lina joshichaniyara

Drama Inspirational

4.5  

lina joshichaniyara

Drama Inspirational

આશિયાના

આશિયાના

3 mins
372


‘આશિયાના’ હા, આ જ નામ હતું, ‘આશિયાના’ જે એણે અને એના પતિએ વૃદ્ધો માટે શરૂ કરેલી સંસ્થાનું. આ સંસ્થાની શરૂઆત કરતી વખતે એના પતિએ કહેલું, ‘શચિ, જોજે, આ ‘આશિયાના’માં કોઈ પણ વડીલને એવી સેવા મળી રહેશે કે જે એમના પરિવારમાં પણ કોઈએ ન કરી હોય એવું અહીં આવનારાં દરેક વડીલને લાગશે.’ શચિ ત્યારે પતિના ચહેરા પરના હાવભાવ જોઈ રહેલી. શચિ અને સોહમે દાંપત્યજીવનની શરૂઆત કરી, ત્યારે તેમની સાથે શચિનાં સાસુ રહેતાં હતાં. લગ્નજીવનનાં બે વર્ષ બાદ શચિએ પુત્રને જન્મ આપ્યો, તેના છ એક મહિના પછી શચિનાં સાસુએ અંતિમ શ્વાસ લીધાં હતાં. હવે પરિવારમાં ત્રણ જ સભ્યો રહ્યાં. સોહમ, શચિ અને નાનકડો દીકરો શુભમ. દિવસો જવા સાથે શુભમ મોટો થયો અને કોલેજમાં ભણતા શુભમને એની જ સાથે અભ્યાસ કરતી શિખા સાથે પ્રેમ થયો. પુત્રપ્રેમને પ્રાધાન્ય આપીને સોહમ અને શચિએ હોંશભેર બંનેનાં લગ્ન કરાવી આપ્યાં હતાં. લગ્ન કરીને સાસરિયાંમાં પગ મૂકતાં જ શચિએ એને ઘરની તિજોરીની ચાવીઓ સોંપી દીધેલી, ‘વહુ બેટા, આ ઘરને અને તિજોરીને સાચવવાની જવાબદારી તમારી. અમે બંને હવે નિવૃત્ત જીવન વીતાવીએ.’ સોહમે પણ જ્યારે શુભમને પોતાનો બિઝનેસ સોંપ્યો ત્યારે આવા જ વાક્યો કહેલા. શિખા અલગ જ માટીની બનેલી હતી. શુભમ શિખા પાછળ એટલો ઘેલો હતો કે પોતાને લાડકોડથી ઉછેરનારાં માતા-પિતા એને પણ કચકચ કરતાં હોય એમ લાગતું. છેલ્લા થોડા દિવસથી સોહમની તબિયત સારી નહોતી રહેતી. એની તબિયત લથડતી ગઈ અને એક દિવસ સોહમ શચિને એકલી મૂકીને ચાલ્યો ગયો. હવે શચિની ખરેખરી કસોટી શરૂ થઈ. ધીરે ધીરે શુભમ શચિથી પણ દૂર થવા લાગ્યો. પોતાની મમતા પણ શુભમને અસર કરતી નથી એ જોઈ શચિએ પોતાની જાતને સંકોરી લીધી. એક દિવસ ઘરમાં બોલાચાલી થઈ અને શુભમના મોંમાંથી નીકળી ગયું, ‘મમ્મી, તને શિખા સાથે ન ફાવતું હોય, તો જઈને રહે તારા ‘આશિયાના’માં. આ ઘરમાં તો શિખા કહે એમ જ થશે.’

શુભમ અને શિખા બહારથી સાંજે પાછાં ફર્યા ત્યારે કોઈ એમની રાહ જોઈ રહ્યું હતું.

"અરે, અંકલ તમે ? શિખા, આ અવિનાશ અંકલ છે, આપણા લીગલ એડવાઈઝર."

"હા દીકરા, મેં જ એમને બોલાવ્યા છે." શચિ બોલી.

"મમ્મી, આ અમારી સુટકેસો અહીં શું કરે છે ? હવે તમે કંઈ બોલશો કે પછી.." શિખા ગુસ્સામાં રાડ પાડી બોલી.

"શુભમ, શિખા તમારા કપડાં અને સમાન મેં સૂટકેસમાં ભરી દીધા છે. તમને અગવડ ન પડે એ માટે સામેની બિલ્ડીંગમાં ખાલી પડેલો આપણો ફ્લેટ પણ સાફ કરાવી દીધો છે. જો તમે ચાહો તો ત્યાં તમે ભાડેથી રહી શકો છો. હા, પણ મને મહિનાની ૧ થી ૫ તારીખ વચ્ચે ભાડું આપી દેજો નહીંતર એ પણ ખાલી કરવું પડશે."

"આ શું બોલી રહી છે તું મમ્મી ? તું મારી પાસેથી ભાડું લઈશ ? હું તારો સગો દીકરો છું. એ ભૂલી ગઈ તું ?"

"દીકરા, હું તો કંઈ જ ભૂલી ન હતી એટલે જ તો ચૂપચાપ બધું સહન કરતી હતી. પરંતુ આજે સવારે તે જ તો યાદ અપાવી મારા "આશિયાના"ની. આ બંગલો મારા અને તારા પપ્પાના સપનાનું આશિયાના છે. તમને તો ઘરની અને ધંધાની જવાબદારી માત્ર સોંપી હતી. કાનૂની રીતે આ ઘર અને બિઝનેસ આજની તારીખે પણ મારા જ નામે છે દીકરા. આજથી જ ઘર અને બિઝનેસ મારા હસ્તક લઉં છું. જો તારી ઈચ્છા હોય તો તારા માટે નોકરીનો વિકલ્પ આપણી ઓફિસમાં છે તો સમયસર હાજર રહેજે. જો આ બધું મંજૂર ન હોય તો પછી તમે તમારું આશિયાના શોધી લો." કહી ગર્વપૂર્વક પોતાના અને સોહમના સપના "આશિયાના" ને ઉડાન આપવાની યોજના ઉપર કામ કરવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Drama