Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Vishnu Desai

Inspirational Others

3.3  

Vishnu Desai

Inspirational Others

વાત એક રાતની

વાત એક રાતની

8 mins
653


અમદાવાદમાં તેની શાન ગણાતો અને રાત પડે સુમસાન બનીને સ્મશાન ભાસતો સી.જી. રોડ છે. વળી આ આખો વિસ્તાર કોમર્શિયલ એરિયા હતો. એટલે દુકાનો, શો રૂમ્સ અને હાઈક્લાસ હોટેલ્સથી ભરપુર હતો. અહી રેસિડેન્ટ એરિયા બિલકુલ નહિવત હતો. એટલે રાતનો સમયે આ વિસ્તાર નિર્જન રહેતો. એક સમયની વાત છે. જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો હતો. શિયાળો પુર બહારમાં જામ્યો હતો. રાતનું તાપમાન ઘણીવાર ૮ ડીગ્રીથી પણ નીચે આવી જતું હતું. આવી ઠંડીમાં રાત પડે ચકલું પણ ફરકતું નહી. સાંજ પડતાં જ જીવ જનાવર બધા જ ઠંડીથી બચવા પોતાના ઠેકાણે ભરાઈ જતા.


રાતના બે વાગ્યાનો સમય હતો. દિવસ દરમ્યાન લોકોની ચહલ પહલથી ધબકતો રહેતો સી.જી. રોડ સુમસાન પડ્યો હતો. ટાંકણી પણ પડે તોય સંભળાય એવી નીરવ શાંતિ ચોમેર વ્યાપેલી હતી. મોટેભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડીવાર વાર પછી કોઈ રોડ પર પુરપાટ દોડ્યું જતું હોય તેવો એહસાસ થયો. એ દોડી જનારના પગલાનો અવાજ શમે તે પહેલા તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાંજ સ્તંભી ગયું. અને એટલામાં આઘું પાછું થઇ કંઇક શોધવા લાગ્યું. પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું, તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહોને કે માણસ જ હતું. પણ કંઇક જુદું હતું. તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતુ હતું. તે હવે આગળ શું કરવું અને કઈ બાજુ જવું તેનો વિચાર કરતી હોય તેમ તેના ચહેરા અને શરીરના હાવભાવ પરથી લાગતું હતું. તે કોઈ નિર્ણય લે તે પહેલા તેને ફરીથી પેલા ટોળાનો પાછા ફર્યાનો અવાજ સંભળાયો. તે પોતાની જાતને એ ટોળાથી છુપાવવાની જગ્યા શોધવા લાગી.

 

એ જ્યાં ઉભી હતી ત્યા બાજુમાં જ એક સોના-ચાંદીના દાગીનાનો ભવ્ય શો રૂમ હતો. અને તેનો ઓટલો રોડની સપાટીથી થોડો નીચો ભોયરામાં હતો. ત્યા જવા માટે પગથીયા ઉતરવા પડે તેવું હતું. તે ઝડપથી પગથીયા ઉતરીને સંતાવા માટે તે શો રૂમના ઓટલા તરફ દોડી ગઈ. ત્યા તેણે જોયું તો તે શોરૂમના ઓટલા પર કોઈ માણસ ઠંડીથી પોતાની જાતને બચાવવા શરીરનું ટૂંટિયું વાળીને ગોદડું ઓઢીને સુતું હતું. તેની બાજુમાં જે લેડીજ ચંપલ પડેલા હતા. થોડે દુર એક ખુરશી પર કેટલાક પુસ્તકો અને નોટ-પેન પડ્યા હતા. આ સુતેલી વ્યક્તિ કોઈ ગરીબ ભિક્ષુક સ્ત્રી છે એમ વિશ્વાસ થતા તે યુવતી પોતાની જાતને પોતાની પાછળ પડેલા ટોળાથી બચાવવા માટે તેની બાજુમાં જ પથારીમા સુઈ ગઈ. થોડીવારમાં ટોળું ત્યાંથી ચાલ્યું ગયું. ટોળાથી ભાગી આવેલી યુવતી ખુબ દોડી હોય તેમ તેના ઝડપથી ચાલતા શ્વાસોશ્વાસ પરથી લાગતું હતું. તે થાકી પણ હતી. વળી ઠંડી પણ અસહ્ય હતી. પુષ્કળ થાક, અસહ્ય ઠંડી અને બાજુમાં સુતેલી વ્યક્તિના શરીરમાંથી આવતી હુંફના કારણે તેની આંખ મળવા લાગી. તે ઠંડીથી ધ્રુજતી પણ હતી. થોડીવાર થઇ અને પેલી પહેલેથી સુતેલી વ્યક્તિએ સળવળાટ કર્યો. પાછળથી દોડી આવેલી યુવતી થોડી સાવધાન બની. પણ એણે જોયું કે પહેલેથી સુતેલી વ્યક્તિ તેને ગોદડું ઓઢાડી રહી હતી. એટલે તે નિર્ભય બની અને પડી રહી. થાક, ઠંડી અને બાજુના માણસમાંથી આવતા ગરમાવાને લીધે તે સુઈ ગઈ.

 

રાત વીતતી ગઈ. સવારે છ વાગે તેની આંખ ખુલી. તેણે જોયું તો તેની બાજુમાં કોઈ સુતેલું ન હતું. તેના શરીર પર સરસ રીતે ગોદડું ઓઢાડેલું હતું. તે બેઠી થઇ તો તેની નવાઈનો પાર ના રહ્યો. તેનાથી થોડે દુર એક યુવાન ખુરશી પર બેઠો બેઠો કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો. તેના પોશાક પરથી તે સિક્યુરિટીમેન(વોચમેન) હોય તેવું લાગતું હતું. પેલી સ્ત્રીને સમજવામાં સહેજ પણ વાર ના લાગી કે તે આખી રાત જેને એક સ્ત્રી સમજીને જેની પાસે સુતી હતી, તે હકીકતમાં એક પુરુષ હતો. જે આ શો રૂમનો રાતનો ચોકીદાર હતો. તે યુવતીએ એ યુવાનને વિહવળતા પૂર્વક કશુક પૂછ્યું પણ તે યુવાન આ યુવતીની વાત સમજી શક્યો નહીં. તે યુવાને માત્ર ઈશારાથી જ તે યુવતીને શાંત અને નિર્ભય બનવાનો સંકેત કર્યો. તે યુવતી તે ઈશારાને સમજી શકી. તે નિશ્ચિંત થઇ. પેલો યુવાન ઉભો થયો અને દુર ઉઘડેલી એક ચાની લારી પરથી કપમાં ગરમ ચા લાવીને આ યુવતીને આપી. અને હાથેથી ઈશારો કરી પીવા કહ્યું. તે યુવતીએ ચા પીધી. તેના ચા પી લીધા બાદ યુવાન કપ પાછો મુકવા ચાની લારી પર ગયો. એ યુવાન જ્યારે ગયો ત્યારે તે યુવતીએ આસપાસ નજર નાખી. તે યુવાનની ખુરશીની બાજુમાં કેટલાક પુસ્તકો અને નોટ-પેન પડ્યા હતા. તેણે એ નોટ-પેન હાથમાં લીધા નોટમાંથી એક કાગળ ફાડી તેમાં કશુક લખ્યું. પેલો યુવાન જ્યારે પાછો ફર્યો ત્યારે પેલી યુવતી ત્યાંથી ચાલી ગઈ હતી. તે યુવાને આસપાસ ખુબ તપાસ કરી પણ તે ક્યાય દેખાઈ નહી. પણ તેની પથારીમાં એક કાગળ પડ્યો હતો જેમાં કશુક લખેલું હતું. પણ જે રીતે તે યુવતીની બોલવાની ભાષા તે યુવાન સમજી શક્યો ન હતો, તે જ રીતે તેના લખાણની ભાષા પણ તેના માટે સમજવી મુશ્કેલ હતી. તેણે ખુબ પ્રયત્ન કર્યો પણ તે એ લખાણને સમજી શક્યો નહી. તેણે તે કાગળ ઘણા બધા લોકોને બતાવ્યો પણ કોઈ તે કાગળ પરના લખાણને વાંચવામાં સફળ થયું નહી. યુવાને તે કાગળ પોતાની પાસે રાખી લીધો.

ચાર વરસ પછી........

 

સાઉથ આફ્રિકાનું ડર્બન શહેર છે. આમ તો આ આખો દેશના મૂળ વતનીઓ આદિવાસી પ્રજાતિ છે, પણ અંગ્રેજોના લાંબાગાળાના શાસનના પ્રભાવથી અહીના લોકોની જીવનશૈલી બદલાઈ છે. તેઓ પણ આજે વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલે છે. સ્વર્ગસ્થ નેલ્સન મંડેલાના રંગભેદની નીતિ વિરુધના વિશ્વવ્યાપી આંદોલનને પરિણામે અહીં રંગભેદ હવે નાબુદ થયો છે. ગોરા અને કાળા હળીમળીને રહે છે. ડીસેમ્બર મહિનો ચાલી રહ્યો હતો. થોડા જ દિવસ બાદ ક્રિસમસનો તહેવાર આવતો હતો. લોકો ખરીદી કરવામાં વ્યસ્ત હતા. બજાર તેજીમાં હતા. આવા જ એક બજારના એક શોપિંગમોલમાં ભારતનો એક યુવાન પાર્ટટાઇમ જોબ કરતો હતો. આમ તો એ અભ્યાસ માટે આફ્રિકા સ્ટૂડન્ટ વિઝા પર આવ્યો હતો. પણ અભ્યાસ પછીના સમયમાં તે પાર્ટટાઇમ જોબ કરી હાથખર્ચો કાઢતો હતો. આ શોપિંગમોલની મૂળ માલિક એક આધેડ વયની આફ્રિકન બાઈ હતી. આ યુવાનની સાથે બીજા પણ કેટલાક ભારતીય યુવાન-યુવતીઓ અને આફ્રિકન યુવાન-યુવતીઓ અહી જોબ કરતા હતા.

 

એકવાર આ લંચબ્રેકનો સમય ચાલી રહ્યો હતો. લંચ બાદ મોલનો બધો સ્ટાફ હળવાશના મૂડમાં હતા. તેમની વચ્ચે લવલેટરના વિષયને લઈને ટીપ્પણીઓ ચાલી રહી હતી. આ દરમ્યાન પેલા ભારતીય યુવાને બધાને રમુજ કરાવવા પોતાના ખીસામાંથી એક કાગળ કાઢ્યો અને કહ્યું, “હું ચાર વરસથી આ લવલેટર લઈને ફરું છું, પણ હજી સુધી તેને વાંચી શક્યો નથી. અને આજ સુધી આ લવલેટર આપનારી પણ ફરી મળી નથી.” આમ કહી એ કાગળ તેણે સ્ટાફ મિત્રો વચ્ચે મુક્યો. અને તેના આશ્ચર્ય વચ્ચે એક આફ્રિકન યુવાન તે કાગળ કડકડાટ વાંચવા લાગ્યો. પેલા ભારતીય યુવાનની નવાઈનો પાર ના રહ્યો. તેની આંખો ફાટી ગઈ. જે કાગળ પોતે ચાર વરસથી જોડે લઈને ફરતો હતો તેને એક આફ્રિકન યુવાને વાંચી કાઢ્યો હતો. આ એજ ભારતીય યુવાન હતો જેને આપણે ચાર વરસ પહેલા અમદાવાદના સી.જી.રોડ પર મળ્યા હતા. પેલા આફ્રિકન યુવાને કાગળ વાંચી નાખ્યો, એ વાંચ્યા બાદ તેના ચહેરાના હાવભાવ જ બદલાઈ ગયા. પણ આ ભારતીય યુવાન હજુ એમાં કશું સમજી શક્યો ન હતો. એ ભારતીય યુવાન પેલા આફ્રિકન યુવાન પાસે આ લખાણનો અર્થ સમજે તે પહેલા તો પેલો આફ્રિકન યુવાન એ કાગળ લઈને મોલની માલકિન એવી પેલી બાઈ પાસે પહોંચી ગયો. અને એ કાગળ પેલી બાઈના હાથમાં આપ્યો. મોલની માલ્કીને આખો કાગળ વાંચ્યો. તેની આંખો ફાટી ગઈ. તેણે ભારતીય યુવાનને બોલાવ્યો અને પોતાને ગળે વળગાડ્યો. તેની આંખો આંસુથી ભરેલી હતી. પણ આ યુવાન આ બધામાં હજી કંઈ સમજ્યો ન હતો કે આ શું થઇ રહ્યું હતું. તેણે આ વિશે પૃચ્છા કરી.

 

પેલી મોલની માલકિન એ આફ્રિકન બાઈએ તે યુવાનને પોતાની સાથે આવવા કહ્યું. તે એ યુવાનને પોતાની સાથે ગાડીમાં લઇ ક્યાંક જવા નીકળી. પેલો યુવાન તો થોડો ગભરાઈ પણ ગયો. થોડીવારની મુસાફરી બાદ તેમની ગાડી એક મકાન આગળ જઈ ઉભી રહી. આ મકાન એ ભારતીય યુવાન માટે અજાણ્યું ન હતું. આ મકાન એ તેની માલ્કીનનું ઘર હતું. તે બાઈ યુવાનને લઈને ઘરમાં પ્રવેશી અને કોઈના નામથી સાદ પાડવા લાગી. તેનો સાદ સંભાળીને એક યુવતી ઘરના બીજા રૂમમાંથી બહાર દોડી આવી. યુવાન તે યુવતીને જોતો જ રહ્યો. આ એજ યુવતી હતી જે આ યુવાનને સી.જી. રોડ પર મળી હતી અને હાથમાં આ નવાઈભર્યો કાગળ છોડીને ગાયબ થઇ ગઈ હતી. પેલી આધેડ વયની બાઈએ કાગળ આ યુવતીને બતાવ્યો અને ભારતીય યુવાનનો પરિચય આપ્યો. પેલી યુવતીને પણ વાતને સમજવામાં વાર ના લાગી. તે પણ પેલા યુવાનને ગળે વળગી પડી. પણ પેલો યુવાન બિચારો હજી કંઈ સમજ્યો ન હતો. આ યુવતી અહી ક્યાંથી આવી ? એ કાગળમાં શું લખ્યું હતું ? આવા અનેક પ્રશ્નો તેના મનમાં ઘુમરાઈ રહ્યા હતા.

 

આખી હકીકત એમ હતી કે એ ભારતીય યુવાનનું નામ વિક્રમ હતું. તે એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો. તેના પિતા એક ખાનગી સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતા હતા. જેમનું પોસ્ટિંગ હાલ સી.જી.રોડ પરના એક સોના-ચાંદીના શો રૂમ ખાતે નાઈટ ડ્યુટીમાં હતુ. પરંતુ એક દિવસ એમને અગત્યના કામસર બહાર જવાનું થવાથી તેમની જગ્યાએ તેમનો દીકરો વિક્રમ નાઈટ ડ્યુટી પર ગયો હતો. આ યુવાન એમ.બી.એ.નો વિધાર્થી હતો. એટલો રાતે વાંચવા માટે પુસ્તકો સાથે લઈને જ ડ્યુટી પર આવ્યો હતો. એ જ સમય દરમ્યાન પેલી આફ્રિકન યુવતી ભારતના પ્રવાસે અમદાવાદ આવી હતી. અમદાવાદનો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ એ જાન્યુઆરીમાં વિદેશી પ્રવાસીઓનું આકર્ષણનું કેદ્ર બન્યું હતું. એ મોડી રાતે તે યુવતી પતંગોત્સવની મજા માણીને પોતે જ્યાં રોકાણી હતી તે હોટેલ પર પરત આવી રહી હતી. આ સમય દરમ્યાન કેટલાક ગુંડા તત્વોએ તેને આંતરીને રીક્ષામાં નાખી લુંટના ઈરાદે તેનું અપહરણ કર્યું હતું. પણ પોતાની ચાલાકીથી તે યુવતી એ ગુંડાઓના હાથમાંથી છટકી ગઈ હતી. અને વિક્રમ જ્યાં ડ્યુટી પર હતો ત્યા તેની પાસે સંતાઈ ગઈ હતી. વિક્રમે આ આખી ઘટનાને પોતાની આંખે જોઈ હતી. પણ એના એકલાથી એ ચાર ગુંડા તત્વોનો સામનો કરવું શક્ય ન હતું. એટલે તેણે યુક્તિ પૂર્વક એ યુવતીને પોતાની પાસે સંતાડીને તે ગુંડાઓથી બચાવી હતી. એક પુરુષ યુવાને એક થાકેલી, હારેલી, એકલી વિદેશી યુવતીને પવિત્રભાવે આખી રાત આશ્રય આપ્યો હતો. જો તેણે રાતે જ પોતાની જાતને છતી કરી હોત તો પેલી આફ્રિકન યુવતી એનો વિશ્વાસ ન કરત અને ત્યાંથી ભાગી જઈ વળી ક્યાંક પેલા ગુંડા મવાલીઓને હાથ જઈ ચડત.

 

બીજા દિવસે સવારે જ્યારે એ યુવતી જાગી ત્યારે આખી હકીકત સમજી ગઈ. તે ભારતના આ ભલા યુવાનનો આભાર માનવા માંગતી હતી. પણ એ યુવાન એની આફ્રિકન ભાષા સમજી શકતો ન હતો. એટલે તેણે એ યુવાનના નોટમાંથી એક કાગળ ફાડીને પોતાની આફ્રિકન ભાષામાં તેનો આભાર માનતો ખત લખ્યો હતો. પણ આજ સુધી કોઈ એ કાગળ વાંચી શક્યું ન હતું. આજે ચાર વરસ પછી જ્યારે એ યુવાન પોતાની કારકિર્દી માટે સાઉથ આફ્રિકા આવ્યો ત્યારે જોગાનુંજોગ પેલી આફ્રિકન યુવતીના પરિવારના સંપર્કમાં આવ્યો. પોતાની દીકરીને વિદેશની ધરતી પર રક્ષણ અને આશ્રય આપનાર એ ભારતીય યુવાનને એ મોલની માલકિને પોતાના દેશમાં પોતાના ઘરમાં કાયમ માટે આશ્રય આપ્યો. એટલું જ નહી તેના ઉપકારના બદલામાં આફ્રિકાના ડર્બનમાંમાં એક નાનો ધંધો પણ નાખી આપ્યો. અને એ યુવાનની જીંદગી બની ગઈ.

 

કરેલું સારું કર્મ ચોક્કસ ફળ આપે જ છે. અને મોટી ખુશીની વાત તો એ છે કે ભારતમાતાના ચાર કપૂતોએ કરેલા ધ્રુણાસ્પદ કાર્યની સામે ભારતમાતાના એક સપૂતે ઉત્તમ કામ કરીને વિદેશની ધરતી પર ભારતનું નામ બદનામ થતા અટકાવ્યું હતું. ભારતમાના એવા સપૂતોને સલામ છે..


Rate this content
Log in

More gujarati story from Vishnu Desai

Similar gujarati story from Inspirational