પપ્પાનો કબાટ
પપ્પાનો કબાટ
" પપ્પા, આંખો બંધ કરો." આર્જવે તેની બાળસહજ છટામાં આશિતને હૂકમ કર્યો. આશિતે આંખો બંધ કરી. " હવે ખોલો." આંખો ખોલતાં જ, આશિતના હાથમાં, આર્જવે તૈયાર કરેલું "ફાધર્સ ડે." નું એક સુંદર કાર્ડ મૂક્યું. " યૂ આર ધ બેસ્ટ ફાધર ઓફ ધ વર્લ્ડ." અને આશિતે તેને વ્હાલથી ચૂમી લીધો. સાથે આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં ! તેને પોતાના પપ્પા યાદ આવી ગયા. આર્જવ થોડીવાર પછી બહાર રમવા ગયો અને આશિત પપ્પાના ફોટા સામે બેસી, " ફાધર્સ ડે." ના દિવસે, પપ્પાના સ્મરણો વાગોળવા લાગ્યો.
"પપ્પા, મેં તો તમને કદી " ફાધર્સ ડે. " વીશ પણ નથી કર્યો ! પપ્પા, તમે તો અમારા પાંચ ભાઈ-બેન માટે, જાણે" અલ્લાઉદ્દિનના જિન " હો , તેમ અમે હંમેશાં અમારી માંગણીઓ તમારી સામે મૂકતા અને તમે કદી અમને ના ન કહેતા." સગવડ થશે એટલે લાવીશ. " કહી થોડા દિવસમાં જ હાજર કરતાં. તમે હંમેશાં ઓફિસમાં ઓવર ટાઈમ કામ કરતાં. ક્યારેક અન્ય પરચૂરણ કામ પણ કરતાં. અમને તમારે માટે સતત ફરિયાદ રહેતી. "બધાના પપ્પાની જેમ આપણા પપ્પા કેમ વહેલા ઘેર નથી આવતા ?"
તમારો એક નાનકડો કબાટ. જેની ચાવી તમારા જનોઈમાં જ ભેરવી રાખતા. એ કબાટ મેં હજી તમારી સ્મૃતિ રુપે સાચવી રાખ્યો છે. અમને કોઈને કદી એ કબાટ ખોલવાની કે અંદર જોવાની પરવાનગી ન હતી. ત્યારે અમને બધા ભાંડરુને એવું લાગતું કે જરુર આ કબાટમાં પપ્પાનો ખજાનો છૂપાયો છે. પપ્પા પાસે ખૂબ પૈસા છે પણ આપણને આપતા નથી. અમે કેટલા અબુધ હતા, કે તમારી આવક શું છે તે જાણવાની પણ સમજ ન હતી ! બધા ભાંડરુમાં હું સહુથી મોટો. ખૂબ લાડકોડથી ઊછર્યો.જીદ્દિ પણ ઘણો હતો. એકવાર મેં મારા ફ્રેન્ડ કુણાલ જેવી સાઈકલ લેવા માટે કેટલી જિદ્દ કરી હતી ? ( મને ત્યારે ક્યાં ખબર પડતી હતી કે કુણાલના પપ્પાનો તો મોટો બિઝનેસ છે.) તમે મને ત્યારે પહેલી વાર જિદ્દ કરવા માટે વઢ્યા હતા ! હું ખૂબ રડ્યો હતો. રડતાં રડતાં જમ્યા વિના જ સૂઈ ગયો હતો. બીજે દિવસે મને સમજાવીને જમાડ્યો અને થોડા દિવસમાં જ સાઈકલ પણ લઈ આવ્યા. પપ્પા, આજે મને એ વાતનું બહુ જ દુઃખ છે કે હું એટલો નાસમજ હતો કે પપ્પાના ફાટેલા ગંજી, મોજાં, બૂટના તળિયે પડેલાં કાણાં પણ ન જોઈ શક્યો ?? આજે મારે તો એક જ દિકરો છે. તમારા આશીર્વાદથી આવક પણ સારી છે. તેમ છતાં ક્યારેક આર્જવ જિદ્દ કરે તો તેને વઢું છું. પૈસાની કિંમત સમજાવું છું. પણ અમે તો પાંચ ભાઈ-બેન હતાં. તમે અને મમ્મી અમારા બધાની માંગ પૂરી કરવામાં અને ભણતર પાછળ ખર્ચ કરવામાં કઈ રીતે બે છેડા ભેગા કરતાં હશો ? એ વિચાર જ અકળાવે છે !
&n
bsp; કૉલેજમાં ગયા પછી તો જાણે નવી જ દુનિયામાં હોઉં તેમ, હરવા-ફરવા, તોફાન-મસ્તી અને મિત્રો સાથે જલસા કરવામાં જ સમય વિતાવ્યો. અર્થ શાસ્ત્ર ભણ્યો ત્યારે પણ તમારો વિચાર ન આવ્યો !
અચાનક જ એક દિવસ તમને હાર્ટએટેક આવ્યો અને હૉસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે જાણે અમારા દરેક ઉપર વીજળી ત્રાટકી હતી ! ડૉકટરે વધુ બોલવાની મનાઈ કરવા છતાં, તમે મને પાસે બોલાવી, વાતો કરી. " બેટા, હવે હું કદાચ વધુ નહીં જીવી શકું તેમ લાગે છે. તું મોટો દિકરો છે. હવે પછી ઘરની જવાબદારી તને સોંપું છું. તારી મમ્મી અને નાના ભાંડરુઓનું ધ્યાન રાખજે. મારાથી જેટલું શક્ય બન્યું તેટલો તમારો સારો ઉછેર કરી તમને ખુશ રાખવાની કોશિશ કરી છે. મારા કબાટની ચાવી તને સોંપું છું. તમને હંમેશા કૂતુહલ હતું ને કે એ કબાટમાં ખૂબ પૈસા છે.! તમે હવે તે સાચવજો. એ ખરેખર ' અલ્લાઉદ્દિનનો જાદુઈ ચિરાગ' છે." અને બે દિવસ પછી અમને બધાને નોધારાં કરીને તમે ઈશ્વરને ઘેર ચાલ્યા ગયા. પપ્પા, તમારો શ્વાસ બંધ થયો એ જ ઘડીથી આભ તૂટી પડયું હતું. તમારો કબાટ ખોલવાની તાલાવેલી દરેકને હતી. કબાટ ખોલ્યો તેમાંથી અગત્યના પત્રો અને તમારી ડાયરી મળ્યાં. એક નાનકડી તિજોરીમાં થોડા રુપિયા અને લક્ષ્મીજીની છબી હતી. સાથે તમારી સૅલરી સ્લિપ. જોયું તો લૉનના દરેક ખાનાં ભરેલા હતાં ! તમે અમારા શોખ પૂરા કરવા માટે કેટલી લૉન લીધી હતી !
મમ્મીની હિંમત અને મહેનતથી બધા ભાઈ-બહેન ભણીને આગળ વધ્યા. આવક શરુ થઈ. આજે અમે બધા ભાંડરુ જીવનમાં ખૂબ સરસ સ્થાયી છીએ. દરેકની આવક સારી છે. સુખ-સમૃદ્ધિ છે. માત્ર તમારી જ ખોટ છે. આજે જ્યારે જીવનની સમજણ છે ત્યારે એમ લાગે છે કે આજે જો તમે હોત તો તમારું થોડું ઋણ તો હું ચૂકવી શક્યો હોત ! પપ્પા હૅટ્સ ઑફ ટૂ યુ. યુ વૅર ધ બસ્ટ ફાધર ઑફ ધ વર્લ્ડ ! આવતા જન્મમાં પણ મારા પપ્પા તો તમે જ હોં ! હૅપ્પી ફાધર્સ ડે. " અને આશિત નાના બાળકની જેમ રડી પડ્યા.
અવાજ સાંભળીને અસ્મિતા પણ રસોડામાંથી દોડતી આવી." અચાનક શું થયું આશિત ? " કંઈ નહીં. આજે ફાધર્સ ડે ને દિવસે મને પણ પપ્પા યાદ આવી ગયા. તેમની સાથે વાતો કરી. પપ્પાના કબાટમાં આપણે પૈસા રાખીએ છીએ તેમાંથી પૈસા કાઢ. આપણે પાર્ટી કરીએ. આપણે તો " પોલું જ વગાડીએ છીએ. પપ્પાએ તો સાંબેલું વગાડી બતાવ્યું હતું !