lina joshichaniyara

Drama Tragedy Inspirational

4  

lina joshichaniyara

Drama Tragedy Inspirational

લડત

લડત

5 mins
228


"સંગીતા, બેટા હિંમત રાખજે. ભગવાન આગળ કોઈનું ચાલે છે શું ? તારે તારા અને બંને બાળકો માટે જીવવાનું છે." સવિતાકાકી બોલ્યા.

ધીમે-ધીમે કરતા બધાં જ સગા-સંબંધીઓ દિલાસો આપી પોતાના ઘરે જવા નીકળી ગયા. સંગીતા હવે એકલી પડી ગઈ. હજુ ૧૨ દિવસ પહેલાં જ સુરેશે અંતિમ શ્વાસ લીધા. ઊંઘમાં ને ઊંઘમાં સુરેશને હાર્ટ એટેક આવી ગયો અને સંગીતાને માથે તો જાણે આભ તૂટી પડ્યું. ઘરની સાવ સામાન્ય સ્થિતિ, બે બાળકોની જવાબદારી, કમાવવાવાળી ઘરની મોભી વ્યક્તિ જયારે આમ અચાનક જ ચાલી જાય ત્યારે શું કરવું, કેમ કરવું એ કંઈ જ સમજ ન પડે. સંગીતા માટે પણ આવો જ કપરો સમય ચાલી રહ્યો હતો. એનું મન હજુ પણ સુરેશના મૃત્યુને સ્વીકારવા તૈયાર ન હતું.

"જો સંગીતા, મેં અને તારા કાકાએ ઘરમાં ૬ મહિના ચાલે એટલું રાશન ભરી દીધું છે. એ સિવાય આ દસ હજાર રૂપિયા તું રાખ. કંઈક કામ આવશે. પણ દીકરા, આમ ક્યાં સુધી ચાલશે ? તારી આંગણવાડીની નોકરીના ટૂંકા પગારમાં કેવી રીતે ઘર ચાલશે ? કંઈ વિચાર્યું છે આ બાબતે ? તારી અને સુરેશકુમારની ટૂંકી આવકમાં ઘરનો ખર્ચ માંડ નીકળી શકતો હતો તો બચત થવાની વાત તો દૂર રહી ગઈ. હવે તો એક સાંધો અને તેર તૂટે એવી સ્થિતિ છે. આજે જો મોટાભાઈ અને ભાભી હયાત હોત તો તારે આવા કપરા દિવસોમાં થોડી હિંમત રહેત. ભાઈ-ભાંડુમાં પણ એક જ ભાઈ છે અને એ પણ ન બરાબર. કમ સે કમ બારમા કે તેરમાની વિધિમાં તો તારો ભાઈ વિપુલ આવી શકતો હતો પણ ના, સગા બનેવીના અવસાન બાદ ખાલી એક ફોન કરીને એ તને ભૂલી ગયો. અમને તારી ચિંતા થાય છે દીકરા. અમે કાકા-કાકી પણ કેટલો સમય ? અમારી પણ ઉંમર થઈ છે. ક્યારેક તો ભગવાન પાસે જવાનું જ." આમ બોલતા સવિતાકાકી રડી પડ્યા. ત્યાં જ એમની વહુ નમિતા આવી.

"મમ્મી, તમને પપ્પા બોલાવે છે." નમિતા બોલી.

સવિતાકાકી આંખો લૂછતાં બહાર ગયા.

"સંગીતાબેન, જો તમને ખરાબ ન લાગે તો એક વાત કહું ?"

"હા બોલોને ભાભી. મને કશું ખરાબ નહીં લાગે."

"સંગીતાબેન, મને ખબર છે કે તમે હજુ આઘાતમાંથી બહાર નથી આવ્યા અને આ સમય પણ નથી આ બધી વાતો કરવાનો પણ મેં તમારી અને મારા સાસુની વાતો સાંભળી. મારાથી રહેવાયું નહીં એટલે તમને કહું છું. મારા સાસુ કહેતા હતા કે તમારા માતા-પિતા પાસે ઘણી સંપત્તિ હતી. તમારા મમ્મી પાસે તો ૩-૪ કિલો સોનુ હતું અને તમારા પપ્પા પાસે પણ ઘણી જમીન હતી. તો તમારા માતા-પિતાએ તમને કશું જ નથી આપ્યું ? તમારી નબળી સ્થિતિ એમની જાણ બહાર તો નહીં જ રહી હોય ને ? "

"નમિતાભાભી, તમારી વાત સાચી છે. મારા માતા-પિતાએ થોડું ઘણું મારા માટે પણ રાખ્યું જ હતું પણ વિપુલે એમના દેહાંત પછી કોઈ વાત જ નથી ઉચ્ચારી. એક વખત અમે જયારે અમદાવાદ ગયેલા ત્યારે સુરેશની મનાઈ હોવા છતાં પણ મેં વિપુલને સંપત્તિ વિશે પૂછ્યું હતું. પણ વિપુલે મને ચોખ્ખું જ કહી દીધું કે સંપત્તિ વિશે જો કોઈ પણ વાત કરવી હોય તો મારા ઘરનું ઉંબરું તારે ચડવું નહીં. આપણા સંબંધો પુરા. હવે તમે જ કહો ભાભી, હું એક ના એક ભાઈ સાથે સંબંધો કેવી રીતે તોડી શકું ? બહેનો પોતાના ભાઈની સુખ-સમૃદ્ધિ માટે કેટલી પ્રાર્થનાઓ કરતી હોય છે અને હું સંપત્તિ માટે સ્વાર્થી કેવી રીતે બની શકું. સુરેશ પણ સ્વાભિમાની હતા. એમણે તો મને ના જ પાડી દીધી હતી આ બાબતે ફરી ચર્ચા કરવાની. એટલે હું પણ ચૂપ રહી. અને હવે જો હું ફરી આ બાબતે ચર્ચા કરું તો મારા સંબંધો બગડે, હું સ્વાર્થી ગણાઉં. હવે તો મારે તમે લોકો અને ભાઈ-ભાભી સિવાય છે પણ કોણ ?" સંગીતાથી ફરી ડૂસકું મુકાઈ ગયું.

“ક્યાં સંબંધોની વાત કરે છે તું સંગીતા ? મેં તમારા બંનેની વાતો સાંભળી. તારા ભાઈ-ભાભી કે જે આજે તારા માતા-પિતાની જગ્યાએ ગણાય. એ લોકોએ તો તારા આવા દુઃખના દિવસોમાં તારી સાથે રહેવું જોઈએ એની બદલે વિપુલ તો ખાલી ફોન કરીને જ જવાબદારીમાંથી છૂટી ગયો અને તારી ભાભી ? એ તો ફોનમાંથી પણ ગઈ. કર્યો છે એણે તને ફોન ? આવા સંબંધો હોયને એના કરતા તો સંબંધો ન હોય એ સારું. અહીં ખાલી આંખની ઓળખાણ હોય તો પણ તને દિલાસો દેવા લોકો આવ્યા છે. પણ એ બંનેને તારી કોઈ પરવા નથી. તો તું શા માટે એની ચિંતા કરે છે ? માતા-પિતાની સંપત્તિમાં, એમના અવસાન પછી હક માંગવો એ કંઈ સ્વાર્થ ન કહેવાય. માતા-પિતાની સંપત્તિ તો સંતાનો માટે એમના આશીર્વાદ, એમની યાદો કહેવાય. અને એ આશીર્વાદ ઉપર જેટલો હક દીકરાનો છે એટલો જ હક દીકરીનો પણ ગણાય. માતા-પિતા માટે એમના બધા જ સંતાનો એક સમાન જ હોય છે. હવે તો ભારતના કાનૂને પણ દીકરીને દીકરા સમાન હક આપ્યો છે તો તારે શામાટે તારો હક જતો કરવો જોઈએ ? તારે તારો હક, તારા આશીર્વાદનો હક માંગવો જ જોઈએ." સવિતાકાકી બોલ્યા.

"પણ કાકી, હું આ હક કેવી રીતે લઉં ? મારી પાસે તો વકીલના કે કોર્ટના ખર્ચ પેટે પૈસા પણ નથી ? ઉપરથી બધી જવાબદારીઓ ? હું કેવી રીતે બધું કરીશ ?"

"જો સંગીતા, આપણી જ્ઞાતિમાં એક પ્રખ્યાત વકીલ છે જે જરૂરિયાતમંદ લોકો માટે ઓછી ફી સાથે એમના કેસ લડે છે. ઘણી વખત તો એ ફી પણ લેતા નથી. જો તું તારી સહમતી હોય તો આપણે એ વકીલ સાહેબ ને મળી ને બધી વાત કરીએ. પણ જોજે, એક વાત લખી રાખજે કે જેવો તું કેસ કરીશ એટલે વિપુલ તારી સાથેના સંબંધો તોડી નાખવાની ધાક-ધમકી આપશે, તારી લાગણીઓ સાથે રમશે પણ તું મન મક્કમ કરી ને લડજે અને તારો હક લઈને જ રહેજે. ખોટી લાગણી વશ થઈને નિર્ણયો ન કરતી. જો તારી આ બધી તૈયારી હોય તો જ આપણે એ સાહેબને મળીએ."

"કાકી, મને બધું જ સમજાઈ ગયું છે. હું મારા હક માટે લડીશ અને જીતીશ. મારા માતા પિતાના આશીર્વાદ રૂપે રહેલી એમની સંપત્તિને માનપૂર્વક લઈને જ રહીશ. આજે હું લડીશ તો મારુ જોઈને મારા જેવી બીજી ભાઈઓ દ્વારા અન્યાય પામેલી બહેનો ને પણ હિંમત મળશે અને એ પણ આ અન્યાયની સામે લડત આપશે."

સંગીતા એ એના ભાઈ વિરુદ્ધ કેસ કર્યો અને લડી. આજે કોર્ટે સંગીતાની તરફેણમાં ફેંસલો આપી એને કાનૂની રીતે માતા પિતાની સંપત્તિમાં એના ભાઈના સમાન જ હક આપ્યો છે. સંગીતાએ મેળવેલી સંપત્તિમાંથી થોડી સંપત્તિથી પોતાનો નાનકડો વેપાર શરુ કર્યો અને બાકીની સંપત્તિ આશીર્વાદ રૂપે રાખી. આજે સંગીતાની આર્થિક પરિસ્થિતિ પણ ઘણી સુધરી ગઈ છે.

સંગીતાના એક સમજણપૂર્વક નિર્ણયથી એની સંપૂર્ણ જિંદગી બદલાઈ ગઈ. આપણા સમાજની ઘણી બહેનો ફક્ત લાગણીઓને વશ થઈ પોતાનો અધિકાર/હક જતો કરે છે. પણ આ બહેનો ફક્ત સંપત્તિને જ નહીં પરંતુ માતા-પિતા તરફથી સંપત્તિ રૂપે મળતા આશીર્વાદને પણ જાકારો આપે છે. દરેક દીકરીએ/બહેને પોતાનો સંપત્તિમાં હક માંગવો જ જોઈએ અને એના માટે પોતાનાને લડત આપવી પડે તો આપવી પણ જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Drama