lina joshichaniyara

Drama Inspirational

4  

lina joshichaniyara

Drama Inspirational

મિલન

મિલન

3 mins
358


સવારના સાડાસાત વાગ્યા હતા અને રોજની જેમ જ હર્ષદભાઈ ઓસરીમાં હીંચકા પર બેઠાં બેઠાં છાપું વાંચી રહ્યા હતા. એકાએક તેમના ઘર પાસે એક મોટરસાઈકલ આવીને રોકાઈ. તેમણે જોયું તો હર્ષ આવ્યો હતો. હર્ષ...તેમનો એકનો એક દીકરો. હર્ષની સાથે તેનો મિત્ર રાજેશ પણ હતો. એકાએક પોતાના દીકરાને આ‌વેલો જોઈને હર્ષદભાઈ ખુશ થઈ ગયા અને હર્ષ પણ આ‌વીને તેમને ગળે લાગી ગયો. રાજેશ તો હર્ષદભાઈને પ્રણામ કરીને ચાલ્યો ગયો. હર્ષે ઘરની અંદર આવીને પિતાને કહ્યું, ‘ચાલો પપ્પા, હું તમને લેવા આવ્યો છું. તમે ક્યાં સુધી અહીં એકલા રહેશો ? મારી સાથે અમદાવાદ ચાલો. મેં ત્યાં સારો ફ્લેટ લઈ લીધો છે.’ હર્ષની વાત સાંભળીને હર્ષદભાઈ અસંમજસમાં પડી ગયા અને પછી થોડું વિચારીને બોલ્યા, ‘હા, એ બધી વાત તો બરોબર છે પણ તું થોડો આરામ તો કરી લે...’ જોકે હર્ષ તો જાણે બહુ ઉતાવળમાં હતો.

તેણે તરત કહ્યું, ‘ના, પપ્પા. આજે સાંજે જ નીકળવાનું છે. મેં સામાન પેક કરવામાં મદદ કરવા માટે રાજેશને આવવાનું કહી દીધું છે.’

‘પેકિંગ ? દસ-પંદર દિવસ માટે શું પેકિંગ કરવાનું ?’ હર્ષદભાઈને બહુ આશ્ચર્ય સાથે સવાલ કર્યો.

 હર્ષદભાઈનો સવાલ સાંભળીને હર્ષે તરત જવાબ વાળ્યો, ‘પપ્પા...હવે તમારે ત્યાં જ રહેવાનું છે.’

હર્ષદભાઈ મનમાં દીકરાની લાગણી સમજતા હતા પણ બીજી તરફ તેમને પોતાનું ઘર છોડવાની વાત સાંભળીને જ ગભરાટ થતો હતો. આ બંને લાગણીઓમાં તેઓ અટવાઈ ગયા અને બોલી ઊઠ્યા, ‘હું ત્યાં કઈ રીતે રહીશ ?’ બાપ-દીકરા વચ્ચે વાતચીત ચાલી જ રહી હતી ત્યાં હર્ષદભાઈના ખાસ મિત્ર સુભાષભાઈએ ઘરના દરવાજા પાસે આવીને બૂમ પાડી, ‘અરે...હર્ષદ ! દીકરો ઘરે આવ્યો છે તો તું આજે મંદિર નહીં આવે ?’ હર્ષદભાઈને ચિંતામાં ડૂબેલા જોઈને ઘરની અંદર સુધી આવી ગયેલા સુભાષભાઈએ આગળ કંઈ પણ કહેવાનું માંડી વાળ્યું. જોકે તેમને આખી વાતની ખબર પડી ત્યારે તેમણે હર્ષદભાઈને મંદિર આવવાનો આગ્રહ કર્યો પણ હર્ષ આ માટે તેમને ઈશારાથી ના પાડી રહ્યો હતો.

"કાકા, પપ્પા અહીં એકલા જ રહે છે. મમ્મી હતી ત્યાં સુધી બરાબર હતું. પણ એમના ગયા પછી પપ્પાનું કોણ ? એમની ચિંતા મને દિવસ અને રાત સતાવે છે."

"તારી વાત સાચી છે દીકરા પણ જ્યાં અત્યાર સુધીની જિંદગી વીતાવી હોય એ જગ્યા, યાદો છોડીને નવી જગ્યાએ શરૂઆત કરવી મુશ્કેલ છે. અહીં બધા ઓળખીતા છે, મિત્ર-વર્તુળ છે, હું છું. અમે બધા તારા પપ્પાનું ધ્યાન રાખીશું. તું હર્ષદની ચિંતા ન કર." સુભાષભાઈ બોલ્યા.

"હર્ષ, મારી ઈચ્છા પણ અહીં જ રહેવાની છે. તું મને આગ્રહ કરી ને ત્યાં લઈ જઈશ તો પણ હું ખુશ નહીં રહી શકું. એના કરતા હું અહીં જ રહું ને તું મને મળવા આવતો રહેજે." હર્ષદભાઈ બોલ્યા.

"ઠીક છે પપ્પા, જો તમે અહીં જ ખુશ હોય તો તમે અહીં જ રહેજો. પણ હું તમને એકલા તો નહીં જ રહેવા દઉં."

 ત્યાં જ રાજેશ એક પ્રૌઢ સ્ત્રી અને એમના દીકરા-દીકરીને લઈને દાખલ થાય છે.

"સુનયના, તમે ? હર્ષ, આ બધું.....કોણે ?"

"પપ્પા, મને બધી જ ખબર છે. તમે સુનયના આંટીને મંદિરે મળ્યા, બંને એકલતાથી કંટાળેલા, ધીમે ધીમે કેળવાયેલો નિઃસ્વાર્થ પ્રેમ, સાથે રહેવાના નિર્ણયમાં અડચણરૂપ તમારા બાળકો.... આ બધું જ મને સુભાષકાકા એ જણાવ્યું. ત્યારે જ મેં અને કાકાએ આ યોજના બનાવી."

 "બાળક જીવનમાં આવે ત્યારે માતાપિતાનું જીવન પણ બાળકની આસપાસ જ રહે છે અને બાળક પોતાના સંસારમાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે ફરીથી એમનું જીવન એકલતાભર્યું થઈ જાય છે. પપ્પા, તમે હવે તમારા માટે જીવો. કાલે તમારા અને સુનયના મમ્મીના લગ્ન છે. એમના બાળકો તરફથી પણ હા છે." હર્ષ બોલ્યો.

બધાની આંખો ખુશીના આંસુથી છલકાઈ રહી.


Rate this content
Log in

Similar gujarati story from Drama