DIPIKA CHAVDA

Tragedy Classics Inspirational

5  

DIPIKA CHAVDA

Tragedy Classics Inspirational

શહીદ વીર નિલેશ સોની

શહીદ વીર નિલેશ સોની

12 mins
476


આજે હું આપને આપણાં જ ગુજરાતના એવા એક શહીદની વાત કરું છું કે જેની મેં પોતે રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવી છે. અમદાવાદના વિર શહીદ કેપ્ટન નિલેશ સોનીની જીવન ઝરમર,જીવનના યાદગાર પ્રસંગો અને દેશ માટે પોતાના મહામૂલા પ્રાણ ન્યોછાવર કરનારની વીરતાની યશગાથા..

બાળપણ :-

અમદાવાદ શહેરના ડેપ્યુટી કલેકટર શ્રી હરજીવનભાઈ સોની અને કલાવતીબેન સોનીને ત્યાં ૧૩/૦૭/૧૯૬૨ના રોજ ત્રીજા પુત્ર તરીકે નિલેશ નો જન્મ થયો. તે વખતે ભારત ચીનનું યુદ્ધ ચાલતું હતું. માતા પિતા એ નિલેશને દેશના રક્ષણ માટે લશ્કરમાં સમર્પિત કરવાનું નક્કી કર્યું. નિલેશ બાળપણથી ખુબજ સાહસિક વિચારધારા ધરાવતો હતો અને ભણવામાં ખુબજ હોશિયાર હતો. તેમના માતા- પિતા ધારત તો તેને ઉચ્ચ અભ્યાસ કરી ડોકટર, ઇજનેર, સરકારી ઉચ્ચ પદાધિકારીઓ બનાવી શક્યા હોત. પણ તેમની ઈચ્છા દેશના રક્ષણ માટે નિલેશને સમર્પિત કરવાની હતી.

નિલેશના એક માસી સદરબઝાર કેમ્પ જે (અત્યારનો શાહીબાગ ) લશ્કરી છાવણી વિસ્તારમાં રહેતા હતા. વર્ષ હતું ૧૯૬૬ -૬૭. તે વખતે શાહીબાગ કેન્ટોનમેન્ટ  અમદાવાદનો વિસ્તાર અત્યાર જેટલો પ્રતિબંધિતના હતો. લાલ દરવાજા થી કેમ્પ સદર બઝારની બસ રૂટ નંબર ૧૦૦/૧૦૧ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં ફરતી ફરતી જતી. બસમાંથી શાહીબાગ કેન્ટોનમેન્ટમાં પરેડ કરતા જવાનો, તોપ, ટેન્ક વિગેરે જોઈ શકાતી. જેવી બસ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં પ્રવેશે બાળક નિલેશ બસની બારી પાસે બેસી પરેડ કરતા જવાનોને આતુરતાથી નિહાળતો અને મોટાભાઈને પૂછતો ભાઈ આ કોણ છે ? હાથમાં શું લઇ દોડમ દોડ કરે છે ? ભાઈ તેને સમજાવતા કે આ સૈનિકો છે. હાથમાં બંધુક છે. તેઓ પ્રજા અને દેશનું રક્ષણ કરશે અને અને દુશ્મનોનો મુકાબલો કેવી રીતે કરવો તેની પ્રેકટીશ કરી રહ્યા છે. નિલેશ તુરંત કહેતો મોટાભાઈ હું પણ મોટો થઇ સૈનિક બનીશ. આમ દેશભક્તિની વિચારશરણી તેનેનાનપણથી હતી. બાળપણમાં તે ખેલકૂદ, દોડવાની વિગેરે હરીફાઈમાં ભાગ લઇ પ્રથમ નંબર લાવતો.

સૈનિક સ્કૂલ, બાલાચડી, જામનગરનું જીવન :-

નીલેશ અમદાવાદની સી.એન.વિદ્યાલય ખાતે પાંચ ધોરણ સુધી અભ્યાસ કરીને લશ્કરમાં અધિકારી તરીકે ભરતી થાય તેવા ગુણો ખીલે તે માટે સૈનિક સ્કૂલ, બાલચડી, જામનગર ખાતે વર્ષ ૨૭ -૦૭ - ૧૯૭૨માં ધોરણ ૬થી દાખલ કરવામાં આવેલ. જામનગર ખાતે જયારે મોટાભાઈ તેને મુક્વા ગયા ત્યારે કોઈપણ સાંસારિક આવેશમાં આવ્યા વગર સ્કૂલમાં પોતાના કપડાં, જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે લઇ ભાઈથી છૂટો પડેલ અને કહે ભાઈ મારા જીવનનો ગોલ હવે શરૂ થાય છે. સૈનિક સ્કૂલમાં દાખલ થનારને એક રોલ નંબર આપવામાં આવે છેે જે તે વિદ્યાર્થીનો જીવન પર્યન્ત તે નંબરથી ઓળખાય છે નિલેશનો નંબર છે ૭૯૬. આ નંબર બીજા કોઈ વિદ્યાર્થીને  આપવામાં આવતો નથી. સ્કૂલ શરુ થઇ ત્યારથી નંબર ૧થી અત્યાર સુધી ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીનો એ સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. સૈનિક સ્કૂલમાં તે વખતનું સીબીએસસી નીલેશે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો. સ્કૂલમાં લશ્કરી અધિકારીની ભરતીના તમામ ગુણ ખીલે જેવા કે ભણતરમાં એકાગ્રત, દરેક ક્ષેત્રમાં અવલ્લ નંબર,ડિસિપ્લિને, ઘોડે સ્વારી, તરવાનું, ખેલકૂંદ વિગેરેમાં તેને મહારથી હાંસલ કરી હતી. નિલેશને નાટકમાં પણ ખુબજ રસ હતો અને સ્કૂલની દરેક અન્ય પ્રવૃત્તિમાં ભાગ લેતો.વર્ષ ૧૯૭૯ - ૮૦માં ૧૨ ધોરણની સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરી લશ્કરમાં અધિકારી તરીકે જોડાવવાની નેશનલ ડિફેન્સ અકાદમીની પરીક્ષા પાસ કરી ૦૨ /૦૪ /૧૯૮૦ના રોજ ઘરે પરત આવેલ.

નેશનલ ડીફેનસ એકેડમી ખીરકી, ખડકવાસલા પુના ખાતે લશ્કરી અધિકારીની તાલીમ અને તેની યાદો :-

તા : ૦૮ /૦૮/૧૯૮૦ના રોજ નિલેશ સોની નેશનલ ડેફેઅન્સ અકાદમી ખીરકી પુના ખાતે લશ્કરી અધિકારી તરીકે ટ્રેઇનિંગમાં હાજર થયેલ. મોટાભાઈ તે વખતે પુના રેલવે સ્ટેશનને મુકવા ગયેલ ત્યારે કોઈ પણ જાતના સાંસારિક સ્નેહ અને લાગણીમાં આવ્યા વગર હસ્તે મુખે લશ્કરની ટ્રેનિંગમાં ગયેલ. તેમની ત્રણ વર્ષની તાલીમ દરમ્યાન એકેડમીમાં સાયકલથી ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ભોજનાલય અને અન્ય જગ્યાએ જવા આવવાનું રહેતું હતું જે એક બીજાથી લગભગ ૩૦૦થી ૫૦૦ મીટરના અંતરે હતા. જેથી તંદુરતી સારી રહે અને શારીરિક ફિટનેસ જળવાય. જે લશ્કરના જવાનો માટે ખુબજ મહત્વનું છે. ટ્રેઇનિંગ દરમ્યાન દરેક કેડેટને દરેક ક્ષેત્રમાં કોઈ પણ આપત્તિ આવે તો કેવી  રીતેે તેને કન્ટ્રોલ કરવો તેનું જ્ઞાન અને માનસિક રીતે તૈયાર રહેવાની આપવાંમાં આવે છે. લશ્કરી અધિકારીને રાષ્ટ્રની સેવા પ્રથમ અને પરિવાર કે અન્ય સામાજિક પ્રસન્ગો  પછી તેવી રીતે જીવનની અતિ અગત્યની માનસિકતા કેળવવામાં આવે છે.

મોત  સામે કોઈ ભય રાખ્યા વગર દુશમનોનો સામનો કેવી રીત કરવો તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ બધી વાતો નિલેશ જયારે ટ્રેઇનિંગમાંથી રજા રમ્યાન ઘરે આવે તે વખતે પરિવારને વાતચીત દરમ્યાન કહેતો. ટ્રેનિંગના છેલ્લા વર્ષમાં તેમને એક આવી અતિ વિષમ એક્સસર સાઈઝની વાત કરી આપણું કાળઝુ કંપી ઉઠે. બપોરે નિલેશ અને તેના સાથીદારીઓને કહેવામાં આવ્યું આજે સાંજનું જમવાનું વહેલું પતાવવાનું છે. નિલેશને ટીમ લીડર તરીકે અને તેના સાથીઓને હાથ બત્તી,હોકા યંત્ર જે દિશા બતાવે,ટોપો શીટનો નકશો, પાણી અને અન્ય રાત્રી દરમ્યાન ઉપયોગી જરૂરી વસ્તુઓનું લિસ્ટ આપી મેળવી લેવા જણાવ્યું.

અંધારું થતા બધાને એક લશ્કરી ટ્રકમાં બેસાડી ખુબજ દૂર અજ્ઞાત સ્થળે જ્યાં ઘાઢ જગલ અને અંધારું હતું ત્યાં ઉતારવામાં આવ્યા. લોકેશન ટોપો શીટમાં આવવામાં આવ્યુ. પછી સૂચના આપવામાં આવી તેવો અત્યારે ક્યાં છે તે ટોપો શીટમાં લોકેશન બતાવી ટ્રક રવાના  થઇ અને કહેવામાં આવ્યું. હવે તમને આપેલ વસ્તુ ઓના સહાયથી આ જંગલમાંથી રસ્તો શોધીને સવાર સુધીમાં અકાદમીમાં પહોંચવાનું છે. આ તમારી સૌથી અગત્યની કસોટી છે તથા તમારા જીવનની મહત્વની અતિ કઠિન ટ્રેનિંગનો ભાગ છે. નિલેશ ટીમ લીડર તરીકે સમય પહેલા પોતાની આગવી બુદ્ધિ અને કૌષલ્યતાથી અકાદમીમાં બધાને હેમખેમ પહોંચાડી પોતાની આગવી પ્રતિભા પ્રસ્થાપિત કરી હતી. ટ્રેઇનિંગ દરમ્યાનનીલેશે તોપખાના રેજિમેન્ટ પસંદ કરેલ જેથી એક વર્ષની ઇન્ડિયન મિલેટરી અકાદમી દેહરાદૂન ખાતે વિવિધ તોપ ચલાવવાની ટ્રેઇનિંગ લીધેલ અને ૧૨ જૂન ૧૯૮૪ના રોજ ભારતીય લશ્કરની ૬૨, ફિલ્ડ રેજિમેન્ટમાં લશ્કરી અધિકારી તરીકે તેઓ જોડાયા હતા.  

તેમની બે વર્ષની નોકરીના અનુભવો અને ફરજની જગ્યાઓ :-   

લશ્કરમાં દરેક રેજિમેંટને ત્રણ વર્ષ યુદ્ધ ક્ષેત્ર અને બોર્ડર ઉપર તથા ત્રણ વર્ષ શાંત વિસ્તાર જેવાકે અમદાવાદ, દિલ્હી જેવા શહેરોમાંમાં ફરજ બજાવવાની હોય છે. આવો નિયમ હોય છે. યુદ્ધ હોય તો તમામ રેજિમેન્ટને યુદ્ધ ક્ષેત્રમાં ફરજ બજાવવાની હોય છે. નિલેશની રેજિમેન્ટને અલ્હાબાદમાં ત્રણ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી તેના હાજર થયા પછી આખીય રેજિમેંટ કારગિલ શિફ્ટ થઇ. કારગિલ, લેહ, લડાખના અતિ વિષમ અને દુર્ગમ પર્વતિય વિસ્તારમાં તેમણે ફરજ બજાવી. નિલેશ જ્યારે રજા દરમ્યાન ઘરે આવતો ત્યારે તેની નોકરીની અતિ વિષમ ફરજ વિશેની અને બોર્ડર ઉપર ઘણી વાર દુશમનો સામે થતા ફાયરિંગની દિલધડક વાતો કરતો. આમ તે હંમેશા કહેતો કે પ્રજા નિર્ભય રીતે જીવન જીવી શકે તે માટે ભારતીય લશ્કરના જવાનો બોર્ડર ઉપર જીવનાં જોખમે પણ ફરજ બજાવે છે. પોતાના પરિવારથી દૂર. જુલાઈ ૧૯૮૬માં તેને વિશ્વના સૌથી ઉચ્ચતમ પર્વતીય યુદ્ધ ક્ષેત્ર “”સિયાચીન ગ્લેસિયર “”માં ફરજ બજાવવાના હુકમ મળેલ. આ દરમ્યાન તેને કેપ્ટનનું પ્રમોશન પણ મળેલ.  સિયાચીનમાં નિમણુંકના હુકમો મળે એટલે દરેક સૈનિકને ખબર હોય છે કે સિયાચીનની અતિ કુદરતી વિષમ પરિસ્થિતિ અને યુદ્ધની ભયંકરતા જોતા જીવતા પરત અવાય પણ ખરું અનેના પણ અવાય. લશ્કર પણ સિયાચીન જતા પહેલા દરેક સૈનિકને મહિનાંની રજા આપે છે. જેથી તેમના પરિવાર સાથે તેઓ આનંદથી રહી શકે.

કેપ્ટન નિલેશ પણ સિયાચીન જતા પહેલા અમદાવાદ એક મહિનો આવેલ. લશ્કરનો હુકમ હતો સિયાચીન યુદ્ધ ક્ષેત્રમાં ફરજ બજાવવા જઈ રહયા હોય તે માહિતી ગોપનીય રાખવી. પરિવારને પણ જણાવવી નહિ. નીલેશે પણ પરિવારને જતી વખતે કહ્યું કે "હું હવે એક અગત્યના ખુબજ ખાનગી મિશન ઉપર જાઉં છું. મારા પત્રો મોડા આવે તો ચિંતા કરતા નહિ. લગભગ ત્રણ મહિના  પછી આવીશ ". તે વખતે આવી અત્યારની આધુનિક સંચાર પ્રણાલી જેવા કે મોબાલઇલ ફોન વિગેરેના હતા. ફક્ત પત્રો દ્વારાજ સંદેશાની આપ - લે થતી હતી.નિલેશના લખેલા પત્રો સૈનિક સ્કૂલથી સિયાચીન યુદ્ધ ક્ષેત્ર સુધીનાં તમામ પત્રો એમનાં પરિવારે સાચવીને રાખ્યા છે. જયારે સ્ટેશન ઉપર વિદાય આપવા બધા ગયેલ ત્યારે પરિવારને ખબરના હતી કે પ્રભુ એ નિલેશની પરિવાર સાથે જીવતા મળવાની આ અંતિમ ક્ષણ છે.

વર્ષ ૧૯૮૪થી ૨૦૦૪ સુધી સિયાચીન એકટીવ યુદ્ધ ક્ષેત્ર હતું. દુશ્મનો દેખાય એટલે તરતજ તેમનાં જીવનનો ખેલ ખત્તમ કરી નાખવામાં આવતો. વર્ષ ૨૦૦૪થી ત્યાં સીઝ ફાયરિંગ છે ના તો પાકિસ્તાને કે ભારતે ત્યારથી ગોળીબાર કરેલ નથી. કેપ્ટન નિલેશને સિયાચીનની અતિ સંવેદનશીલ ૧૯૦૦૦ ફીટની ઊંચાઈ પર આવેલ “ચંદન પોસ્ટ” ઉપર પોસ્ટિંગ મળેલ. તે વખતે સિયાચીનમાં અત્યાર જેવી અતિ આધુનિક સગવડોના હતી. બંકરમાં રહેવાનું, થીજી ગયેલ ફૂડ જમવાનું વગરે. શિયાળો હોવાથી સિયાચીનનું તાપમાન -૬૦થી -૭૦ ડિગ્રી હોય છે. પ્રજા એ કોઈ દિવસ નથી વિચાર્યું કે આપણાં સૈનિકો આવા વિષમ તાપમાનમાં રહી દુશ્મનો સામે લડે છે.

૧૧ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ દરરોજની માફક કેપ્ટન નિલેશ સોની તેમની રાત્રી ફરજ ઉપરના સૈનિકોને જરૂરી સૂચના આપી પોતે સુવા ગયા તેમને ખબરના હતી તેમની આ રાત્રી જીવનની અંતિમ રાત છે. વહેલી સવારે રાત્રી ફરજ પરના સૈનિકોએ દૂર દુશ્મનોની હિલચાલ જોઈ. તુરતજ કેપ્ટન નિલેશને ઉઠાડી પરિસ્થિતિની જાણ કરવામાં આવી. તેમણે બધા સૈનિકોને સાબદા કર્યા  અને બેઇઝ કેમ્પમાં દુશ્મનો હુમલો કરવાની તૈયારી કરે છે તેવી જાણ કરવામાં આવી. કેપ્ટન નિલેશ દ્વારા યુદ્ધનો મોરચો સંભાળી લેવામાં આવ્યો. બંને બાજુથી ભીષણ તોપમારો અને ફાયરિંગ શરૂ થયું. દુશ્મનોની સંખ્યા વધારે હતી. કેપ્ટન નિલેશ સોની અને તેમના સાથીદારો "કરેંગે યા મરેંગે"ના ઝનુનથી "ભારત માતા કી જય"નાનારાથી દુશ્મનો સામે મોત બની તૂટી પડ્યા. દુશ્મનોનોનો જોરદાર મુકાબલો કરી તેમને આપણા વિસ્તારમાંથી દૂર ભગાડી દીધા.

દુશ્મનોને આપણા સરહદી વિસ્તારની બહાર હાંકી દેવામાં આવ્યા. પરુંતુ દુશ્મનો દ્વારા કરવામાં આવેલ ફાયરિંગના અમુક તોપના સેલ ગોળાથી જ્યાંથી કેપ્ટન નિલેશ સોની અને તેમના સાથીદારો લડી રહ્યા હતા તેની પાછળ આવેલ અતિ ઊંચા બરફના પહાડ પર પડતા  હજારો ટન બંધ બરફ તેમની ઉપર ધસી પડ્યો અને ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ કેપ્ટન નિલેશ સોની એ દેશ અને પ્રજાના રક્ષણ માટે ૨૫ વર્ષની વયે શહાદત વહોરી આપણી વચ્ચેથી અંતિમ વિદાય લીધી. કેપ્ટન નિલેશ સોની  સિયાચીન યુદ્ધ ક્ષેત્રમાં શહાદત વહોરનાર એક માત્ર ગુજરાતી લશ્કરી છે.

શહાદતના સમાચાર પરિવારને તથા પાર્થિવ દેહ અમદાવાદ નિવાસ્થાને આપવાની લશ્કરને વિનંતી :-

નિલેશના શહાદતના એક અઠવાડિયા પહેલા નિલેશનો તેમના માતા - પિતાને લખેલો  પત્ર પ્રાપ્ત થયેલ. તેમાં લખેલ હું ટૂંક સમયમાં રજા ઉપરથી ઘરે આવું છું. મારુ અગત્યનું મિશન ટૂંક સમયમાં પૂરું થશે. પરંતુ વિધિનું નિર્માણ કૈંક અલગ હતું. ૧૨ ફેબ્રુઆરીના રાત્રે ૧૨ કલાકે કેપ્ટન નિલેશના નિવાસ્થાને લશ્કરી અધિકારીની એક જીપ આવી અને બારણું ખટખટયું. તેમના પિતાશ્રી એ બારણું ખોલતા લશ્કરના અધિકારીઓ અદબ સાથે ઉભા હતા. પિતાશ્રી એ કહ્યું નિલેશ આવ્યો લાગે છે. પરતું લશ્કરી અધિકારીઓ નત મસ્તકે ટોપી હાથમાં લઇ સુનમુન સ્થિતપ્રજ્ઞ ઉભેલા જોઈ નિલેશના પિતાશ્રીને ખ્યાલ આવી ગયો કૈંક અજુગતું બન્યું  છે. લશ્કરના અધિકારીઓ દ્વારા નિલેશની શહાદતના સમાચાર તેમના પિતાશ્રીને ખુબજ ભગ્ન હૃદયે લશ્કરના અધિકારીએ આપ્યા. તેઓ પણ એક માનવી છે. નિલેશના માતુશ્રી કલાવતીબેન આવ્યા. તેમના પતિને કહ્યું, "મેં નહોતું કીધું નિલેશ ચોક્કસ આવશે, જાવ હાથમાંથી બેગ લઈ લો. કોઈની હલચલના જોતાં માતુશ્રી એ કહ્યું કેમ કોઈ બોલતું નથી ? ત્યારે પિતાજીએ કહ્યું કે નિલેશ હવે આપણી વચ્ચે નથી રહ્યો.તેણે દેશ અને પ્રજાનાં રક્ષણ માટે વીરગતિ પ્રાપ્ત કરેલ છે.ત્યાર પછીનું એ હૈયાફાટ ફાટ રુદન કોઈ પણ રીતે વર્ણવી શકાય તેમ નથી. આતો જેના ઉપર વીતે તેમનેજ ખબર પડે.

વર્ષ ૧૯૯૯ કારગિલ યુદ્ધ સમયે ભારતના તે વખતના પ્રધાન મંત્રી શ્રી અટલબિહારી બાજપાઈ એ ખુબજ મહત્વનો નિર્ણય લઇ દેશ માટે શહાદત વહોરનાર  જવાનોનો પાર્થિવદેહને તેમના વતન તેમના પરિવારને સંપૂર્ણ લશકરી સન્માન સાથે અર્પણ કરવા લશ્કરને જણાવેલ. નિલેશે વર્ષ ૧૯૮૭માં શહાદત વ્હોરી હતી. લશ્કરના અધિકારી ઓ એ નિલેશના માતા પિતાને તેમના પુત્રની શહાદતની રણભૂમિ સિયાચીનના બેઝ કેમ્પ ખાતે તમે કે પરિવારના ત્રણ ચાર સભ્યોને આવવા કહ્યું અને ત્યાં અંતિમ વિધિ કરવા જણાવ્યું. કારણકે તે વખતે શહીદનો મૃતદેહ પરિવારને આપવાનો નિયમના હતો. જે ૧૯૯૯થી અમલમાં આવ્યો. જે બાબત અગાઉ લખેલ છે. માતાપિતાનું દિલ માનતુંના હતું. કોને હવે ત્યાં સિયાચીન બેઇઝ કેમ્પ ઉપર નિલેશની અંતિમ વિધિ માટે મોકલવા ? કારણકે એક પુત્ર તો ખોયો અન્યના જીવ જોખમમાં મુકવા નથી. પિતાશ્રી હરજીવનભાઈ એ લશ્કરને પત્ર દ્વારા પોતના સ્વખર્ચે તેમના પુત્રનો મૃત્યુ દેહ તેમના વતન અમદાવાદ આપવા વિનંતી  કરી. લશ્કરના ઉચ્ચ અધિકારી ઓ દ્વારા ખાસ કિસ્સા તરીકે માતા પિતાની વૃદ્ધ ઉમ્મર ને ધ્યાને લઇ શહીદ કેપ્ટન નિલેશનો પાર્થિવ દેહ લશ્કરના ખર્ચે અર્પણ કરવાનો નિર્ણય લીધો. કેપ્ટન નિલેશે જ્યાં વીર ગતિ પ્રાપ્ત કરેલ ત્યાં હજુય યુદ્ધ ચાલતું હોવાથી ૧૪ દિવસ પછી સિયાચીનથી અમદાવાદ ત્રિરંગામાં લપેટી નિલેશનો પાર્થિવ દેહ તેમના પરિવારને અર્પણ કરાયો અને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવેલ.

કેપ્ટન નિલેશને શહાદત પછી મળેલ માન સંમ્માન :-

તે વખતના ભારતીય લશ્કરના લશ્કરના વડા,નોર્ધન કંમાન્ડના કંમાન્ડીંગ ઈન ચીફ, વિવિધ રેજિમેન્ટ જ્યાં નિલેશ ફરજ બજાવેલ તેમના કંમાન્ડીંગ ઓફિસર, પ્રિન્સિપાલ સૈનિક સ્કૂલ બાલાચડી વીગેરે.... એ કેપ્ટન નિલેશ સોની એ દેશ માટે બહાદુરીથી લડતા વીર ગતિ માટેના શોક સંદેશ મોકલાવેલ. ભારતીય લશ્કર દ્વારા “હાય અલ્ટટીટૂડ મેડલ “તથા “સિયાચેન ગ્લેસિયર મેડલ” આપવામાં આવેલ.

અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગને અન્ય વિભૂતિઓના નામ સાથે નામકરણ કરી તેમની કાયમી યાદ ગિરી ઉભી કરવાની પ્રણાલી અખત્યાર કરેલ  પરંતુ કોઈ શહીદ લશ્કરી વીર ગતિ પ્રાપ્ત સૈનિકનુંનામ કોઈ પણ જાહેર માર્ગનુંનામ કારણ કરેલ નહિ. અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વાર એક જાહેર માર્ગનું નામાભિમાન વર્ષ ૧૯૮૯માં વીર ગતિ પ્રાપ્ત લશ્કરી અધિકારી “શહીદ કેપ્ટન નિલેશ સોની માર્ગ “ અમદાવાદના લશ્કરી અધિકારી બ્રિગેડિયર શક્તિસિંહજી દ્વારા આપી શહીદ કેપ્ટન નિલેશ સોનીને અભૂત પૂર્વક પુષ્પપાંજલિ અર્પણ કરેલ.

અંજલિ - ચંદ્રનગર બીઆરટીએસ રોડ ક્લીયર વિઝન હોસ્પિટલ પાસે શહીદ કેપ્ટન નિલેશના શહીદ સ્મારક માટે અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વાર જમીન ફાળવેલ જ્યાં તેમના પરિવાર દ્વારા સ્વખર્ચે એક ભવ્ય શહીદ સ્મારક વર્ષ ૨૦૦૯માં બનાવવામાં આવેલ જેનું ઉદ્ધઘાટન જિલ્લા સૈનિક અધિકારી મેજર ગઢવીના હસ્તે કરવામાં આવેલ.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી ઓમાં દેશ ભાવના ઉજાગર થાય તે માટે શહીદ કેપ્ટન નિલેશ સોનીના રહેણાંક પાસે પ્રભુદાસ ઠક્કર કૉલેજ રોડ પાસે આવેલ મ્યુન્સીપાલ સ્કૂલ નંબર - ૨૮નું નામકરણ “શહીદ કેપ્ટન નિલેશ સોની પ્રાથમિક શાળા" ઓગસ્ટ ૨૦૨૧ના રોજ કરવામાં આવેલ.

પરિવાર દ્વારા નિલેશની યાદમાં ગરીબ પરિવારો એ દર ત્રણ મહિને રસોડા કીટનું વિતરણ:-

નિલેશ જયારે જયારે રજાઓમાં અમદાવાદ આવે ત્યારે તેમના પરિવાર અને ઓળખીતા જરૂરિયાતને અનાજ , શિક્ષણિક બાબતોમાં મદદ કરતો. અત્યારે તેમના પરિવાર દ્વારા,દાતાઓના સહયોગથી દર ત્રણ મહિને ૧૦૫ જરૂરિયાત મંદ પરિવારોને રસોડાની જીવન જરૂરી વસ્તુઓ જેવીકે લોટ, તેલ,ખાંડ,દાળ વિગેરેનું વિતરણ કરવામાં આવે છે આમ આ પરિવાર દેશ તથા પ્રજાની સેવા કરવામાં અમૂલ્ય કાર્ય કરી રહ્યું છે.

 શહીદ કેપ્ટન નિલેશ સોનીના ૫૯માં જન્મ દિવસે લશ્કરના ત્રણેય પાંખના વડા જનરલ બિપિન રાવતના પ્રયત્નથી સિયાચીન રણભૂમિ જ્યાં નિલેશે શહાદત વ્હોરી હતી તે યુદ્ધભૂમિની પવિત્ર માટી અને તોપની ખાલી કાર્ટરીઝ અર્પણ કરાઈ :-

મોટાભાઈ દ્વારા એક પત્ર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને ના રોજ લખવામાં આવેલ જેમાં વિનંતી કરેલ કે શહીદ કેપ્ટન નિલેશ સોની ના ૫૯માં જન્મ દિવસ ૧૩ જુલાઈ ૨૦૨૧ના રોજ સિયાચીન યુદ્ધભૂમિની “ચંદન પોસ્ટ “જ્યાંનીલેશે ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ શહાદત વહોરી હતી તેની પવિત્ર માટી અને નિલેશ તોપ ખાના રેજિમેન્ટમાં હતો તેની તોપ ની ખાલી કાર્ટીઝ તેની યાદમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે આપવામાં આવે. જનરલ બીપીન રાવતના અતિ વ્યસ્ત કાર્યમાં પણ પત્ર મળતા સબંધિત અધિકારીને ૧૩ જુલાઈ ૨૦૨૧નારોજ “ચંદન પોસ્ટ “ની પવિત્ર માટી અને “તોપની ખાલી કાર્ટરીઝ “લશ્કરી સન્માન સાથે અર્પણ કરવા સૂચના આપી. ૧૩ જુલાઈ ૨૦૨૧ના રોજ શહીદ કેપ્ટન નિલેશ સોનીની ૬૨, ફિલ્ડ રેજિમેન્ટના લશ્કરી અધિકારી દ્વારા સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમના નિવાસ્થાને સ્વજનો અને દેશ ભક્તોની હાજરીમાં ચંદન પોસ્ટની પવિત્ર માટી તોપની ખાલી કાર્ટીઝ પરિવારને અર્પણ કરવામાં આવી અને કવિ પ્રદીપની એ કવિતાના શબ્દો  इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की..वंदे मातरम...  સાર્થક થઇ.

 વીરતા પરમો ધર્મ :-

સૌથી મોટું દાન કે ધર્મ કયો કોઈ એ વિચાર્યું છે.લગભગ ૮૦ ટકા પ્રજાને આ બાબતે ખ્યાલ નથી. "પ્રાણ દાન ”.દેશ પ્રજાના રક્ષણ માટે દુશમનો સામે લડતા લડતા પોતાના મહામુલા પ્રાણ ન્યોછાવર કરી શહાદત વીર ગતિ પ્રાપ્ત કરવી તે સૌથી મોટું સૌથી મોટું દાન- ધર્મ છે.પ્રજા અને દેશ માટે નું સમર્પણ છે જે બધાના ભાગ્યમાં લખાયું હોતું નથી અને માનવી માટે ખુબજ અઘરું અને અડગ મનોબળ ધરાવતાનું આ સમર્પણ છે.

પ્રજા અને દેશ સુરક્ષિત રહે અને પ્રજા નિર્ભય રીતે પોતાનું જીવન સામાજિક અને ધાર્મિક પ્રસંગોનો આનંદ લઇ શકે છે. કારણકે દેશના સીમાડા ઉપર લશ્કરના સૈનિકો પોતાના પરિવારથી દૂર અતિ વિષમ પરિસ્થિતિ જેવી કે રાજસ્થાન કે કચ્છના અતિ ધોમ ધખતા ૫૦થી ૫૨ ડિગ્રી તાપમાન કે સિયાચીન યુદ્ધ ક્ષેત્રની -૬૦થી ૭૦ ડિગ્રી તાપમાનમાં ખડે પગે ફરજ બજાવી રહ્યા છે અને વખત આવે તો પોતાના મહામુલા પ્રાણ પોતાના પરિવારની વિચાર કર્યા વગર ન્યોછાવર કરે છે. 

 શહીદ પરિવારની આત્મ વ્યથા :-

ભારતીય પ્રજા જેટલું માન - સન્માન રાજકીયનેતાઓ, ધાર્મિક વડાઓ, સંતો, ફિલ્મ -ક્રિકેટના હીરોને આપે છે તેની સરખામણીમાં,પ્રજા નિર્ભય રીતે પોતાનું જીવન સામાજિક -ધાર્મિક પ્રસંગો માણી શકે તે માટે પોતાના મહામુલા પ્રાણ  ન્યોછાવર કરનાર લશ્કરના વીર શહીદોને આપવમાં ખુબજ પાછળ છે. કડવી સત્ય હકીકત સ્વીકારવી રહી. સૌથી મોટું દાન પ્રાણ દાન છે. બાકી પોતાને દાનવીર કહેનારા તેમની પાસે છે તેમાંથી થોડું દ્રવ્ય, અનાજ, કપડાં કે અન્ય વસ્તુઓ દાન તરીકે આપે છે પણ જીવન આખુંય ન્યોછાવર કરવા માટે કાળજું કે કલેજું કઠણ જોઈએ. જેવા તેવાનું કામ નહિ.દુઃખ એ વાતનું છે રાજકીયનેતાઓ, ધાર્મિક વડાઓ, સંતો, ફિલ્મ ક્રિકેટના જન્મ દિવસ અને ધાર્મિક સ્થાનોની રજેરજ માહિતી પ્રજા પાસે હોય છે જયારે તેમના વિસ્તાર કે શહેરના વીર શહીદો કોણ છે,કે તેમનાનામ કે વીરતા વિષેની માહિતી, તેમના શહાદત દિવસ જનતા ખબર નથી.પ્રજા જેમ સારા પ્રસંગોએ રાજકીયનેતાઓ, ધાર્મિક વડાઓ, સંતો, ફિલ્મ -ક્રિકેટના હીરોને યાદ કરે છે તેમ તેમના વિસ્તાર કે શહેર કે આજુબાજુમાં રહેતા વીર શહીદોની વીરતાને યાદ કરવા જોઈએ.

પૂજ્ય સ્વામી સચ્ચનાદજી એ "વીરતા પરમો ધર્મ "નામે એક પુસ્તક વર્ષ ૨૦૧૯માં પ્રકાશિત કર્યું. આ પુસ્તકના અમુક મહત્વના અંશો અહીં લખવાનુંનું મન થયું.

"બધા વીર પુરુષોની બહાદુરીનો વધુમાં વધુ પ્રચાર થવો જોઈએ જેથી નવી પેઢીને બહાદુર થવાની પ્રેરણા મળે. લોકો પોતાના બાળકોને સેના તરફ વાળે તોજ દેશ સુરક્ષિત રહી શકે. દુર્ભાગ્ય વશ સાધુ દીક્ષા તરફ ઘણા યુવાનો વળી જતા દેખાય છે કારણકે તેમને તેવી પ્રેરણા આપવામાં આવે છે પણ સેના તરફ વાળવાની પ્રેરણા બહુ ઓછી જોવા મળે છે. આ પુસ્તક કદાચ તેવી પ્રેરણા આપવામાં નિમિત્ત બનશે તો મને ઘણો આનંદ થશે અને હું કૃતાર્થ થઈશ.

આ પુસ્તકનો હેતુ પરલોક પ્રાપ્તિ કરવાનો નથી, પણ આ લોકને સફળ બનાવવાનો છે. આપણો આ સમાજ સફળ, સુરક્ષિત અને સંસ્કારી બને તે માટેના પ્રયત્નો છે. 

પ્રભુની સાથે વીર દર્શન પણ થાય તે માટે તેમણે સામાન્ય રીતે મંદિરોમાં થાંભલા ઉપર મુકતા અપ્સરા  કે અન્ય કોતરણીના કલા કારીગરીની જગ્યાએ તેમના વિસ્તાર કે શહેર કે આજુબાજુમાં રહેતા વીર શહીદો તથા પરમવીર ચક્ર પ્રાપ્ત બહાદુર વીર સૈનિકોના સ્ટેચ્યુ મૂકીને નવો ચીલો અમારા ઊંઝા આશ્રમમાં મુકવાની યોજના છે જેથી પ્રજાને ”પ્રભુ દર્શન" સાથે “વીર દર્શન”નો લાભ પણ મળે અને તે તેમના સાચા રક્ષકની વીરતાને ઓળખી શકે ". 

છેલ્લે જય હિન્દ સાથે :-

ओ झुक कर सलाम करे उनको, 

जिनके हिस्से में ये मुकाम आता है,

 खुशनसीब होता है वो खून 

जो देश के काम आता है…..!! 

 દીપિકા ચાવડા "તાપસી "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy