lina joshichaniyara

Drama Action Inspirational

2.7  

lina joshichaniyara

Drama Action Inspirational

હું તો ઘરવાળી ને ?

હું તો ઘરવાળી ને ?

3 mins
180


"રામ્યા, તું ખરેખર રંજીતને છૂટાછેડા આપવા માંગે છે ? એ પણ એના મજાક કરવાના સ્વભાવના કારણે ?"

"હા કાવ્યા, હું ખરેખર રંજીતથી અલગ થવા માંગુ છું. હું હવે એની સાથે રહી શકું એમ નથી. પછી એ છૂટાછેડા દ્વારા હોય કે એના વિના હોય."

રામ્યાની નજર સામેથી ફિલ્મની જેમ ભૂતકાળ તરવરી ઊઠ્યો.

લગ્ન પછી રંજીત-રમ્યાના મિત્રો ઘરે જમવા આવ્યા હતા. હસી-મજાક, વાતો ચાલી રહી હતી અને રંજીત જોરથી બોલ્યો " ખબર નહીં પણ કેમ લગ્ન પછી છોકરી ઘરવાળી બને એટલે બદલાઈ જાય છે. આ ઘરવાળીઓ એટલે સાવ ગમાર જેવું વર્તન કરવા લાગે છે. બસ, આખો દિવસ ઘરની સાફ સફાઈ, રસોઈ અને બીજી ગોઠવણીઓમાંથી જ નવરી ન પડે. પાછી આ ઘરવાળીઓને લાંબી બુદ્ધિ હોતી જ નથી." રંજીતનાં પુરુષમિત્રો ખડખડાટ હસ્યાં હતા. રામ્યા ત્યારે જ સમસમી ગઈ હતી પરંતુ એને એવું લાગ્યું કે જવા દો, રંજીત મજાક કરે છે ?

પછી ચાલુ થયો અપમાન કરવાનો સિલસિલો. વાતે વાતે તું કોણ ? ઘરવાળી ને ? તને શું ખબર પડે ? એવું કહી ને રમ્યાનું અપમાન કર્યા રાખતો. ગમે ત્યારે, ગમે એ જગ્યાએ, ગમે એટલા લોકોની વચ્ચે એ રામ્યાને "તું કોણ ? ઘરવાળી ને ? તને શું ખબર પડે ?" એવું કહેવા લાગ્યો.

"રામ્યા, પતિઓની એવી આદત જ હોય છે. એના મિત્રોની સામે પત્નીઓને ઊતારી પાડવાની. એમાં કંઈ અલગ થોડી થવાનું હોય ? તે તારી દીકરી-જીત વિષે વિચાર્યું છે ? અને હવે લગ્નના ૩ વર્ષે તને શું જરૂર પડી છે આ બધું કરવાની ? રંજીત કંઈ આજ કાલથી થોડો આવો છે ? એ તો લગ્ન થયા ત્યારથી આવો જ છે. હવે તારે તારી દીકરી માટે વિચારવાનું હોય. એ મોટી થઈ રહી છે. ભવિષ્યમાં તને એ આ બાબતે પૂછશે તો એને શું જવાબ આપીશ ?"

"હા કાવ્યા, રંજીત પહેલેથી જ એવો છે. પણ વાતે વાતે આ જ મજાક ? શું જીવનમાં બીજી કોઈ મજાક નથી હોતી ? અમારા લગ્ન પછી શરૂઆતમાં તો મને પણ લાગ્યું કે આ એનો મજાકીયો સ્વભાવ છે. પણ કાવ્યા, આ મજાક નથી. આ તો માનસિક ત્રાસ છે. હું આ માનસિક ત્રાસ હવે સહન કરવાની નથી."

“કાવ્યા, તું કહે છે કે પતિઓને તો આવી આદત હોય જ છે તો પત્નીઓને પણ આદત હોય છે મજાક કરવાની. તને યાદ નથી બે દિવસ પહેલાનું થપ્પડ ? તમારી લોકોની હાજરીમાં જ મને પડેલું. મેં પણ મજાક જ કર્યો હતો ને કે " રંજીત, તમે કોણ ? ઘરવાળા ને ? તમને શું ખબર પડે રસોઈની બાબતમાં ?" હું ૩ વર્ષથી આ મજાક સહન કરું છું એ પણ ઘણા લોકોની હાજરીમાં જયારે મેં તો રંજીતને તારી અને કવિતની હાજરીમાં જ કહ્યું હતું તો પણ એનાથી સહન ન થયું. કેમ ? એ પુરુષ છે એટલે ? હું સ્ત્રી છું એટલે મારે ચૂપચાપ રહેવાનું ? કાવ્યા, હું ફક્ત ઘરવાળી જ નથી. હું એક નોકરી કરતી, પોતાના પગભર ઊભેલી સ્ત્રી છું અને હા તારા મિત્ર રંજીત કરતા પણ ઓફિસમાં મારો દરજ્જો ઊંચો છે. રંજીતના હાથ નીચે ૪ લોકોની ટીમ છે જયારે મારા હાથ નીચે ૨૦ લોકો કામ કરે છે. તો પણ હું ઘરવાળી ને ?

રંજીત કરતા મારો પગાર બે ગણો વધારે છે તો પણ હું તો ઘરવાળી ને ? હું બાળક, ઘર, ઓફિસ અને બહારનું કામ ખુબ જ સારી રીતે સંભાળું છું પણ હું તો ઘરવાળી ને ? આજ સુધી રંજીતે કોઈ જવાબદારી લીધી નથી, ન જીતની કે ન ઘરની. છતાં પણ જીત માટે મેં લગ્નજીવનમાં ઘણા સમાધાન કર્યા. જ્યાં સુધી શાબ્દિક ત્રાસ હતો ત્યાં સુધી તો હું ફક્ત વિચારતી હતી અલગ થવા માટે. પણ શારીરિક ત્રાસ તો હું સહન નહીં જ કરું. રહી વાત જીતની તો એ પણ ઉંમર સાથે મને સમજી શકશે. હું એવી મા નથી કે જે બાળક માટે બધું સહન કરી અને સહનશીલતાની દેવી બને. હું મા પછી, પહેલા એક સ્ત્રી છું, માણસ છું અને મને મારી જિંદગી મારી રીતે જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. રંજીત જેવા માણસ માટે હું મારો જીવવાનો અધિકાર નહીં છોડું. હું બધી જ રીતે સક્ષમ છું તો પછી હું શા માટે મારુ જીવન રંજીત જેવા માણસ માટે બગાડું ?” 


Rate this content
Log in

Similar gujarati story from Drama