Padmaja Vasavada

Others

3  

Padmaja Vasavada

Others

અસમંજસ

અસમંજસ

2 mins
11.8K


"सीने में जलन आंखों में तूफ़ान सा क्यों है ?

इस शहर में हर शख्स परेशान सा क्यों है ? "

વર્તમાન પરિસ્થિતિમાં આ ગીત બહુ યાદ આવે. છેલ્લા દોઢેક માસથી એક અદ્રશ્ય,સૂક્ષ્મ જંતુએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો અને બધાને ઘરમાં કેદ કરી લીધાં.આકસ્મિક આવી પડેલ આપત્તિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું.જે દરરોજનું રળીને રોજીરોટી મેળવે છે તેમને બે ટંક જમવાનું મેળવવા માટેના પણ સાસા થઈ ગયા ! જે વર્ગ સાધન-સંપન્ન છે, તેને ખરીદશક્તિ હોવા છતાં, સાધનસામગ્રી મળવા ની તકલીફ. કુદરતે માણસને પરચો આપી દીધો, કે પૈસો જ સર્વસ્વ નથી !

આપણે દરેક આજે વિવિધ પ્રકારનાં માધ્યમો, રમતો ઈત્યાદિથી ઘરમાં સમય વ્યતિત કરીએ છીએ. બધા પોતપોતાની દૈનિક પ્રવૃત્તિ, સંગીત કે રસોઈકળાની વિડિયો, ફોટા સોશિયલ મીડિયામાં મૂકીને, આનંદમાં રહેવાનો પ્રયત્ન કરીએ પરંતુ આજે દરેકને મનના એક ખૂણે અજ્ઞાત ભય તો રહેલો જ છે કે હવે શું થશે ? આ પરિસ્થિતિનો અંત ક્યારે ? અને ત્યારબાદની પરિસ્થિતિ શું હશે ? કેટલાંય ને નોકરીની ચિંતા સાલે છે . આવનારી પેઢીનું ભવિષ્ય શું ? આ સદીની આ સહુથી મોટી મહામારી છે.

કેટલાયે હતાશાનો શિકાર બનશે. મારી જેવા કોઈ એવું પણ વિચારતાં હશે, કે જીવનમાં હજી કેટલું જોવાનું હશે ! ક્યાં સુધી આમ જાતને છેતરીને, મુખવટો પહેરીને ફર્યા કરશું ? કેટલાય પરિવારો છિન્નભિન્ન થઈ ગયા છે ! એકજ પરિવારના સભ્યો વિશ્વમાં જુદા જુદા ખૂણે રહેતા હોવાથી ચિંતા રહે. ક્યારે મળી શકાશે ? મળાશે કે નહીં ? ગમ્મે તેટલા આત્મીય, નિકટના સંબંધો હોય તેમ છતાં આ સમયે કોઈ કોઈનું નથી. માત્ર ડોક્ટરો અને નર્સો સિવાય ! ક્યારેક એવું લાગે છે એ બધું જાણીને પણ શાહમૃગની માફક આપણે મોઢું ઢાંકીને પરિસ્થિતિથી વિમુખ થવા પ્રયત્ન કરીએ છીએ. ક્યારેક એવું પણ લાગે કે, એ વાત સાચી છે," You can talk of philosophy ,only when your stomach is full."

દરરોજ દિવસને અંતે આવા વિચારો આવે અને" सीदन्ति मम गात्राणि, मुखम् च परिशुष्यति ।" જેવી સંવેદનાઓ વચ્ચે ઝોલાં ખવાય અને નિદ્રાધીન થઈ જવાય. બીજે દિવસે સવારે કોઈ ગેબીશક્તિ ફરી," उत्तिष्ठ जाग्रत " કહીને ઉઠાડે, અને કાનમાં આવીને કહે. " ડર નહીં. હું છું ને ! ધીરજ રાખ. સહુ સારા વાનાં થઈ જશે." અને ફરી નવી શક્તિનો સંચાર થઈ જાય. ફરી પાછું હિંમત અને હાસ્યનું mask પહેરીને corona ને ડરાવવા સજ્જ થઈ જાઉં.


Rate this content
Log in