હકીકત એમ હતી કે
હકીકત એમ હતી કે


ડોરબેલ વાગ્યો ત્યારે કેયુરી રસોડામાં હતી. બપોરના બે વાગી ગયા હતા, પણ તે હજી ઘરના કામકાજમાં જ અટવાયેલી હતી. સંદીપ તો સવારે દસ વાગે જ ઓફીસ જવા માટે નીકળી ગયા હતા. કામવાળી બાઈ આજે રાજા પર હતી એટલે ઘરનું બધું કામ કેય્રુરીને માથે જ હતું. મનમાં કામવાળીને ખરુંખોટું સંભળાવતી તે કામમાં પરોવાયેલી હતી, ‘આ કામવાળા પણ હરામ હાડકાનાં હોય છે, દિવાળીના દિવસોમાં જ એમને વારંવાર બહાના કરી રજાઓ પડવાની ટેવ પડી ગઈ છે”. એટલામાં આ ડોરબેલ વાગ્યો. “એ આવું, કોણ છે ? ખરા બપોરે !” એમ બડબડતી એ દરવાજા તરફ ગઈ. દરવાજો ખોલ્યો તો કુરિયરવાળો હતો. સંદીપની ઘણી ટપાલો આવી રીતે ઘરે આવતી. પણ આજે જે છોકરો ટપાલ લઈને આવ્યો હતો એ રોજવાળો ન હતો. કોઈ નવો જ હતો. રોજની જેમ કેયુરીએ સહી કરવા માટે કાગળ માગ્યો તો કુરિયરવાળા એ કહ્યું કોઈ સહીની જરૂર નથી. કેયુરીને થોડું અજુગતું પણ લાગ્યું. પણ તેણે મન પર કંઈ લીધું નહિ. અને ટપાલ લઈને રોજની ટેવ મુજબ સોફા પર ફેંકી. આ જોઈને કુરિયરવાળો બોલ્યો, “મેડમ આ તો તમારા માટે છે.” એમ બોલી તે સડસડાટ કરતો સીડીઓ ઉતરી ગયો. કેયુરીને નવાઈ લાગી, “મારા માટે વળી કોણે કવર મોકલ્યું હશે !” આશ્ચર્યભાવ સાથે તેણે ફરીથી કવર હાથમાં લીધું. તેને નવાઈ લાગી કવર પર કોઈ જગ્યાએ મોકલનારે પોતાનું નામ લખ્યું ન હતું.
એક જાતની આતુરતાથી કેયુરીએ કવર ખોલ્યું અને અંદરનો કાગળ વાંચવા લાગી. જેમ જેમ તે વાંચતી ગઈ તેનો ચહેરો આનંદથી ખિલતો ગયો.
‘કેયુરી મને માફ કરી દે. આજે ઘણાં વરસ પછી તારો સંપર્ક કરું છુ. મે તને મહેસાણામાં ખુબ શોધી પણ ક્યાંય તારી ભાળ ના મળી. હુ થાકીને અમદાવાદમાં સેટલ થયો. અહીં એકવાર મે સંદીપને જોયો. અને મને આશાનું કિરણ ફૂટ્યું કે તુ અને સંદીપ અમદાવાદમાં જ છો. મે સંતાઈને સંદીપનો પીછો કર્યો અને તારા ઘરની ભાળ મેળવી. હું તને અત્યારે જ મળવા માગું છું. હોટેલ ધરતીમાં સાંજે ચાર વાગે ટેબલ નંબર સાત પર હું તારી રાહ જોઈશ. હંમેશની જેમ આજે પણ તારી રાહ જોતો . . .”
= તારો અને માત્ર તારો વિનીત.
“કાગળ વાંચીને કેયુરી ઝૂમી જ ઉઠી. કાગળને છાતીએ વળગાડીને તે હરખથી સોફામાં આડી પડી. ફરી એક વાર કાગળ વાંચવા લાગી જેમ જેમ કાગળ વંચાતો ગયો, કેયુરી પોતાના ભૂતકાળમાં સરતી ગઈ. તેની આંખો આગળ ચાર વરસ પહેલાના કોલેજના છેલ્લા વરસના દિવસો ફિલ્મની જેમ પસાર થવા લાગ્યા.
આજથી ચાર વરસ પહેલા કેયુરી, સંદીપ અને વિનીત મહેસાણાની સાર્વજનિક કોલેજમાં એક જ ક્લાસમાં ભેગા ભણતા હતા. કેયુરીના પિતા રજનીભાઈ એ જ સાર્વજનિક કોલેજમાં પ્રોફેસર હતા. આમ તો સંદીપ, કેયુરી અને વિનીત ત્રણેય પાકા મિત્રો હતાં, પણ તેમ છતાં આખી કોલેજમાં વિનીત અને કેયુરી વચ્ચે મિત્રતા કરતાં કંઇક વધુ હોવાની ચર્ચા હંમેશા થતી રહેતી. ઘણીવાર તો કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે કેયુરી વિનીત સાથે જ લગ્ન કરશે તેવી શરતો પણ લાગતી. સંદીપ સ્વભાવે શરમાળ પણ સંસ્કારી છોકરો હતો. એકવાર કોલેજની કેટલીક છોકરીઓએ પ્રોફેસર રજનીભાઈને ફરિયાદ કરી કે ‘ટી.વાય.બી.કોમ નો એક છોકરો છોકરીઓના વોશરૂમમાં (સેનિટેશન) મોબાઈલ મુકીને છોકરીઓની વિડીઓગ્રાફી કરે છે. રજનીભાઈએ આ વાત ધ્યાને લઈને છોકરીઓના વોશરૂમની બરાબર વોચ ગોઠવી. અને એમને સફળતા પણ મળી, કે એક વિદ્યાર્થી મોઢે રૂમાલ બાંધીને ચાલુ તાસે છોકરીઓના વોશરૂમમાં મોબાઈલ ગોઠવી રહ્યો હતો. રજનીભાઈએ કોલેજના સેવકભાઈઓને તૈયાર જ રાખ્યા હતા. એ છોકરો જેવો બહાર નીકળ્યો કે સેવકોએ તેને પકડી પડ્યો. તેણે પ્રિન્સીપાલની કેબીનમાં લઇ જવામાં આવ્યો. આ છોકરો બીજો કોઈ નહિ પણ વિનીત જ હતો.
તેની આવી વર્તણુંક બદલ તેને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો. આ વાતની જાણ કેયુરીને થઈ ત્યારે તે ખુબ દુઃખી થઈ. તે આ વાત માનવા તૈયાર જ ન હતી. તેણે પોતાના પિતા રજનીભાઈને ખુબ વિનંતી કરી કે વિનીતને કોલેજમાંથી કાઢી મુકવામાં ન આવે. પણ એનું કંઈ ચાલ્યું નહિ. ભલે વિનીતની કોલેજ બંધ થઈ ગઈ પણ, તે અને કેયુરી કોલેજની બહાર મળતાં જ રહ્યા. આ વાતની જાણ એક દિવસ કેયુરીના પિતા રજનીભાઈને થઈ. તેમણે કેયુરીને સમજવાનો ખુબ પ્રયત્ન કર્યો કે તે વિનીતને ન મળે તે સારો છોકરો નથી. પણ કેયુરી કોઈ રીતે માનવા તૈયાર ન હતી. તે પોતાના પિતાની મરજી વિરુધ વિનીતને મળતી રહી. એટલું જ નહિ તેમણે એક બીજા સાથે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું. આ સમયગાળા દરમ્યાન વિનીત કેયુરીનો દુરોપયોગ કરતો હતો અને તેને છેતરતો હતો. આમ કરતાં સમય વીત્યો કેયુરી અને સંદીપનું કોલેજનું શિક્ષણ પૂરું થયું. સંદીપ અમદાવાદ પોતાના પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયો. એ જ અરસામાં વિનીત એક મોટરબાઈક ચોરીના કેસમાં પોલીસના હાથે પકડાઈ ગયો અને તેને જેલ થઈ ગઈ.
હવે રજનીભાઈને કેયુરીની ચિંતા થવા લાગી. તેમણે ડર હતો કે વિનીતની વાતોમાં આવીને કેયુરી કોઈ આડું-અવળું પગલું ન ભરી દે. તેમણે સારું ઠેકાણું જોઈને કેયુરીના લગ્ન ગોઠવી દેવાનું નક્કી કર્યું. એટલામાં એક દિવસ સંદીપ પોતાના વ્યવસાયની નવી ઓફીસના ઉદઘાટન પ્રસંગની આમંત્રણ પત્રિકા લઈને પોતાના ગુરુ રજનીભાઈને મળવા આવ્યો. રજનીભાઈએ સંદીપ સાથે બેસીને ખુબ વાતો કરી. સંદીપના ગયા પછી રજનીભાઈને વિચાર આવ્યો કે કેયુરી માટે સંદીપ શ્રેષ્ઠ છોકરો છે. તેઓ સંદીપને કોલેજ સમયથી ઓળખતા હતા. તેમણે આ વાત કેયુરીને કરી. તેણે સંદીપ જોડે લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી. તેમ છતાં તેની મરજી વિરુધ તેમેણે સંદીપના પરિવારને બોલાવીને સબંધ પાક્કો કર્યો. સંદીપ પણ મનથી કેયુરીને પસંદ કરતો હતો. એટલે તે લગ્ન માટે તૈયાર થયો. રજનીભાઈની જિદ આગળ કેયુરીને મજબુર થવું પડ્યું અને સંદીપ સાથે લગ્ન કરવા પડ્યા. લગ્ન બાદ કેયુરી અને સંદીપ અમદાવાદમાં સેટલ થયા હતા.
આજે કેયુરી અને સંદીપના લગ્નને ચાર ચાર વરસ થઈ ગયા હતા. પણ ના તો કેયુરી અને સંદીપના મન એક થઈ શક્ય હતાં કે ના તો તન. ચાર ચાર વરસના લગ્ન જીવન બાદ પણ કેયુરી અને સંદીપ કુંવારા જ હતાં. સંદીપનો પરિવાર તો કેયુરીનો ખોળો જલ્દી ભરાય એ માટે મન્નતો રાખવા લાગ્યો હતો. પણ હકીકત તો કંઇક જુદી જ હતી. સંદીપને પોતાના ગુરુ રજનીભાઈ પ્રત્યે ખુબ આદરભાવ હતો એટલે તે એમને બધી હકીકત કહીને દુઃખી કરવા માંગતો ન હતો. તેણે પણ જેમ ચાલતું હતું તેમ ચાલવા દીધું કોઈને કશુંજ કહ્યું નહિ. પણ તે કેયુરીને ખરા દિલથી છાહ્તો હતો. પોતાની સાથે પરાયા જેવું વર્તન કરનાર કેયુંરીની નાનામાં નાની જરૂરિયાતોનો તે ખ્યાલ રાખતો હતો. દર વરસે કેયુરીના જન્મદિવસ અને લગ્નની તારીખ નિમિતે મોઘીદાટ સાડીઓ અને આભૂષણોની ગિફ્ટ આપતો હતો. પણ કેયુરી ક્યારેય સંદીપના પ્રેમને ઓળખી શકી નહિ. એ બધી જ સાડીઓ અને અભુષણ તિજોરીમાં એમને એમ પેક પડ્યા હતાં. એમાંથી એક પણ વસ્તુ કેયુરીએ સ્વીકારી ન હતી.”
એટલામાં જ ફરીથી ડોરબેલ વાગ્યોને કેયુરીની વિચારમાળા તૂટી. તેણે ઉભા થઈને દરવાજો ખોલ્યો તો કપડાંવાળો ઈસ્ત્રી માટે કપડાં લેવા આવ્યો હતો. કેયુરીએ તેને કપડાં આપીને રવાના કર્યો. ઘડિયાળમાં જોયું તો ત્રણ વાગી ગયા હતાં. તેને ભાન થયું કે ચાર વાગે તેણે વિનીતને મળવા હોટેલ ધરતીમાં જવાનું હતું. તે ફટાફટ તૈયાર થવાનું વિચારવા લાગી. વિનીતને મળવાનો આનંદ તેને હૈયે સમાતો ન હતો. પણ કબાટ ખોલ્યું તો ખ્યાલ આવ્યો કે નવા કપડાં તો ઈસ્ત્રીવાળાને આપી દીધા હતાં. અને તેના દાગીના પણ લોકરમાં પડ્યા હતાં. તે મુઝવણમાં મુકાઈ ગઈ હવે શું પહેરીને જવું. ત્યાંજ તેને સંદીપના આપેલાં કપડાં અને દાગીના યાદ આવ્યા. તેણે ઝટપટ તિજોરી ખોલીને કપડાં કાઢ્યા અને દાગીના પહેરી તૈયાર થઈ. નીચે આવીને તેણે રીક્ષા પકડી અને હોટેલ ધરતી તરફ નીકળી પડી.
હોટેલમાં પહોંચી તેણે આડા-અવળા ડાફેરા માર્યા. તેની આંખો વિનીતને શોધી રહી હતી. તેનું મન વિનીતને મળવા વ્યાકુળ હતું. પણ ત્યાં કોઈ દેખાતું ન હતું. એટલામાં હોટેલના મેનેજરે આવીને કેયુરીને પૂછ્યું, ‘કેય્રુરી મેડમ ?” કેયુરીએ હકારમાં માથું હલાવ્યું. મનેજરે જવાબ એક ટેબલ તરફ ઈશારો કરતાં કહ્યું ‘ટેબલ નંબર સાત મેડમ.” કેયુરી મેનેજરના ઈશારા તરફ ટેબલ નંબર સાત તરફ ગોઠવાઈ. પણ ત્યાં પણ કોઈ હતું નહિ. એટલામાં મેનેજેરે આવીને કેયુરીના હાથમાં એક કવર આપ્યુંને કહ્યું કે કોઈ આપના માટે મુકીને ગયું છે. કેયુરીને ખુબ નવાઈ લાગી. વિનીત પોતાને મળવાનું કહીને કેમ નહિ રોકાયો હોય ! અને આ કવરમાં શું હશે ! તેણે કવર ખોલ્યું અને અંદરની વસ્તુ બહાર કાઢી. વસ્તુ અડધી જ બહાર આવીને કેયુરીની આંખો ફાટી ગઈ. તેણે તરત જ કવર બંધ કર્યું. અને આજુબાજુ આતુરતાથી જોવા લાગી કે બીજા કોઈ એ કવરવાળી વસ્તુ જોઈ તો નથીને. એ તરત જ ત્યાંથી ઉભી થઈ નીકળી ગઈ. રીક્ષા પકડીને ઘરે આવી. તેણે કવર ખોલ્યું અને એની આંખો ફાટતી જ રહી ગઈ. એ કવરમાં તેણે વિનીત સાથે વિતાવેલી અંગત પળોની તસવીરો હતો અને સાથે એક ચિઠ્ઠી પણ હતી જે આ મુજબ હતી . . .
“તારા બાપાએ મારી જિંદગી ખરાબ કરી નાખી. મને કોલેજમાંથી કાઢીને મારું કરિયર અને ભવિષ્ય બરબાદ કરી નાંખ્યા. હવે તારા બાપાના ગુન્હાની સજા તારે ભોગવવી પડશે. મારી બરબાદીની કિંમત તારે ચૂકવવી પડશે. જો તુ ઈચ્છતી હોય ક સંદીપ અને બાકીની દુનિયા આ ફોટા ના જોવે તો રૂપિયા પાંચ લાખની વ્યવસ્થા કર. તારો પતિ ઘણું કમાય છે. તારા માટે પાંચ લાખ કોઈ મોટી રકમ નથી. જો મને મારી કિંમત એક અઠવાડિયામાં નહિ મળે તો આ ફોટા તારા પતિની ઓફીસ અને ઈન્ટરનેટ પર ફરતા થઈ જશે. મને મારી બદનામીની જરાય પડી નથી હું તો બરબાદ છું જ, પણ જો તને તારી આબરુ વહાલી હોય તો મે કીધું એ મુજબ અઠવાડિયામાં પૈસાની વ્યવસ્થા કરી રાખજે.”
આ બધું જોઈને તો કેયુરીના તો હોશ-કોશ ઉડી ગયા. એના પગ નીચેથી જમીન ખસવા લાગી. તેને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થયું. તેણે પોતાની જાત પર ખુબ નફરત થવા લાગી. તેને અફસોસ થયો કે વિનીત જેવા નાલાયક અને દગાબાજ વ્યક્તિ માટે તેણે પોતાના ભગવાન જેવા પિતા અને દેવ જેવા પતિનું વારંવાર અપમાન કર્યું હતું. હવે તેને પસ્તાવાનો પાર ન હતો. હવે શું કરવું ? સંદીપને શું મોઢું બતાવવું ? આટલી મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે કરાવી ? અને પૈસા આપ્યા પછી પણ વિનીત ભવિષ્યમાં તેને ફરી બ્લેકમેઈલ નહિ કરે એની શું ગેરંટી ! તે ધુસકે ધ્રુસકે રડવા લાગી. આ બધી ભાંજગડમાં તે એ પણ ભૂલી ગઈ કે છ વાગવા આવ્યા હતાં અને સંદીપનો ઘરે આવાનો સમય થયો હતો. અને તેણે હજી સંદીપના આપેલાં એ કપડાં અને દાગીના પહેર્યા હતાં જે સંદીપે જયારે તેને આપ્યા ત્યારે તેણે હાથમાંથી છુટા ફેકી દઈને લાત મારી હતી.
એટલામાં ડોરબેલ વાગ્યો. ચિંતામાં ભાન ભૂલેલી કેયુરીને એવું જ લાગ્યું કે ચોક્કસ વિનીત જ હોવો જોઈએ. તેણે રડતાં ચહેરે અને ગભરાતાં હાથે દરવાજો ખોલ્યો. જોયું તો સામે સંદીપ હતો. જેમ વાઘના પિંજરામાંથી છૂટેલું ઘેટાનું બચ્ચું પોતાની મને વળગી પડે તેમ કેયુરી સંદીપને વળગી પડી અને ધુસકે ધુસકે રડી પડી. તેને આમ રઘવાયેલી થયેલી જોઈને સંદીપને પણ આશ્ચર્ય થયું. વળી નવાઈ પણ લાગી કે કોઈ દિવસ નહિ ને આજે કેયુરીએ પોતે ગિફ્ટ આપેલાં કપડાં અને દાગીના પહેર્યા હતાં. ચાર ચાર વરસ સુધી જેણે પોતાને સ્પર્શ કર્યો ન હતો એ કેયુરી એ સંદીપને ગળે વળગી પડી હતી. સંદીપે કેયુરીને માથે પ્રેમથી હાથ ફેરવ્યો. આશ્વાસન અને હિંમત આપતો સંદીપ કેયુરીને સોફા પાસે લઇ ગયો. ધીમે રહીને તેને સોફા પર બેસાડી અને પ્રેમથી કહ્યું “શું વાત છે કેયુરી ? શું થયું ? તુ આમ રડે છે શું કામ ?” એમ એક સાથે ઘણાં બધા પ્રશ્નો પૂછી લીધા. પછી તેના માટે પાણી લઇ આવ્યો. તેને પાણી પીવડાવીને શાંત કરી. પોતે પણ કેયુરીની બાજુમાં સોફા પર બેઠો. કેયુરીનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, ‘બીજી વાત પછી પણ આ કપડાં અને આ દાગીના તને ખુબ સરસ લાગે છે.” ત્યારે તો કેયુરીને પોતાની પરિસ્થિતિનું ભાન આવ્યું. તે કંઈ બોલી શકી નહિ. બસ તેને પોતાનો હાથ પકડીને બેઠેલા સંદીપની બાહોમાં સમાઈ જવાનું મન થયું. સંદીપ પણ કેયુરીનું મન જાણી ગયો અને તેને પોતાની બાહોમાં સમાવતો તેના માથાને ચૂમી રહ્યો.
થોડો સમય એમ જ પસાર થયો. અચાનક સંદીપની નજર સોફા પર પડેલ કવર પર ગઈ. તેણે કેયુરીને સહેજ બાજુ પર કરી. સોફા પરથી કવર હાથમાં લીધું અને અને ચિઠ્ઠી વાંચવા લાગ્યો. કેયુરીના તો હોશ-કોશ ઉડવા લાગ્યા. પોતાની બાહોમાં સમાવી લેનાર સંદીપ હાલ જ પોતાને હડસેલી મુકશે એવો ભય તેને સતાવા લાગ્યો. તે નીચી નજર ઢળી સોફા પર જ ઉદાસ ચહેરે બેસી રહી. શું કરવું એ તેને કંઈ સુઝ્યું નહિ. ચિઠ્ઠી વાંચ્યા પછી સંદીપે કેયુરી તરફ નજર નાંખી. કેયુરીની આંખોમાં અપરાધ અને પસ્તાવાનો ભાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. સંદીપ આ ભાવ ઓળખી ગયો તેણે કેયુરીને પોતાની તરફ ખેંચી અને પાછી પોતાની બાહોમાં સમાવી લેતા કહ્યું, “હું આખી વાત સમજી ગયો. તારે સહેજ પણ ડરવાની કે લાચાર થવાની જરૂર નથી. હું તારી સાથે છું.” સંદીપના મોઢે આ શબ્દો સાંભળી કેયુરી ચકિત થઈ ગઈ. તેની આંખો ફરી અપરાધ અને પસ્તાવાના નીરથી ભરાઈ આવી. તે સંદીપને રીતસર વળગી જ પડી. “મને માફ કરી દો. મે તમારા મનને ખુબ દુખાવ્યું છે. હું તમને ઓળખી જ ના શકી.” એમ બોલાતી તે સંદીપના પગમાં પડી ગઈ. સંદીપે તેને ઉઠાડીને પોતાના ગળે વળગાડી દીધી.
રજનીભાઈએ ચાર વરસ પહેલાં રોપેલો કેયુરી અને સંદીપના લગ્નનો બાગ આજે સાતે રંગે પૂરબહારમાં ખીલ્યો હતો.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
રાતના નવ વાગ્યા. સંદીપ ખાવા પીવાનું પતાવીને તૈયાર થયો. “કેયુરી હું થોડા કામથી બહાર જાવું છું. દસ વાગતા સુધીમાં આવી જઈશ. કહીને સંદીપ નીચે ઉતર્યો. કાર લઈને હોટેલ ધરતી તરફ ગયો. ત્યાં ટેબલનંબર સાત પર રજનીભાઈ પહેલેથી સંદીપની રાહ જોતા બેઠા હતાં. સંદીપ હોટેલ પર પહોચ્યો અને રજનીભાઈને પગે લાગ્યો. રજનીભાઈએ આંખોના ઈશારાથી પરિસ્થતિ પૂછી તો, “આપણે સફળ થયા” કહેતો સંદીપ રજનીભાઈને ગળે વળગી પડ્યો.
આજ સવારથી ધરતી હોટેલના ટેબલ નંબર સાત પર જે ધમાચકડી માંડી હતી તે હોટેલના મેનેજરની સમજમાં આવતી ન હતી. તેને નવાઈ લાગી કે આ જ બે ભાઈઓ સવારે મળ્યાં ત્યારે ભારે ચિંતામાં હતાં અને કોઈ છોકરાને કવર લઈને ક્યાંક આપવા મોકલ્યો હતો. વળી ચાર વાગે કોઈ બાઈ મળવા આવી તો આ બેજણા એક બંધ કવર મને આપી, આવેલી બાઈને એ કવર આપવાનું કહી મારી હોટેલમાં સંતાઈ ગયા. વળી પાછા અત્યારે આવ્યા તો એકબીજાને આનંદથી ગળે મળી રહ્યા છે. આ આખું ચક્કર તેને સમજાયું નહિ. પણ વાચક મિત્રો તમને ચોક્કસ સમજાશે.
હકીકત એમ હતી કે . . .
ચાર વરસ પહેલાં પોલિસ ઇન્સ્પેક્ટર દેસાઈએ જયારે વિનીતને બાઈક ચોરીના કેસમાં પકડ્યો હતો, ત્યારે તેની પાસેથી ઘણી બધી વસ્તુઓ મળી આવી હતી. તેમાં એક કવર પણ હતું. અને આ એજ કવર હતું જેમાં વિનીત અને કેયુરીની અંગત પળોની તસવીરો હતી. ઇન્સ્પેક્ટર દેસાઈ કેયુરી અને રજનીભાઈને ઓળખતાં હતાં. કેમકે તે પોતે ભૂતકાળમાં સાર્વજનિક કોલેજમાં જ પ્રોફેસર રજનીભાઈ પાસે ભણ્યા હતાં. એટલું જ નહિ એ વખતી તેમની કપરી સ્થિતિમાં એકવાર પ્રોફેસર રજનીભાઈએ જ તેમની ફી પણ ભરી હતી. આજે તેમની ગુરુદક્ષિણા ચુકવવાની ઘડી હતી. તેમણે તરત જ પોતાના ગુરુ પ્રોફેસર રજનીભાઈને બોલાવીને આ બધા બિભત્સ પુરાવા એમને આપી દીધા હતાં. અને વિનીતને જેલ ભેગો કરી દીધો હતો. પણ હવે વિનીત જેલમાંથી છૂટવાનો છે એવી જાણ રજનીભાઈને થઈ ત્યારે એમની ચિંતા વધી ગઈ. નક્કી વિનીત પાસે કેયુરીના બીજા ફોટા હોવા જ જોઈએ. જો એ તેનો દુરોપયોગ કરે તો કેયુરીની બદનામી થાય અને તેનો સંસાર ભાંગી પડે. પણ એમને પોતાના વિદ્યાર્થી સંદીપ ઉપર પણ પુરો ભરોસો હતો. તેમણે સંદીપને મળવા બોલાવ્યો અને બધી હકીકત જણાવી. સંદીપે પણ પોતાના ગુરુનું ઋણ ચૂકવવાનું નક્કી કર્યું અને તેમને આશ્વાસન આપ્યું ક તેઓ કોઈ ચિંતા ના કરે.
પછી સંદીપ અને રજનીભાઈએ જ સાથે બેસીને વિનીતનો સાચો ચહેરો કેયુરી સામે લાવવાનો નિશ્ચય કર્યો. પણ તે બંને જાણતા હતાં કે કેયુરી પોતાના પિતા કે પતિ બંનેમાંથી એકપણના મોઢે આ વાત માનશે નહિ. એટલે રજનીભાઈ અને સંદીપે સાથે બેસીને જ આ આખી યોજના બનાવી હતી. તેમણે જ હોટેલ ધરતીમાં ટેબલ નંબર સાત બુક કર્યું હતું, તેમણે જ કેયુરીને ઘરે કુરિયર બોય મોકલીને હોટેલ ધરતી આવાનો લેટર લખ્યો હતો, અને તેમણે એ કવર ટેબલ નંબર સાત પર મૂકી વિનીતને કેયુરીની નજરમાં બેનકાબ કર્યો હતો. અને હાલ તે બેજણા પોતાના આયોજનની સફળતાની ઉજવણી હોટેલ ધરતી ખાતે ટેબલ નંબર સાત પર કરી રહ્યા હતાં. પણ પેલો મેનેજર તો હજી પણ મુઝવણમાં જ હતો.
હવે રાતના દસ વાગ્યા છે, ચાલો હવે સંદીપને હોટેલ ધરતીના ટેબલ નંબર સાત પરથી રજા આપીએ. કારણકે, આજે લગ્નના ચાર વરસ પછી એની સુહાગ રાત આવી છે. ઘરે કેયુરી સંદીપની ગિફ્ટ આપેલી સાડી અને દાગીના પહેરીને ઘૂઘટો તાણીને તેના આવવાની રાહ જોઈ રહે છે. તો ચાલો હવે આપણે પણ સંદીપને કેયુરીના અને કેયુરીને સંદીપને હવાલે કરીએ અને છૂટા પડીએ . . .