Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Padmaja Vasavada

Inspirational


4.5  

Padmaja Vasavada

Inspirational


સર્વશક્તિમાનનું સામ

સર્વશક્તિમાનનું સામ

5 mins 249 5 mins 249

આજે નહોતો કોઈ" શૂટ એટ સાઇટ "નો ઓર્ડર કે નહોતી કોઈ ઈમરજન્સી. ન તો કોઈ મીલીટરી હાજર. તેમ છતાં દેશભરના લોકો એ એક જ સમયે પોતાને જે હાથ લાગ્યું. મંજીરાં,થાળી-ચમચી, ઘંટડી,તાળીઓ વિગેરેથી આ કપરા સમયમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને, જે લોકો ખડે પગે સેવા માટે હાજર છે તે સર્વનો આભાર માન્યો તે ખરેખર સ્તુત્ય છે. આ ઉપરથી આપણું નેતૃત્વ કેટલું સબળ અને સક્ષમ છે તેની પણ પ્રતીતિ મળી. પરંતુ માત્ર એ એક જ કારણ નથી. પણ મુખ્ય તો છે મૃત્યુ નો ભય. 

આજે ફરી એકવાર ઈશ્વરે તેના અસ્તિત્વનો પરચો બતાવી દીધો. વિશ્વની મહાસત્તા કહેવાય તેવા દેશો પણ, એક અતિસૂક્ષ્મ, નરી આંખે જોઇ પણ ન શકાય, તેવા જંતુને નાથવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. માણસ જ્યારે એમ સમજવા લાગે કે, તે ઈશ્વર કરતાં પણ મોટો શક્તિશાળી છે ત્યારે ઈશ્વરને એમ લાગે કે હવે મારે બ્રહ્માસ્ત્ર છોડવું પડશે ! જે સર્જન કરી શકે છે તે વિસર્જન પણ કરી શકે છે. પળવારમાં જ જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ કરી દેવાનું સામર્થ્ય છે તેનામાં.

આપણા પુરાણોમાં અને અન્ય ધર્મોમાં પણ આ પૃથ્વીનો પ્રલય ક્યારે થશે અને કેવી રીતે થશે તેના અનેક વર્ણનો આપેલાં છે. એકે તો ડૂમ્સ ડેની કલ્પના કરી છે. તે મુજબ એવું કહેવાય છે કે ડૂમ્સ ડે હશે, ત્યારે દરેક માણસ, જીવન દરમિયાન પોતાનાથી કોઈ અપરાધ થયો હોય કે કોઈને પણ દુઃખ પહોંચ્યું હોય તો તે સર્વેની અંતઃકરણપૂર્વક માફી માંગે. એક કન્ફેશન કરી લે .ઈશ્વર હંમેશા માણસને એક તક આપે છે. પણ તે સમજી શકતો નથી. માણસનો અહંકાર એટલો મોટો છે કે તે હંમેશા એમ જ માને છે કે, "અહમ બ્રહ્માસ્મિ" પરંતુ તેને ખ્યાલ નથી કે સમય શું કરી શકે છે ? "આદમી કો ચાહિયે વક્ત સે ડરકર રહે, કૌન જાને કિસ ઘડી, વક્ત કા બદલે મિજાજ" તેથી આ સમય છે કે માણસ , માણસના મનમાં રહેલા વાઈરસ જેવા કે ઈર્ષા, દ્વેષ ,અહંકાર, હુંસાતુંસી , વેરઝેર ને ભૂલીને રહે.

કોરોના વાઇરસ બીજી પણ જીવનની એક વાસ્તવિકતા બતાવે છે. "કોઈ કોઈનું નથી રે..." જ્યારે પણ કોઈ વ્યક્તિ આ રોગના સંક્રમણમાં આવે છે, ત્યારે આપણે જે સમાચારોમાં જોઈએ છે તે પ્રમાણે તેની આજુબાજુ તેનાં કોઈ સગાં ફરક તાં નથી. અરે ,માણસ અંતિમ શ્વાસ લેતો હોય ત્યારે પણ તેના કોઈ નજીકનાં સગાં નથી હોતા એની પાસે. તેને અંતિમ સ્થાને પહોંચાડવા માટે પણ હોસ્પિટલના માણસોજ હોય . આ બહુ કટુ વાસ્તવિકતા છે. આવા સમયમાં બધું ભૂલીને બધાં પરસ્પર સાથે હળીમળીને રહીએ. પ્રેમથી રહીએ. "કલ ક્યા હોગા કિસકો પતા."  આજે જ્યારે કુદરતી સંકટ આવી પડયું છે ત્યારે પરસ્પર મતભેદ ભૂલી એક જૂટ થવું જરૂરી છે. આપણાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય હૃદયપૂર્વક માફી માંગી લેવી અને આપણને કોઈથી દુઃખ પહોંચ્યું હોય તો તેને માફ કરી દો અને તેનો ન્યાય કરવાનું ઈશ્વર ઉપર છોડી દો. એક વાત નિશ્ચિત છે. "ઈશ્વરની લાઠીમાં અવાજ નથી."

આજે સમગ્ર વિશ્વ આ અણધારી આપત્તિનો સામનો કરી રહ્યું છે ત્યારે, હંમેશની જેમ કેટલાક લેભાગુઓ વિવિધ પ્રકારની અફવાઓ પણ ફેલાવે, અને બિહામણો માહોલ ઉભો કરી દે છે. તેને કારણે જનમાનસ ઉપર માનસિક અસર પહોંચી શકે છે. આજે મને શ્રી ચુનીલાલ મડિયાની એક વાર્તા "મારી નાખ્યાં રે..." ખૂબ યાદ આવે છે. તેની કથાવસ્તુ કંઈક આ પ્રમાણે છે . કેટલાક જાનૈયાઓને લઇને એક બસ એક માર્ગ ઉપરથી પસાર થાય છે. રાતનો સમય છે. જેમાં વચ્ચે એવો માર્ગ હોય છે, જેને વિષે લોકવાયકા હોય છે કે એ માર્ગ ઉપરથી હેમખેમ પસાર થવું મુશ્કેલ છે અને કેટલીક વખત જીવનું પણ જોખમ થઈ શકે છે. કોઈક એવું તત્ત્વ છે જે ઘણાનો જીવ લઇ લે છે. હવે તે રસ્તા ઉપર ઘણા ખાડા ટેકરા આવતા હોય તેથી બસમાં રોદા આવે ,એટલે બધાં એક સાથે બોલે. "મારી નાખ્યાં રે...." એવું વાતાવરણ થઇ જાય કે જાણે ખરેખર કોઈ મરી જવાનું હોય. તેમ છતાં વળી પાછા બધાં વાતો કરવા માંડે. તે બધાં વચ્ચે એક નાનો છોકરો હતો જે અવાચક બની, આ ચીસો સાંભળતો હતો અને બધા જે વાતો કરતાં હતાં તે સાંભળી ભયભીત થઈ ગયો હતો. પણ કોઈનું તેની પ્રત્યે ધ્યાન ન હતું. થોડો સમય થયો અને એ કથિત કઠિન રસ્તો પસાર થઈ ગયો એટલે બધાએ હાશકારો અનુભવી કહ્યું કે હવે વાંધો નથી. આપણે હેમખેમ પસાર થઈ ગયા. પરંતુ જ્યાં બસ ઊભી રહી અને જોયું તો પેલો છોકરો નિશ્ચેતન હતો. ભયનું માર્યું, તેનું હૃદય બંધ થઈ ગયું હતું.

આજે સતત ૨૪ કલાક, જે રીતે એક જ સમાચાર વિવિધ માધ્યમો દ્વારા ફેલાય છે તેનાથી ઘણાં નબળાં હૃદયનાં આબાલ - વૃદ્ધના માનસ ઉપર તેની વિપરીત અસર થઈ શકે છે. માટે દરેકને નમ્ર વિનંતી કે કોઈપણ પ્રકારની અફવા ફેલાવે નહીં કે સાંભળે નહીં અને કોઈનો અફવામાં સાથ ન આપે. ભયભીત થવાની જરૂર નથી. પરંતુ પરિસ્થિતિની ગંભીરતા સમજવી અતિ આવશ્યક છે. "માર પહેલાં તોબા" ન કરો. હા,આભ ફાટયું છે જરૂર. પણ તેમાં આપણે સહુ સાવચેતીના પગલાં લઈ અને સાથ સહકાર આપીને, તેમાં થીગડાં તો મારી શકીએ છીએ અને જેટલું બને તેટલું રોકવાની કોશિશ થઈ શકે છે.

આજે બીજી એક એ વાત પણ તરી આવે છે કે જે લોકો હંમેશા, "મને તો મરવાનો પણ સમય નથી." તેમ કહેતા, તેઓ આજે ઘરમાં ચાર દીવાલો વચ્ચે બેઠાં છે."માર્ચ એન્ડિંગ" માં તો કોઈને માથું ઊંચું કરવાનો પણ સમય ન હોય. તે દર્શાવે છે કે,"જાન હૈ તો જહાન હૈ." પણ જાણે આ વખતે ઈશ્વરના દરબારમાં "માર્ચ એન્ડિંગ"નો ટાર્ગેટ પુરો કરવાનો લાગે છે ! 

આજે ઈશ્વરે બધાંને પોતાના આત્માને પરખવાનો સમય આપ્યો છે. દરેક માણસમાં કોઈ ને કોઈ ક્ષમતા રહેલી છે. આ કપરા સમયમાં શાંતિ અને ધીરજ રાખી, સારી રીતે સમય પસાર થઈ શકે તેવી રચનાત્મક પ્રવૃત્તિ કરવી. બાળકોને પણ પ્રવૃત્ત રાખવાં અઘરું છે. પરંતુ "વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય." એ જ સાચું છે. બીરબલે અકબર બાદશાહને કહેલું એક વાક્ય હંમેશા યાદ રાખવું ."આ સમય પણ પસાર થઈ જશે." 

લડત ઘણી લાંબી છે. ધીરજ રાખવાની છે. ભયભીત થયા વિના ઈશ્વરને પ્રાર્થના કરીએ, "કીધો આજે કેમ વિલંબ, તુજ વિણ મુજને ના આલંબ." જે પણ ઈશ્વરને માનતા હો તેને સાચા હૃદયથી, આવી પડેલ સંકટમાંથી ઉગારવા પ્રાર્થના કરો. પ્રાર્થનામાં ઘણી શક્તિ છે. હાલમાં ચૈત્રી નવરાત્રી પણ છે તેથી માતાજીને પણ કહીએ "રક્ષા કરો જગદંબા ભવાની." સર્વેની સુખાકારી ની પ્રાર્થના.

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् ।।


Rate this content
Log in

More gujarati story from Padmaja Vasavada

Similar gujarati story from Inspirational