વાર્તા દ્વારા બાળવિકાસ
વાર્તા દ્વારા બાળવિકાસ


શાળાનું કામ માત્ર બાળકોને સાક્ષરી વિષયો ભણવી દેવાનું નથી. પણ બાળકમાં રહેલી પ્રતિભાને શોધી તેનો વિકાસ કરવાનો છે. બાળકનો સર્વાગી વિકાસ એજ શાળાનું લક્ષ્ય હોવું જોઈએ. શિક્ષણની સાથે રમત-ગમત અને કળા-કૌશલ્યનો વિકાસ એ પણ શાળાનીજ જવાબદારી છે. અને એક શિક્ષક તરીકે બાળકોને આવી તક ઉપલબ્ધ કરવી શકું તો જ સાચા અર્થમાં હું તેમની ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની શકું.
બાળમાનસ સ્વભાવે ચંચળ, સપનાઓથી ભરેલું અને જિજ્ઞાસાવૃત્તિવાળું હોય છે. બાળક જ્યારથી સમજણું થાય છે, ત્યારથી પોતાની આસપાસના જગતને સમજવાનો પ્રયાસ કરતુ હોય છે. નાના બાળકોને હંમેશા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવ-જંતુઓનું એક ગજબનું આકર્ષણ હોય છે. પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે સુરજ, ચંદ્ર, તારા, નદીઓ, પહાડ, ઝરણા, દરિયો વગેરે તેમને આકર્ષિત કરતાં હોય છે. અને આ આકર્ષણ તેમને એક અદ્ભુત આનંદનો અનુભવ કરાવે છે.
એક પ્રાથમિક શાળાની શિક્ષિક તરીકે છેલ્લા ઘણા વરસોથી આ નાના બાળકોની વચ્ચે રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. મે જોયું છે કે બાળકોને જાદુ, પરી, કોઈ વિશિષ્ટ શક્તિવાળું પાત્ર, પશુ-પંખીઓ વગેરેની વાર્તાઓ સંભાળવી ગમે છે. ક્યાંક વાંચેલી કે સાંભળેલી વાર્તાના કથાબીજમાં તે પોતાની અનોખી કલ્પનાઓ ઉમેરીને એ વાર્તાના જુદા જુદા અનેક અંત વિચારે છે. બાળકને વાર્તા સંભાળવી તો ગમે જ છે, પણ કોઈને પોતાની કલ્પના શક્તિથી ઘડેલી વાર્તા કાલી-ઘેલી બોલીમાં કહેવા માટે પણ તે ઉત્સુક હોય છે. અને જો તેમને મોકળાશ મળે તો તે પોતાની કલ્પનાઓને કાગળ પર ઉતારી સરસ વાર્તા લખી પણ શકે છે.
પણ એમનું આ સર્જન તેમના મિત્રમંડળ કે પરિવારના સભ્યો સુધી જ સીમિત રહેતું હતું. મારી ઈચ્છા હતી કે એમનું સાહિત્યસર્જન વિશ્વ કક્ષા સુધી વિસ્તરે. આ માટે જરૂર હતી. એક સક્ષમ પ્લેટફોર્મની. અને તે શક્ય બન્યું. વિશ્વ કક્ષાની એક સાહિત્યની વેબસાઈ WWW.STORYMIRROR.COM ના સહયોગથી. સ્ટોરીમીરરે એ મારા તાલુકાની ઘણી શાળાના બાળકોને આ તક આપી. તેમણે દરેક બાળકનાના ઇ-મેઈલ આઈ.ડી. બનાવ્યા, દરેક બાળકના બાળલેખક તરીકે ઓનલાઈન એકાઉન્ટ બનાવ્યા. બાળકોની રચાનોને કમ્પ્યુટરાઈઝડ કરી સોફ્ટ કોપીમાં તૈયાર કરાવી આપી.
આજે ૪૦,૦૦,૦૦૦ જેટલા વાચકો ધરાવતી અને ૨૪,૦૦૦ જેટલા લેખકો ધરાવતી વિશ્વ કક્ષાની સાહિત્યની વેબસાઈટ પર આ બાળકોની રચાનોને સ્થાન આપ્યું. એટલું જ નહિ દરેક શાળાદીઠ શ્રેષ્ઠ ત્રણ રચાનોને રોકડ ઇનામ અને બાકીના બાળકોને પ્રોત્સાહનરૂપ પ્રમાણપત્ર આપ્યા. તમામ બાળકોની રચાનોનું સંકલન કરી પુસ્તક સ્વરૂપે તૈયાર કરવી આપ્યું. આજે દિયોદર તાલુકાની ૪ શાળાઓની લાયબ્રેરીમાં શાળાના જ બાળકોએ લખેલી વાર્તાઓનો એક સંગ્રહ તૈયાર થયો. જેને નામ આપ્યું, "વાર્તા દ્વારા સાંવેગિક બાળ વિકાસ '