lina joshichaniyara

Drama Inspirational

4  

lina joshichaniyara

Drama Inspirational

નિર્ણય

નિર્ણય

3 mins
312


સોનાલી ઘરની મોટી વહુ છે. એને કહી દે કે ઘરમાં કથાની તૈયારી કરવા માટે બે દિવસની રજા લઈ લે. નાની વહુને હજી આ બધી વાતની ખબર નથી પડતી એટલે એને કામમાં ખબર નહીં પડે. ’ સવિતાબહેને મોટા દીકરા સંજયને સ્પષ્ટ શબ્દમાં આદેશ આપી દીધો. ‘પણ મમ્મી...’ સંજય કંઈક કહેવા ગયો પણ સવિતાબહેને ટોકી દીધો, ‘શું પણ ? તું તો કહીશ કે એમ રજા ન મળે...પણ કેમ ન મળે, શું ઘરના પ્રસંગમાં બાજુવાળા આવીને તૈયારી કરશે ?’ સંજય કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તેણે પત્ની સોનાલીને પોતાની માતાની સૂચના જણાવી તો સોનાલીએ માત્ર એટલું જ કહ્યું, ‘મેં બધી તૈયારી કરી દીધી છે. પૂજાના દિવસે તો રજા લેવાની જ છે અને બાકીનું કામ તો મિતાલી પણ કરી શકે છે. પૂજા પહેલાં રજા લઈશ તો ઓફિસનું કામ અટકી જશે. ત્યાં બધાં પીઠ પાછળ મારી વાત કરે છે કે હું વારંવાર રજા લઉં છું. મને એ નથી ગમતું.’ સંજયે તરત કહ્યું, ‘આમાં હું શું કરી શકું ?’ સોનાલીએ અકળાયેલા અવાજમાં કહ્યું, ‘તમે મને નોકરી છોડવાની ના પાડો છો કારણ કે મારા પૈસાથી સારી એવી બચત થાય છે અને ઘરના લોકો મારા કામની ગંભીરતા નથી સમજતા. તમે પણ ક્યારેય મને...’ આટલું કહેતા સોનાલીનો અવાજ રડમસ થઈ ગયો પણ આટલું સાંભળતા જ સંજય ઊભો થઈ ગયો, ‘તું જાણ અને મમ્મી જાણે...હું આમાં પડવા નથી ઈચ્છતો.’ સંજયના જતા જ સોનાલી ચોધાર આંસુએ રડી પડી. સંજય અને સોનાલીના બે બાળકો હતા. આ સિવાય ઘરમાં તેના સાસુ-સસરા અને દિયર-દેરાણી હતા. સોનાલીના દિયરના લગ્નને હજી એક જ વર્ષ થયું હતું અને દેરાણી મિતાલીએ હજી ઘરની કોઈ જવાબદારી ઉઠાવવાની ઈચ્છા નહોતી દર્શાવી. સોનાલી બહુ લાંબા સમય સુધી બેસીને વિચારતી રહી. ઉપર સાસુમાના રૂમમાંથી બધાની વાતચીતનો અવાજ આવી રહ્યો હતો. એકાએક સોનાલી ઊઠી અને આંસુ લૂછીને સીડી ચડવા લાગી. 

 "હું નોકરીમાંથી રાજીનામુ આપી રહી છું. મને વારે ઘડીયે રજા નથી મળતી એ વાત તમે લોકો નથી સમજતા તો પછી મારી પાસે બીજો કોઈ ઉપાય નથી." સોનાલી બોલી.

સોનાલીની વાત સાંભળી એના સાસુને વિચાર આવી ગયો " જો સોનાલી નોકરી છોડી દેશે તો મારા દીકરાના જીવનમાં જે બે પૈસાની બચત થાય છે એ પણ બંધ થઈ જશે."

"સોનાલી, એકદમ સાચો નિર્ણય લીધો છે. આપણા ઘરે ૨ દિવસ કામવાળી ન આવે તો આપણા રોજિંદા જીવન ઉપર અસર થાય છે તો સોનાલી પણ કામ જ કરે છે. કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. રજા લેવાથી ઓફિસનું કામ પણ અટકે જ છે. આપણે લોકોએ તો એને મદદ કરવી જોઈએ એની બદલે આપણે તો .... સોનાલી ઘરનું બધું જ કામ, તહેવાર, પ્રસંગો સાચવે છે. હવે તો મિતાલી પણ ઘરની રૂઢિ જાણે છે તો શું એ તૈયારીમાં મદદ ન કરી શકે ? બધો જ ભાર મોટી વહુ એ જ લેવાનો ? સોનાલી આ પરિવાર માટે ખડે પગે હોય છે તો શું આ પરિવાર એના કામને સમજીને એનો ભાર ઓછો ન કરી શકે ? " સોનાલીના સસરા બોલ્યા.

"તમારી વાત સાચી છે. મમ્મી, જેમ મારુ કામ મહત્વનું છે એમ સોનાલીનું કામ પણ મહત્વનું છે. એ પણ મારી જેમ જ મહેનત કરીને ભણી છે, નોકરીએ લાગી છે અને પોતાની મહેનતના પગલે સફળ છે." સંજય બોલ્યો.

"સોનાલી, મને માફ કરી દે. હું તને સમજી ન શકી. બાકીની તૈયારી મિતાલી કરી લેશે." સોનાલીના સાસુ બોલ્યા. સોનાલીની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama