Valibhai Musa

Crime Drama Thriller

4  

Valibhai Musa

Crime Drama Thriller

અજીબોગરીબ કોર્ટખટલો!

અજીબોગરીબ કોર્ટખટલો!

11 mins
8.4K


આફ્રિકન દેશના એ શહેરની કાઉન્ટી કોર્ટમાં આપણા બે ગુજરાતીઓ, કે જેઓ તમામ એશિયાવાસીઓની જેમ એશિયન તરીકે ઓળખાતા હતા તેમની, વચ્ચેના એક સાવ સામાન્ય વિવાદ ઉપરનો મુકદ્દમો ચાલી રહ્યો હતો. આ મુકદ્દમાએ ત્યાંના સ્થાનિક એવા આપણા દેશી ભાઈઓમાં એક એવું કુતૂહલ જગાડ્યું હતું કે બધાની નજર તે કેસના ચુકાદા તરફ મંડાએલી હતી. આ વિવાદની હકીકત જે જે લોકોના ધ્યાન ઉપર આવી હતી તે સઘળાએ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો વડે પેલા ફરિયાદીને સમજાવવાની કોશીશ કરી હતી કે તે મુકદ્દમો પાછો ખેંચી લે, પણ પેલો મક્કમ હતો અને કોઈપણ ભોગે તે આરોપીને સજા અપાવવા માગતો હતો કે જેથી તેની પ્રતિષ્ઠા ખરડાય અને એશિયન સમાજમાં તેને નીચાજોણું અનુભવવું પડે. કેટલાકે આરોપીનો સંપર્ક સાધીને તેને પણ સમજાવવાની કોશિશ કરી હતી કે જો તે પેલા સામેવાળાની માફી માગવા સંમત થાય તો મુકદ્દમો પાછો ખેંચાવી લેવા તેને સમજાવી શકાય, પરંતુ તે પણ કેસ લડી લેવાના મુડમાં હતો અને પોતાને ગમે તે સજા કે દંડ થાય તો તે પણ ભોગવી લેવાની તેની સંપૂર્ણ તૈયારી હતી.

આ કેસના ફરિયાદી અને આરોપી બંને હતા, અનુક્રમે અમથાલાલ અને જીવણલાલ. અહીં આપેલાં આ બંને નામો મૂળ ઈસમોની સાચી ઓળખ જાહેર ન થાય તે માટેનાં આપવામાં આવેલાં અવેજી (ડમી) નામો છે. આ બંને જણ પાડોશી હતા અને સમજદાર હતા, પણ બેઉની બાઈડીઓ કજિયાખોર હતી. તેમનો એવો કોઈ દિવસ ખાલી જતો ન હતો કે જે દિવસે તેઓ ઝઘડી ન હોય! વળી જોવાની ખૂબી એ હતી કે તેમના ધણીઓ જ્યારે કામધંધે જાય ત્યારે તેમની ગેરહાજરીમાં જ તેઓ ઝઘડતી હતી, કે જેથી તેમનો ઝઘડો લાંબો સમય ચાલે અને તેમને તે દિવસ પૂરતો પૂર્ણ સંતોષ થઈ જાય. તેઓની કોઈ મનોવજ્ઞાનિક સમસ્યા હશે કે શું પણ બંને ઝઘડાનાં આદી (વ્યસની) બની ગયાં હતાં. આજુબાજુનાં પાડોશીઓ પણ તેમના ઝઘડાઓથી ટેવાઈ ગયાં હતાં અને આમ તેઓ સંતૃપ્ત થઈ ગયાં હોઈ તેમનો ઝઘડો સાંભળવા અથવા જોવા આવતાં પણ ન હતાં.

પણ કહેવાય છે કે બધા દિવસો સરખા ન હોય અને તે ન્યાયે બંનેના પતિદેવોને કામધંધાનો રજાનો દિવસ હોઈ તેઓની હાજરીમાં જ તે દિવસે ઝઘડો ઊપડ્યો હતો. પેલીઓથી ઝઘડાને તે દિવસે મુલતવી રાખી શકાય તેમ ન હતો, કેમ કે તે ઝઘડો તેમના છોકરાઓ વચ્ચેનો હતો; અને બંનેને ખાત્રી હતી કે તેમના પતિદેવોને પોતપોતાના છોકરાઓ વ્હાલા હોઈ તેમનાં ઉપરાણાં લેવા તેઓ ઝઘડામાં કૂદી પડશે અને જોવા જેવી ઘટના થઈ રહેશે. છોકરાઓ વચ્ચેનો ઝઘડો કોઈ એકને દડો લાગી જવા અંગેનો હતો. પેલી બંનેની પૂર્વધારણાઓ સાચી પડી હતી અને જોતજોતામાં બંને કુટુંબો વચ્ચે એવી યાદવાસ્થળી રચાઈ ગઈ કે પેલા બેઉ પણ સામસામા આવી ગયા. જો કે પેલી બંને પાડોશણો વચ્ચે કદીય મારામારી થઈ ન હતી અને જાણેઅજાણે પેલા પુરુષો પણ એ જ પરંપરાને જાળવી રાખીને માત્ર ‘તુંતું-મેંમેં’ જ કરી રહ્યા હતા. જીવણલાલે પોતાના પ્રતિસ્પર્ધીને તમાચો જડી દેવાની માત્ર લુખ્ખી ધમકી આપી, તો વળી અમથાલાલે સામે જીવણલાલને તેમનો ટાંટિયો ભાગી નાખવાની ગંભીર ધમકી આપી દીધી હતી. હવે જીવણલાલથી ચૂપ રહેવાયું ન હતું, તેથી તેમણે અમથાલાલને એક અશોભનીય ગાળ દઈ દીધી હતી; અને, આમ વાત વણસી ગઈ હતી. અમથાલાલે એ ગાળના અનુસંધાને ‘હું હવે તને કોર્ટમાં જોઈ લઈશ!’ એવા શબ્દોમાં પોતાની ઘોષણા કરીને તેઓ એકપક્ષીય કજિયાવિરામ જાહેર કરીને પોતાના ઘરમાં પેસી ગયા હતા.

જીવણલાલ અને અમથાલાલ એક જ બજારમાં એક જ પ્રકારનો ધંધો કરતા હતા અને બંને એકબીજાના કટ્ટર હરીફ હતા. અમથાલાલનો જીવણલાલ ઉપર કેસ ઠોકી દેવાનો ગર્ભિત આશય તો પેલી ધંધાકીય વેરભાવનાના તુષ્ટીકરણનો હતો અને જીવણલાલ દ્વારા બોલાએલી ગાળ એ તો નિમિત્ત માત્ર હતી. અમથાલાલે સારામાં સારો વકીલ રોકી લીધો હતો. એ વકીલે પોતાની કાર્યવાહીના ભાગરૂપે સર્વપ્રથમ તો જીવણલાલને કારણદર્શક નોટિસ આપીને છેવટે તેમના ઉપર સ્થાનિક કોર્ટમાં કેસ દાખલ કરી દીધો હતો. જીવણલાલે પોતાના બચાવ માટે હજુસુધી કોઈ વકીલ નિયુક્ત કર્યો ન હતો.

* * *

કેટલીક તારીખો પડ્યા બાદ કેસ બોર્ડ ઉપર આવી ગયો હતો અને તે દિવસે કેસ ચાલવાનો હતો. સવારે ૧૦-૦૦ કલાકે કોર્ટ શરૂ થવાની હતી. અમથાલાલ, જીવણલાલ, તેમના મિત્રો-સ્નેહીઓ અને કેટલાક ત્રાહિત એશિયનો કે જેમને કેસ સાંભળવામાં રસ હતો તેઓ સૌ અર્ધા કલાક પહેલાં કોર્ટસંકુલમાં દાખલ થઈ ચૂક્યા હતા. અમથાલાલ પોતાના વકીલ સાથે કંઈક મસલત કરી રહ્યા હતા. જીવણલાલ કોર્ટના દરવાજે જ ઊભા રહી ગયા હતા, પરંતુ તેમના ચહેરા ઉપર ગભરાટનાં કોઈ ચિહ્નો વર્તાતાં ન હતાં. થોડીકવારમાં કોર્ટનો હેડક્લાર્ક જ્યારે દરવાજા નજીક આવ્યો, ત્યારે જીવણલાલે તેની સાથે બેએક મિનિટ કંઈક વાતચીત કરી હતી. બધાએ અનુમાન કરી લીધું હતું કે જીવણલાલે કોઈ વકીલ કર્યો ન હોઈ કદાચ નવી તારીખ માગી લેવા અંગેની વાત તેમણે એ હેડક્લાર્કને કરી હશે.

વાદી-પ્રતિવાદીઓના નામોનો પોકાર પડતાં જીવણલાલ અને અમથાલાલ બંને કોર્ટરૂમમાં દાખલ થયા. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. નીચલી કોર્ટ હોઈ તેનું કામકાજ અંગ્રેજી અને સ્વાહિલી એમ બંને ભાષામાં થતું હતું, પણ એ કાર્યવાહીને ગુજરાતી ભાષાના સુજ્ઞ વાચકો માટે અહીં આપણી ભાષામાં રજૂ કરવામાં આવી રહી છે. અમથાલાલના વકીલે પોતાનું વકીલાતનામું કોર્ટના હેડક્લાર્કને સોંપ્યું, પરંતુ જીવણલાલે કોઈ વકીલને નિયુક્ત કર્યા ન હતા. સરકારી વકીલે પિંજરામાંના આરોપી જીવણલાલને તેમનો કોઈ વકીલ હોવાની પૃચ્છા કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના કેસની પેરવી જાતે જ કરશે. સર્વપ્રથમ ફરિયાદીએ રજૂ કરેલા જીવણલાલ સામેના આરોપને વાંચી સંભળાવીને તેમને પૂછવામાં આવ્યું કે તેમની સામેનો આરોપ તેમને મંજૂર છે કે કેમ, જેના જવાબમાં જીવણલાલે પ્રથમ તબક્કે એટલું જ જણાવ્યું કે, ‘હું મારા ઉપર મુકાએલા આરોપનો સ્વીકાર કે અસ્વીકાર કરું તે પહેલાં નામદાર કોર્ટ મારફત હું ફરિયાદીને તેનો કેસ પાછો ખેંચવાની ભલામણ કરું છું. મિ. લોર્ડ, મારા વડે બોલાએલા ‘ભલામણ’ શબ્દને ધ્યાનમાં લેવામાં આવે અને ફરિયાદીને સમજાવવામાં આવે કે તે મારા એ શબ્દનો ‘વિનંતી’ કે ‘આજીજી’ એવો અવળો અર્થ હરગિજ ન લે!’

સરકારી વકીલે અમથાલાલના વકીલને આરોપીની વાતનો જવાબ આપવાનું પૂછતાં તેમણે કહ્યું, ‘નામદાર, મારા અસીલ માટે કેસ પાછો ખેંચી લેવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી. વળી ‘ભલામણ’ શબ્દ ઉપર ભાર મૂકીને આરોપી મિ. જીવણલાલ અમારા અસીલ ઉપર એવું મનોવૈજ્ઞાનિક દબાણ મૂકવા પ્રયત્ન કરી રહ્યા છે કે જાણે કે મારા અસીલે તેમના ઉપર ખોટો કેસ દાખલ કર્યો છે. પરંતુ આરોપીએ એ વાત સારી રીતે સમજી લેવી પડશે કે અમારા અસીલને તેમની વચ્ચેના સામાન્ય ઝઘડાના પ્રસંગે જાહેરમાં ન કહી શકાય તેવી ગાળ તેમણે ભાંડી હતી, જેના કારણે આડોશપાડોશના લોકો અને ખાસ કરીને સ્ત્રીઓની હાજરીમાં મારા અસીલની માનહાનિ થઈ હતી. આમ પૈસાથી પણ ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન મારા અસીલને થયું છે. વળી એ પણ જણાવી દઉં કે અમારી પાસે આ કેસના સબળ સાક્ષીઓ પણ છે.’

ન્યાયાધીશે અમથાલાલના વકીલને અટકાવતાં ઠપકાની ભાષામાં જણાવ્યું કે, ‘મિ. લોયર ઓફ પ્લેન્ટિફ (વાદીના વકીલ), તમે તો તમારા કેસની કાર્યવાહી શરૂ કરી બેઠા! તમને ભાન રહેવું જોઈએ કે આરોપીએ હજુ સુધી તેમની ઉપર મુકાએલા આરોપનો સ્વીકાર કે અસ્વીકાર કર્યો જ નથી. આમ તમે અનુભવી વકીલ હોવા છતાં એક જુનિયર વકીલ પણ ન કરે એવી મુર્ખાઈભરી તમારા કેસની દલીલબાજી પણ તમે તો શરૂ કરી દીધી! તમને જ્યારે કહેવામાં આવે, ત્યારે જ તમારે તમારી દલીલો રજૂ કરવાની હોય, સમજ્યા!’

વાદીપક્ષના વકીલ છોભીલા પડી ગયા અને બેસી જતાં મહાપરાણે ‘સોરી’ બોલી શક્યા.

સરકારી વકીલે જીવણલાલ તરફ ફરીને પૂછ્યું, ‘મિ. જીવણલાલ, ફરિયાદી પોતાનો કેસ પાછો ખેંચવા માગતા નથી. હવે બોલો કે તમારા ઉપર મૂકવામાં આવેલો આરોપ તમને મંજૂર છે કે કેમ?’

જીવણલાલ એકદમ સ્વસ્થતાપૂર્વક બોલ્યા, ‘નામદાર કોર્ટને વિનંતી કે મારી સામે મૂકવામાં આવેલા આરોપમાં હું કોઈક ‘અપશબ્દ’ બોલ્યો તેવો માત્ર ગોળગોળ આરોપ છે. ફરિયાદીએ કોર્ટને જણાવવું પડશે કે હું તેમને એવો તે કેવો અપશબ્દ કે ગાળ બોલ્યો હતો કે જેનાથી તેમની માનહાનિ થઈ હતી! તેમનો એ શબ્દ જાણ્યા પછી નામદાર કોર્ટે નક્કી કરવાનું રહેશે કે મારો બોલાએલો એ શબ્દ ગાળ કે અપશબ્દના અર્થવ્યાપમાં આવી શકે કે કેમ?’

ન્યાયાધીશે કહ્યું,’ મિ. લોયર ઓફ પ્લેન્ટિફ, આરોપીને કોર્ટની કાર્યવાહી દરમિયાન વાદી કે તેમના વકીલ પાસેથી વિવાદાસ્પદ એ શબ્દને સ્પષ્ટ રીતે સાંભળવાનો અધિકાર છે. વળી કોર્ટ પણ એ શબ્દની પોતાની રીતે સમીક્ષા કરશે. સ્ત્રીઓની હાજરીમાં બોલાએલા એ શબ્દની વાત તમે જ કરી ચૂક્યા છો. આમ તમારી જ દલીલ પ્રમાણે એમ સાબિત થયું ગણાય કે એ શબ્દ અશિષ્ટ જ હતો અને તે સ્ત્રીઓની હાજરીમાં બોલાવો જોઈતો ન હતો, કેમ ખરું ને? હવે જૂઓ, આ કોર્ટમાં કોઈ પક્ષે કે પ્રેક્ષકવૃંદમાં પણ એકેય સ્ત્રી હાજર ન હોઈ તમારે એ શબ્દને અહીં જાહેર કરવો પડશે.’

‘નામદાર સાહેબ, મને એ શબ્દની જાણ મારા અસીલે કરી ન હોઈ આપને વિનંતી કરું છું કે તેઓ અહીં હાજર હોઈ તેમના મુખેથી જ એ શબ્દ સાંભળી લેવામાં આવે!’

‘મારે તમને ફરી ટકોર કરવી પડશે, મિ. લોયર ઓફ પ્લેન્ટિફ, કે તમે એવા તે કેવા વકીલ છો કે તમે તમારા અસીલ પાસેથી કેસની સાચી હકીકતો પણ મેળવતા નથી અને આમ વગર તૈયારીએ કેસ લડવા ઊભા થઈ જઈને કોર્ટનો કિંમતી સમય વેડફી રહ્યા છો!’

ફરીવાર વાદીપક્ષના વકીલ ‘આઈ એમ એક્સટ્રેઇમલી સોરી!’ કહીને બેસી ગયા.

સરકારી વકીલના હુકમથી અમથાલાલને પિંજરામાં આવવું પડ્યું. જ્યારે તેમને પેલો અપશબ્દ કહી સંભળાવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે શરમાતાં શરમાતાં જણાવ્યું હતું કે 'જીવણલાલે મને ‘બેસ બેસ, વડારણના પેટના’ એમ કહ્યું હતું!’

ન્યાયાધીશે સરકારી વકીલ સામે જોઈને કહ્યું, “મને લાગે છે કે આ ‘વડારન’ શબ્દ સ્વાહિલી કે અંગ્રેજીનો નહિ, પણ એ લોકોની પોતાની ભાષાનો લાગે છે, એમ આઈ રાઈટ?” .

સરકારી વકીલે જવાબ આપ્યો, ‘યસ માય લોર્ડ.’

ન્યાયાધીશ : ‘આપણે એ શબ્દના અર્થમાં ઊંડા ઊતરવાનું હાલ પૂરતું મુલતવી રાખીએ છીએ. હવે મિ. જીવનલાલ, આપણે મૂળ પ્રશ્ન ઉપર આવીએ છીએ કે તમે પેલો ‘વડારન’ શબ્દ વાપરીને ફરિયાદીને અપમાનિત કરેલા ખરા?’

‘હા, નામદાર. ફરિયાદીએ નામદાર કોર્ટને જણાવેલા એ જ શબ્દો હું અમારા ઝઘડા વખતે તેમને ઉદ્દેશીને બોલ્યો હતો. તેમણે મારા ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી હતી, ત્યારે મને એ શબ્દો કહેવાની ફરજ પડી હતી. જો નામદાર કોર્ટ મારા શબ્દોને અપમાનકારક ભાષા (ઍબ્યુસીવ લેંગ્વેજ) ના ભાગ તરીકે અશ્લીલ (ઓબસેન્સ) કે અધમ (વલગર) ગણતી હોય તો મારો ગુનો મને મંજૂર છે. આપ નામદાર જે કોઈ સજા ફરમાવશો તે સ્વીકારવા હું તૈયાર છું.’

કોર્ટરૂમમાં સન્નાટો વ્યાપી ગયો, કેમ કે જીવણલાલે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. જીવણલાલના સમર્થકો ગમગીન બની ગયા હતા, જ્યારે કે સામા પક્ષે અમથાલાલ, તેમના વકીલ અને આંગળીના વેઢે ગણી શકાય તેટલા તેમના સમર્થકો ખુશખુશાલ થઈ ગયા હતા.

‘મિ. જીવનલાલ, તમે ભલે કહેવાતો ગુનો કબૂલ કરી લીધો હોય, પણ જ્યાં સુધી કોર્ટને ‘વડારન’ શબ્દનો અર્થ માલૂમ ન પડે ત્યાં સુધી કોર્ટ કોઈ આખરી નતીજા ઉપર આવી શકે નહિ. હવે ‘વડારન’ શબ્દનો એવો કોઈક અર્થ થતો લાગે છે કે એવી કોઈ કોમની સ્ત્રી કે જેનું સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ન હોય અને વળી તેવી સ્ત્રીની કૂખે જન્મેલું કોઈને કહેવામાં આવે તો તેને અબ્યુસીવ લેંગ્વેજ જ કહી શકાય. હવે વાદી એ શબ્દને અપમાનસૂચક ગણે છે એટલે સ્વાભાવિક છે કે તે શબ્દનો જે કંઈ અર્થ થતો હોય તે દર્શાવતાં તેને સંકોચ થાય જ. હવે મિ. જીવનલાલ, તમે તમારા બોલાએલા કથનનો સ્વીકાર કર્યો છે, માટે કોર્ટ તમને પ્રમાણિક માને છે અને ‘વડારન’નો જે કંઈ અર્થ થતો હોય તે તમે સાફસાફ બતાવી દો, તો કોર્ટનો પોતાના નિર્ણય ઉપર પહોંચવાનો માર્ગ મોકળો બને.’ ન્યાયાધીશે ફરમાવ્યું.

‘મેં ગુનો કબૂલ કર્યો હોવા છતાં આપ નામદાર મને પ્રમાણિક તરીકે ઓળખાવો છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ‘વડારણ’ શબ્દના અમારી ભાષામાં ‘ખવાસણ’ અને ‘ગોલણ’ એવા અર્થો પણ થાય છે, જે નારીવાચક શબ્દો છે. આ શબ્દોના નરવાચક શબ્દો ‘વડાર’, ‘ખવાસ’ અને ‘ગોલા’ થાય છે. જેમ કોઈ અંગ્રેજ રાણીના આવાસમાં ‘મેલ/ફીમેલ સર્વન્ટ’ હોય તેમ અમારા દેશમાં રાજારજવાડીઆઓના રાણીઓના મહેલોમાં આ વિશ્વાસુ કોમ સેવક તરીકે કામ કરતી હતી. આપ નામદાર સમજી શકશો કે એ કોમની સ્ત્રીઓ તો ઠીક પણ પુરુષોને પણ જ્યારે રાણીઓના સેવકો તરીકે પસંદગી આપવા આવતી હોય તો તેઓનું ચારિત્ર્ય કેવું ઉમદા પ્રકારનું ગણાતું હશે! વળી આવી ઉમદા સ્ત્રીની કૂખે જન્મતું સંતાન ઉમદા જ હોય અને આમ મેં ફરિયાદીશ્રીને ‘વડારણના પેટના’ તરીકે સંબોધ્યા છે, તો મારી દૃષ્ટિએ એ કોઈ ગાળ કે અપશબ્દો બનતા નથી. આમ છતાંય મારા એ શબ્દોથી ફરિયાદીની લાગણીને ઠેસ પહોંચી હોય તો આપ નામદાર કાયદાની રૂએ મને જે કંઈ સજા થઈ શકતી હોય તે કરીને ફરિયાદીને સંતુષ્ટ કરો તેવી હું અરજ કરું છું. હવે આપ સાહેબ છેલ્લીવાર એ ભાઈને પૂછી તો જૂઓ કે તેમની લાગણી ખરેખર દુભાઈ છે કે કેમ?’

ન્યાયાધીશ : ‘બોલો, મિ. અમથાલાલ. શું ખરેખર તમારી લાગણી દુભાઈ છે?’

‘હા, નામદાર. મારી લાગણી એટલી બધી દુભાઈ છે કે એ ઘટના બની ત્યારથી હું ચેનથી ઊંઘી શક્યો નથી.’

ન્યાયાધીશે કહ્યું કે કેસની સુનાવણી લગભગ પૂરી થઈ ગઈ હોઈ નવીન તારીખ આપવામાં આવતી નથી. હાલ રિસેસ જાહેર કરવામાં આવે છે અને રિસેસ પૂરી થયા પછી તરત જ આ કેસનો ચુકાદો આપી દેવામાં આવશે.

રિસેસ દરમિયાન કોર્ટસંકુલની કેન્ટિનમાં જીવણલાલની આસપાસ તેમના હિતેચ્છુઓ એકત્ર થઈ જઈને તેમને ઠપકો આપવા માંડ્યા કે તેમણે ગુનો કબૂલ કરવો જોઈતો ન હતો. વળી તેઓએ એ પણ કહ્યું કે તેમણે સારો વકીલ પણ રોકવો જોઈતો હતો કે જેથી આમ કેસ હારી જવાની નોબત ન આવત! પરંતુ, જીવણલાલે તો હળવું સ્મિત કરતાં તેમને હાલ પૂરતી એવી હૈયાધારણ આપી દીધી હતી કે હજુ ચુકાદો તો આવવા દો! તેમણે વળી બધાયને નવાઈ પમાડતી બીજી એવી વાત પણ કરી હતી કે જો પોતે નિર્દોષ છૂટશે તો તેમને પારાવાર દુ:ખ થશે!

ટોળામાંના એકે તો જીવણલાલને આ શબ્દોમાં ટપાર્યા કે, ‘તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે અને તમે જાણી જોઈને તમારા પગ ઉપર કુહાડી મારી રહ્યા છો! ભલા માણસ, તમે નિર્દોષ છૂટો તો દુ:ખ થાય કે દોષિત ઠરો તો દુ:ખ થાય?’

તે સમયે તો જીવણલાલ બેફિકરાઈથી માત્ર એટલું જ બોલ્યા હતા કે, ‘હું જે કંઈ જાણું છું, તે તમે લોકો નથી જાણતા! હવે હાલ હું કંઈપણ કહું તો તે કવેળાનું ગણાશે!’

* * *

રિસેસ પૂરી થઈ અને કોર્ટરૂમ પ્રેક્ષકોથી ચિક્કાર ભરાઈ ગયો. ન્યાયાધીશે પોતાનો ચુકાદો જાહેર કરવા પહેલાં ખુલાસાવાર ટિપ્પણી આપતાં જાહેર કર્યું કે, ‘પ્રતિવાદીએ પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. તેમણે પોતે જ સમજાવ્યું છે તે મુજબ ‘વડારન’ શબ્દનો વાચ્યાર્થ ભલે અશ્લિલ ન થતો હોય, પણ તેઓ જે સંદર્ભમાં અને વળી ‘બેસ બેસ’ શબ્દો સાથે ગુસ્સા અને તિરસ્કાર સાથે બોલ્યા હોઈ વાદીની લાગણી દુભાઈ તો છે જ. આ તો એવી વાત થઈ ગણાય કે અંગ્રેજી શબ્દ જેન્ટલમેન વડે કોઈને તોછડાઈથી એમ કહેવામાં આવે કે ‘જેન્ટલમેન, તમે તમારા મનમાં સમજો છો શું?’, તો પણ સૂક્ષ્મ અર્થમાં તેને અબ્યુસીવ લેંગ્વેજ જ ગણવી પડે. આમ કોઈને શાબ્દિક રીતે અપમાનિત કરવું તે ગુનો તો બને જ છે, પણ તે પ્રકારના ગુનાને આપણા કાયદાએ હળવો ગુનો ગણ્યો છે. આવા હળવા ગુના માટે કોર્ટ ઊઠતાં સુધીની હળવી સજા કરવાની પણ કોઈ જોગવાઈ નથી. આમ આવા કેસમાં દોષિતને સીધેસીધો માત્ર દંડ જ કરી શકાતો હોઈ હું આરોપી જીવનલાલને ૬૦ શિલીંગનો દંડ ફટકારું છું. હવે તેઓ જો આ દંડ ન ભરે તો તે સંજોગોમાં જ તેમને ઓછામાં ઓછી એવી કોર્ટ ઊઠતાં સુધીની સજા કરી શકાય. મિ. જીવનલાલ પોતાને પસંદ પડે તેવા દંડ અને સજા એ બેમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરી શકે છે. બોલો મિ. જીવનલાલ, તમે કયો વિકલ્પ સ્વીકારો છો?’

‘મિ. લોર્ડ, હું અબઘડીએ જ દંડ ભરી દઉં છું. આપનો આભાર.’

જીવણલાલે કોર્ટના કાર્યાલયમાં દંડ ઉપરાંત કેસના ચુકાદાની દશેક નકલો માટેની ફી પણ ભરી દીધી.

હિતેચ્છુ સાથીઓએ આટલી બધી નકલો મેળવવાનું પ્રયોજન પૂછતાં જીવણલાલે વળી પાછા હસતાંહસતાં જણાવી દીધું કે, ‘લોકોને કોર્ટના સહીસિક્કા સાથેનો ચુકાદો વાંચવા આપવામાં આવશે તો જ તેમને યકિન થશે ને કે અમથાલાલને સાચે જ વડારણના પેટના કહેવામાં આવ્યા હતા! અમથાલાલની ઓખાદ જાણવા માટેનું કોર્ટે આપેલું આ પ્રમાણપત્ર ફક્ત સાઈઠ જ શિલિંગમાં કંઈ મોંઘું કહેવાય ખરું!’

હવે જ બધા જીવણલાલની ગુનો કબૂલી લેવાની ચાલાકીને સમજી શક્યા હતા અને તેથી તેઓ ખડખડાટ હસી પડ્યા હતા.

જીવણલાલના એક મિત્રે તેમને જિજ્ઞાસા ખાતર એ પૂછ્યું કે, ’હેં જીવણ, મને એક વાત સમજાતી નથી કે તેં કોર્ટના દરવાજા આગળ પેલા હેડક્લાર્કને શું પૂછ્યું હતું?’

‘એ જ કે ગુનો કબૂલી લેવામાં આવે તો વધારેમાં વધારે કેટલી સજા થઈ શકે?’

આ સાંભળીને વળી પાછા હાજર સૌ બેવડ વળીને અટ્ટહાસ્ય કરી બેઠા હતા!


Rate this content
Log in

Similar gujarati story from Crime