદમ, કેસ સીધો જ હતો પણ આપણને શંકાની ટેવ પડી ગઈ છે એટલે અને શંકા કર્યા કરીએ છીએ.

પાટીલ, ખબર નહિ પણ હજી મને સંતોષ નથી થયો. નક્કી કંઈક તો છે જે સમજાતું નથી.

અરે કદમ, વિડીયો માં પણ જોયું ને તે? બધું જ સ્વાભાવિક થાય એવું જ હતું...આજ કાલ ઘણી સ્ત્રીઓ ગેસ ઉપર વસ્તુ મૂકીને ગેસ ચાલુ રાખીને ભૂલી જાય છે પરંતુ એની કિંમત એમને પોતાને જ ચૂકવવી પડે છે.

હા, આમ પણ વિડીયો એક મોટો પુરાવો છે એટલે....

આ ઘટના ના ત્રણ વર્ષ પછી.....

કદમ સાહેબ માર્કેટમાં ખરીદી કરી રહ્યા હોય છે ત્યાં જ સુહાસિની અને સચિન એને મળે છે. સાથે ૨ વર્ષનું બાળક અને અનસૂયા બા પણ હોય છે.

અરે, સાહેબ કેમ છો?

બસ, સારું છે. આ બાળક કોણ છે?

સાહેબ, આ અમારું બાળક છે.

બા તમે ચિન્ટુ સાથે થોડી વાર અહીં રહો અમે સામે દુકાનમાંથી વસ્તુ લઈને આવીએ.

બા તમે કેમ છો?

સાહેબ, હું મજામાં છું. આ બાળક સાથે ક્યાં સમય નીકળી જાય છે એ ખબર જ નથી પડતી. આજે ઈશાનીના મૃત્યુ ને ૩ વર્ષ થઇ ગયા....

પણ બા આ ઉંમરે હવે બાળક?

સાહેબ, સુહાસિની તો નાની જ છે હજી. લગ્ન થયા ત્યારે સચિને શરત રાખી હતી કે સુહાસિનીએ ફક્ત ઇશાનીની જ માઁ બની ને રહેવાનું છે. એનું પોતાનું બાળક નહિ કરે..પણ કુદરતના ખેલ જોવો સાહેબ, ઈશાનીને પોતાની પાસે બોલાવી લીધી એ પછી પોતાની એકલતા દૂર કરવા એ બંને એ આ બાળક કર્યું...અત્યારે વિજ્ઞાન ઘણું આગળ નીકળી ગયું છે એટલે બધું શક્ય બને છે...ચાલો સાહેબ, ફરી મળીશું...એમ કહી બા એ બાળક સાથે ગાડીમાં બેસી જાય છે.

ઘરે પહોંચી સુહાસિની ઇશાનીના ફોટા સામે જોતી હોય છે અને એની સાથે વાત કરે છે...

ઈશાની, મેં તારી માઁ બનવાની પુરી કોશિશ કરી પરંતુ તે મને ક્યારેય પોતાની માની જ નહિ. જયારે તે મને મારવાની પહેલી વાર કોશિશ કરી ત્યારે મેં તને બાળક સમજીને માફ કરી પરંતુ ઝેર ની શીશી જોયા પછી મને તું મારા અસ્તિત્વ માટે ખતરા રૂપ લાગી. એ દિવસે ગેસ ઉપર દૂધ મૂકી ને હું જાણી જોઈ ને બહાર નીકળી હતી. મને એ પણ ખબર હતી કે તું તારા હાથની કોફી બનાવવા રસોડામાં જઈશ. એટલે જ એ દિવસે મેં જ તને કોફી પીવાની યાદ અપાવી હતી. મને ખબર જ હતી કે તું અંદર જઈને સીધી લાઈટ ચાલુ કરીશ અને....

વિપુલ પણ મારી ચાલ નો એક પ્યાદો હતો. મેં જાણી જોઈને એની સાથે ઝગડો કર્યો હતો. મને એ પણ ખબર હતી કે એ ૨૪ કલાક ૩૬૫ દિવસ આપણા ઘરનો વિડીયો બનાવે છે. વીડિયોમાં તો તારું મૃત્યુ વિસ્ફોટક અકસ્માત દેખાશે.

હું ચાહતી તો તને નાની હતી ત્યારે જ મારી શકતી હતી પણ ઈશુ, મારે તને મારવી ન હતી. મારે તો માઁ બનવું હતું. તારી માઁ અને મારા બાળકની પણ માઁ. મારા બાળકના આવવાથી તારા માટે મારો પ્રેમ બદલાઈ ન જાત. પરંતુ, દિવસે ને દિવસે તું મને મારવાની યોજનાઓ બનાવતી હતી. તારા જીવિત રહેવાથી મને મારુ પોતાનું બાળક ક્યારેય ન મળત. એટલે જ મેં તને ભગવાન ના ધામે પહોંચાડી.

પહેલી વખત વિપુલ સાથે તારા માટે જ ઝઘડી હતી કે ક્યાંક એને તારો વિડીયો કે ફોટા સાથે કંઈક કર્યું તો નથી ને? પછી વિપુલે મને બધા વિડીયો દેખાડ્યા. જો વિપુલે એ દિવસે મને અગાસીવાળો વિડીયો દેખાડીને જાણ ન કરી હોત તો મને ખ્યાલ જ ન આવત કે તું મને મારવા માંગે છે. એ પછી વિપુલે મને બીજા ઘણા વિડીયો દેખાડ્યા કે જેમાં તું મારા માટે નવી યુક્તિઓ કરતી હોય છે-દોરડું, હથોડો જેવી વસ્તુઓ હાથમાં લઇ મારવાની કોશિશ કરવાના પ્લાન કરતી હોય છે.

આગલે દિવસે થયેલો આપણો ઝગડો...તારા કહેલા અપશબ્દો...મારો ગુસ્સો અને આવેશમાં લીધેલો એક નિર્ણય... મને મારવાની તારી ઘણી નિષ્ફળ કોશિશો અને મારી એક સફળ કોશિશ…..અત્યારે મારો પસ્તાવો...પોલીસ પાસે જઈ મારા ગુનાની કબૂલાત ન કરી શકવા માટે મારી મજબૂરી ‘મારુ બાળક’....

તું મારા અસ્તિત્વ માટે ખતરો બની ગઈ હતી એટલે જ તને....

સુહાસિની ઇશાનીના ફોટા સામે ખુબ રડે છે. સચિન આવી એને સમજાવીને ત્યાંથી લઇ જાય છે.

ઘરે જઈને કદમ સાહેબને બા ની બધી જ વાત યાદ આવે છે...પડઘા પડે છે....અને વિચાર આવે છે કે ક્યાંક પોતાનું બાળક મેળવવા માટે સુહાસિની એ જ તો ઈશાની ને.....વિસ્ફોટ...!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy