Abid Khanusia

Crime Inspirational

0.4  

Abid Khanusia

Crime Inspirational

ષડયંત્ર

ષડયંત્ર

14 mins
861


ગૌરવ કુમાર દિલ્હી યુનિવર્સિટીનો એક હોશિયાર અને હોનહાર વિદ્યાર્થી હતો. પોલિટિક્સ (રાજ શાસ્ત્ર) સાથે માસ્ટર્સ કર્યા પછી “ભારતના રાજકારણમાં પળદા પાછળના (Non Stage Actors) પરિબળોનો પ્રભાવ“ એ વિષય ઉપર તેણે પી.એચ.ડી. કર્યું હતું. હવે તે ડો. ગૌરવ કુમાર હતો. ઊભરી રહેલ આ યુવા પ્રતિભા પાછળ યુવાનોનું ખૂબ મોટું સમર્થન હતું. આ યુવાન દેશમાં એક ક્રાંતિ લાવી શકવા સમર્થ છે તેવું યુવાનો માનતા હતા. યુવાનો તેને ઉર્જા અને ઉત્તેજન પૂરું પાડતા હતા. તે યુનિવર્સિટીનો વિદ્યાર્થી નેતા હતો. ઉત્તરપ્રદેશના નાનકડા ગામનો આ ગરીબ અને પછાત યુવાન ખૂબ પ્રતિભાવંત હતો. વિદ્યાર્થીઓના હકો માટે તે સતત કાર્ય કરતો રહેતો હતો. તે કોઈ પણ રાજકીય પક્ષમાં માનતો ન હતો પરંતુ શાશક પક્ષની ભૂલો તરફ ધ્યાન દોરવા તે સતત શાશક પક્ષની ટીકાઓ કરતો રહેતો જે શાશક પક્ષના નેતાઓને ગમતું ન હતું.

તેની સાથે ભણતી માલા શરૂઆતથીજ તેની ખૂબ પ્રશંશક હતી. માલાના પિતા મુકુંદરાય ખૂબ મોટા ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે શાશક પક્ષના નેતા પણ હતા. તેમનું પક્ષમાં મહત્વનું સ્થાન હતું. શરૂઆતમાં ગૌરવ અને માલા વચ્ચે કેટલીક બાબતોમાં વૈચારિક મત ભેદ થતા હોવાના કારણે ખૂબ વાદ વિવાદ થતો રહેતો હતો પરંતુ ગૌરવ તેની દલીલોથી માલાના સંશયો દૂર કરી દેતો હતો. માલા ગૌરવની દલીલો પર ખૂબ મનન અને મનોમંથન કરતી ત્યારે તેને સમજાતું કે ગૌરવ સાચો હતો. માલા ગૌરવના જ્ઞાનથી પ્રભાવિત થતી રહી અને ધીરે ધીરે તે ગૌરવ તરફ ખેંચાતી ગઈ. તે ગૌરવને હજુ ચાહતી ન હતી પરંતુ તેને ગૌરવ ગમવા લાગ્યો હતો. તે બંને સારા દોસ્ત બની ગયા હતા. ગૌરવને લાગ્યું કે માલા દિવસે દિવસે તેની નજીક આવતી જાય છે તેથી આગળ જતાં તેમની દોસ્તી પ્રેમમાં પરીણમવાની શકયાતા જોતો હતો પરંતુ તે બાબતે ખૂબ સભાન હતો કે જ્ઞાતિ ભેદ અને અમીરી ગરીબીની દિવાલના કારણે તેમની દોસ્તીનો સુખદ અંત આવે તેમ નથી માટે તે માલા સાથે એક ચોક્કસ અંતર રાખીને આગળ વધતો હતો. તે માલાને એક મિત્ર અને પ્રશંશકથી વધારે મહત્વ આપતો ન હતો. 

ગૌરવ જેમ જેમ માલાથી અંતર રાખતો તેમ તેમ માલા તેની વધુ નજીક આવવાનો પ્રયત્ન કરતી હતી. ગમે તેટલી કોશીશો અને સાવચેતી રાખવા છતાં માલા અને ગૌરવ થોડાક સમયમાં પ્રેમમાં પડી ગયા. તેઓ હવે સાથે રહી શાશક પક્ષની ખામીઓ શોધી કાઢી તે બાબતે ખુલ્લી ટીકા કરતાં હતા. તેમની સાથે ખૂબ મોટો યુવા વર્ગ પણ જોડાયો હતો. માલાના પિતાને જયારે ખબર પડી કે તેમની પુત્રી યુનિવર્સીટીમાં કોઈ વિદ્યાર્થી નેતાના રવાડે ચઢી શાશક પક્ષની ટીકાઓ કરે છે ત્યારે તેમણે માલાને ગૌરવનો સાથ છોડી દેવા દબાણ કર્યું. તેવામાં એક સભામાં ગૌરવે રાજકીય નેતાઓ ભ્રષ્ટાચારી અને લંપટ હોય છે તેવું નિવેદન કર્યું જે માલાને ગમ્યું નહિ. તે તેના પિતાને પ્રમાણિક અને ચરિત્રવાન માનતી હતી અને તેના પિતા માટે કોઈ ઘસાતું બોલે તે તેનાથી સહન થતું ન હતું એટલે તેણે ગૌરવના આ કથન સામે વાંધો ઉઠાવ્યો જેના કારણે બંને વચ્ચે મનદુઃખ થયું. ગૌરવે માલાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેણે આ વાત બધા પક્ષના રાજકીય નેતાઓ માટે ઉચ્ચારી છે કોઈ એક ચોક્કસ પક્ષ કે કોઈ ચોક્કસ નેતા માટે નહિ. પરંતુ માલાએ ગૌરવની બાબતને ખુબ અંગત લઇ લીધી હતી પરીણામે તે ગૌરવની દલીલો ગળે ઉતારી ન શકી. તે ગૌરવ સાથેનો સબંધ તોડી તેનાથી દુર થઇ ગઈ. ગૌરવ જાણતો હતો કે આમ પણ તેમનો સબંધ સુખદ અંતમાં પરીણમવાનો ન હતો માટે તેને માલાના દુર થવાથી કોઈ દુ:ખ થયું નહી. 

ઉપરના બનાવ પછી લગભગ છ માસ બાદ એક મશહૂર રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ દ્વારા ગૌરવકુમારનો એક જીવંત કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફક્ત યુવાનોને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌ પ્રથમ ગૌરવકુમારનું રાજકારણ પર એક નાનકડું પ્રવચન રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ યુવાનો સાથે સંવાદ અને ગૌરાવકુમાર દ્વારા તેમના પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવનાર હતા. આ કાર્યક્રમ જૂની દિલ્હીની મશહૂર પંચતારક હોટલમાં રાત્રે યોજવામાં આવ્યો હતો. હોટલનો કોન્ફરન્સ હૉલ યુવાનોથી ભરાઈ ગયો હતો. યુવાનો ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. ગૌરવકુમારે પ્રવચન શરૂ કર્યું. તેણે તેના પ્રવચનમાં જણાવ્યુ કે આખી દુનિયામાં અને ખાસ કરીને લોકશાહી દેશોમાં દરેક રાજકીય પક્ષો ઉપર ઉદ્યોગપતિઓ, ધાર્મિક સંસ્થાઓ, ધર્મગુરુઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, એન.જી.ઑ. વિગેરે પ્રત્યક્ષ રીતે સત્તામાં ભાગીદાર ન હોવા છતાં તેમનો પરોક્ષ પ્રભાવ શાશક અને વિરોધ પક્ષ પર હોય છે. રાજકીય પક્ષોએ તેમના દબાણને વશ થવું પડતું હોય છે અને ઘણીવાર તેમના દબાવમાં અવાંછિત નિર્ણયો પણ લેવા પડતાં હોય છે જેના કારણે દેશની વિદેશનીતિ, આર્થિક બાબતો અને આંતરિક સુરક્ષાની બાબતો પ્રભાવિત થતી હોય છે. તેણે તે બાબતે કેટલાક ઉદાહરણો અને દાખલા દલીલ આપી પોતાની વાતને સમજાવવાની કોશિશ કરી હતી. સૌ યુવાનો ગૌરવકુમારના વાર્તાલાપથી પ્રભાવિત થયા હતા.

ગૌરવ કુમારના પ્રવચન પછી ન્યૂઝ ચેનલની યુવાન અને ખૂબસૂરત મહિલા એન્કર સાધના સિંઘ દ્વારા ગૌરવ કુમારના અત્યાર સુધીના જીવન પર આધારિત કેટલાક પ્રશ્નો પૂછ્યા જેના ગૌરવકુમારે ઉત્તરો આપ્યા. ત્યારબાદ યુવાનોની પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ શરૂ થયો. યુવાનો અને યુવતીઓ દ્વારા ગૌરવકુમારને એક પછી એક વેધક પ્રશ્નો પૂછાતા ગયા અને તે જવાબ આપતો ગયો. કાર્યક્રમ પૂરો થવાને હવે ખૂબ ઓછો સમય બચ્યો હતો ત્યારે એક યુવતીએ વેધક પ્રશ્ન પૂછ્યો કે “ગૌરવકુમાર તમે ફક્ત શાશક પક્ષની જ ટીકા કેમ કરો છો ? પૂર્વ સરકારો વિષે કેમ કઇં ઘસાતું બોલતા નથી ?”

ગૌરવ : “જે સરકાર સત્તામાં હોય તેની નીતિઓના કારણે દેશને થતા ફાયદા અને નુકશાન માટે તે જવાબદાર હોય છે માટે તેની જ ટીકા થાય, તેને જ પ્રશ્નો પૂછાય અને સત્તામાં બેઠેલી સરકાર તેના જવાબો આપવા બંધાએલી છે.”

યુવતી: “શું પૂર્વ સરકારોએ કોઈ ખોટા નિર્ણયો લીધા ન હતા અને તે માટે તેઓ જવાબદાર નથી ?”

ગૌરવ : “ચોક્કસ જવાબદાર છે માટે તો પ્રજાએ તેને જાકારો આપી સત્તામાંથી દૂર કરી છે. વળી જે તે વખતે તે સરકારોને પણ ભરપૂર ટીકાઓનો સામનો કરવો પડ્યો જ હતો.”

બીજી એક યુવતી ઊભી થઈ અને બોલી “ગૌરવકુમાર તમને વિરોધપક્ષનો ટેકો છે અને તમે તેમના ઇશારે શાશક પક્ષને ઘેરો છો તે વાત સાચી ? તમને વિરોધ પક્ષે લિફટ આપી નેતા બનાવ્યા છે તે વાત સાચી છે ?”

ગૌરવ : “ હું કોઈ પક્ષનો ટેકેદાર નથી. હું એક સત્યવકતા છું. મને જે દેખાય છે તે બાબત વિષે હું નિર્ભયતાથી બોલું છું અને તે બાબતે પ્રશ્નો કરું છું. લોકશાહીમાં દેશના હિતમાં કોઈ ટીકા કરવામાં આવે તે આવકાર્ય હોવી જોઈએ. હવે રહી વાત વિરોધ પક્ષ દ્વારા મને નેતા બનાવવાની તો સાંભળી લો તે વાત તદ્દન ખોટી છે. મને બે વર્ષ પહેલાં કોઈ ઓળખતું પણ ન હતું આ મીડિયાએ મને નેતા બનાવ્યો છે. ખોટી વાત હોય તો પૂછો સાધન સિંઘ મેડમને. મીડિયા એ મારા વિધાનોના તેમની મરજી મુજબના અર્થ કરી તેમની ટી.આર.પી. વધારવા મીઠું મરચું ભભરાવી દેશ સામે રજૂ કરી મને પ્રજાનો હીરો અને શાશક પક્ષનો વિલન ચીતર્યો છે. હું તો જીરો હતો મીડિયાએ મને હીરો બનાવ્યો છે. જો હું કહું કે યુવાનોને રોજગાર આપવાની સરકારની ફરજ છે તો તેની નોધ નથી લેવાતી પરંતુ હું એમ બોલું કે દરગાહોમાં સ્ત્રીઓને જવાનો અધિકાર છે કે મંદિરમાં પ્રવેશવાનો સૌને અધિકાર છે તો મીડિયા કહેશે કે હું ધાર્મિક હસ્તક્ષેપ કરું છું અને મૌલવીઓ અને બ્રાહમણોના વિશેષાધિકારોનું હનન કરું છું. આ છે મીડિયા !”

એન્કર સાધના સિંઘે કહ્યું હવે કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે માટે ફક્ત એકજ પ્રશ્ન લેવામાં આવશે. પ્રેક્ષકોમાંથી માલા ઊભી થઈ બોલી “મિ.ગૌરવ, તમે તમારા પ્રવચનમાં જે કહ્યું કે લોકશાહીમાં નોન સ્ટેજ એક્ટર શાશક અને વિરોધ પક્ષ પર પ્રભાવ પાડે છે અને તેના પ્રભાવમાં ઘણીવાર દેશમાં ખોટા નિર્ણયો લેવાય છે, તે બાબતે તમારી પાસે ફક્ત દલીલો છે પરંતુ કોઈ ઠોસ પુરાવા નથી. તમે જો સાચા હોવ તો પુરાવા આપી શકશો ?” માલાના અવાજમાં કડવાશ હતી. 

ગૌરવ બોલ્યો : ”મિસ માલા કેટલીક બાબતો દલીલોથી જ પુરવાર કરી શકાતી હોયછે. અમુક બાબતોના પુરાવા નથી હોતા જેમકે થોડાક વર્ષો પહેલાં જો કોઈ એમ કહેત કે ધર્મગુરુઓ લંપટ છે અને આશ્રમના નામે ત્યાં પાપ લીલા ચાલે છે અને ત્યાં સ્ત્રીઓનું શારીરીક શોષણ થાય છે તો કોઈ તે વાત માનત ? અરે તે વાત સાંભળી કોઈ તેવું કહેનારની સામે કેસ માંડત કેમકે આપણે ધર્મભીરુ, ધર્મ ઝનૂની અને ધર્માંધ છીએ. સારું થયું કેટલીક બહેનોએ હિંમત કરી તેવા ધુતારાઓને ઉઘાડા પડ્યા જેથી લંપટ ધર્મગુરુઓ આજે સળિયા પાછળ છે જેના પરિણામે સમાજમાં બહેનોની ઇજ્જત સલામત છે. મિસ માલા તમે હમેશાં પુરાવાના આગ્રહી છો તે હું જાણું છું પરંતુ ઘણીવાર કોઈ યુવતી દુષ્કર્મનો ભોગ બને તો પણ પુરાવાના આભાવે દુષ્કર્મ કરનાર છૂટી જાય છે તેનો મતલબ એ નથી કે તેની પર દુષ્કર્મ નથી થયું. મારી પી.એચ.ડી.ની થીસિસ નેટ પર ઉપલબ્ધ છે તે એક વાર વાંચી તેના પર મનન અને મનોમંથન કરવા મારી તમને વિનંતિ છે. કદાચ તમારા તમામ સંશયો દૂર થઈ જશે.”

શ્રોતાઓ ગૌરવકુમારનો વિસ્તૃત ઉત્તર સાંભળી તાળીઓ પાડી ઉઠ્યા. માલા કાંઇ પણ બોલ્યા વિના થોડી વાર ગૌરવ સામે તાકી રહી. એન્કર સાધના સિંઘે સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ થયેલો જાહેર કર્યો અને સૌને ડિનર લઈ છૂટા પડવા વિનતિ કરી. 

શાશક પક્ષના ટોચના નેતા ગૌરવનું આજનું જીવંત પ્રસારણ જોઈ વિચલિત થઈ ઉઠ્યા. તેમને લાગ્યું કે ગૌરવ હવે વધારે પડતો એગ્રેસિવ થઈ રહ્યો છે અને એન્કર સાધના સિંઘ તેને ખૂબ લિફ્ટ આપી રહી છે. સાધના અને ગૌરવની જોડી તોડવી પડશે નહિતર આગામી ચૂંટણીમાં તે યુવાનોને ભરમાવી શાશક પક્ષથી દૂર કરી દેશે તો ચૂંટણી જીતવામાં મુશ્કેલી ઊભી થશે. 

આજની સભામાં શાશક પક્ષને સપોર્ટ કરતા કેટલાક યુવાનો હાજર હતા તેમને ઉપરથી આદેશ મળ્યો કે સાધના સિંઘને ત્યાંથી અપહરણ કરી ઉપાડીલો અને તેની ઉપર દુષ્કર્મ કરવા ગૌરવ તેને ઉપાડી ગયો છે તેવું દોષારોપણ કરવાની યોજના ઘડી કાઢો. તે યુવાનોને ઉપરથી આદેશ મળ્યા પછી તે સાધનાનું અપહરણ કરવાની યોજના ઘડતા હતા તે વાતચીત માલાના કાને પડી. તે સાધનાને ચેતવે તે પહેલાં સાધના પાર્કિંગમાં આવી પહોંચી અને તેની ગાડીમાં બેસવા જતી હતી બરાબર તે સમયે તે યુવાનોએ સાધનાનું મોં દબાવી તેનું અપહરણ કરી તેમની ગાડીમાં નાખી નોઇડા તરફ તેમની ગાડી હંકારી દીધી.  

ગૌરવકુમારે ડિનર પછી તેની ગાડીમાં તેના આવાસ તરફ પ્રયાણ કર્યું. ઘરે જઈ તે માલાના વિચારોમાં ખોવાઈ ગયો. લગભગ છ માસ પછી ગૌરવ અને માલાનો આમનો સામનો થયો હતો. તેના હદયના ખૂણામાં માલા પ્રત્યેની ધરબાઈ ગયેલી લાગણી પ્રજવળતી જણાઈ. તે માલાના વિચારોમાં ખોવાએલો હતો ત્યારે જ માલાનો નંબર મોબાઈલ પર ચમકી ઉઠ્યો. ગૌરવે પળેક્ના વિલંબ પછી ફોનનો જવાબ આપવા ખુબ લાગણી ભર્યા શબ્દોથી બોલ્યો “માલા મેડમ ! હું તમારા જ ખયાલોમાં ખોવાયો હતો અને તમારો ફોન આવ્યો. મને યાદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. બોલો હું આપની શું સેવા કરું ?”  

 માલા ખૂબ ચિંતાતૂર અવાજે બોલી “ગૌરવ, કેટલાક શાશક પક્ષના યુવાનોને એન્કર સાધના સિંઘનું હોટલના પાર્કિંગમાંથી અપહરણ કરી નોઇડા બાજુ લઈ જતાં મે મારી નજરે જોયા છે. તેઓ તેની સાથે દુષ્કર્મ કરી તેનો આરોપ તારા પર ઢોળી તારી કારકિર્દી ખતમ કરવાનો ઇરાદો ધરાવે છે તેવું તારણ મેં તેમની વાતોમાંથી કાઢ્યું છે. હું પોલીસસ્ટેશને જઈ પોલીસને લઈ તે બાજુ આવું છું તે દરમ્યાન તું સાધનાને બચાવવા તેની પાછળ જા. “   

ગૌરવે તરતજ તેના મિત્રોને ફોનથી જાણ કરી અને બે મિત્રોને પોલીસ સ્ટેશને મોકલી પોલીસને તમામ હકીકતથી વાકેફ કરી મદદ માટે નોઇડા લઈ આવવા કહ્યું અને બીજા મિત્રોને સાથે લઈ તે નોઇડા તરફ રવાના થયો. ગૌરવ નોઇડાના એક સેકટરમાં શાશક પક્ષના એક નેતાના મોટા બંગલાનું ઠેકાણું જાણતો હતો. સાધનાને લઈને પેલા યુવાનો ત્યાંજ ગયા હશે તેવું અનુમાન લગાવી તે ત્યાં પહોચ્યા. બંગલો શાંત દેખાતો હતો. બંગલાના ચોકીદારને ગૌરવે હાલ બંગલામાં કોણ છે તેની પૃચ્છા કરી. તેણે કહ્યું કોઈ નથી પરંતુ તેના હાવભાવ બંગલામાં કોઈકના હોવાની ચાડી ખાતા હતા. ગૌરવ અને તેના મિત્રો ચોકીદારને હડસેલી બંગલાના ચોગાનમાં પહોચ્યા. તેમણે પાંચ મિનિટમાં આખો બંગલો ફેદી નાખ્યો પરંતુ કોઈના અહી હોવાના સગડ ન મળ્યા.

તે પાછા વળતા હતા ત્યારે એક જણની નજર બંગલાના બેઝમેંટમાં ઊભેલી એક ગાડી પર પડી. સૌ ત્યાં પહોચ્યા. ચાર યુવાનો સાધનસિંઘને બંધક બનાવી કોઈના આવવાની રાહ જોઈ રહ્યા. સાધનાના મોઢા પર ટેપ મારેલી હતી અને તેના હાથ પણ બંધાએલા હતા. એક છેલબટાઉ યુવાન સાધનસિંઘના શરીર પર તેનો હાથ ફેરવી તેની છેડતી કરી રહ્યો હતો. સાધના સિંઘ “ઉં...ઉં...” કરી પોતાનો વિરોધ દર્શાવી રહી હતી. ગૌરવ અને તેના મિત્રો ત્યાં પહોંચી ગયા. ગૌરવને જોઈ તેના ચહેરા પર આનંદ ફેલાયો. પેલા યુવાનો સાથે થોડીક ઝપાઝપી થઈ તે દરમ્યાન ગૌરવે જે મિત્રો પોલીસસ્ટેશને ગયા હતા તેમને પોલીસને લઈ પહોચવા સ્થળનું નામ જણાવ્યુ અને તાત્કાલિક આવી જવા કહ્યું. થોડીવારમાં પોલીસપાર્ટી આવી પહોંચી. તેમણે સાધનાને બંધન મુક્ત કરાવી. ગૌરવકુમારે અપહરણ કર્તાઓ સામે પગલાં લેવા પોલીસ અધિકારીઓને કહ્યું પરંતુ બનાવનું સ્થળ શાશક પક્ષના મોટા ગજાના નેતાના બંગલાનું હોવાથી તેમણે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ભીનું સંકેલી લીધું. સાધના હેમખેમ હોવાથી લાંબી પણોજણમાં પાડવાના બદલે સૌએ સમાધાનકારી વલણ આપનાવ્યું. 

એકાએક ગૌરવને યાદ આવ્યું કે માલા કેમ પોલીસ સાથે નથી ! તેણે પોલીસ અધિકારીને માલા બાબતે પૂછ્યું. તેમણે જણાવ્યુકે માલા ન તો પોલીસસ્ટેશને આવી હતી કે ન તેનો ફોન આવ્યો હતો. ગૌરવે તરતજ માલાને ફોન જોડ્યો. તેનો ફોન બંધ આવતો હતો. તેને માલાની ફિકર થઈ. તેના વોટ્સઅપ પર માલાએ તેને કોઈક સંદેશો આપવા પ્રયત્ન કર્યો હોય તેવો અધૂરો અને અસ્પષ્ટ સંદેશો હતો. માલાએ પશ્ચિમી દિલ્હીનું લોકેશન પણ શેર કર્યું હતું. ગૌરવને લાગ્યું કે જરૂર માલા સાથે કઇંક અજુગતુ બન્યું છે. તેણે પોલીસ અધિકારી સાથે તે બાબતે ચર્ચા કરી મદદ કરવા વિનંતી કરી પરંતુ તેમણે જણાવ્યુકે જે સ્થળનું લોકેશન છે તે તેમના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતું ન હોઇ તે તેમને કાયદેસરની કોઈ મદદ કરી શકશે નહીં. ગૌરવ અને તેના મિત્રો માલાની ભાળ મેળવવા ઉપડ્યા. બે મિત્રો સંલગ્ન પોલીસ સ્ટેશન બાજુ રવાના થયા. 

માલા રાત્રે મોડા સુધી ઘરે ન પહોંચી એટલે તેના માતા પિતાને તેની ચિંતા થવા માંડી. તેમણે ફોનથી સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પરંતુ માલાનો મોબાઈલ બંધ આવતો હોવાથી તેમને લાગ્યું કે માલા સાથે કઇંક અજુગતું બન્યું હશે. તેમણે માલાની બહેનપણીઓને ફોન કરી માલા બાબતે પૂછ્યું તો જાણવા મળ્યું કે હોટલમાં ડીનર વખતે માલા હાજર હતી પરંતુ ત્યારબાદ તે કયાં ગઈ તેની જાણકારી તેમની પાસે ન હતી. મુકુંદરાય ગભરાયા. તેમને એકાએક ગૌરવ યાદ આવ્યો. તેમને થયું ચોક્કસ ગૌરવ પાસે માલાની જાણકારી હશે. તેમણે ગૌરવને ફોન જોડ્યો. ગૌરવ મુકુંદરાયનો નંબર તેના મોબાઈલ સ્ક્રીન પર ડિસ્પ્લે થયેલો જોઈ સમજી ગયો કે તેમણે પોતાની દીકરીની વિગતો જાણવા ફોન કર્યો હશે. તેણે મુકુંદરાય સાથે વિગતે વાત કરી. તેણે મુકુંદરાયને કહ્યું કે એન્કર સાધના સિંઘનું આપહરણ થયું હતું અને તેમણે તેને છોડાવી છે માટે કદાચ માલાનું પણ અપહરણ થયું હોવાની શંકા જણાવી અને તેઓ માલાએ જે લોકેશન શેર કર્યું છે તે બાજુ તપાસ કરવા જઇ રહ્યા છીએ તેવું કહ્યું.

મુકુંદરાયે માલાએ શેર કરેલ લોકેશનની વિગતો જાણી તરત સમજી ગયા કે અપહરણકારો જરૂર જાણભેદુ અને શાશક પક્ષના હોવા જોઈએ. તેઓ જાણતા હતા કે રાજકીય નેતાઓ દ્વારા યુવાન છોકરીઓને ઉપાડીને ક્યાં તેમની ઉપર દુષ્કર્મ કરવામાં આવતું હતું. તેમને કેટલીયે માસૂમ યુવતીઓ સાથે પોતાના ફાર્મહાઉસ પર દુષ્કર્મ થયું હોવાનું યાદ આવ્યું. આજે કદાચ પોતાની દીકરીની ઇજ્જત પણ ત્યાંજ તાર તાર થઈ જશે તેવી તેમને દહેશત થઈ. મુકુંદરાયે ગૌરવને પોતાના ફાર્મહાઉસનું સરનામું આપી ત્યાં ઝડપથી પહોચી જઈ માલાને બચાવી લેવા આજીજીપૂર્વક વિનંતી કરી. તેમણે તરત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની દીકરીનું અપહરણ થયેલું જણાવી તાત્કાલિક તેને બચાવી લેવા તંત્રને ધમધમતું કરી દીધું. પોતે પણ તેમના ફાર્મહાઉસ તરફ રવાના થઈ ગયા.    

માલા ફોન કરીને ગૌરવને સાધના સિઘના અપહરણનો સંદેશો આપતી હતી તે વાતચીત કેટલાક શાશક પક્ષની તરફેણ કરવાવાળા યુવાનો સાંભળી ગયા હતા એટલે તેમણે માલાને ત્યાંજ દબોચી લીધી અને તેને તેમની ગાડીમાં પરાણે નાખી રવાના થઈ ગયા હતા. તેઓ માલાને ઓળખાતા ન હતા. લગભગ એક કલાકની મુસાફરી બાદ તેઓ એક ફાર્મહાઉસ પર પહોંચ્યા. ફાર્મહાઉસ માલાના પિતાજીની માલિકીનું હતું. જ્યારે માલાને ગાડીમાંથી નીચે ઉતારી ત્યારે તેણે પેલા યુવાનોને કહ્યું “સાલા ભડવાઓ હું મુકુંદરાયની પુત્રી છું અને તમે મને અમારા ફાર્મહાઉસ પર લઈ આવ્યા છો. હું મારા ડેડીને ફોન કરી હમણાંજ સમાચાર આપું છું.” પેલા યુવાનોને હવે તેમની ભૂલ સમજાઈ. માલાનો મોબાઈલ તેમણે થોડા સમય પહેલાં ઝૂંટવી લઇ ઓફ કરી દીધો હતો માટે તે નિશ્ચિંત હતા તેમ છતાં અજાણતાં શાશક પક્ષના વગદાર નેતાની પુત્રીનું અપહરણ કરેલું જાણી તે ગભરાયા. એક જણે કોઈને ફોન કરી આ માહિતી આપી. ઉપરથી માલાને તુરત જ હેમખેમ તેના ઘરે પહોચાડી દેવાનો આદેશ થયો. 

યુવાનો પૈકીના એક યુવાને જ્યારે જાણ્યુંકે માલા મુકુંદરાયની પુત્રી છે ત્યારે તેના ચહેરાપર એક કટુ હાસ્ય ઉપસી આવ્યું. તેને થયું આજે મુકુંદરાય સાથે બદલો લેવાનો મોકો મળી ગયો છે તેથી તેણે માલા પર હુમલો કરી તેના કપડાં ફાડી નાખ્યાં અને સૌની હાજરીમાં માલાને નીચે પાડી દઈ તેની ઉપર ચઢી બેઠો અને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રત્યત્ન કર્યો. માલા તેનો પ્રતિકાર કરતી હતી બરાબર તે સમયે ગૌરવ અને તેના મિત્રો મુકુંદરાયના ફાર્મહાઉસ પર પહોચી ગયા અને માલાને બચાવી લીધી. ગૌરવે પોતાના કોટથી માલાની અનાવૃત કાયા ઢાંકી દીધી.  

ગૌરવના આગમનથી માલાએ હવે પોતાની જાતને સલામત માની. સ્વસ્થ થઈ તેણે પેલા યુવાનને એક તમાચો માર્યો અને તેની પર શા માટે હુમલો કર્યો તે જાણવા ચાહયું તો તે યુવાને ગુસ્સાથી જણાવ્યુ કે એક વર્ષ અગાઉ તેની બહેન પર આ સ્થળેજ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેની બહેન તેના પર થયેલ દુષ્કર્મનો આઘાત સહન કરી શકી ન હતી તેથી તેણે બે દિવસમાં ગળાફાંસો થઈ આપઘાત કરી લીધો હતો. તેના અપમૃત્યુ પછી થોડા સમય બાદ તેની બહેનપણી દ્વારા તેને આ વિગતો જાણવા મળી હતી પરંતુ પુરાવાના અભાવે તે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવા અસમર્થ હતો. તે માનતો હતો કે તેની બહેન સાથે મુકુંદરાયે બળાત્કાર કર્યો હતો માટે તે મુકુંદરાય સામે બદલો લેવા માટે શાશકપક્ષની યુવા બ્રીગેડીયરમાં સામેલ થઈ ગયો હતો અને યોગ્ય તકની રાહ જોઈ રહ્યો હતો. આજે તક મળેલી જોઈ મુકુંદરાય સામે બદલો લેવા તેણે માલા પર હુમલો કર્યો હોવાની વાત કરી.

માલાને પોતાના પિતાની આવી ચારિત્રહિનતાની વિગતો જાણી ખૂબ દુખ થયું. તેને હવે ગૌરવકુમારનું “રાજકીય નેતાઓ ભ્રષ્ટાચારી અને લંપટ હોય છે તેવું નિવેદન” સાચું લાગ્યું. થોડી વારમાં ગૌરવના મિત્રો અને મુકુંદરાય પોલીસ પાર્ટી સાથે આવી પહોચ્યા. માલાને સહીસલામત જોઈ મુકુંદરાયના ચહેરા પરની તંગ રેખાઓ હળવી થઈ. તેમણે માલાને પોતાની છાતીએ વળગાડવા કોશિશ કરી પરંતુ માલાએ તેમનો હાથ તરછોડી નાખ્યો. મુકુંદરાયને માલાના આવા વ્યવહારથી આશ્ચર્ય થયું. તે ક્ષોભિત અવસ્થામાં મુકાયા. તેમણે ફરી માલાને પોતાની પાસે ખેંચી વહાલ કરવા ચાહયું પરંતુ માલા ગુસ્સો કરી બોલી “ડેડી, હું તમને ખૂબ ચારિત્રવાન અને ઉમદા માણસ સમજતી હતી પરંતુ આજે તમારો અસલી ચહેરો મારી સમક્ષ આવી ગયો છે. તમે બળાત્કારી અને લંપટ છો. હું તમને ધિકકારું છું.. આઈ હેટ યુ“ કહી રડી પડી. 

મુકુંદરાયે કહ્યું “માલા બેટા તારા સોગંધ ખાઈને કહુ છું કે હું ભ્રષ્ટાચારી જરૂર છું પરંતુ ચરિત્રહીન નથી. મે કદી કોઇની સાથે દુષ્કર્મ નથી કર્યું. જો મેં કોઈની સાથે દુષ્કર્મ કર્યું હોત તો ભગવાન જરૂર આજે તને ભ્રષ્ટ કરી તેનો બદલો મને આપ્યો હોત. હા હું જાણતો હોવા છતાં આપણા આ ફાર્મ હાઉસનો યુવતીઓ પર દુષ્કર્મ કરવા માટે ઉપયોગ કરવા દીધો છે તે માટે મારી જાતને ગુનેગાર માનું છું. હું મારા બધા પાપોનો એકરાર કરી સજા ભોગવવા તૈયાર છું. તું મને માફ કરી દે. “

માલા “જ્યાર સુધી તમે પોલીસ અધિકારીઓએ સમક્ષ તમારા અને તમારા સાથીઓના તમામ ગુનાઓનું લેખિત એકરારનામું નહીં આપો ત્યાંસુધી હું તમને માફ નહીં કરું.” મુકુંદરાયે માલાની વાત માની લીધી અને બીજા દિવસે પોલીસ સ્ટેશને જઈ ગુનાઓનું લેખિત એકરારનામું કરવાનું વચન આપી દીધું. મુકુંદરાય માલાને ગળે વડગાડી રડી પડ્યા. તેમની આંખોમાં સાચા પ્રશ્ચાતાપના આંસુ હતા. 

મુકુંદરાયે ગૌરવકુમાર અને તેના મિત્રોનો આભાર માન્યો. તેમણે કહ્યું “ગૌરવ હું તારી અને માલાની દોસ્તીથી માહિતગાર છું. માલાની તારા પ્રત્યેની લાગણી પણ મારાથી અજાણી નથી.” તેમને ગૌરવકુમારના સંસ્કારો માટે ખુબ માન થયું. તેમના ચહેરા પર યુવાન દીકરીની આબરૂ સચવાયાના સંતોષના ભાવો સ્પષ્ટ જણાતા હતા.

મુકુંદરાયે પોતાની પુત્રીની આબરૂ જવાના ડરથી પોતાના ફાર્મહાઉસમાં બનેલી માલાના અપહરણની આ ઘટના વિષે પોલીસ ફરિયાદ કરવાનું ટાળી દીધું અને રાજકારણને કાયમ માટે અલવિદા કરવાનો નિશ્ચય કરી માલાને લઈ પોતાના ઘર તરફ રવાના થઈ ગયા.    


Rate this content
Log in

Similar gujarati story from Crime