સારથી
સારથી
" દાદી, તમે આ કઈ બુક વાંચો છો ? ક્ષમાબેન પાસે આવી ગોપાલે કૂતુહલતાથી પૂછ્યું. " બેટા, આ આપણો મહાન ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાજી છે." તેમાં કઈ સ્ટોરી છે તે મને કહો ને ! " બેટા, તેમાં કોઈ વાર્તા નથી પણ મહાભારતની જે સ્ટોરી મેં તને કહી હતી, તેમાં કૌરવો અને પાંડવો વચ્ચે જે વૉર થયું હતું, તેની પહેલાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવવા માટે જે કહ્યું હતું તેની બુક છે. તેમાં અઢાર ચેપ્ટર છે." કેમ દાદી, અર્જુનને કંઈ સમજ નહોતી પડતી ? " બેટા, અર્જુન તો ખૂબ શ્રેષ્ઠ બાણાવળી હતો. હિ વોઝ અ ગ્રેટ ફાઈટર ! અને બધા શાસ્ત્રોનો પણ જાણકાર હતો. પણ જ્યારે વોર શરૂ થવાનું હતું તારે તે બહુ ગભરાઈ ગયો હતો. તેને થયું કે હું મારા કઝીન્સ, મારા ટીચર્સ અને મારા એલ્ડર્સની સામે કેવી રીતે લડાઈ કરી શકું ? મારે લડાઈ કરવી નથી." ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેને સમજાવે છે કે આપણે જ્યારે સાચા હોઈએ અને કોઈ આપણને બહુ હેરાન કર્યા કરે તો આપણે તેની સાથે ફાઈટ કરવી જ પડે. પછી ભલે ને સામે કોઈ પણ હોય ! પહેલાં આપણે તેને સમજાવવાના. ફ્રેનડશીપ કરવાનું કહેવાનું. તો પણ માને નહીં તો ફાઈટ કરવી પડે.
શ્રીકૃષ્ણ ભગવાને ઘણું સમજાવ્યો પછી અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થયો." દાદી, તમે આ બુક વાંચો છો પણ તમે પણ અર્જુન જેવા જ છો. "કેમ એવું કહે છે બેટા ?" " દાદી ,હું તમને ઘણી બધી વાર જોઉં છું, તમને કોઈ હર્ટ કરે તો તમે સેડ થઈ જાવ છો. કોઈવાર તો રડતા હો છો. તમારે પણ તમને જે હર્ટ કરે એ બધા સાથે ફાઈટ કરવી જોઈએ ને !" "તારી વાત તો સાચી છે બેટા , પણ મને પણ અર્જુનની જેમ જ મારા રિલેટિવ સાથે ફાઈટ કરવી ગમતી નથી." " દાદી, એમ ન ચાલે, હવે તમે એ બધાની સાથે લડજો." " બેટા, અર્જુન સાથે તો શ્રીકૃષ્ણ ભગવાન હતા. મારી સાથે ક્યાં ?"" દાદી, તમે જ કહો છો ને કે આપણે સાચા હોઈએ અને સારા હોઈએ તો ભગવાન આપણી સાથે જ હોય !"" અને હું પણ છું ને તમારી સાથે ! હું બધાને કહી દઈશ કે મારા દાદીને કોઈએ હર્ટ નહીં કરવાના !!"
ક્ષમાબેનની આંખો તો આંસુથી છલકાઈ ગઈ ! જાણે ગોપાલ તેમના જીવનરથનો સારથી બનીને આવ્યો !
