મૃત્યુ એક જુગાર !
મૃત્યુ એક જુગાર !
સમગ્ર ફિલ્મ જગત તથા ફિલ્મરસિકોમાં હાહાકાર વ્યાપી ગયો અને વિષાદમાં ગરકાવ થઈ ગયા, જ્યારે ટી.વી. તથા પ્રસારના અન્ય માધ્યમોએ સુપ્રસિદ્ધ, સફળ અભિનેત્રી ઈશિતા અગ્રવાલના આકસ્મિક મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા.
ઈશિતા અગ્રવાલ ફિલ્મ જગતની એક મશહૂર અભિનેત્રી. તેના પ્રથમ ચલચિત્રથી જ તેણે લોકમાનસ પર, તેની અભિનય ક્ષમતાથી સામ્રાજ્ય જમાવી દીધું હતું. નાયિકનું હોય કે ખલનાયિકાનું પ્રેમિકાનું હોય કે પૉલિસ અૉફિસરનું. ગમ્મે તે પાત્ર, તે એટલી સાહજિકતા અને બેખૂબી પૂર્વક નિભાવતી કે પ્રેક્ષકો તેના અભિનયથી અભિભૂત થઈ, થિયેટરમાં પૈસા ઉડાડતા ! અવારનવાર એક જ ચલચિત્ર જોવા જતા. તેને "સિલ્વર જ્યુબિલી હિરોઈન"નું બિરુદ આપેલ. તેનું અપ્રતિમ સૌંદર્ય પણ અદ્ભુત ! કોઈ પણ અપ્સરાને શરમાવે તેવું દેહ લાલિત્ય અને વાન. નાની વયમાં સૌથી સફળ અભિનેત્રીઓમાં તેની ગણના કરી શકાય. ફિલ્મ ક્ષેત્રે પ્રવેશતાં પહેલાં, જયારે તેને "મીસ વર્લ્ડ" તરીકે નવાજવામાં આવી ત્યારે તેના બુદ્ધિ - ચાતુર્યની પણ ભારોભાર પ્રશંસા થઈ હતી. આ રીતે સૌંદર્ય અને બુદ્ધિ - ચાતુર્યનો સુભગ સંગમ તો ભાગ્યે જ જોવા મળે ! એક લોકહ્રદય - સામ્રાજ્ઞીના આ રીતે અકાળ અવસાને સર્વને હચમચાવી દીધા !
દેશ - વિદેશમાં ઠેરઠેર ઈશિતા અગ્રવાલના મૃત્યુ વિશે અટકળો થવા લાગી. લોકો ટી.વી.ની સામે ગોઠવાઈ ગયાં અને મૃત્યુનું કારણ જાણવા ઉત્સુક થઈ ગયાં. દરેક પ્રસાર માધ્યમમાં એક જ પ્રશ્ન છવાયેલો રહ્યો. ઈશિતાનું મૃત્યુ એક અકસ્માત, આત્મહત્યા કે પછી હત્યા ?
ઈશાન અગ્રવાલે જ્યારે પત્નીને બાથટબમાં ડૂબેલી જોઈ, તરત જ ડૉક્ટર, પૉલિસ સગાસંબંધી, મિત્રવર્ગને ફોનથી જાણ કરી. પૉલિસે આવીને સઘન પૂછપરછ સાથે તપાસ હાથ ધરી. સર્વે કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા. ડૉક્ટરના જણાવ્યા મુજબ પૉસ્ટ મૉર્ટમના અહેવાલ અનુસાર ઈશિતાએ મદિરાપાનના અતિરેકને કારણે સમતોલન ગુમાવ્યું અને પાણીથી ભરેલ બાથટબમાં બેભાન અવસ્થામાં, લાંબો સમય રહેતાં, ગૂંગળામણથી મૃત્યુ થયાના અહેવાલ પ્રસારિત થયા.
ઈશાન અગ્રવાલનો પુત્ર વિશાલ સતત પૉલિસ સાથે વાતચીતમાં રહ્યો. ઈશાન અગ્રવાલ પૉલિસની શંકાના દાયરામાં હોતાં તેમની પણ સઘન પૂછપરછ ચાલુ જ હતી. દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે આ રીતે મૃત્યુ શક્ય જ કેમ બને ? આટલી જાજરમાન, વિચક્ષણ, હિંમતવાન અભિનેત્રી ન તો આત્મહત્યા કરે કે ન તો બેકાબૂ બને તેટલું મદ્યપાન કરે. અંતે લાંબા સમયની લોકોની આતુરતાનો અંત આવ્યો. સઘન તપાસને અંતે પૉલિસ રીપોર્ટમાં ઈશિતાનું મૃત્યુ એક અકસ્માત હોવાનું જાહેર થયું.
એક નામાંકિત અગ્રણીને જે રીતે વિદાયમાન મળે, એ રીતે ઈશિતાના નશ્વર દેહને પણ ખૂબ સુંદર શણગારવામાં આવ્યો. લોકદર્શનાર્થે રાખી, ભવ્ય સન્માન સાથે સ્મશાન યાત્રા કાઢી, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જે દેહ ગઈ કાલ સુધી બધાને મંત્રમુગ્ધ કરતો રહ્યો એ આજે પંચતત્વમાં વિલન થઈ ગયો. ફિલ્મ જગત તથા સિનેરસિકોએ એક ઉમદા અભિનેત્રી, અકાળે ગુમાવી દીધી.
ઈશિતાના અવસાનના થોડા દિવસ બાદ જ વિશાલ અગ્રવાલ મિત્રો સાથે મહેફિલમાં હતો. અતિશય મદ્યપાનના નશામાં ચૂર અવસ્થામાં કહેતો હતો. "મને તો આમ પણ મારી સાવકી માતા પ્રત્યે નફરત જ હતી. પણ જાહેરમાં તો મારે નાટક કરવું પડતું. મારી માનો ૨૦૦ કરોડ રુ.નો વિમો હતો. અને જો અકસ્માત મૃત્યુ થાય તો ૪૦૦ કરોડ રુ. પાકે. મેં પૉલિસને કીધું કે હું તમને ૧ કરોડ રુ. આપું. બીજા ૧ કરોડ રુ. તમે બધા વચ્ચે વહેંચી દેજો અને આ મામલો ખતમ કરો. તમે આ મૃત્યુને માત્ર અકસ્માત જાહેર કરો. બધા ખુશ. આને કહેવાય, 'હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો.'
સર્વે મિત્રો પણ દિગ્મૂઢ બનીને વિશાલને તાકી જ રહ્યા. માણસ નશામાં બોલતો હોય ત્યારે ઘણી વખત સત્ય બહાર આવે છે ! જો કે ઈશિતાના મૃત્યુનો કોયડો તો અકબંધ જ રહ્યો !