એક મીઠી શરૂઆત
એક મીઠી શરૂઆત
આજે એ દિવસ આવી જ ગયો જેની ત્રિશાનો પરિવાર લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. ત્રિશાની મમ્મી તો સવારથી તૈયારીમાં લાગેલી હતી. સાંજે વિશાલ અને તેનો પરિવાર ત્રિશાને જોવા માટે આવવાનો હતો. વિશાલના પરિવારને ત્રિશાના ફઈના સાસરિયાં ઓળખતા હતા. ફઈએ જણાવ્યું હતું કે વિશાલ બહુ પ્રતિભાશાળી છે અને તે મલ્ટિનેશનલ કંપનીમાં ઊંચા પદ પર કામ કરે છે અને ઘર પણ સમૃદ્ધ છે. આજે ત્રિશાના પિતાના મનમાં પણ ભારે ઉત્સાહ હતો પણ મનમાં ત્રિશાના આજે સવારે જ કહેલા શબ્દો પડઘાતા હતા. ત્રિશા આજે ઓફિસે જતાં જતાં ઉતાવળમાં કહીને ગઈ હતી, ‘મા, થોડું સમજને. આજે રજા લેવાય એમ નથી. આજે પ્રમોશન અને ઈન્ક્રિમેન્ટ મળશે. હું હાફ-ડે લઈને આવી જઈશ. જો ઈશ્વરની ઈચ્છા હશે તો આજે તારી દીકરી સીનિયર મેનેજર બની જશે.’ ત્રિશાના પપ્પાને દીકરીના શબ્દો યાદ આવતા તેણે રસોડામાં કામ કરી રહેલી પત્નીને કહ્યું, ‘ત્રિશાનું પ્રમોશન થઈ જશે તો તે કેટલી ખુશ થઈ જશે. મેનેજમેન્ટના અભ્યાસ માટે તેમજ કંપનીના પ્રોજેક્ટ માટે કરેલી આકરી મહેનતનું ફળ મળી જશે.’ આ સાંભળીને ત્રિશાની માતાએ તરત પોતાની દિલની લાગણી જણાવી કે, ‘અને જો આજે બધું બરાબર પાર પડ્યું તો ત્રિશા બહુ સારા પરિવારની પુત્રવધૂ પણ બની જશે...’ જોકે દીકરીના ભવિષ્ય વિશે વિચારતાં વિચારતાં ત્રિશાના માતા-પિતાને એક ચિંતા સતાવી રહી હતી કે ઘણી વખત સારા ઘરમાં લગ્નની વાત છોકરીની કરિયરના મામલે અટકી જતી હોય છે, ત્રિશા સાથે આવું તો નહીં થાય ને ? આમને આમ સૂર્યાસ્તનો સમય થઈ ગયો. એક તરફ છોકરાનો પરિવાર આવી ગયો હતો અને બીજી તરફ ત્રિશા પણ મીઠાઈ લઈને ઘરે પહોંચી ગઈ હતી.
વિશાલે અને ત્રિશાએ એક બીજાને જોયા, જાણ્યા અને પછી પોતાની લગ્ન માટે સંમતિ પરિવારને જણાવી.
"ત્રિશા, આ મીઠાઈનું પેકેટ કઈ ખુશી માટે છે ?" મેઘાબેને પૂછ્યું.
"આંટી, આજે મને નોકરીમાં પ્રમોશન મળ્યું છે. હું સિનિયર મેનેજર બની ગઈ છું. એજ ખુશીમાં ...." કહેતા જ ત્રિશાની આંખોમાં ચમક આવી ગઈ જે મેઘાબેનથી છૂપી ન રહી.
"ત્રિશા, શું તું લગ્ન પછી નોકરી ચાલુ રાખીશ ? લગ્નબાદ જવાબદારીઓ વધે છે. અમારે તો પરિવાર માટે પરિવારને અનુકૂળ થઈને રહે એવી પુત્રવધુ જોઈએ છે." મેઘાબેને સૂચકપૂર્વક અમિતભાઈ સામે જોયું. એમની આંખો સામે ભૂતકાળ તરવરી રહ્યો.
પોતે પણ નોકરીમાં મળેલા પ્રમોશન માટે મીઠાઈનું બોક્સ લઈને આવેલા જયારે અમિતભાઈ અને એમના બા જોવા આવેલા. અમિતભાઈના બા એ પોતાના બા બાપુજીને રોકડું પરખાવેલું કે જો નોકરી કરાવવી હોય તો રાખો તમારી દીકરી તમારા ઘરે. અમારે તો ઘર સાચવે એવી વહુ જોઈએ છે. પોતાની બા એ હાથ જોડીને કરેલી વિનંતી કે મારી દીકરી તમે જેમ કહેશો એમ જ કરશે પરંતુ આ સંબંધ ન તોડો.
ત્યાં જ ત્રિશાના મમ્મી બોલ્યા " અરે, મેઘાબેન અમારી ત્રિશા તમે જેમ કહેશોને એમ જ કરશે. નોકરી માટે સારો સંબંધ, સારું ઘર થોડી જતું કરાય ?" ત્રિશાને કંઈક ખૂંચ્યુ જે મેઘાબેનથી છાનું ન રહ્યું.
"પણ મારી એક શરત છે. ત્રિશા, લગ્ન પછી તારે નોકરીમાં અને તારા જીવનમાં પ્રગતિ, ઉન્નતિ કરવાની ચાલુ જ રાખવી પડશે. તારે તારી મરજી મુજબ જીવવાનું. તું ક્યારેય કોઈ માટે કશું જ જતું નહિ કરે. અમે અમારાથી બનતી બધી જ મદદ કરીશું. બોલ મંજૂર છે ?" મેઘાબેન બોલ્યા.
ત્રિશાએ ખુશીથી સંમતિ આપી અને બધાની આંખો છલકાઈ ગઈ.