lina joshichaniyara

Drama Tragedy Inspirational

4.5  

lina joshichaniyara

Drama Tragedy Inspirational

પરવાનગી

પરવાનગી

5 mins
301


"હલો, સુમીરાબેન, જય શ્રી કૃષ્ણ ! તમે કેરી માટે કાલે ફોન કર્યો હતો ને ? મારે પણ એક બોક્સ કેરીનું મંગાવવાનું છે. તો એ મંગાવી દેજોને."

"રંજનાબેન, એક જ બોક્સ ? તમે તો કહેતા હતાને કે રૂચિતા ને બાળકો આવવાના છે ? તો એક બોક્સમાં તો શું થશે ?"

"હા, સુમીરાબેન એ લોકો આવવાના તો છે પણ રૂચિતાએ કહ્યું છે કે એને જો એના સાસુ-સસરા પરવાનગી આપશે તો જ એ અહીં રોકવા આવી શકશે નહીં તો ખાલી કલાક માટે બેસવા આવશે એ પણ એને બેસવા આવવાની પરવાનગી મળશે તો. હવે એ કદાચ એક કલાક માટે આવે તો એ દરમિયાન એ કેટલી કેરી ખાઈ શકશે ? હું પણ એકલી એટલે હું પણ કેટલી કેરી ખાઈ શકું ?"

"ઓહો, તો રૂચિતા રોકાશે નહીં ? એક તો બે વર્ષે એ અહીં આવી રહી છે અને પિયરમાં રોકાશે પણ નહીં ?"

"એ જ ને. અમારી દીકરીઓના તો મોં માં જીભ જ નથી. ગાય જેવી છે બધી બિચારી. અમારી દીકરીઓને તો જો પરવાનગી મળે તો જ એ પિયરમાં આવીને રોકાઈ શકે, મળી શકે. રૂચિતાના સાસરાંવાળા સગાં તો રૂચિતાના વખાણ કરતા થાકતા નથી કે રૂચિતા ક્યારેય સામો જવાબ નથી આપતી અને જેમ કહો એમ જ કર્યા રાખે."

"કેટલા દિવસ રોકવાની છે રૂચિતા ?"

"એ તો દસ દિવસ રોકવાની છે. પણ એ દસ દિવસમાં તો એની સાસુ એનો કસ કાઢી લેશે. રૂચિતા આવવાની હોય ત્યારે એની સાસુ અને નણંદ અઠવાડિયા પહેલાથી રસોઈ અને વાસણ સિવાયના કામ કરવાનું જ બંધ કરી દે. રૂચિતા આવે એટલે સીધી રસોડામાં ઘૂસે, પહેલા રસોઈ બનાવે, પછી કચરા પોતા કરે, અઠવાડિયાના કપડાં ઘસી ઘસી ને મશીનમાં નાખે. પછી બધા જામી લે એટલે વાસણનો ઢગલો સાફ કરે. એ પછી પણ બિચારીને આરામ ન હોય. આખા ઘરને દિવાળી હોય એમ ઘસી ઘસીને સાફ કરાવે. માળિયામાં મુકેલા વધારાના વાસણો ઘસીને ધોવાના, તડકે તપાવવાના અને પછી લૂછી ને મુકવાના. એ વાસણો છેલ્લા ૫ વર્ષમાં ક્યારેય ઉપયોગમાં નથી આવ્યા બોલો. આ બધું તો જેટલી વખત રૂચિતા અહીં આવે ત્યારે કરવાનું પછી એ વર્ષમાં એક વાર આવે કે ૪ વાર આવે. જો કોઈ કામ બાકી રહી જાય તો અમારા જમાઈને ખોટી ખોટી વાતો કરીને એ બંને વચ્ચે પણ ઝગડા કરાવે. "

"ઓહો, બિચારી રૂચિતા. પણ રંજનાબહેન, રૂચિતાના સાસુ-સાસરા તો પૈસે ટકે તો સુખી છે તો પછી આ બધું કામ કોઈ પાસે કરવી લેતા હોય તો ? અત્યારે તો ઘણા માણસો મળે જ છે."

" અરે સુમીરાબેન, એવું કહીએ તો એ ભગવાનનું બહાનું ધરી દે. અમારે પૂજા પાઠ વાળું ઘર છે એમાં બહારના માણસો ન ચાલે. એમાં પણ પેલા એક્સીડેન્ટ પછી રૂચિતાને પગની થોડી તકલીફ થઈ ગઈ છે. હવે તો એનાથી પહેલાની જેટલું કામ પણ નથી થતું. "

" અરે, બધા માણસોને ભગવાને જ બનાવ્યા છે ને ? ચાલો તમે પૂજાવાળો રૂમ એમની પાસે ન કરવો પણ બાકીનું ઘર તો કરાવી શકાય ને ? દીકરો-વહુ, છોકરા ૨ વર્ષે આવતા હોય તો બધા સાથે રાજી ખુશીથી રહી શકે ને. હા, અમુક કામ જેમકે મસાલા, અથાણાં, એવું બધું તમે કરો પણ આ રીતે વહુને હેરાન કરવી એ તો બરાબર નથી. એ લોકો તો ભણેલા-ગણેલા છે છતાં પણ.... ? ભલે આ પણ રૂચિતાનું સાસરું છે, ઘર છે પણ આ રીતે તો રૂચિતા પણ દુઃખી જ રહેતી હશે ને ? એમાં પણ પગની તકલીફ એટલે વધુ દુઃખી રહેતી હશે. ઘરની લક્ષ્મીને દુઃખી કરીને ભગવાનના જાપ કરો તો કઈ પુણ્ય ના મળે. તમારા જમાઈ કંઈ નથી કહેતા ?"

"હા, પણ આપણે તો શું કરી શકીએ ? જમાઈનું તો શું કહું ? એ તો એના મમ્મી જેટલું પાણી પીવડાવે એટલું જ પીવે. એ તો એમ કહે છે કે એટલા વર્ષ તો માવતરે રહી હવે સાસરામાં જ રહો. આટલું આટલું સાસરામાં કરવા છતાં પણ એને અમને મળવા પરવાનગી લેવી પડે છે.."

"અરે, કેવી વાત કરો છો તમે રંજનાબેન ? તમે દીકરીને લગ્ન કરીને સાસરે મોકલી છે. દીકરીને વેચી નથી નાખી કે એ ત્યાં નોકર કે કોઈ વસ્તુની જેમ રહે. અને માવતરને મળવા માટે પરવાનગી લેવાની ? શું તમારા જમાઈ એના માવતરને મળે છે તો તમારી પરવાનગી લે છે ? રૂચિતાએ પણ તમારા જમાઈને કહી દેવું જોઈએ કે હું જેમ આટલા વર્ષ માવતરે રહી એમ તમે પણ તો આટલા વર્ષ તમારા માવતર સાથે રહ્યાને ? હવે મારે સાસરીમાં રહેવું જોઈએ એવી રીતે તમારે પણ તમારી સાસરીમાં રહેવું જોઈએ ને ? જેમ હું તમારા માતા-પિતા, ભાઈ-ભાભી, બહેન-બનેવી સાથે હળુ મળું છું એમ તમારે પણ તમારા સાસરામાં બધા સાથે હળવું મળવું જોઈએ ને ? જે માવતરે એને જન્મ આપ્યો,ભણાવી, ગણાવી, સારા સંસ્કાર આપ્યા, સમાજમાં રહેવા લાયક બનાવી એ માવતરને લગ્ન પછી શું ભૂલી જવાના ? દીકરીના માવતરે પણ એટલો જ ભોગ આપ્યો હોય છે જેટલો એક દીકરાના માવતરે આપ્યો છે. પોતાના એ માવતર પ્રત્યે દીકરીની કોઈ ફરજ નથી ? લગ્ન થયા એટલે માવતર સાથે સંબંધો, ઋણાનુબંધનો તૂટી જવાના ? રૂચિતાને પોતાની જિંદગી છે. એ પોતાના શ્વાસ લે છે. શું રૂચિતા શ્વાસ લેવા માટે પણ પરવાનગી લે છે ? લગ્નજીવનના સંબંધોના માયાજાળમાં ગૂંચવાયેલા છીએ પણ એનાથી કોઈ કોઈનું ગુલામ નથી બની જતું. રૂચિતા આજ ના જમાનાની ભણેલી, ગણેલી દીકરી છે છતાં પણ.... ?”

“ના રે ના સુમીરાબેન, મારા જમાઈ તો એક ટંક જમવા પણ નથી આવતા. ઘરે આવે તો પણ બહારથી જ જતા રહે.”

” માફ કરજો રંજનાબેન, પણ રૂચિતાની આ હાલતના જવાબદાર તમે જ છો. અમારી દીકરીના મોમાં જીભ નથી, એ તો ગાય જવી છે એ બધી વાતો ગર્વ કરવાની નથી. આવું કરીને તમે જ તમારી દીકરીને કમજોર બનાવી છે. તમે જ તમારી દીકરીને સહન કરતા રહેવું, ચૂપ રહેતા શીખવ્યું છે. તમે જ તમારી દીકરીને ખોટી વાત સામે કે પછી અન્યાય સામે બોલતા નથી શીખવ્યું. વડીલોને માન આપો, પ્રેમ આપો પણ જયારે એ ખોટા હોય તો એને એ પણ જણાવો. ક્યારેય તમારી દીકરીને પાસે બેસાડીને પૂછ્યું છે કે દીકરા, તું તારા સાસરામાં, પતિથી ખુશ તો છે ને ? ક્યારેક પૂછી જોજો રંજનાબેન તમને જવાબ ના જ મળશે. કેમ કે મેં હંમેશા રૂચિતાની આંખોમાં દુઃખ જ જોયું છે. તમે તો દીકરી સાસરે ગઈ એટલે હાશ, છૂટ્યા એવા ભાવ રાખ્યા છે. તમે રૂચિતા પ્રત્યે હંમેશા એવું જ વલણ રાખ્યું છે કે એ એનું ફોડી લેશે. હંમેશા મેં તમને એવું જ કહેતા સાંભળ્યા છે કે અમે અમારા સાસુ-સસરાને સાચવ્યા છે એટલે અમારા માવતરને તો ભાભી જ સાચવશે. અમારી ફરજ પુરી થઈ ગઈ. તમે ક્યારેય વિચાર્યું છે કે શું તમારી તમારા માવતર પ્રત્યે કોઈ ફરજ ન હતી ? રંજનાબેન, તમને તો તમારી વહુ પિયર જાય એ પણ નથી ગમતું. તમે પણ એને હેરાન કરવામાં કે મ્હેણાં મારવાથી બાકી નથી રહેતા. તમે પણ તમારા દીકરા-વહુ વચ્ચે ઝગડા કરવવાની કોશિશ તો ઘણી કરો છો પણ એ તમને મચક આપતા નથી અને તમારું એની પાસે ચાલતું નથી. પણ રંજનાબેન, એક વાત યાદ રાખજો મારી દીકરી એટલે કે તમારી વહુ નિશાને હું ક્યારેય રૂચિતા નહીં બનવા દઉં. ભલે મેં મારી દીકરી નિશાને લગ્ન કરીને તમારે ત્યાં મોકલી છે પણ હું એની માઁ હંમેશા એની સાથે જ રહીશ પછી પરિસ્થિતિ કોઈ પણ હોય." સુમીરાબેને ફોન મૂકી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Drama