આંખની એંધાણી
આંખની એંધાણી


અમદાવાદની કર્ણાવતી આંખની હોસ્પિટલની બહાર એક પરિવાર ઓપરેશનરૂમની બહાર, દરવાજા ઉપરની લાલબત્તી કે જે ઓપરેશન ચાલુ હોવાનો સંકેત કરે છે, તેની સામે મીંટ માંડીને બેઠો હતો. તેઓ રાહ જોઈ રહ્યાં છે કે ક્યારે લાલબત્તી બંધ થાય અને ઓપરેશન પૂરું થાય ! આખરે બે-અઢી કલાક જેટલો સમય પસાર થયો અને એ લાલલાઈટ બંધ થઈ. ઓપરેશનરૂમની બહાર બેઠેલો આખો પરિવાર ઓપરેશનરૂમના દરવાજાની બહાર જઈને ઉભો થઈ ગયો. બધા ડોક્ટર બહાર આવે તેની રાહ જોવા લાગ્યા. થોડીવાર થઈને ડોક્ટર બહાર આવ્યા. પરિવારના બધા જ સભ્યો એક સામટા બોલી ઉઠ્યા, “ડોક્ટર સાહેબ કેવું છે અમારા રોશનને ?” ડોક્ટરે બધાને આશ્વાસન આપતા કહ્યું, “ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ઓપરેશન સફળ રહ્યું છે. રોશન ફરીથી આ રંગીન દુનિયા જોઈ શકશે. એક કલાક બાદ તેને ભાન આવી જશે. પછી તમે સૌ તેને મળી શકશો. અને ચાર દિવસ પછી આપણે તેનો પાટો પણ ખોલી નાખીશું.” આખો પરિવાર આભારભરી નજરે ડોક્ટર સામે જોઈ રહ્યો.
વાત એમ હતી કે દિવાળી વેકેશનના દિવસો ચાલી રહ્યા હતા. મેડીકલ કોલેજના છેલ્લા વરસમાં અભ્યાસ કરતો રોશન પોતાના નાના ભત્રીજા સાથે ફટાકડા ફોડવાની મજા માણી રહ્યો હતો. તેણે સળગાવેલી એક કોઠી ન સળગતાં તે કોઠીની નજીક જઈને નીચા નમી તે કોઠી કેમ ન સળગી તે જોવા લાગ્યો. એટલામાં અચાનક જ તે કોઠી સળગી ઊઠી. તેની પ્રબળ જ્વાળાઓ રોશનની આંખમાં ઘુસી ગઈ અને રોશનની આંખોની રોશની કાયમ માટે બુજાઈ ગઈ. આજે કર્ણાવતી આંખની હોસ્પિટલ ખાતે તેનું ઓપરેશન હતું. ઓપરેશન સફળ રહ્યું હતું. કલાક બાદ રોશન ભાનમાં આવ્યો. તેને રાહત અનુભવાતી હતી. પરિવારના લોકો પણ હવે ભયમુક્ત બન્યા હતાં.
ઓપરેશનને આજે ચાર દિવસ થઈ ગયા હતાં. આજે રોશનની આંખો પરથી પાટો ખોલવાનો હતો. ડોક્ટરે ધીમે રહીને તેની આંખો પરથી પાટો દૂર કર્યો અને ધીમે રહીને આંખો ખોલવાનું કહ્યું. રોશને ધીમેથી આંખો ખોલી. આંખો ખોલતા જ તેની પહેલી નજર તેના પલંગમાં તેની બાજુમાં જ બેઠેલી આરસની પૂતળી સમાન એક યુવતી પર પડી. એ યુવતીને જોઈને રોશનને એક ગજબની લાગણી થઈ. તેને તે યુવતીને સ્પર્શ કરવાનું મન થયું. તેણે પોતાનો હાથ એ યુવતી તરફ લંબાવ્યો. પણ તેનો હાથ તે યુવતી સુધી પહોચે ત્યાં સુધીમાં તો તે ગાયબ જ થઈ ગઈ. તેને સ્પર્શ કરવા ઉઠેલો હાથ ખાલી પથારીમાં પછડાયો. રોશનના આશ્ચર્યનો પાર ન રહ્યો. પોતાની આટલી નજીક સગી નજરે જોયેલી વ્યક્તિ આમ અચાનક ગાયબ કેવી રીતે થઈ શકે ! શું એ રોશનની દૃષ્ટિનો ભ્રમ હતો ? તે ઊંડા વિચારમાં ખોવાઈ ગયો. પરિવારજનોની ખુશાલીના કોલાહલથી તેની વિચારમાળા તૂટી. રોશનની દૃષ્ટિ પાછી આવેલી જોઈ સૌકોઈ ખુશ હતાં. રોશનને પણ પોતાની નવી આંખો જોવી હતી. તેણે દર્પણ મંગાવ્યું. દર્પણમાં જોયું તો તેની આંખોનો રંગ હવે બદલાઈ ગયો હતો. પહેલાં જે કાળા રંગની હતી તે હવે સુંદર મજાની નીલા રંગની બની ગઈ હતી.
રોશનની આંખોના બદલાયેલા રંગની ચર્ચામાં થોડો સમય પસાર થયો. રોશન બેડનો ટેકો લઈને બેઠો થયો. તેની નજર તેના રૂમના દરવાજા તરફ દોડી ગઈ અને ત્યાં જ અટકી ગઈ. તેણે પથારીમાં જોયેલી પેલી યુવતી તેને ફરી ત્યાં દરવાજા પર દેખાઈ. આ વખતે તે રોશનથી દૂર હતી. તેમ છતાં તે રોશનને પોતાની ખુબ નજીક હોય તેમ લાગતું હતું. રોશન તે યુવતીને જોતો જ રહ્યો. તેણે પોતાની આંખો પર જોર આપી તે યુવતીને ઓળખવાનો પ્રયત્ન કર્યો. પણ તે ઓળખી શક્યો નહિ. તેણે પળવાર માટે પોતાની આંખ પલકારી અને ફરી આંખ ઉઘાડી એટલામાં તો વળી પાછી તે યુવતી પાછી ગાયબ થઈ ગઈ.
રોશનની મુંઝવણનો પાર ના રહ્યો. તેણે પોતાની બાજુમાં બેઠેલી મમ્મીને પ્રશ્ન કર્યો, “મમ્મી, એ કોણ હતું ?” રોશનનો પ્રશ્ન સાંભળી પરિવારના બધાને નવાઈ લાગી. “કોણ કોણ હતું બેટા ?” તેની મમ્મીએ વળતો સવાલ કર્યો. “એ જ કે જે મારી આંખોની પટ્ટી ખુલી ત્યારે મારી બાજુમાં પલંગ પર બેઠી હતી, અને હમણાં હાલ જ પેલા રૂમના દરવાજા પાસે ઉભી હતી તે !” રોશને પોતાની મુંઝવણ વ્યક્ત કરી. રોશનની વાતથી બધાને નવાઈ લાગી. પણ તેની મમ્મીએ તેને સમજાવતાં કહ્યું, “બેટા તારી પટ્ટી ખોલી ત્યારે આપણા પરિવારના સભ્યો સિવાય બીજું નવું કોઈ ન હતું. અત્યારે પણ બીજું કોઈ જ નથી. તને કોઈ ભ્રમ થયો હશે, તું આરામ કર.” મમ્મીના જવાબથી રોશને મન મનાવી લીધું. તેણે આરામ કરવા માટે પલંગમાં લંબાવ્યું. થોડી જ વારમાં તેની આંખ મળી ગઈ. ત્યાંજ વળી પાછી પેલી યુવતી તેને દેખાઈ. એ જાણે કે રોશનની આંખોમાં આંખો પરોવીને કહી રહી હતી, “રોશન તારી આંખો ખુબ જ સુંદર છે. મને થાય છે કે તારી આ નીલીનીલી આંખોમાં ડૂબી જાઉં.” ત્યાંજ રોશનની આંખ ખુલી તે ગભરાઈને પથારીમાં બેઠો થઈ ગયો. તેને આમ ઝબકીને જાગેલો જોઈ તેની મમ્મી તેની પાસે આવી, "શું થયું બેટા ?" "મમ્મી એ મને ફરી પાછી દેખાઈ." રોશને પોતાની મુંઝવણ ફરી જણાવી. રોશનની મમ્મી તેની પાસે પલંગમાં બેઠી રોશનનું માથું પોતાના ખોળામાં લઇ વહાલથી હાથ ફેરવવા લાગી, “બેટા, તે કોઈ સપનું જોયું હશે. અહીં અજાણ્યું કોઈ જ નથી. તું ચિંતા ના કર અને આરામ કર. માના ખોળામાં રોશનની આંખ મળી ગઈ.
હવે રોશન સાથે આવું વારંવાર બનવા લાગ્યું. પણ હવે રોશને બધાંને કહેવાનું બંધ કરી દીધું. તેને પણ હવે તે અજાણી પણ ખુબસુરત યુવતીનો સહવાસ ગમવા લાગ્યો હતો. નજરે પડતી તે યુવતી હવે તેનું પ્રિયપાત્ર બની ગઈ હતી. તેનો ગભરાટ દૂર થઈ ગયો હતો. હવે તો રોશન જ તે ક્યારે દેખાય તેની રાહ જોવા લાગ્યો હતો, ક્યારે એકાંત મળે ને તે સુંદર યુવતીના દર્શન થાય ! આખરે ચાર દિવસ પછી રોશનને દવાખાનેથી રજા આપવામાં આવી. ઘરે આવ્યા પછી પણ આ સીલસીલો ચાલુ જ રહ્યો. એમ કરતાં રોશનની દિવાળી રાજાઓના દિવસો પુરા થયા. રોશન અમદાવાદની કેસરસાલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને ત્યાંજ હોસ્ટેલમાં રહેતો હતો. તે ઘરેથી કોલેજ જાવા માટે નીકળ્યો. મુસાફરી દરમ્યાન પણ તેને અવારનવાર તે યુવતીની કંપની મળતી રહી. પણ જો તે યુવતીને સ્પર્શ કરવા જતો તો તે ગાયબ થઈ જતી.
હવે એક વખત રોશનની કોલેજના માધ્યમથી મહેસાણામાં એક મફત આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના ભાગ રૂપે તેને પણ ઇન્ટર્નશીપમાં પ્રેક્ટીસ માટે મહેસાણા જવાનું થયું. તેમનો કેમ્પ સ્વામીનારાયણમંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. ત્યાં જવા માટે રોશનને બસસ્ટેન્ડથી ત્યાં સુધી રીક્ષા કરવાની હતી. તે જેવો રીક્ષામાં બેઠો, તેને લાગ્યું કે પેલી સુંદર યુવતી પણ એ જ રીક્ષામાં બેઠી છે. તેણે પોતાની રોજની ટેવ મુજબ તે યુવતીને સ્પર્શ કરવા પોતાનો હાથ લંબાવ્યો. પણ આ વખતે જે બન્યું તે જોઈને તે ડઘાઈ જ ગયો. દર વખત પોતાનો સ્પર્શ થતાં પહેલાં જ ગાયબ થઈ જતી યુવતી આ વખતે ગાયબ ના થઈ. ઉલટાનું તે ગુસ્સાથી પોતાને સ્પર્શ કરનાર રોશન સામે ફરી. રોશનની હરકત બદલ તેને ઠપકો આપવા તેણે પોતાના હોઠ ફફડાવ્યા, પણ ત્યાંજ અચાનક રોશનની આંખો પર તેની નજર પડતાં તેણે પોતાના હોઠ પર આવેલા શબ્દો હોઠમાં જ સમાવી લીધા. તે આશ્ચર્યભરી નજરે રોશનની આંખોમાં તાકી જ રહી. આ બધું એટલું ઝડપથી બન્યું કે રોશન કંઈ સમજી શક્યો જ નહિ. એટલામાં જ પોતાનું સ્ટેન્ડ આવતાં તે યુવતી રીક્ષામાંથી નીચે ઉતરી ચાલતી થઈ. જતાં જતાં ફરી એકવાર એણે રોશનની આંખોમાં આંખ પરોવી. રોશન તો સ્તબ્ધ જ બની ગયો. તે યુવતીના ગયા પછી રોશન માત્ર એટલું જ સમજી શક્યો કે આજે જે કંઈ બન્યું તે રોજની જેમ થતો તેની આંખોનો ભ્રમ ન હતો પણ સત્ય હતું. તેણે રોજ નજરે પડતી યુવતી માત્ર તેની કલ્પનાની દુનિયામાં જ નહિ હકીકતની દુનિયામાં પણ હતી. તે એક ઊંડા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેનું સ્ટેન્ડ આવ્યું ત્યારે રિક્ષાવાળાએ કહ્યું, “સાહેબ તમારું સ્ટેન્ડ આવી ગયું.” ત્યારે તેની વિચારમાળા તૂટી. તેણે રીક્ષાવાળાને પૈસા આપ્યા અને કેમ્પ પર જતો રહ્યો. પણ ત્યાં જઈને પણ તેણે ચેન ન પડ્યું. પોતાને સપનામાં દેખાતી યુવતી હકીકતમાં પણ છે ત જાણી તેનું ચિત્ત ભમવા લાગ્યું. એ દિવસે તબિયત ઠીક ન લાગતા તેણે પ્રોફેસરની રજા લીધી અને રૂમ પર આરામ કરવા ચાલ્યો ગયો. એ આખી રાત તેને ઊંઘ ના આવી.
બીજા દિવસે તેને જે સમયે, જે સ્થળે તે યુવતીને જોઈ હતી, તે જ સમયે તે જગ્યા પર પાછો ગયો અને તેને શોધવા લાગ્યો. થોડીવાર થઈ અને તે યુવતી તેને આવતી દેખાઈ. રોશન યુવતીને ખબર ના પડે તેમ તેની પાછળ જાવા લાગ્યો. આગળ જતાં તે યુવતી એક મકાનના દરવાજામાં પ્રવેશી. રોશને જોયું તે મકાન એક સંગીત વિદ્યાલયનું હતું. અને તે યુવતી ત્યાં નાના બાળકોને સંગીત શીખવતી હતી. તે સંસ્થા ચલાવનાર શાસ્ત્રી એક જૈફ વયના ગુરુજી હતા. તે યુવતી તેના વર્ગમાં ગઈ, તે પછી રોશન તે સંસ્થામાં ગયો અને ગુરુજીને મળ્યો. તેને જોતા જ ગુરુજી પહેલાં તો ચમકી ગયા. “મનોજ !” એમના મુખમાંથી એક નામ સારી પડ્યું. રોશનને નવાઈ લાગી, તેને કહ્યું “ના મનોજ નહિ હું રોશન છું.” તેણે તે યુવતીને મળવાની ઈચ્છા દર્શાવી. પહેલાં તો ગુરુજીને રોશનનું આ વર્તન અસભ્ય લાગ્યું. પછી રોશને ગુરુજીને તેના ઓપરેશનથી માંડીને અત્યારસુધીની સઘળી હકીકત જણાવી. ગુરુજીના આશ્ચર્યનો પણ પાર ના રહ્યો. તેમણે રોશનને કહ્યું, “આજે નહિ, પરંતુ કાલે હું ચોક્કસ તમારી મુલાકાત તેમની સાથે કરાવીશ.” રોશને ત્યાંથી રજા લીધી.
હકીકત એમ હતી કે તે યુવતી એ ગુરુજીની જ દીકરી હતી. પોતાના પિતા પાસે તેમની જ આ સંગીત વિદ્યાલયમાં સંગીત શીખ્યા પછી તે હવે અહીં બાળકોને સંગીત શીખવતી હતી. રોશનના ગયા પછી ગુરુજીએ તેમની દીકરીને પોતાની ચેમ્બરમાં બોલાવી. “બેટા ગોપી, મારે તને એક વાત કરવી છે.” તે યુવતીનું નામ ગોપી હતું. “હા બોલો પિતાજી શું વાત કરવી છે ?” આજે તું ક્લાસમાં ગઈ તે પછી એક યુવાન મને મળવા આવ્યો હતો.” એમ કહી ગુરુજીએ રોશનની તમામ હકીકત પોતાની દીકરી ગોપીને કહી સંભળાવી. અને કહ્યું, “ગોપી બેટા, ખબર નહિ કેમ પણ તે યુવાનને જોઈને મને મનોજની યાદ આવી ગઈ.” મનોજનો ઉલ્લેખ થતાં જ ગોપીની આંખો આંસુથી ઉભરાઈ આવી. પોતાના પિતાની ઇચ્છાથી ગોપી રોશનને મળવાની સંમતિ આપી.
બીજા દિવસે રોશન ગોપીને મળવા સંગીત વિદ્યાલય પહોચ્યો ત્યારે, તે પહેલેથી જ ચેમ્બરમાં આવીને બેઠેલી હતી. ગુરુજીએ રોશનને આવકાર આપ્યો અને બેસાડ્યો. ગોપી કશું જ બોલી નહિ, માત્ર રોશનની આંખો સામે તાકી રહી. થોડીવારે રોશન જ બોલ્યો: “પેલા દિવસે રીક્ષામાં મારી હરકત બદલ હું માફી માંગુ છું. જે કઈ બન્યું તે અજાણતામાં જ બન્યું છે.” ગોપીએ કંઈ જવાબ ન આપ્યો. પછી રોશને તેની દિવાળીની દુર્ઘટનાથી માંડીને ઓપરેશન સુધી અને તે પછી તેણે થઈ રહેલા ગોપીના વિચિત્ર અનુભવોની તમામ વાત કરી નાંખી. આ બધું સાંભળીને ગોપી આવક્ જ બની ગઈ. રોશને આગળ ચલાવ્યું, “મને ઘણીવાર એવું લાગે છે કે આપણી વચ્ચે કોઈ જુનો નાતો છે. બસ એ જ શોધવા હું આપની પાસે આવ્યો છું...” પણ આ શું રોશન પોતાની વાત પૂરી કરે તે પહેલાં ગોપી ચેમ્બરમાંથી રડતાં ચહેરે બહાર દોડી ગઈ.
રોશનને કઈ સમજાયું નહિ. તેને આશ્ચર્યભરી નજરે ગુરુજી સામે જોયું અને પૂછ્યું, “તે આમ ભાગી કેમ ગયા ? એમને ખોટું લાગી ગયું કે શું ?” ગુરુજી આખી વાત સમજી ગયા હતા. તેમણે રોશનને સમજાવ્યું, “એમાં તમારો વાંક નથી. તે બિચારી નસીબની મારી છે. કુદરતે તેની સાથે ખૂબ અન્યાય કર્યો છે. તમારી વાતોથી તેને તેના ભૂતકાળની દુખદ વાતો યાદ આવી ગઈ છે.” આ સાંભળીને રોશનને નવાઈ લાગી, “પણ મારી વાતો અને તેમના ભૂતકાળને શું લેવા દેવા !” “લેવાદેવા છે, ચોક્કસ છે.” એમ કહી ગુરુજીએ ગોપીના ભૂતકાળની વાત શરુ કરી.
“અહીં અમારી સંસ્થામાં બે વરસ પહેલાં મનોજ નામનો છોકરો સંગીત શીખવા આવતો હતો. તે ખૂબ જ રૂપાળો અને હોંશિયાર હતો. તેની આંખો પણ બિલકુલ તમારા જેવી જ નીલી હતી. ત્યારે ગોપી પણ અહીં જ સંગીત શીખતી હતી. ગોપી અને મનોજ એકબીજાને ચાહવા લાગ્યાં હતાં. લોકોને ઈર્ષા આવે તેવો તેમનો પ્રેમ હતો. મને પણ એ બેના સબંધથી કોઈ વાંધો ન હતો. મેં પણ એમના સબંધને લગ્નની મંજૂરીની મહોર મારી દીધી હતી. પણ...!” એટલું કહીને ગુરુજી અટકી ગયા. તેમની આંખો ભીની થઈ ગઈ. “પણ, પણ શું ? ગુરુજી !” રોશને આતુરતાથી પૂછ્યું. પણ ભગવાનને એમના પ્રેમની ઈર્ષા આવી. એક વરસ પહેલાં એક અકસ્માતમાં મનોજનું મૃત્યુ થયું. તેના અવસાનથી ગોપી સાવ ભાંગી જ પડી. તેણે પોતાની જાતને દુનિયામાંથી સંકેલી લીધી તે એકલી એકલી રહેવા લાગી. મેં તેને કોઈ સારો છોકરો જોઈ લગ્ન કરી લેવા ખૂબ સમજાવી પણ તે તૈયાર જ નથી. આખરે મે ખુબ સમજાવીને તેને તેની એકલતા દુર કરવા અહીં વિદ્યાલયમાં બાળકોને સંગીત શીખવવા લાવવાનું શરુ કર્યું.” આ બધું સાંભળીને રોશનને ખૂબ દુખ લાગ્યું. તેણે ગુરુજીની માફી માગી અને કહ્યું, “માફ કરજો ગુરુજી મારો અહીં આવવાનો આશય તમને કે ગોપીને દુઃખી કરવાનો બિલકુલ ન હતો. હું તો અહીં મારી જ મૂંઝવણનો હલ શોધવા આવ્યો હતો.” એમ કહી રોશન ત્યાંથી નીકળી ગયો અને કેમ્પ પર આવ્યો.
બીજી બાજુ રોશનને જોયા પછી ગોપીને પણ ચેન પડતું ન હતું. તેણે તેના પિતાની રજા લીધી અને ઘરે જાવા નીકળી ગઈ. ઘરે ગયા પછી પણ તેને ચેન ન પડ્યું. તેનું મન ચકડોળે ચડી ગયું. મનોજ, તેનો ચહેરો, તેની આંખો બધું જ તેની નજર સામે તરવરવા લાગ્યું. તેણે લાગ્યું કે જાણે મનોજની આંખો તેને પોકારી રહી હતી. તે રાતે પણ તેને ઊંઘ ન આવી. જરાક આંખ મળતી ત્યાં નીલી આંખોવાળો મનોજનો ચહેરો તેની આંખો સામે આવી જતો. આમને આમ આખી રાત માંડ વિતાવી. સવાર પડતા જ તેણે કોણ જાણે કેમ પણ રોશનને જોવાનું મન થયું. તે તૈયાર થઈ અને ગાયત્રી મંદિર જ્યાં રોશનની કોલેજને સેવા કેમ્પ હતો ત્યાં જાવા નીકળી. તે મંદિર પહોંચી સેવા કેમ્પમાં લોકોની ખાસી ભીડ હતી. આ ભીડમાં તે રોશનને શોધવા લાગી. એટલામાં રોશનની નજર ગોપી પર પડી. તે ગોપી પાસે આવ્યો. તેણે આવકાર આપ્યો, “તમે અહીં ?” ગોપીએ રોશનના ચહેરા તરફ નજર નાંખી, પણ રોશનની આંખો પર નજર પડતા જ તેણે મનોજની યાદ આવી ગઈ. અને તે એકપણ શબ્દ બોલ્યા વગર રડતાં ચહેરે ત્યાંથી ભાંગી ગઈ. આ જોઈ રોશનને ખુબ જ નવાઈ લાગી. તે વિહવળ બની ગયો. આખરે મનોજ અને રોશન વચ્ચે શુ જોડાણ હતું ? તે તેનું મન શોધી રહ્યું. પણ સાથે સાથે તેને મગજમાં એક ઝબકારો પણ થયો અને અચાનક કંઇક યાદ આવતાં તે દોડ્યો. પોતાના પ્રોફેસરની રજા લીધી અને ઘરે જાવા માટે નીકળી ગયો.
ઘરે જતાં જ રોશને તેની મમ્મી સામે પ્રશ્નોની વણઝાર વરસાવી. “મમ્મી, મારી આંખના ઓપરેશનમાં શું બન્યું હતું ?” રોશનનો પ્રશ્ન સાંભળી તેની મમ્મીને નવાઈ લાગી. “પણ બેટા તું આવું કેમ પૂછે છે.” “એ બધું હું પછી કહીશ, તું પહેલાં એ કહે કે મારી આંખોનો રંગ કાળાથી બદલાઈને નીલો કેમ થઈ ગયો હતો ?” રોશનેને પોતાની મૂંઝવણ છતી કરી. એની મમ્મીએ હકીકત જણાવતાં કહ્યું કે, “ફટાકડાના અકસ્માતમાં તું તારી આંખો ગુમાવી ચુક્યો હતો. તારી મૂળ આંખોથી તું આ દુનિયા જોઈ શકે તેમ ન હતો. અમે સૌ નિરાશ થઈ ગયા હતાં. પણ એ જ વખતે ડોક્ટરે તારા પપ્પાને તારી આંખોને સ્થાને બીજી આંખો મૂકી તને નવી દૃષ્ટિ આપી શકાય છે તેવી આશા બંધાવી. અને ભગવાનની કૃપાથી કોઈ દાતાની આંખો મળી અને તારી દૃષ્ટિ પાછી ફરી” રોશને શ્વાસ ખાધા વગર જ બીજો પ્રશ્ન પૂછ્યો, “અને એ આંખો કોની હતી મમ્મી ?” “એતો મને પણ કંઈ ખબર નથી બેટા, પણ તું આ બધું કેમ પૂછે છે ?” રોશનની મમ્મીને પણ રોશનના આ બધા પ્રશ્નોથી નવાઈ લાગી. રોશને તેની મમ્મીને બધી જ હકીકત જણાવી. તેઓ પણ બધું સાંભળી આશ્ચર્ય પામ્યા.
એ જ દિવસે પળનો પણ વિલંબ કર્યા વગર રોશન તેની ઓપરેશનની ફાઈલ લઈને કર્ણાવતી આંખની હોસ્પિટલ પહોચ્યો. ડોક્ટરને મળીને પોતાની આંખોના દાતા વિષે માહિતી માંગી. પહેલાં તો ડોક્ટરે આ પ્રકારની માહિતી આપવી એ હોસ્પિટલના નૈતિક નિયમોની વિરુદ્ધ છે તેમ કહી આંખના દાતાની માહિતી આપવાની મનાઈ કરી. પણ જયારે રોશને રડતા મુખે ડોક્ટરને પોતાના અનુભવની આખી કહાની સંભળાવી ત્યારે ડોક્ટર પણ પીંગળી ગયા. તેમણે હોસ્પિટલના બધા રેકર્ડ તપસ્યા. અંતે તેમણે રોશનને આંખો આપનાર દાતાની માહિતી મળી. તેને આંખો આપનાર દાતાનું નામ હતું. મનોજ. મનોજે પોતાના જીવતે આંખોનું દાન કરેલું હતું. તેને મૃત્યુબાદ તેની આંખો લઇ લેવામાં આવી હતી અને સમય જતાં રોશનને આપવામાં આવી હતી. બસ થઈ રહ્યું. રોશનને હવે તેના બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયો. તેણે ડોક્ટર સાહેબનો અભાર માન્યો અને મહેસાણા પાછો ફર્યો.
મહેસાણા આવીને તેને જાણવા મળ્યું કે, તેના ગયા પછી ગોપી તેને મળવા ફરી ગાયત્રી મંદિરના સેવાકેમ્પ પર આવી હતી. રોશન ત્યાંથી સીધો જ ગુરુજી અને ગોપીને મળવા સંગીત વિદ્યાલય ગયો. ત્યાં જઈ તે ગુરુજીને મળ્યો. રોશને બધી હકીકત ગુરુજીને સંભળાવી. ગુરુજીને પણ હવે સમજાયું કે શામાટે ગોપી વારંવાર રોશનને જોવા દોડી જતી હતી. મનોજની આંખો ગોપીને પોતાની તરફ ખેંચી જતી હતી. બીજી બાજુ રોશનની દોડધામથી પરેશાન તેનો પરિવાર મહેસાણા આવ્યો. કેમ્પ પર આવીને જાણવા મળ્યું કે રોશન ગુરુજીની વિદ્યાલય પર ગયો છે. એ લોકો પણ ત્યાં પહોંચ્યાં. ત્યાં તેમની મુલાકાત ગુરુજી અને ગોપી સાથે થઈ. રોશનનો સંસ્કારી પરિવાર જોઈને ગુરુજીને પોતાની દીકરી ગોપી માટે એક સુખી જીવનની આશાનું કિરણ દેખાયું. તેમણે ગોપીને એકબાજુ બોલાવી અને સમજાવ્યું કે જો મનોજની આંખો તને શોધતી અહીં સુધી આવી ગઈ છે. એ આજે પણ તને ચાહે છે. મનોજ હવે રોશનમાં વસે છે. ગોપી પોતાના પિતાજીનો સંકેત સમજી ગઈ. તે તેમની વાત સાથે સહમત થઈ. ગુરુજીએ રોશનના પરિવારને પોતાનો વિચાર જણાવ્યો. તેઓ ઇચ્છતા હતાં કે રોશન અને ગોપી એકમેકના જીવનસાથી બને. આખો પરિવાર આ બાબતે સહમત થયો. રોશન તો જાણે ખુશીથી ઉછળી જ પડ્યો.
આખરે રોશન અને ગોપીની સગાઇ થઈ. રોશનનો મેડીકલનો અભ્યાસ પુરો થતાં તેમાં લગ્ન કરવામાં નક્કી થયું. ગોપીનું મન હવે શાંતિ અનુભવતું હતું. રોજ શાંત રહેતી ગોપી હવે ખીલવા લાગી હતી. તેને ખુશ જોઈ ગુરુજીને પણ આનંદ થતો હતો. આખરે એક બાપની ચિંતાનું સુખદ પરિણામ આવ્યું હતું. રોશનની તો ખુશીનો પાર જ ન રહ્યો. એની તો જાણે જિંદગી જ બની ગઈ હતી. રોજ તેની સાથે સંતાકુકડી રમતી તેના સ્વપ્નની રાજકુમારી હકીકતમાં તેની જીવનસંગીની બનીને કુમકુમ પગલે તેને ઘરે આવવાની હતી.