mariyam dhupli

Tragedy Crime Thriller

4  

mariyam dhupli

Tragedy Crime Thriller

બરદાસ્ત

બરદાસ્ત

13 mins
461


હાઈવે ઉપરનો ઢાબો હજી હાઈવે જેવો જ સુમસાન હતો. વહેલી સવારે ચારે તરફનો જંગલ વિસ્તાર અત્યંત ભેંકાર લાગી રહ્યો હતો. દૂર દૂર સુધી ન કોઈ રહેઠાણ હતા, ન માનવીઓની અવરજવર. સૌથી પાસેનું ગામ લગભગ પાંચ કિલોમીટર દૂર હતું. ઢાબાની પાછળ તરફ એક નાનકડું માળિયા વિનાનું મકાન હતું. આવનાર ગ્રાહકો માટે રસોડામાં જમણ તૈયાર કરી રહેલી વૃદ્ધ સ્ત્રીઓના ચહેરાની કરચલીઓમાં વર્ષોનો અનુભવ ડોકાઈ રહ્યો હતો.

આગળ જમણ પીરસવા માટે ગોઠવવામાં આવેલા ટેબલને વ્યવસ્થિત કરવાની જવાબદારી પંદરેક વર્ષનો તરુણ નિભાવી રહ્યો હતો. દરેક ટેબલ પરના જગમાં એ વારાફરતી પાણી રેડી રહ્યો હતો. એના ફિક્કા પડી ગયેલા સફેદ ગંજીમાંથી એની હૃષ્ટપૃષ્ટ છાતી ઝાંખી રહી હતી. ખભા પર ગોઠવાયેલા લાલ રંગના કાપડના કટકામાં ટેબલ સાફ થયા પછીની ધૂળ છૂપાઈ બેઠી હતી. કામ કરતા વારેઘડીએ એની નજર ઢાબાના કાઉન્ટર ઉપર જઈ રહી હતી.

કાઉન્ટર ઉપર ગોઠવાયેલા ત્રીસેક વર્ષના પુરુષની નજર હિસાબકિતાબના ખાતાઓ ચકાસી રહી હતી. ચહેરા ઉપર ગંભીરતા જડબેસલાક હતી. ખૂબ જ ઝડપથી ચાલી રહેલી પેન કશે અટકવાનું નામ લઈ રહી ન હતી. એના શર્ટની આછી કરચલીઓ કપાળ પર ઉપસી આવેલી કરચલીઓનો પર્યાય લાગી રહી હતી. જાણે લાંબા સમયથી એ ચહેરો હસ્યો ન હતો કે પછી હસવાનું ભૂલી બેઠો હતો. શરીરના હાવભાવોમાં રીસ ડોકાઈ રહી હતી. પગના પંજા જરૂર વિના જ હાલી રહ્યા હતા. હોઠ અંદર તરફ કડક એ રીતે બિડાયા હતા કે જાણે આખા વ્યક્તિત્વમાં પ્રસરેલી અરાજકતા એમાં ઠૂંસીને બંધ કરી દેવામાં આવી હતી.

પડખે ગોઠવાયેલી સ્ત્રીએ પોતાની કાળા રંગની સાડીનો ગોલ્ડન ભરતવાળો છેડો સરખો કર્યો. સાડીમાંથી ઝાંખી રહેલું પેટ અત્યંત સુડોળ અને આકર્ષક દેખાઈ રહ્યું હતું. કાળા રંગની સાડી જોડે ત્વચાનો શ્વેત રંગ વિરોધાભાસ તો દર્શાવી રહ્યો હતો જ, જોડે જોનારને લલચાવા મજબૂર કરી દે એવો હતો. ચુસ્ત સ્લીવ લેસ બ્લાઉઝ પાછળ તરફથી ડીપ કટિંગવાળું હતું. એ ઊંડી કટમાંથી ડોકાઈ રહેલો પીઠનો ભાગ અત્યંત સુંવાળો હતો. આંગળીઓમાંની લાલ નેઈલપોલિશ તાજી દેખાઈ રહી હતી. હાથમાંની સિલ્વર બંગડીઓમાંથી રણકી રહેલો ધ્વનિ સંગીતમય હતો. લાંબા સુંવાળા વાળ ભરાવદાર છાતી પર એકતરફ એ રીતે છવાયેલા હતા જાણે આકાશમાં વાદળ ઘેરાઈ આવ્યા હોય. આંખોમાં આંજેલી કાજલ મોટી આંખોને વધુ લોભામણી બનાવી રહી હતી. ગીત ગણગણી રહેલા પાતળા હોઠ પર ગુલાબી રંગની લિપસ્ટિક ઝળહળી રહી હતી.

પુરુષની નજર ત્રાંસી થઈ સ્ત્રી તરફ જતી અને પછી અકળામણ જોડે ફરી હિસાબી ખાતાઓમાં ભેરવાઈ જતી. પડખેથી ગૂંજી રહેલું ગીત કામ કરવામાં, ધ્યાન એકત્રિત કરવામાં વિઘ્ન બની રહ્યું હતું. પરંતુ દાંત ભીંસવા સિવાય એને કોઈ પણ પ્રત્યાઘાત આપવું વ્યર્થ હોય એમ એને સભાનતાથી ટાળવામાં આવી રહ્યું હતું.

સામેના માર્ગ તરફથી દિવસની પહેલી ગાડી આખરે ઢાબાની દિશામાં આગળ આવી. ટેબલ સ્વચ્છ કરી રહેલા તરુણની નજર કાઉન્ટર પરથી હટી ગાડી તરફ ફરી. ગાડી થોડા અંતરે આવી અટકી. ગાડીમાંથી એક યુવાન બહાર નીકળ્યો. એનો પહેરવેશ એના મોટા શહેરના રહેવાસી હોવાનું સત્ય દર્શાવી રહ્યું હતું. ડેનિમ જેકેટ, સપોર્ટ શૂઝ અને બોડી ટાઈટ જીન્સમાં એનું સમપ્રમાણ છતાં ઊંચું, કદાવર શરીર કોઈ વ્યવસાયિક મોડેલ જેવું શોભી રહ્યું હતું. માથા પર ચઢાવેલો ગોગલ્સ સૂર્ય સામે રક્ષણ મેળવવાની જગ્યાએ વ્યક્તિત્વની શોભા વધારવા ઉપયોગમાં આવી રહ્યો હતો. હાથના મજબૂત સ્નાયુઓ નિયમિત જીમમાં જઈ બનાવવામાં આવ્યા હતા એવો જોનારને સ્પષ્ટ અંદાજો આવી શકે.

કાઉન્ટર પર બેઠી સ્ત્રીનું ધ્યાન સંપૂર્ણપણે યુવાનના શરીર પર આવી પડ્યું હતું. એની આંખો ઉપરથી નીચે સુધી યુવાનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહી હતી. એની કાજલધારી નજર જાણે યુવાનના શરીરનો આરપાર એક્સરે લઈ રહી હતી. એ નિરીક્ષણમાં વ્યસ્ત થઈ મોઢા પર રમી રહેલું ગીત અટકી પડ્યું. એ વિરામની નોંધ લેતા પડખેથી પુરુષની નજર હિસાબકિતાબ ઉપરથી શીઘ્ર ખસી સ્ત્રીની નજર પર આવી પડી. એ નજરમાં છલકાઈ રહેલી લાલચ પર એને ઘૃણા છૂટી. રોમેરોમમાં લોહી ઉકળવા માંડ્યું. જેનો પુરાવો આંખોના લાલ રંગમાં ઝીલાઈ રહ્યો. હાથમાંની પેન હિસાબના પાનાઓ પર જોરથી પટકાઈ. સ્ત્રીએ પોતાના બ્લાઉઝ અને સાડીના પાલવને વ્યવસ્થિત કર્યા. છાતી પર પ્રસરેલા વાળ પર મૃદુ હાથ ફેરવ્યો. હોઠ પરની લિપ્સ્ટીકને જીભ વડે વ્યવસ્થિત ભીંજવી તાજી કરી લીધી. કાઉન્ટર છોડી ઊભી થયેલી સ્ત્રી તરફ પડખેથી પુરુષે એક વેધક નજર ફેંકી.

" ક્યાં જાય છે ? "

સ્ત્રીની નજર હજી પણ સામેની દિશામાં હતી. ગાડીમાંથી નીકળેલો યુવાન પુરુષો માટેના શૌચાલય તરફ આગળ વધી ગયો. સ્ત્રીએ પોતાનો હાથ ભાર દઈ પુરુષના ખભે મૂક્યો.

" ચિંતા ન કરો. હમણાં આવી જઈશ. "

એ શબ્દો સાંભળતા જ પુરુષ છંછેડાઈ ગયો. એના હાથની આંગળીઓ કડક મુઠ્ઠીમાં વળી ગઈ. એણે હિસાબકિતાબના પાનાઓ પર એક જોરદાર મુક્કો માર્યો. કાચના કાઉન્ટર ઉપર તિરાડ પડી ગઈ. એ પ્રતિક્રિયાથી કશો ફેર પડતો ન હોય એમ સ્ત્રી ગીત ગણગણતી, સાડીને આકર્ષક અંદાજમાં સંભાળતી શૌચાલયની દિશામાં આગળ વધી ગઈ.

" સાવિત્રી, કહું છું. અહીં આવી બેસ. "

સ્ત્રીએ જાણે એ શબ્દો સંભળાયા જ ન હોય એમ પાછળ તરફથી પડઘાયેલા અવાજને અવગણી શૌચાલયની દિશામાં આગળ વધી ગઈ.

પુરુષની બંને ભ્રુકુટી ક્રોધાવેગમાં ભેગી મળી ગઈ. એ બેઠક છોડી શીઘ્ર ઊભો થઈ ગયો. પાણીનો જગ હાથમાં થામી દૂર અંતરેથી તરુણ નોકર આખું દ્રશ્ય જીવંત નિહાળી રહ્યો હતો. એની આંખોમાં હજારો વણકહ્યા પ્રશ્નો પુરુષ જોઈ શક્યો.

" શું જુએ છે ? ફિલ્મ ચાલે છે અહીં ? કામ નથી તારે ? મફતની રોટલી ખાવા આવે છે અહીં. ચાલ, કામ પર લાગ. હરામખોર ! "

આક્રમણ સ્થળાન્તરની અગ્નિના છાંટા વડે તરુણ હૈયું દાઝી ઉઠ્યું. હાથમાંનો જગ ટેબલ પર પટકી એ ખભા પરના સફાઈ માટેના કાપડને હવામાં ઝાટકી ઢળેલી છતાં વિફરેલી નજર જોડે પાછળ રસોડા વિસ્તાર તરફ જતો રહ્યો.

પુરુષે સીધી શૌચાલયની દિશામાં શ્વાસવિહીન દોડ મૂકી. પુરુષ માટેના શૌચાલયમાં એ ચિત્તાની ઝડપે પ્રવેશી ગયો. અંદર તરફનું દ્રશ્ય નિહાળતા એ પરસેવે રેબઝેબ થઈ ઉઠ્યો. મોઢું વિસ્મયથી ખુલ્લું રહી ગયું. સ્ત્રીએ યુવાનને પોતાના હૂંફાળા આલિંગનમાં લઈ લીધો હતો. અચાનક ત્રાટકી પડેલા પુરુષથી યુવાન ડરી ગયો.

" હું ...અહીં ...તમે ..."

શું કહેવું અને શું નહીંની ભયમિશ્રિત મૂંઝવણમાં એણે તરત જ પોતાના વસ્ત્રો વ્યવસ્થિત કર્યા અને ભાગતા ડગલે શૌચાલયની બહાર દોડી ગયો.

સ્ત્રી ખડખડાટ હસી પડી. પુરુષ લાલચોળ આંખો જોડે દાંત ભીંસી રહ્યો.

બહાર તરફ યુવાન ગાડીમાં ઉતાવળે ગોઠવાયો અને ગાડી તરત જ હાઈવે પર આગળ વધી ગઈ. રસોડા વિસ્તારમાંથી બહાર આવી રહેલા તરુણની નજર એ ગાડીને શંકાથી પાછળ તરફથી તાકી રહી. એક નજર શૌચાલય તરફ ગઈ. કંઈક ક્ષણિક મનોમંથન થયું અને હાથમાંનો સફાઈ માટેનો કાપડનો કટકો ફરીથી ખભે આવી લટકાયો.

બીજે દિવસે સવારે કાઉન્ટર ઉપર ગોઠવાયેલો પુરુષ ફરીથી હિસાબકિતાબના ખાતાઓમાં પરોવાયેલો હતો. પડખે બેઠી સ્ત્રી ગીત ગણગણતી હાથમાંની બંગડીઓ વ્યવસ્થિત કરી રહી હતી.

" તને ખબર છે, વેદ ? મને આ સાડી કેમ આટલી બધી ગમે છે ? "

બંગડીઓ પરના હાથ સાડી ઉપર ફરવા લાગ્યા. હિસાબકિતાબના ખાતાઓ પરથી નજર ત્રાંસી થઈ અકળામણ જોડે ઉપર ઊઠી.

" કેમકે આ સાડી મેં તને ભેટમાં આપી હતી. એનિવર્સરી ઉપર. " ઉત્તરમાં રીસ પણ હતી અને પસ્તાવો પણ.

" હા, એનિવર્સરી ઉપર મેં આજ સાડી પહેરી હતી. તને હજી યાદ છે ? "

સ્ત્રીની નજર આશ્ચર્યથી વધુ પહોળી થઈ. એ નજરના પ્રશ્નો ન જીરવાતા પુરુષે નજર પરત ખેંચી લીધી. દૂર તરફ ટેબલની સાફસફાઈ કરી રહેલ તરુણની નજર વારેઘડીએ કાઉન્ટર ઉપર આવી ચોરીથી ડોકાઈ જતી હતી. પુરુષની નજર એ ચોર નજરને પામી ગઈ. પડખે બેઠી સ્ત્રી પોતાના બ્લાઉઝ અને પાલવને વ્યવસ્થિત કરી રહી હતી.

' એ, શું છે ? અહીં શું જોઈ રહ્યો છે ? કામ કર તારું. સાલા હરામખોર ! "

પડખે બેઠી સ્ત્રીએ એક લાલચવાળી નજર તરુણ શરીર પર નાખી. માલિકે કરેલું અપમાન અસહ્ય થઈ પડ્યું. અપશબ્દો તીર જેમ હૈયામાં ભોંકાયા હોય એ રીતે પીડાને અંતરમાં સમાવતા નજર ઢાળી, દાંત ભીંસતો, સફાઈ માટેના કાપડને જોરથી ઝાટકી ખભે ગોઠવી એ અંદર તરફ રસોડા વિસ્તારમાં ધસી ગયો. સ્ત્રી ખડખડાટ હસી પડી.

એ જ સમયે હાઈવે પરના માર્ગ ઉપરથી એક ટ્રક ઢાબા તરફ આગળ આવી. ખૂણામાં પાર્ક થયેલી ટ્રકમાંથી એક હૃષ્ટપૃષ્ટ પુરુષ કૂદકો લગાવી નીચે ઉતર્યો. માથા પરની પાઘડી હાથ વડે વ્યવસ્થિત કરી એણે લાંબી મૂછ પર એક તાવ આપ્યો. ટ્રક ચલાવી ચલાવીને સશક્ત થયેલા બાજુઓની દરેક નસ સ્પષ્ટ દેખાઈ રહી હતી. સ્ત્રીની નજર તરત જ પધારી રહેલા ઢાબાના દિવસના સૌથી પહેલા ગ્રાહક પર પડી. પગથી લઈ માથા સુધી સ્ત્રીએ એ શરીરનું સૂક્ષ્મ અવલોકન કર્યું. હોઠ પરની લિપ્સ્ટીકને જીભ વડે વ્યસ્થિત કરી. સાડીનો પાલવ પેટ પર ભેરવ્યો અને લાંબા રેશમી વાળને છાતી પરથી હડસેલતી ધીમે રહી બેઠક છોડી ઊભી થઈ ગઈ.

પડખે બેઠા પુરુષે હાથમાંની પેન ભોંય પર અફાળી મારી. એના શરીરનું ઉકળી રહેલું લોહી ચહેરાના લાલ ચટાક થયેલા રક્ત પરિભ્રમણમાં પ્રતિબિંબિત થયું. ઊંડો શ્વાસ ભરી એણે ચેતવણી ફેંકી.

" સાવિત્રી, એક ડગલું પણ આગળ વધી છે તો ..."

સ્ત્રીના આગળ વધી રહેલા ડગલાં થંભી ગયા. એ મોહક અદા સાથે પાછળ વળી. ધીમે ધીમે કમર લચકાવતી પુરુષના અત્યંત નજીક આવી ગોઠવાઈ. પોતાનો હાથ પુરુષના બાવડા પર હળવેથી ફેરવતા કાનમાં કહ્યું,

" કમોન, વેદ. હમણાં જ આવી જઈશ. ચિંતા ન કર. એમ પણ માનવી આ સંસારમાં એકલો આવે છે અને સંસાર છોડી એને એકલા જ જવાનું હોય છે. એકલતા જ માનવીનો સાચો સંગાથ છે. સાચું કહ્યું ને ? "

પુરુષની આંખોમાં વેદનાનું પૂર ઉમટી પડ્યું. ઝળહળ્યા કરતી આંખોએ થાકીહારી આજીજી કરી,

" સાવિત્રી, બંધ કર હવે આ બધું. હવે નથી સહેવાતું. પ્લીઝ, આમ ન કર. "

સ્ત્રીએ જાણે કાન પર વિશ્વાસ ન આવ્યો હોય એવા અચંભા જોડે પુરુષને અપલક નજરે તાક્યો. બીજી ક્ષણે ગુલાબી લિપ્સ્ટીકવાળા હોઠ પર એક લુચ્ચું સ્મિત રમી ગયું. પુરુષના કાનમાં ફરી હૂંફાળા શબ્દો પ્રવેશ્યા,

" ઓહ, વેદ. સમજવાનો પ્રયાસ કર. સંબંધોના પણ ટેક્ષ ભરવા પડે. થોડું બરદાસ્ત તો કરવું જ પડે ..."

ગીત ગણગણતી સ્ત્રી શૌચાલય તરફ આગળ વધી ગઈ. એણે કાનમાં ઉચ્ચારેલા શબ્દોથી પુરુષના શરીરનું રક્ત ટાઢું પડી ગયું. એ બેઠક પર મૂર્તિ જેવો સ્તબ્ધ જડાઈ ગયો. થોડી ક્ષણો બાદ જયારે મગજ ફરી સક્રિય થયું ત્યારે એની નજર શૌચાલય તરફ ગઈ. પુરુષો માટેના શૌચાલયમાં સ્ત્રીએ પ્રવેશ કર્યો જ કે પુરુષે બેઠક છોડી એ દિશામાં દોડ લગાવી.

હાંફતા શ્વાસ જોડે રઘવાયો થયેલો એ શૌચાલયના અંદર તરફ પ્રવેશ્યો. સ્ત્રીએ અજાણ્યા ટ્રક ડ્રાઈવરને પોતાની બાહુપાશમાં લઈ લીધો હતો. એ આલિંગનને ટ્રક ડ્રાઈવર આગળ કોઈ પ્રતિક્રિયા આપી શકે એ પહેલા એક ત્રાડ સમા અવાજથી એ ચોંકી ઉઠ્યો.

" સાવિત્રી , થોડી તો શરમ કર. "

સ્ત્રી ઉપર ત્રાટકવા માટે આગળ વધેલા પુરુષના જુસ્સાથી ભયભીત થતો ટ્રક ડ્રાઈવર હેમખેમ પોતાના વસ્ત્રો વ્યવસ્થિત કરતો શૌચાલયના બહારના વિસ્તાર તરફ દોડી ગયો.

ઢાબા ઉપર પાર્ક કરેલી ટ્રકમાં એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના એ ગોઠવાયો અને બીજી જ ક્ષણે ટ્રક હાઈવે પર સડસડાટ આગળ વધી અદ્રશ્ય થઈ ગઈ. ટેબલ પર પાણીના ગ્લાસ ગોઠવી રહેલા તરુણે એ ભાગતી ટ્રકને ધ્યાનથી નિહાળ્યા બાદ શૌચાલય તરફ એક વેધક નજર કરી, કશુંક ઊંડું મનોમંથન કર્યું અને જગમાંથી પાણી ગ્લાસમાં રેડવા માંડ્યું.

ત્રીજે દિવસે વહેલી સવારે પુરુષ પોતાના વહીવટી ખાતા જોડે ટેવગત વ્યસ્ત હતો. પડખે બેઠી સ્ત્રી પોતાના ઘરેણાં અને શણગારને વ્યવસ્થિત કરતી ચકાસી રહી હતી. એ જાણતી હતી કે એના ગીત ગણગણવાથી પડખે બેઠા પુરુષને કામમાં ખલેલ પહોંચી રહી હતી. એ ખલેલ રોજની જેમ જ રીસ જન્માવી રહી હતી, અકળામણ ઉત્પન્ન કરી રહી હતી. પણ સ્ત્રી એ રીસ અને અકળામણની મજા લૂંટી રહી હોય એમ વધુને વધુ ઊંચા સૂર લગાવી રહી હતી.

સ્ત્રીએ એક નજર દૂર તરફના સૂના હાઈવેમાર્ગ તરફ નાખી. કજરારી આંખો રાહ જોતી થાકી ગઈ હતી. ઢાબા પાસે એક પણ ગાડી હજી થોભી ન હતી.

" ગાવાનું બંધ કર. મને ભૂલ પડે છે. મોં બંધ રાખીને નહીં બેસી શકે ? "

સ્ત્રી એક ક્ષણ માટે મૌન થઈ અને બીજી ક્ષણે ફરી ગીત ગાવાનું શરૂ કરી દીધું. ગીત ગણગણતા એની આંગળીઓ લાંબા રેશમી વાળ જોડે રમત કરવા લાગી.

શૌચાલયના બહાર તરફના માર્ગને પાણીના પાઈપ વડે ધોઈ રહેલા તરુણની નજર કાઉન્ટર ઉપર પડી. એ સાથે જ સ્ત્રીએ એની તરફ એક લોભામણી દ્રષ્ટિ ફેંકી. પાણી વડે એ તરુણ શરીર અર્ધું ભીંજાયેલું હતું. પડખે બેઠા પુરુષે સ્ત્રીના હાવભાવોમાં આવેલા પરિવર્તનની સૂક્ષ્મ નોંધ લીધી. એનો શ્વાસ રૂંધાઈ ઉઠ્યો. હાથમાંની પેન હિસાબી ખાતાઓ પર પછડાઈ.

" એ, કેટલીવાર કહેવાનું ? આ તરફ શું ડોકિયાં કરતો રહે છે ? સાલા, કામ પરથી કાઢી નાખીશ. હરામખોર, કામચોર ! જા અંદર જઈ જાજરૂ સાફ કર. "

તરુણ આંખોમાં ચિનગારી ફાટી નીકળી. હાથમાંનો પાઈપ ક્રોધાવેગમાં જમીન પર પટકાયો. પરંતુ આવેગ પર નિયંત્રણ લેતા એણે એક જ ઝાટકે નળ બંધ કરી નાખ્યો અને અત્યંત ઝડપ જોડે શૌચાલયમાં પ્રવેશ કર્યો.

એ જ સમયે કાઉન્ટર પર ગોઠવાયેલી સ્ત્રી બેઠક છોડી ઊભી થઈ ગઈ. પુરુષની આંખો હેરતથી ફાટી પડી.

" નહીં, સાવિત્રી, નહીં. તું આમ ન કરી શકે. એ આપણો નોકર છે ... સાવિત્રી ..."

" વેદ, જેણે કરી શરમ, એના ફૂટે કરમ ! "

ગીત ગણગણતી સ્ત્રી કમર અદાપૂર્વક લચકાવતી શૌચાલય તરફ આગળ વધી ગઈ. આ વખતે પુરુષ પ્રત્યાઘાતમાં શીઘ્ર ઊભો થયો નહીં. એ સ્ત્રીને અપલક ત્યાં સુધી તાકતો રહ્યો જ્યાં સુધી એ શૌચાલયના અંદર પ્રવેશી ગઈ. જાણે હથિયાર નાખી દીધા હોય એવા હારના સ્વીકાર સમા હાવભાવો ચહેરા ઉપર છવાઈ ગયા. મૌન આંખોમાંથી ખારો સમુદ્ર અવિરત વહેતો ગયો. બંને હાથના પંજા વચ્ચે એણે પોતાનો ચહેરો દાબી દીધો. હૈયાફાટ રુદનથી આખો ઢાબો ધ્રૂજી ઉઠ્યો. રસોડામાં કામ કરતી વૃદ્ધ સ્ત્રીઓ રસોડામાંથી બહાર નીકળી આવી. કોઈ કશું સમજી શકે એ પહેલા પુરુષ બેઠક છોડી ઊભો થયો અને સામે તરફથી પસાર થતા હાઈવેના માર્ગને દોડીને પસાર કરતો જંગલ વિસ્તારમાં ધપી ગયો. જંગલ વિસ્તારની ઊંડી ખાઈની મર્યાદારેખા પર એક ક્ષણ માટે થોભ્યો અને પછી આંખો મીંચી કૂદકો લગાવી દીધો.

જંગલ વિસ્તારની ઊંડી ખીણની મર્યાદા રેખા પર ઊભી સ્ત્રીની નજર અત્યંત ઊંડાણમાં ઉતરી હતી. એની કજરારી તેજ આંખો ભીનાયેલી હતી. છાતી પર ફેલાયેલા વાળ એણે ધીમે રહી પાછળ હડસેલ્યા. આંખોના સમુદ્રને લુંછવા ઉપર ઉઠેલા હાથ દ્વારા કાચની બંગડીઓનો અવાજ જંગલમાં પડઘાયો. ભૂતકાળના દ્રશ્યો એ ખીણના ઊંડાણમાં એક પછી એક ભજવાઈ ઉઠ્યા.

" વેદ, ક્યાં જાય છે ? "

" સાવિત્રી, ચિંતા ન કર. હું હમણાં આવી જઈશ. "

" વેદ, કેટલા બધા ગ્રાહકો છે અને તું આમ કામની વચ્ચે ..."

" સાવિત્રી, તને કેટલીવાર કહ્યું છે મને આવી રોકટોક ગમતી નથી. તું સંભાળી નથી શકતી થોડા સમય માટે ? હું હમણાં આવી જઈશ. "

" વેદ, ક્યાં હતો તું આખો દિવસ ? હું એકલી અહીં .."

" તું તારા કામથી કામ રાખને. એમ પણ માનવી આ સંસારમાં એકલો આવે છે અને સંસાર છોડી એકલો જ જાય છે. એકલતા જ માનવીનો સાચો સંગાથ છે. સમજી ? "

" વેદ, હું ગઈ કાલે તારી પાછળ આવી હતી. મેં તને જોયો હતો. ત્યાં ઝાંખરીઓમાં તું એક શ્રમિક સ્ત્રી જોડે ... તને શરમ નથી આવતી. તારા લગ્ન થઈ ગયા છે અને તું ..."

" સાવિત્રી, જેણે કરી શરમ, એના ફૂટે કરમ. ને હું તારી દેખભાળ તો રાખું છું ને ? તને શેની કમી છે ? "

" એક પ્રામાણિક સંબંધની, વેદ ! "

" વેદ, પ્લીઝ. આજે કશે ન જા. આજે આપણી એનિવર્સરી છે. આજના દિવસે તો ..."

" હેપ્પી એનિવર્સરી માઈ લવલી વાઈફ. મારી ભેટ જચે છે તારા ઉપર. પણ તું ચિંતા ન કર. હું જલ્દી જ આવી જઈશ. "

" પ્લીઝ, વેદ. હવે મારાથી સહન નથી થતું. "

એ દિવસે ખભે આવેલા પતિના હાથનો સ્પર્શ આજે પણ જાણે ખભા પર અનુભવાયો. કાનમાં આજે પણ એ હૂંફાળા શબ્દો ગૂંજ્યા,

" સંબંધોના પણ ટેક્ષ ભરવા પડે. થોડું બરદાસ્ત તો કરવું જ પડે, સાવિત્રી ! "

એ ડગલાંઓ સંપૂર્ણ વ્યવહારુતા જોડે મક્ક્મતાથી આગળ વધી ગયા હતા. જાતે ઢાબાના કાઉન્ટર ઉપર જડ બેઠી રહી હતી. આંખોમાંથી સમુદ્ર વહેતો રહ્યો હતો. પીડા ચરમસીમાએ પહોંચી હતી. દરેક આશ, દરેક સ્વપ્ન ચકનાચૂર થઈ ગયા હતા. પ્રેમના બદલે પ્રેમ મળે એ પુસ્તકિયું જ્ઞાન બની રહી ગયું હતું. ખુદને તો પ્રેમને બદલે દગો મળ્યો હતો, પીડા મળી હતી, અસહ્ય પીડા ! ગળામાં લટકી રહેલું મંગળસૂત્ર અને સેથાનું સિંદૂર ફક્ત ઔપચારિકતા બની રહી ગયા હતા. એણે એક નજર ચારે દિશામાં ફેરવી હતી. જાણે બધી ઉપસ્થિત નજર એને ભોંકાઈ રહી હતી. એ શીઘ્ર બેઠક છોડી ઊભી થઈ ગઈ હતી અને એ બધી ઉપસ્થિત નજરોથી, એમાં ડોકાઈ રહેલા પ્રશ્નોથી દૂર ભાગી છૂટી હતી.

ખીણમાંથી મળી આવેલી પુરુષની લાશ પોલીસની ટુકડીને હાથ લાગી ગઈ હતી. ઢાબા પર કામ કરતા તરુણની પૂછપરછ થઈ રહી હતી.

" સાહેબ, હું નાની ઉંમરથી જ આ ઢાબા પર કામ કરું છું. શેઠને બહુ સારી રીતે જાણું છું. પરંતુ પહેલા તેઓ જુદા જ હતા. અત્યંત કાર્યશીલ અને બિન્દાસ્ત. એક જગ્યા એ ટકી રહેતા જ નહીં. પરંતુ અંતિમ એક વર્ષથી તેઓ તદ્દન બદલાઈ ગયા હતા. મોટેભાગે કાઉન્ટર ઉપર જ બેસી રહેતા. કશે આવતા જતા નહીં. આદેશ આપવા સિવાય કોઈની જોડે ઝાઝી વાતો કરતા નહીં. પોતાની જાતમાં જ પરોવાયેલા રહેતા. એક વાત કહું સાહેબ ? "

આંખો ઝીણી કરતો તરુણ પોલીસ અધિકારીના વધુ નજીક સરક્યો. એના અવાજમાં નાટકીય ફેરફાર પડઘાયો. જાણે અત્યંત સંવેદનશીલ માહિતી આપતો હોય એમ એણે ધીમા અવાજમાં આગળની માહિતી આપી.

" સાહેબ, એમની માનસિક પરિસ્થિતિ ઠીક ન હતી. એકલા એકલા વાતો કર્યા કરતા. ઢાબા પર આવતા ગ્રાહકો અને રસોડામાં કામ કરતી સ્ત્રીઓએ પણ ઘણી વાર એમને જાત જોડે જ વાતો કરતા નિહાળ્યા હતા. અને જો હું નોંધ લેતા પકડાતો તો મારી ઉપર વરસી પડતા. નકામી ગાળો ભાંડતા. પરિવારનું પેટ ભરવાની મજબૂરી ન હોત તો હું ક્યારનોય કામ છોડી જતો રહ્યો હોત. બધાને એમ જ લાગે છે કે જ્યારથી શેઠની પત્ની અકસ્માતમાં મૃત્યુ પામી હતી ત્યારથી જ તેમનું મગજ ચસકી ગયું હતું. "

પોલીસ અધિકારીએ તપાસ આગળ વધારતા અન્ય પ્રશ્ન પૂછ્યો,

" તે અંતિમ વાર શેઠને ક્યારે જોયા હતા ? "

ગળામાં ભેગું થયેલું થુંક નીચે ઉતારી થોડા ભયમિશ્રિત અવાજમાં તરુણે ઉત્તર આપ્યો.

" સાહેબ, તમે માનશો નહીં. ગઈ કાલે વહેલી સવારે હું શૌચાલય તરફ સાફસફાઈ કરી રહ્યો હતો ત્યારે મેં ફરી એમને દરરોજની જેમ જ કાઉન્ટર ઉપર એકલા એકલા વાતો કરતા નિહાળ્યા. મારા પર એમની નજર ગઈ કે ટેવ પ્રમાણે ગરજી પડ્યા. ગાળો ભાંડવા લાગ્યા. હું શૌચાલયની અંદર તરફ જતો રહ્યો. પણ ..."

" પણ શું ? " માહિતી વચ્ચે આવેલો વિરામ પોલીસ અધિકારીને અકળાવી રહ્યો.

" સાહેબ, મને એવી ભ્રાંતિ થઈ કે કોઈ અદ્રશ્ય શક્તિએ મને જકડી લીધો હોય. હું તરત જ બહાર તરફ ભાગી નીકળ્યો. રસોડામાં કામ કરતી સ્ત્રીઓ પણ બહાર આવી ગઈ હતી. એમણે મને જણાવ્યું કે સાહેબ અચાનક હૈયાફાટ રુદન કરતા જંગલ વિસ્તાર તરફ ભાગી ગયા. બસ, સાહેબ. એ ક્ષણ બાદ એ ઢાબા પર પરત થયા જ નહીં. "

" ઠીક છે. તારું નિવેદન નોંધી લીધું છે. જરૂર પડ્યે પોલીસ સ્ટેશન બોલાવીશ. આવી જજે. "

તરુણે હાથ જોડતા હામીમાં ગરદન હલાવી. પોલીસની ટુકડી શબને એમ્બ્યુલન્સમાં ગોઠવવા આગળ વધી.

હાઈવે પર દોડતી ભાગતી સ્ત્રી સામે અચાનક એક મોટી ટ્રક આવી ટક્કર લગાવી ગઈ. સ્ત્રીનું શરીર એ વજનદાર ટ્રકના ભારે પૈડાઓ નીચે નિર્દયપણે કચડાઈ ગયું. ભૂતકાળનું એ દ્રશ્ય ન જીરવાતા સ્ત્રીએ આંખોને ભીંસીને મીંચી લીધી. જયારે આંખો ઉઘડી ત્યારે એ ખીણના નીચેના વિસ્તારમાં હતી. પોલીસની ટુકડી અને એમ્બ્યુલન્સ શબને લઈ આગળ વધી ગયા. સૂના જંગલ વિસ્તારમાં ઊભી પુરુષની આત્મા સુન્ન ખાઈ બેઠી હતી. આંખોમાં ભેગા થયેલા આંસુને હડસેલતી સ્ત્રી મક્કમ અવાજમાં બોલી,

" માનવી સંસારમાં એકલો જ આવે છે અને સંસારમાંથી એકલો જ જાય છે. એકલતા જ માનવીનો સાચો સંગાથ છે. "

સ્ત્રીની આત્મા એ જ ક્ષણે મોક્ષ પામી હવામાં અદ્રશ્ય થઈ ગઈ.

પુરુષની આત્મા એકલી અટુલી એ ભેંકાર જંગલ વિસ્તારમાં ચીખતી રહી. પરંતુ એ અવાજ નીરવતામાં ભટકાઈ ફરી એકલતામાં પરત થઈ રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy