Padmaja Vasavada

Inspirational Thriller

4.5  

Padmaja Vasavada

Inspirational Thriller

પુનર્મિલન

પુનર્મિલન

6 mins
555


   " મમ્મી આજે તો બહુ સરસ ન્યૂઝ આપવાના છે. "કહેતાં જ, આભા, આસ્થાબેનને વળગીને ખુશીથી કુદવા માંડી. " અરે, પણ શું વાત છે તે તો કહે. " મમ્મી, મને અમેરિકાની, બૉસ્ટનની પ્રખ્યાત યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરવા માટે એડમિશન મળી ગયું છે. મારે એક મહિના પછી ત્યાં હાજર થવાનું છે." "અરે,વાહ ! "કહેતાં, આસ્થાબેનની આંખો હર્ષાશ્રુ થી છલકાઈ ગઈ ! તેમની સમક્ષ આટલાં વર્ષો નું જીવન ચલચિત્ર ની માફક ખડું થઈ ગયું. અશોકભાઈ સાથેનું લગ્નજીવન અને તેમની એક જ માત્ર પુત્રી આભા. અશોકભાઇના અકાળ અવસાન બાદ આભાને ઉજ્જવળ ભવિષ્ય મળે તે માટેના તેમના અથાગ પ્રયત્નોનું આજે યોગ્ય પરિણામ મળ્યું તેનો આનંદ પણ હતો.

         "મમ્મી,ફરી તું આમ ઉદાસ થઈ ગઈ ? તારી હિંમત અને મહેનત જ મને જીવનમાં આગળ વધવા માટે જોશ આપે છે. ચાલ, હવે જલ્દી તૈયાર થઈ જા. હવે મારી પાસે સમય ઓછો છે અને કામ ઘણાં. મારે અહીંના બધાં કામકાજ પતાવવાના છે. મારાં બધાં ડોક્યુમેન્ટસ્ તૈયાર કરવાના, શોપિંગ કરવાનું, સગાં- સંબંધીઓને જાણ કરવાની, મારી ટિકિટ બુક કરાવવાની, બેંકમાં લૉન માટે ની પ્રોસિજર કરવાની. મમ્મી, આપણે તારા વિઝા માટે પણ એપ્લાય કરી દેશું. હું એકાદ વર્ષમાં ત્યાં સ્થાયી થઈને પાર્ટટાઈમ જોબ શોધી લઈશ. પછી તારે પણ આવવાનું છે. મારા ભણવાના ત્રણ વર્ષ પૂરાં થઈ જાય પછી ત્યાં જ જોબ કરીશ." " બસ હવે. બહુ સપના જોવાનાં રહેવા દે. ઈશ્વર બધું સારું કરશે. ચાલ,હવે હું ચ્હા બનાવું છું. તું ફ્રેશ થઈ જા. ચ્હા - નાસ્તો કરી,આપણે નીકળીએ. "કહી આસ્થાબેન રસોડામાં ગયા.

         થોડા દિવસમાં હર્ષ-શોક મિશ્રિતભાવે,આભાને એરપોર્ટ મૂકીને આસ્થાબેન ઘેર આવ્યા. આભા વિના ઘર સૂનું લાગતું, પણ એકલતા સાથે જ જીવવાનું છે એ વિચારે મન ને ફરી સ્વસ્થ કર્યું." હલ્લો, મમ્મી, ઉઠો હવે સવાર પડી ગઈ." આભાનો ફોન રણક્યો." મમ્મી, મને અહીં હૉસ્ટેલમાં રહેવાની સારી સગવડ છે. ધીમે ધીમે ઇન્ડિયન ફ્રેન્ડસ્ પણ મળ્યા. ગુજરાતી પણ છે. મારી ચિંતા ન કરીશ. આજે અમારા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓનું ઇન્ટ્રોડક્શન સૅશન હતું. મેં, મારો પરિચય આપ્યો. અમારા સર મને જોઈને કહે," આર યુ ફ્રૉમ ગુજરાત ? " મેં કહ્યું. " યસ સર. " અને એ મારી સામે જોઈ જ રહ્યા. જાણે મને ઓળખતા ન હોય!!" વાહ,સરસ. મારી ચિંતા થોડી હળવી થઈ. "આસ્થા બેન ને રાહત થઈ.

         " મીસ અંબાણી. હું અહીં પાસે જ, સ્ટાફ ક્વાર્ટસમાં રહું છું. તમે પણ ગુજરાતી છો જાણી આનંદ થયો. કોઈ મુશ્કેલી હોય તો જણાવશો." " થેન્ક્યુ સર. " હૉસ્ટૅલ તરફ જતાં જ, રસ્તામાં,પ્રોફેસર આલોક અંતાણી, આભાને મળ્યા. સાંજે કૉલૅજ કેમ્પસમાં લટાર મારવા નીકળી અને થયું અંતાણી સરે કહ્યું છે તો મળતી આવું. "સર, તમે જો ઘેર હો તો હું આવું. " " વેલકમ." આલોકસર ના ઘરમાં પ્રવેશતાં જ, આભાને પોતીકાપણું લાગ્યું. ડ્રોઈંગ રૂમમાં પ્રવેશતાં જ,દીવાલ ઉપર ના એક પેઇન્ટિંગ ઉપર નજર પડી અને તે સ્તબ્ધ થઇ ગઈ !! "સર,આ કોનું પેઇન્ટિંગ છે ?" " કેમ, આશ્ચર્ય થાય છે ને ? મેં તને પહેલી વાર જોઈ ત્યારે મને પણ આ ચહેરો જ યાદ આવ્યો હતો. આ મારી જિંદગી છે. " "મને સમજાયું નહીં.સર." " અમારી વચ્ચે અગાઢ પ્રેમ હતો. પરંતુ કુદરતને મંજૂર નહોતું. તેના પપ્પાને મારી જ્ઞાતિ અને મારી આર્થિક પરિસ્થિતિનો વિરોધ હતો તેથી લગ્ન શક્ય ન બન્યા.અને અમો વિખૂટા પડી ગયા. ત્યારબાદ મેં અહીં આવીને વધુ ડીગ્રી મેળવી અને સ્થાયી થયો. આટલાં વર્ષોમાં કોઇ સંપર્ક નથી પરંતુ હું તેને મારી પ્રેરણામૂર્તિ માનું છું. મારા જીવનમાં તેના સિવાય કોઇને સ્થાન નથી. " "સર, એમનું નામ શું હતું ?" " મિસ આસ્થા શાહ. અમે અમદાવાદમાં કોલેજમાં સાથે ભણતા હતા." સાંભળીને જ આભા અવાચક બની ગઈ ! " તારો ચહેરો જોયો. વાતચીત અને હાવભાવ. ત્યારથી જ તારામાં આસ્થાની આભા દેખાય છે. કહે છે કે વિશ્વભરમાં સાત વ્યક્તિઓ એક સરખા ચહેરાવાળી હોય છે. પરંતુ તને જોઇ ત્યારથી એવી અનુભૂતિ થાય છે જાણે આસ્થાની યુવાની. એ જ વાક્છટા,એ જ સૌંદર્ય ! " " સર, તમારું અનુમાન તદ્દન સાચું છે.આસ્થા શાહ અને લગ્ન બાદ આસ્થા અંબાણી. મારી મમ્મી છે. સર,જિંદગી પણ કેવા ત્રિભેટે મેળવી આપે છે બધાંને !!તમારો પ્રેમ ખરેખર અમર છે. જે મિલન ભૂતકાળમાં શક્ય ન બની શક્યું તે આજે શક્ય બની શકે ? " "આ વિચાર પણ મારા માટે પાપ છે. " "સર, એ પાપ નહીં પરંતુ પુણ્યનું કાર્ય થશે. મારા પપ્પાને એક દિવસ સીવીઅર હાર્ટ એટેક આવ્યો અને દસ વર્ષ પહેલાં જ મને અને મમ્મીને એકલાં મૂકીને વિદાય થયા. ત્યારે હું અગિયાર વર્ષની હતી અને મારા મમ્મીએ મારે ખાતર પોતાના જીવનનું સુખ ત્યજી દીધું અને મારો ઉછેર કર્યો. મારી મમ્મીના જીવનમાં જો ફરી વસંત ખીલશે,તો હું ધન્ય થઈશ." આભાની આંખો છલકાઇ ઊઠી. " તારી મમ્મી આ પ્રસ્તાવ સ્વીકારશે ?" " સર, તમે જ મમ્મી સાથે વાત કરો."

         " હલ્લો,કોણ ? " " આસ્થા,આલોક અંતાણી. બૉસ્ટનથી બોલું છું. " આ..લોક !! આટલાં વર્ષ પછી ?? " " તારી કહું કે તમારી એ સંબોધનના અવઢવમાં છું. હું અહીંની કૉલેજમાં પ્રોફેસર છું. આભાને ક્લાસમાં જોઇ ત્યારથી તેમાં આસ્થાની આભા દેખાતી હતી. તેથી તેને પૂછ્યું,ત્યારે મારૂં અનુમાન સાચું ઠર્યું. તમારા જીવન વિશે જાણી ઘણું દુઃખ થયું." " પણ તમે ત્યાં કેવી રીતે ?" "આસ્થા,તમારા પપ્પાને મારી આર્થિક પરિસ્થિતિ, મારી જ્ઞાતિ અને મારા વ્યવસાયનો વિરોધ હતો તેથી આપણું સહજીવન શક્ય ન બન્યું. આપણે છુટા પડ્યાં પછી, હું વધુ અભ્યાસાર્થે અહીં આવ્યો અને સ્થાયી થયો. આજે વીસ વર્ષ બાદ તમારા સમાચાર જાણ્યા. જીવનભર તારો ઋણી છું. મારી હતાશાના સમયે તે કહ્યું હતું. " છોડ દે સારી દુનિયા કિસી કે લિયે,યે મુનાસીબ નહીં આદમી કે લિયે. " અને એ દુનિયા મેં પાછળ છોડી દીધી. અને અહીં જ નવજીવનની શરૂઆત કરી. અહીં યુવાનો-યુવતીઓને ભણાવવામાં અને વાંચન - લેખનમાં મારા જીવનનો માર્ગ વાળ્યો." " તમારું લગ્નજીવન ?? "આસ્થાએ થોથવાતા પૂછ્યું." આસ્થા, મારા જીવનમાં અન્ય કોઈને સ્થાન આપ્યું નથી." " ઓહ ! " " તમારા પતિના દુઃખદ અવસાનના સમાચાર જાણ્યા. " " આલોક, મારા પપ્પાને બિઝનેસ કરતા, અમારી જ્ઞાતિના જ યુવાન સાથે મારા લગ્ન કરાવવા હતા. અશોક સાથે મારા લગ્ન થયા. અશોક ખૂબ સજ્જન હતા. પરંતુ સતત તેમના શેરબજાર અને વ્યવસાયમાં વ્યસ્ત. થોડા વર્ષ બાદ તેમના એક ભાગીદારે દગો કર્યો અને શેરબજારમાં પણ બહુ ખોટ ગઈ. એક દિવસ અચાનક તેમને મૅસીવ હાર્ટએટેક આવ્યો અને મને અને નાની આભાને નિરાધાર છોડી વિદાય લીધી. ત્યારબાદ ધીમેધીમે સ્વસ્થ થઈ, પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ થઈ. આભાને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો નિર્ધાર કર્યો. એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી સ્વીકારી. આજે આભાની પ્રગતિ જોઇને આનંદ થાય છે." 

         " આ સાથે આભાને જો પિતાનો પ્રેમ પણ મળી જાય તો ? આસ્થા,આપણે છેલ્લે છૂટા પડ્યા ત્યારે મેં કહ્યું હતું એ યાદ છે ?" " હમ ઈન્તજાર કરેંગે,તેરા કયામત તક. ખુદા કરે, કે કયામત હો,ઔર તૂ આયે." કદાચ ઈશ્વરે એટલે જ આપણો આ રીતે મેળાપ કરાવ્યો છે." આલોક, એ શક્ય નથી. હું એક ભવમાં બે ભવ ન કરી શકું. " " યાદ છે આસ્થા? આપણે કોલેજમાં કવિ કલાપીની નૃત્યનાટિકા ભજવી હતી. તેમાં કલાપી કહે છે. "દેહલગ્નની વિધવાને, પુનર્લગ્ન સમાન કોઈ પુણ્ય નથી. અને સ્નેહલગ્નની વિધવાને પુનર્લગ્ન સમાન કોઈ પાપ નથી. " સામાજિક સ્વીકૃતિની પણ કોઈ પરવાહ કરવાની જરૂર નથી. અને આમ પણ અહીંની દુનિયામાં તો આ કંઈ નવું નથી. માત્ર તારી સંમતિની જરુર છે. હું રાહ જોઈશ." આસ્થા અવાચક બની વિચારી રહી.

         બીજે દિવસે સવારના જ આભાનો ફોન આવ્યો. " મમ્મી, આલોક સર સાથે મારે વાત થઇ છે. તું મારી ખુશી ઇચ્છતી હોય તો તું હા પાડી દે. હું તને ખૂબ ખુશ જોવા ઈચ્છું છું. આટલાં વર્ષ, સંસારમાં મારે માટે ભેખ લઈને જીવી. હું ના નહીં સાંભળું. એક મહિના પછી વેકેશન પડે છે. હું અને આલોક સર આવીએ છીએ. તું તૈયારી કરી રાખજે. આપણે લગ્નવિધિ પૂર્ણ કરી સાથે જ અહીં આવશું."

         " હવે સર નહીં. પપ્પા કહે બેટા ! " આસ્થા અને આભાને લઈને, જીવનનો બીજો અધ્યાય શરુ કરવા આલોક ના વિમાને ટૅઈક ઑફ કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational